(૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને નાના-મોટા સંપ્રદાયોની સ્થાપનામાં સમર્થ હતા. આ સોળ દિક્પાલોમાંના એક હતા સ્વામી અદ્ભુતાનંદ.
તેમનું બાલ્યકાળનું નામ હતું રખતૂરામ. તેઓ રામકૃષ્ણ સંઘમાં વિશેષપણે લાટુ મહારાજના નામે જાણીતા છે. તેઓ શ્રીરામકૃષ્ણના સેવક, શિષ્ય તથા અંતરંગ પાર્ષદ હતા. નાટ્યસમ્રાટ ગિરીશબાબુ તેમને ‘બેદાગ સાધુ’ કહેતા. તેમની બાલ્યગાથા સાવ અજ્ઞાત છે. તેમના જીવનનાં અનેક તથ્યોથી આપણે અનભિજ્ઞ છીએ. તેઓ સાવ નિરક્ષર હતા, છતાં તેમનો જ્ઞાનોપદેશ અતિ ઉચ્ચ હતો.
ઠાકુર (શ્રીરામકૃષ્ણ)ને કાશીપુર ઉદ્યાનભવનમાં તેમની અન્ત્યલીલાના અંતિમચરણમાં કેન્સરના વ્યાધિમાં સ્વાસ્થ્ય-સુધાર અર્થે લાવવામાં આવ્યા હતા. ઠાકુરના પથ્ય ઇત્યાદિની વ્યવસ્થા થઈ ગઈ હતી. પરંતુ મળમૂત્ર ત્યાગ અંગેની ત્યાં બાજુમાં કોઈ વ્યવસ્થા ન હતી. સૌ કોઈ દ્વિધાગ્રસ્ત હતા. ઠાકુરે કહ્યું કે આ કામ કોણ કરશે? સેવક લાટુએ તત્ક્ષણ કહ્યું, ‘હુકમ થતાં જ સાફ કરીશ; હું તો તમારો મહેતર છું જ.’ તે દિવસથી તેમણે આ સેવાકાર્ય સંભાળી લીધું. એક ભક્તે લાટુ મહારાજને પછીથી પૂછ્યું હતું કે કાશીપુરમાં તમે લોકો દિવસભર ઠાકુરની સેવામાં વ્યસ્ત રહેતા હતા, તો પછી ઉપાસના કરતા ન હતા?
થોડા નારાજ થઈને લાટુ મહારાજે જવાબ આપ્યો, “અરે, તેમની સેવા જ તો અમારી ઉપાસના છે! અમારા માટે વળી શું બીજી કોઈ ઉપાસના હોય ખરી? તમે લોકો વિચારો છો કે ઉપાસના એક અલગ જ કોઈ વસ્તુ છે; આમ બેસવું પડે, આવી રીતે શ્વાસ લેવો-મૂકવો પડે, અમુક દિશામાં મુખ રાખવાનું, આટલા મંત્રોનું ઉચ્ચારણ કરવું પડે; પરંતુ સાચી ઉપાસના આ બધામાં નથી. તેમની સેવા જ સાચી ઉપાસના છે.
ઠાકુર કહેતા, ‘ઉપાસના કરતી વખતે ચિંતન કરવું જોઈએ કે જાણે તેઓ (ઇષ્ટ) સમક્ષ વિરાજમાન છે. તમે તેમનું ચરણ પક્ષાલન કરી રહ્યા છો, તમે તેમને સ્નાનાદિક કરાવી રહ્યા છો, તમે તેમને ભોજન કરાવી રહ્યા છો, તમે તેમને હૃદય-આસન પર વિરાજિત કરી રહ્યા છો, તમે તેમને શૃંગાર કરી રહ્યા છો, તથા તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી રહ્યા છો.’ અમારા લોકોનું ત્યાં આવું જ થતું હતું.”
એક વખત એક ભક્તે લાટુ મહારાજને પૂછ્યું, ‘ઠાકુર-સ્વામીજી શું બધાંના આદર્શ હોઈ શકે છે?’
લાટુ મહારાજે સસ્મિત ઉત્તર આપ્યો હતો કે હા, તેઓ બધાંના આદર્શ છે. બધા મત તથા બધા પથના આદર્શ છે. તેઓ શાક્તના આદર્શ છે, કારણ કે તંત્રશાસ્ત્રોમાં જે કંઈ લખ્યું છે, તેમણે આ બધાની સાધના કરીને સિદ્ધિલાભ કર્યો હતો.
તેઓ વૈષ્ણવોના આદર્શ છે, કારણ કે તેમના જેવી હરિભક્તિ બીજે ક્યાંય જોવા મળતી નથી. તેમણે હરિનાં દર્શન પણ કર્યાં હતાં. તેઓ શૈવના આદર્શ છે, કેમ કે તેમણે શિવનો સાક્ષાત્કાર કર્યો હતો. તેઓ રામભક્તના આદર્શ છે, કેમ કે તેમને સીતારામનાં દર્શન થયાં હતાં. તેઓ વેદાંતી સાધકના આદર્શ છે, કારણ કે તેમણે ત્રણ જ દિવસમાં વેદાંત-સાધનાના ચરમ ફળ એવી નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરી હતી. વળી તેઓ ખ્રિસ્તી અને મુસલમાનના પણ આદર્શ છે, કારણ કે તેમને ઈશુ ખ્રિસ્ત તથા મહંમદનાં પણ દર્શન થયાં હતાં. તેઓ સૌ કોઈના આદર્શ છે, કારણ કે બધા મતોની સાધનામાં તેમને સિદ્ધિલાભ પ્રાપ્ત થયો હતો.
શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યા વિના અને એમને પ્રણમ્યા વિના લાટુ કદી દિવસનો આરંભ કરતા ન હતા. એક સવારે કોઈ કારણસર એમણે ઠાકુરને જોયા નહીં એટલે એ બૂમો પાડવા લાગ્યાઃ ‘આપ ક્યાં છો?’ ‘ખમ એક મિનિટ, હું આવું છું’, ઠાકુરે જવાબ આપ્યો.
એ ત્યાં આવ્યા નહીં ત્યાં સુધી લાટુએ આંખો પરથી હાથ ખસેડ્યા નહીં. પછી હાથ ખસેડીને એ ઠાકુરને પાયે પડ્યા. બીજી એક સવારે તરત ઠાકુર નજરે નહીં પડતાં લાટુએ ફરી બૂમ મારી એમને ઓરડામાં આવવા કહ્યું. પણ આ વખતે, ઠાકુરે લાટુને બહાર આવવા કહ્યું. લાટુ પશ્ચિમની પરસાળમાં ગયા અને એમણે ઠાકુરને ફૂલવાડીમાં જોયા. લાટુએ પૂછ્યુંઃ ‘મહાશય, આપ શું કરો છો?’ ‘ગઈકાલે એક ભક્ત તારે માટે પગરખાંની જોડી લાવ્યો હતો અને એમાંથી એક જ રહ્યું છે. બીજાને કોઈ શિયાળ તાણી ગયું હોય એમ જણાય છે એટલે હું એ શોધું છું’, ઠાકુર બોલ્યા.
આર્જવભર્યા અવાજે લાટુ બોલ્યાઃ ‘મહાશય, અહીં આવવા કૃપા કરો. પગરખાંની શોધ પડતી મૂકો.’ ‘પણ તું પગરખાંની આ નવી જોડ પહેરી નહીં શકે તો મને દુઃખ થશે’, ઠાકુર બોલ્યા, ‘કારણ કે હજી ગઈકાલે જ તો એ ભક્તે આપી છે.’
આતુરતાપૂર્વક લાટુએ કહ્યુંઃ ‘મહાશય, કૃપા કરી એ શોધ બંધ કરો. આપ મારાં પગરખાંની શોધમાં રોકાયેલા રહેશો તો મારો આખો દિવસ વ્યર્થ જશે.’ (શિષ્યે ગુરુસેવા કરવાની હોય છે. એથી ઊલટું માત્ર અસામાન્ય નથી પણ શિષ્ય માટે અમંગલકારી મનાય છે.) ‘તું જાણે છે કે ક્યો દિવસ વૃથા જશે? જે દિવસ ભગવાનનું નામ લેવાયું નહીં હોય તે દિવસ વૃથા જશે.’
પોતાના ગુરુની સેવા કરવા લાટુ હંમેશ તત્પર હતા. પોતાના ઓરડામાં ચૈતન્યનું ચિત્ર હોય એવી ઇચ્છા વ્યક્ત કરતાં એમણે એક દિવસ ઠાકુરને સાંભળ્યા. બીજે જ દિવસે એ ચિત્ર માટે એ રામચંદ્રને ઘેર કોલકાતા ગયા.
એ ચિત્રને ઠાકુરે પોતાના ઓરડામાં જોયું ત્યારે ઠાકુરે એમને પૂછ્યુંઃ ‘આ ચિત્ર માટે તેં રામને પૂછ્યું હતું? તેં મારે નામે એ માગ્યું હતું?’ ‘ના,’ લાટુ બોલ્યા – ‘મેં આપનું નામ લીધું ન હતું. મેં તો માત્ર ચૈતન્યનું ચિત્ર માગ્યું હતું.’ ‘વાહ, સરસ,’ ઠાકુરે કહ્યુંઃ ‘પછી એમણે શું કહ્યું?’ ‘એમણે મને આ (રામચંદ્રનાં પત્ની) પાસે જઈ માગવા કહ્યું.’ ‘સરસ’, ઠાકુર બોલ્યા, ‘મારે નામે તારે કશું જ કદી માગવું નહીં.’
Your Content Goes Here




