શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સમર કેમ્પનું આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૭ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમર કેમ્પમાં કુલ ૨૨૫ બાળકોએ ભાગ લીધો.
કેમ્પમાં બાળકોને વેદપાઠ, ગીતાપાઠ, યોગાસન, સ્તવન-ગાન, ભજન-સંગીત, સ્વામી વિવેકાનંદ દ્વારા શીખવવામાં આવેલ મૂલ્યો પર ચિંતન, ચારિત્રનિર્માણ કેવી રીતે કરવું, દ્રશ્ય-શ્રાવ્ય, આત્મરક્ષા, આર્ટ અને ક્રાફ્ટ, પેઇન્ટિંગ તથા જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી.
તા. ૧૭ મે ના રોજ સમર કેમ્પનો સમાપન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો જેમાં બાળકોએ વિવિધ નાટકો, ભજનો, યોગાસન વગેરે પ્રસ્તુત કર્યાં તથા બાળકોનાં માતા-પિતાએ સમર કેમ્પ અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. અંતમાં બાળકોને એજ્યુકેશન કીટ તથા સ્વામી વિવેકાનંદનાં પુસ્તક ભેટ આપવામાં આવ્યાં.
સંસ્કૃત કેમ્પનું આયોજન
આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૬ મે દરમિયાન ધોરણ ૨ થી ૭નાં બાળકો માટે સંસ્કૃત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કૃત કેમ્પમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો. કેમ્પમાં બાળકોને સંસ્કૃતમાં વાતચીતની પદ્ધતિ, વાર્તાઓ, ગીતો શીખવવામાં આવ્યાં.
શ્રીશંકરાચાર્ય જયંતીની ઉજવણી
તા. ૨૧ એપ્રિલના રોજ શ્રીશંકરાચાર્ય જયંતી નિમિત્તે સંધ્યા આરતી પછી શ્રીશંકરાચાર્યજીના જીવન અને સંદેશ પર પ્રવચનનું આયોજન કરવામાં આવેલ હતું.
બુદ્ધ જયંતીની ઉજવણી
તા. ૧ મેના રોજ બુદ્ધ જયંતી નિમિત્તે સંધ્યા આરતી પછી ભગવાન બુદ્ધના જીવન અને સંદેશ પર પ્રવચનનું આયોજન કરવામાં આવેલ હતું.
ફલહારિણી કાલી પૂજા
તા. ૧૬ મેના રોજ આશ્રમ શ્રીમંદિરમાં ફલહારિણી કાલી પૂજા નિમિત્તે સંધ્યા આરતી પછી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમિયાન કાલી-કીર્તનો અને ભજનો કરવામાં આવ્યાં તથા પૂજાના અંતે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.
રામકૃષ્ણ મિશન, લીંબડી
સમર કેમ્પનું આયોજન
વાર્ષિક ઉનાળુ શિબિર “બાલભારતી”નું આયોજન રોયલ પેલેસ (ટાવર બંગલો) ખાતે તા. ૨૪-૦૪-૨૦૨૬ થી ૨૯-૦૪-૨૦૨૬ દરમિયાન ધોરણ ૬ થી ૮ ના સરકારી તેમજ કેટલીક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.
શિબિરમાં વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, “Be and Make”, સ્વરક્ષણ તાલીમ, યોગ, ક્વિઝ સ્પર્ધા, ઇનામ વિતરણ તથા વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓને દરરોજ નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
આ શિબિરમાં આશરે ૩૨૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ધરમપુર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતનું અર્ધવાર્ષિક સંમેલન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના ભાવપ્રચાર માટે કાર્યરત વિવિધ કેન્દ્રોના અર્ધવાર્ષિક સંમેલનનું આયોજન ધરમપુરમાં થયું હતું. સંમેલનમાં રાજ્યભરનાં વિવિધ કેન્દ્રોના પ્રતિનિધિઓ જોડાયા હતા. ધાણેટી, સુરત, વાંસદા, કિમ, અંકલેશ્વર, બિદડા, લખપત, અંજાર, કચ્છ, આણંદ, કાપોદ્રા, બીલીમોરા, ધરમપુર, કપરાડા, દમણ, વાપી, સેલવાસ અને ઉપલેટા જેવાં વિવિધ કેન્દ્રોના પ્રતિનિધિઓએ છેલ્લા છ મહિનાની પ્રવૃત્તિઓના વિગતવાર અહેવાલો રજૂ કર્યા હતા.
આ સંમેલનમાં બેલુર મઠ, કોલકાતા તરફથી નિમાયેલા પ્રતિનિધિ સ્વામી સેવાવ્રતાનંદજી મહારાજે ગુજરાતમાં ચાલી રહેલી ભાવપ્રચાર પ્રવૃત્તિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ધરમપુર ખાતે નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરના રવિવારે યોજાનારા ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગને આવકારતાં તમામ કેન્દ્રોને શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા પ્રેરિત કર્યા હતા.સ્વામી આત્મદિપાનંદજી મહારાજે યુવાનોને વધુમાં વધુ પુસ્તકો વાંચવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે નવા નિયુક્ત યુવા સંયોજકોએ પણ પોતાના કેન્દ્રોના અહેવાલો રજૂ કર્યા હતા અને ભવિષ્યની કામગીરી માટે માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સ્વામી નિખિલેશ્વરાનંદજી (રાજકોટ), સ્વામી આત્મદિપાનંદજી (પોરબંદર), સ્વામી સુખાનંદજી (ભુજ), સ્વામી પ્રભુસેવાનંદજી (અમદાવાદ), સ્વામી ગુણાશ્રયાનંદજી (લીંબડી), સ્વામી સેવાવ્રતાનંદજી (બિલાસપુર), સ્વામી ઈષ્ટમયાનંદજી (વડોદરા) અને સ્વામી મંત્રેશાનંદજી (આદિપુર)એ પોતાનાં માર્ગદર્શક વક્તવ્યો દ્વારા ભાવિ આયોજન અંગે મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બકુલેશભાઈ એસ. ધોળકિયાએ કર્યું હતું.
ધરમપુરમાં શ્રીરામકૃષ્ણ મંદિરનો લોકાર્પણ સમારોહ
૧૯ એપ્રિલ, ૨૦૨૬, અક્ષય તૃતીયાના પાવનદિને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુરના ઉપક્રમે રાજમહેલ રોડ સ્થિત નવનિર્મિત શ્રીરામકૃષ્ણ મંદિરનું લોકાર્પણ શ્રીરામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ તથા અન્ય શાખાકેન્દ્રોના સંન્યાસીઓના પાવન સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ મંદિર ધરમપુર નગર માટે આધ્યાત્મિક ધરોહરનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
સવારે ૭:૩૦ કલાકે મંદિરની ઉદ્ઘાટન વેળાયે નવ જેટલા સંન્યાસી, ગુજરાત રામકૃષ્ણ ભાવપ્રચાર પરિષદના સભ્યો, ધરમપુર નગર અને આસપાસના આદિવાસી વિસ્તારના સેંકડો ભક્તોએ મંદિરની ફરતે પ્રદક્ષિણા તથા વૈદિક મંત્રોચાર કરતાં કરતાં વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું.
સ્વામી વિશ્વત્માનંદજી મહારાજે તકતી અનાવરણ કરી શ્રીરામકૃષ્ણ મંદિરનો લોકાર્પણવિધિ કર્યો હતો. મંદિર પ્રવેશ બાદ વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને હવન, ભોગ આરતી કરવામાં આવી હતી.
10:30 વાગ્યે જાહેરસભામાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે ધરમપુરમાં હવે ઠાકુર બિરાજમાન થઈ ગયા છે અહીંથી વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનો સંચાર થશે અને માનસિક શાંતિ મેળવશે.
ઉદ્ઘાટક સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે જણાવ્યું કે શ્રીરામકૃષ્ણ સૌના છે. મંદિરમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ આવશે તો એમના જીવનમાં આમુલ પરિવર્તન આવશે. તેમણે વિવિધ પ્રવૃતિઓનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પાવન પ્રસંગે સંન્યાસીઓએ પ્રેરક ઉદ્બોધન કર્યાં હતાં, શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટના તમામ સભ્યોની કામગીરી ઉપસ્થિત સૌએ વખાણી હતી.
સ્થાપક ડો દોલતભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના રાહુલભાઈ વસાણી, મુકેશભાઈ મેરાઈ, ગીરીશભાઈ સોલંકી, હિતેષભાઇ મેરાઈ, ઉદયભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ જેવા ટ્રસ્ટીઓ, પાલિકાના કોર્પોરેટરો, સામાજિક કાર્યકર્તાઓ, આદિવાસીઓ વિસ્તારના ભાઈ-બહેનો, પત્રકારો મોટી સંખ્યામાં જોડાયા હતા, કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.
Your Content Goes Here




