(બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. તેઓ પરમ વૈષ્ણવાચાર્ય છે, ભક્તિમાર્ગના આચાર્ય છે. વળી તેઓ કીર્તનના પણ આચાર્ય છે. ભગવદ્ભક્તિના પ્રસારણ નિમિત્તે જ તેમનો આવિર્ભાવ થયો છે.
સૃષ્ટિના કલ્પારંભે સૃષ્ટિકર્તા બ્રહ્માએ માનસપુત્ર નારદને મૈથુનીસૃષ્ટિ માટે આજ્ઞા કરી. પરંતુ યોગીવર નારદે ઈશ-ભજનમાં વિષયભોગોને વિઘ્નરૂપ ગણાવીને તેમ કરવાનો ઇન્કાર કર્યો. પુત્રને સૃષ્ટિકર્મથી વિમુખ જાણીને બ્રહ્માએ રોષપૂર્વક શાપ આપ્યો. પરિણામે નારદજીનો ગંધર્વરાજ ઉપબર્હણ રૂપે પુનર્જન્મ થયો. ઉપબર્હણ અત્યંત સુંદર હતા, જાણે કે કામદેવ! એક વખત બ્રહ્માજી સમક્ષ સૌ ગંધર્વ-કિન્નર એકત્રિત થઈને ભગવદ્-નામકીર્તન કરતા હતા. તે વખતે સૌંદર્યથી ગર્વિષ્ઠ બનેલા ઉપબર્હણ શૃંગારનો પ્રસંગ રચીને વિલાસની ચેષ્ટા કરવા લાગ્યા. ઉપબર્હણનું અનાચારભર્યું વર્તન જોઈને બ્રહ્માજીએ ફરીથી શાપ આપ્યો કે તેમનો જન્મ શૂદ્ર યોનિમાં થાય. બ્રહ્માના શાપને પરિણામે ઉપબર્હણનો એક શૂદ્ર દાસીને ત્યાં જન્મ થયો. તેમનાં માતા વેદપાઠી બ્રાહ્મણોની સેવાચાકરી કરતાં હતાં.
એક વખત ચાતુર્માસ દરમિયાન અનેક મહાત્માઓ ત્યાં એકત્રિત થયા. આ પાવન અવસરે માતાની સાથે સાથે બાળકરૂપે તેમને પણ મહાત્માઓની સેવા કરવાની તક મળી. પૂર્વ-સંસ્કારવશ તેઓ બાળક હોવા છતાં શાંતભાવે મહાત્માઓની અંગત સેવા કરવા લાગ્યા. મહાત્માઓની અનુમતિ લઈને તેઓ મહાત્માઓનાં ભોજનપાત્રોમાંનું અવશિષ્ટ ભોજન દિવસમાં એક વાર આરોગતા. સેવા અને અવશિષ્ટ-ભોજન ગ્રહણ કરવાથી તેમનું અંત:કરણ નિર્મળ થયું અને મહાત્માઓના મુખેથી કથાશ્રવણ કરીને તેમનામાં નિશ્ચલ ભક્તિનો ઉદય થયો. ચાતુર્માસ પૂરો થતાં મહાત્માઓ વિદાય થયા. જતાં જતાં તેમણે બાળકને શ્રીકૃષ્ણભક્તિનો ઉપદેશ આપ્યો. તે વખતે તેમની ઉંમર પાંચ વર્ષની હતી.
એક વખત માતા અંધકારમાં ગાય દોહવા ગયાં અને દુર્ભાગ્યવશ તેમને સાપ કરડ્યો. સર્પદંશથી માતાનું મૃત્યુ થતાં હવે બાળક નિરાધાર બન્યો. બાળકે આને ઈશ્વરનું શુભવિધાન જ માન્યું. તે ગૃહત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યો. નિર્જન વનમાં પહોંચીને તે પીપળાના વૃક્ષ નીચે આસન જમાવીને ધ્યાન કરવા બેસી ગયો. ધ્યાન કરતાં કરતાં એક દિવસ તેમના હૃદયમાં પ્રભુ પ્રગટ થયા. આનંદવિભોર બનીને આંખો ખોલી એટલામાં પ્રભુનાં દર્શન હૃદયપટલ પરથી વિલીન થઈ ગયાં. દુ:ખી મને બાળક વિનવણી કરવા લાગ્યો. એવામાં દેવવાણી સંભળાઈ, ‘હે નિષ્પાપ બાળક, તારી દર્શન-લાલસા જાગ્રત કરવા માટે મારા દિવ્ય સ્વરૂપની તને ઝાંખી કરાવી. તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થતાં તું મારાં દર્શન કરી શકીશ. આ દેહનો ત્યાગ કરીને તું મારો પાર્ષદ બનીશ. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થવા છતાંય મારી કૃપાથી તને મારી અખંડ સ્મૃતિ ટકી રહેશે.’
કલ્પાંતે પ્રભુકૃપાથી તેઓએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો અને બ્રહ્માજીના શ્વાસ સાથે તેમના હૃદયમાં પ્રવેશ કરી લીધો. બ્રહ્માજીએ પુન: સૃષ્ટિસર્જનની કામના કરી ત્યારે મરીચિ વગેરે ઋષિઓ સાથે તેઓ પ્રગટ થયા. ભગવદ્-કૃપાથી ત્યારથી તેઓ ત્રણેય લોકમાં વિચરણ કરે છે અને પ્રભુદત્ત વીણા લઈ ભગવાનના મહિમાનું ગાન કરતાં કરતાં સંસાર-ભરમાં વિહાર કરે છે.
સાચું કહીએ તો ભગવદ્-ભક્તિના પ્રચાર અર્થે અને પ્રત્યેક અવતારને તેમનાં લીલાકાર્યમાં સહયોગ આપવા માટે નારદજીનો આવિર્ભાવ થયા કર્યો છે. આજેય તેઓ અપ્રત્યક્ષ રૂપે ભક્તોના કલ્યાણ અર્થે સહાય કરતા રહે છે અને અધિકારીજનને દર્શન આપીને કૃતાર્થ કરે છે. દેવર્ષિ નારદે મહર્ષિ વ્યાસ, ઋષિ વાલ્મીકિ તથા શુકદેવજીના ગુરુરૂપે ભૂમિકા ભજવી છે. ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યના પરમ આગાર સમાન શ્રીમદ્ ભાગવત તથા મહાકાવ્ય રામાયણ જેવાં ગ્રંથરત્નો દેવર્ષિ નારદજીની પ્રેરણાથી જ રચાયાં છે. દેવર્ષિ નારદે ભક્તરાજ પ્રહ્લાદ, ભક્તશિરોમણિ ધ્રુવ તથા વિષ્ણુ ભક્ત અંબરિષ જેવા અનેક ભક્તોને ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત કર્યા હતા.
ઋષિ-સૃષ્ટિની રચનામાં શ્રીહરિ નારાયણે દેવર્ષિ નારદરૂપે ત્રીજો અવતાર ધારણ કર્યો હતો અને તેમને સાત્વત તંત્રનો ઉપદેશ કર્યો હતો જે નારદ-પંચરાત્ર તરીકે પ્રસિદ્ધ છે. દક્ષ પ્રજાપતિના હર્યશ્વ તથા શબલાશ્વ નામના સહસ્ર પુત્રોને નારદે અધ્યાત્મ તત્ત્વનો ઉપદેશ આપ્યો તેથી તેઓ સૃષ્ટિ-રચના કરવા પ્રવૃત્ત થયા નહીં. નારદજીના ઉપદેશને કારણે સૃષ્ટિરચનાથી વિમુખ અને વિચ્યુત થયેલા પુત્રોને જોઈ દક્ષ પ્રજાપતિ રોષે ભરાયા અને નારદજીને અભિશાપ આપ્યો, ‘તમે નિત્ય નિરંતર લોક-લોકાંતરમાં વિચરણ કરતા રહેશો અને એક સ્થાન પર અત્યધિક સમય ટકી નહીં શકો.’ દેવર્ષિ નારદે શાપનો સહર્ષ સ્વીકાર કર્યો અને સામર્થ્ય હોવા છતાં પ્રતિકાર કર્યા વિના અપકાર સહન કરી લીધો.
દેવર્ષિ નારદને લગતાં અનેક શાસ્ત્રો છે—નારદ મહાપુરાણ, બૃહન્નારદીય ઉપપુરાણ, નારદીય સંહિતા, નારદ-પરિવ્રાજકોપનિષદ, નારદીય ભક્તિસૂત્ર વગેરે. નારદજીનો સંસારભરના લોકોને ઉપદેશ છે – सर्वदा सर्वभावेन निश्चिन्तितैर्भगवानेव भजनीय:। અર્થાત્ સર્વદા, સર્વભાવથી નિશ્ચિંત બનીને માત્ર ભગવાનનું જ ભજન કરવું જોઈએ.
Your Content Goes Here




