૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા’નો મંગલ પ્રારંભ થયો.

આ ઐતિહાસિક બંગલામાં સ્વામી વિવેકાનંદ તત્કાલીન વડોદરા રાજ્યના દિવાન રાવ બહાદુર શ્રી મણિલાલ જશભાઈના અતિથિ બનીને એ ભૂમિને પોતાની ચરણ રજથી પાવન બનાવી હતી. આ બંગલો ૧૮-એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સમર્પિત કર્યો હતો. આ પ્રસંગે વડોદરાના સુખ્યાત નાગરિકો અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત હતા. આ બંગલાને હવે રામકૃષ્ણ મઠ મિશનના કેન્દ્ર રૂપે ‘રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ’ એવું શુભ નામ મળ્યું છે.

આ સમર્પણ-વિધિના પ્રાતઃકાળથી શરૂ થયેલા મહોત્સવનો મંગલ પ્રારંભ મંગલા આરતીથી થયો હતો. ત્યારપછી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની નિશ્રામાં તેમજ રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રે. સ્વામી શિવમયાનંદજી મહારાજ તેમજ સ્વામી આદિભવાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિશેષ પૂજા, ભજન, હવન વગેરેનું આયોજન થયું હતું. આ પ્રસંગે સમસ્ત ગુજરાતના સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સમસ્ત ગુજરાતના ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. બધા ભક્તોએ બપોરે પ્રસાદ લીધો હતો.

સાંજના ૬-૩૦ વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામી વિવેકાનંદની વિશાળ કદની ૩૬ તસ્વીરોના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. દરેક તસ્વીર નીચે ગુજરાતી અને અંગ્રેજીમાં એ તસ્વીરનો ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે. આ મંગલ ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી મહારાજ, અન્ય સંન્યાસીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિમાં થયો હતો. દિલારામ બંગલાના સમર્પણવિધિનો કાર્યક્રમ ગાંધીનગર સભાગૃહમાં ૬-૫૦ કલાકે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સૌ પ્રથમ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે આજનો દિવસ વડોદરાવાસીઓ માટે પ્રભુની વિપુલ અમીકૃપાવૃષ્ટિનો દિન છે. અને ત્રણ ગણો ધન્ય દિવસ છે, કારણ કે આજે રામનવમી છે. આજે દિલારામ બંગલાનો સમર્પણવિધિ છે અને આજે જ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને મિશનના ચોથા કેન્દ્રનો પ્રારંભ થાય છે. સ્વામી વિવેકાનંદ ‘માનવમાં રહેલી દિવ્યતાની સેવા એ જ પ્રભુપૂજા’ના આદર્શને અનુસરીને આ કેન્દ્ર દ્વારા થનારી આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક અને અન્ય સર્વકલ્યાણની પ્રવૃત્તિઓમાં વડોદરાવાસીઓનો સાર્વત્રિક સહકાર સદૈવ સાંપડતો રહેશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની અવિરત સત્‌પ્રેરણા અને આશીર્વાદથી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, ગુજરાત સરકારના સરકારી અધિકારીઓ તેમજ શુભેચ્છકો અને ભક્તોના પ્રયાસોથી આ મહાસ્વપ્ન સાકાર થયું છે.

રામકૃષ્ણ સંઘના આસિ. સેક્રેટરી સ્વામી શિવમયાનંદજીએ રામકૃષ્ણ મઠ-મિશનના તેરમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના શુભેચ્છા સંદેશનું વાચન કર્યું હતું. તેમણે પ્રવચનમાં કહ્યું હતું કે પોતાના પરિવ્રાજકકાળમાં સ્વામીજીની પદરજથી પાવન થયેલ સંસ્કાર અને સંસ્કૃતિની વડોદરા નગરી સ્વામીજીનું આવું સ્મારક ભવન મેળવીને ધન્યભાગી બની છે. રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ આ નવા કેન્દ્રને સહાય કરવા અને માનવને માનવ બનાવનારી તેમજ જીવન ઘડતર કરનારી સાચી કેળવણીના પ્રચાર-પ્રસાર માટે વડોદરાવાસીઓને સહાયરૂપ બનવા હાર્દિક અપીલ કરી હતી.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રેરક પ્રવચનમાં કહ્યું હતું કે, “આ મહાન સ્વદેશ ભક્ત પયગંબર સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલ દિલારામ બંગલાને શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સમર્પિત કરવાના આ મહાન અને ઉમદા કાર્યમાં હું નિમિત્ત બન્યો એ મારું મોટું અહોભાગ્ય છે.”

તેમણે આ ઐતિહાસિક દિલારામ બંગલાનાં દસ્તાવેજો અને ચાવી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને સોંપ્યાં હતાં. આ દસ્તાવેજો અને ચાવીઓ વડોદરાના રામકૃષ્ણ મિશન કેન્દ્રમાં નવનિયુક્ત સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીને આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગને અનુરૂપ ‘સ્વામી વિવેકાનંદ વડોદરામાં’ નામની એક માહિતી પત્રિકાનું વિમોચન શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કર્યું હતું. આ પ્રસંગે વ્યાસપીઠ પર વિરાજેલા મહેમાનો- મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, શ્રીમતી મૃણાલિની પવાર (વડોદરા યુનિ.ના કુલપતિ), વડોદરાના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ કમિશ્નરશ્રીને સ્વામીજીની તસવીર અને પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો.

પોતાના સંક્ષિપ્ત પણ અત્યંત ભાવવાહી પ્રવચનમાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કહ્યું હતું કે, આજે મારું હૃદય એટલા આનંદ અને ઉલ્લાસથી ભરાઈ ગયું છે કે હું એનું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી.

Total Views: 9

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.