શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ અને ‘વિવેક રથ’નું ઉદ્‌ઘાટન

સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે બેલુર મઠથી તા. ૨૬ માર્ચના રોજ રાજકોટમાં પદાર્પણ કર્યું.

પૂજ્ય મહારાજશ્રીએ રામનવમીના શુભદિને, તા. ૨૭ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ઉદ્‌ઘાટન કર્યું.

આ ભવનના નિર્માણમાં લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી લગભગ ૪૦ લાખ રૂપિયાનો ફાળો અત્યાર સુધી ભક્તજનો એ આ હેતુ માટે આપ્યો છે.  બાકીની રાશિ એકઠી કરવા માટે આશ્રમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ જ દિવસે નવનિર્મિત ‘વિવેક રથ’નું લોકાર્પણ મહારાજશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ‘વિવેક રથ’ આવનારા સમયમાં ‘મોબાઈલ બુકસ્ટોલ’ તરીકે ગુજરાતના બધા ગામોમાં અને દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં પરિભ્રમણ કરશે અને સ્વામી વિવેકાનંદના વિચારોને સમગ્ર ગુજરાતના લોકહૃદયમાં પ્રવાહિત કરશે.

આ સમયે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ સમારોહની સાક્ષી પૂરી તથા પૂજ્ય મહારાજશ્રીના દર્શન કર્યાં તેમજ સહુ ભક્તજનોને મીઠાઈ-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.

ગુજરાત પર સ્વામી વિવેકાનંદજીના વિશેષ આશીર્વાદ  છે – સ્વામી સુહિતાનંદજી મહારાજ

તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના શુભ દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આયોજિત જાહેર સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે જણાવ્યું કે “ભારત પરિભ્રમણ વખતે સ્વામી વિવેકાનંદજીએ સૌથી વધુ સમય ગુજરાતમાં ગાળ્યો હતો એ દર્શાવે છે કે તેમના આશીર્વાદ ગુજરાત પર વિશેષ છે એટલે જ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સાત શાખા કેન્દ્રો દ્વારા અદ્‌ભુત સેવાકાર્યો થઈ રહ્યાં છે તેમજ પ્રચારકાર્ય થઈ રહ્યું છે.”

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે “પૂજ્ય શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજ ૯૦ વર્ષની ઉંમરે પણ સમસ્ત વિશ્વમાં ભ્રમણ કરી જ્ઞાનની જ્યોત ફેલાવી રહ્યા છે તેમનું સાંનિધ્ય આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે.”

આ દિવસે આયોજિત સભામાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ગુજરાતનાં વિવિધ કેન્દ્રોના અધ્યક્ષ મહારાજો દ્વારા પૂજ્ય મહારાજશ્રીનું પુષ્પમાલ્યથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. આ ભવનના નિર્માણમાં વિશેષ યોગદાનકર્તાઓનું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પૂજ્ય સ્વામી સુહિતાનંદજીના વરદ હસ્તે ક્રોધ પર વિજય , યોગક્ષેમ, ઈશ્વરને ઉઘાડી આંખે નિહાળો, મારું ભારત અમર ભારત, તું પરમહંસ બનીશ નામક પાંચ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું, જેનો પરિચય આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી એ રજૂ કર્યો હતો.

સભામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સહુને ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યું હતું.

વાર્ષિક મહોત્સવની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૫ થી ૧૨ એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઉજવણીનો મંગલ પ્રારંભ દેશ-વિદેશમાં સુવિખ્યાત લોકપ્રિય ભજનિક શ્રી નિરંજનભાઈ પંડયાના ભજનોથી થઈ.

શ્રી નિરંજન પંડ્યા ગુજરાતના એક જાણીતા અને પ્રખ્યાત ભજનિક છે, જેઓ ખાસ કરીને ગુજરાતી પ્રાચીન ભજન, સંતવાણી, ગંગાસતીના પદો ગાવા માટે જાણીતા છે. તેઓશ્રીએ તા. ૫ એપ્રિલના રોજ ભજનોની પ્રસ્તુતિ કરી. જેમાં ૪૫૦ જેટલા ભક્તજનો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત તા. ૬, ૭ અને ૮ એપ્રિલ દરમિયાન લોકપ્રિય કથાકાર શ્રીરામકૃષ્ણ આશ્રમના સ્વામી ગુણેશાનંદજી મહારાજે શ્રીમદ્ ભાગવત પર સત્સંગ કરાવ્યો. જેમાં ૧૩૦ જેટલા ભક્તજનો હાજર રહ્યા હતા.

વધુમાં તા. ૯, ૧૦ અને ૧૧ એપ્રિલ દરમિયાન શ્રીરામકૃષ્ણ પુરાણ – ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ પર આધારિત સંગીતમય કથા થઈ. જેમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી વિજયેશાનંદજી મહારાજ, શ્રી નલિનભાઈ મહેતા સહિત અન્ય ભક્તજનોએ કથાનું રસપાન કરાવ્યું. જેમાં ૨૫૦ જેટલા ભક્તજનોએ લાભ લીધો.

અંતે તા. ૧૨ એપ્રિલના રોજ આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. જેમાં ૪૫૦ જેટલા ભક્તજનોએ લાભ લીધો અને કાર્યક્રમના અંતમાં ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો તથા ‘પુસ્તક કીટ’ ભેટ આપવામાં આવી હતી.

શ્રીરામકૃષ્ણ મઠ, અમદાવાદ

શ્રીરામકૃષ્ણ મઠ, અમદાવાદ ખાતે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે ૨૨ માર્ચના રોજ સવારે અગાઉથી નોંધાયેલ જિજ્ઞાસુઓને મંત્રદીક્ષા આપી હતી. એ જ દિવસે સાંજે જાહેરસભામાં મહારાજશ્રીએ આશીર્વચન આપ્યાં હતાં.

૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂજનીય શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે સંન્યાસીગણ તેમજ ભક્તજનોની ઉપસ્થિતિમાં ‘ચેરિટેબલ ડિસ્પેન્સરી’નું ખાતમુહૂર્ત થયું હતું. સાણંદ-બાવળાના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, સંસ્કારધામના પ્રમુખ ડૉ. આર.કે. શાહ સાહેબ, કાલુપુર બેંકના ચેરમેન શ્રી નવનીતભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ અને ખાસ ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી ઉપસ્થિત રહી વિવેકાનંદજીના વિચારોની તથા ધર્મની જીવન ઉપયોગી વાતો કરી હતી.

આ પ્રસંગે કડીના શ્રી વિષ્ણુભાઈ બરફવાળા, અને મહેશભાઈ પટેલ, તથા સાણંદ ભારત માતા મંદિરના શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તથા તેમની ટીમ, ઉપરાંત લેખંબા ગામના શ્રી પ્રદિપસિંહ વાઘેલા, સહદેવ સિંહ તથા સરપંચ શ્રી અભેસંગભાઈ દ્વારા આ પ્રસંગને ઉત્કૃષ્ટ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આ સાથે જ રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ મઠ વિશે વિગતવાર માહિતી આપી અને પ્રસંગ ને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.