શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો

શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે આયોજિત વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોની શૃંખલા આશ્રમના ભવ્ય વિવેક હૉલ ખાતે ગત ૨૪ મે, ૨૦૨૬ થી શરૂ થઈને ૫ જૂન, ૨૦૨૬ સુધી યોજાઈ હતી.

દરરોજ સાંજે ૭:૩૦ થી ૮:૪૫ દરમિયાન યોજાયેલ આ શૃંખલામાં વિવેકાનંદ કથા, ભજનસંધ્યા, શ્રીરામકૃષ્ણ પુરાણ, શ્રીરામકૃષ્ણ-ચરિત-માનસ, શ્રીરામચરિત માનસ જેવા વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમોની શરૂઆત તા. ૨૪ થી ૨૬ મે દરમિયાન ‘સ્વામી વિવેકાનંદ કથા’થી થઈ હતી. જેમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ગુજરાતીમાં સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પ્રેરણાદાયી કથા રજૂ કરી હતી અને સ્વામી વિજયેશાનંદજી મહારાજે મધુર સંગીતની પ્રસ્તુતિ કરી હતી.

ત્યાર બાદ ૨૭ મેના રોજ ‘ભજનસંધ્યા’નું સુંદર આયોજન થયું હતું, જેમાં વડોદરાના ભજનિક શ્રીપાર્થ પંડ્યા અને ભજન મંડળી દ્વારા ભક્તિસભર ભજનોની પ્રસ્તુતિ થઈ હતી.

ત્યાર બાદ ૨૮ થી ૩૦ મે દરમિયાન ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવન અને દિવ્ય સંદેશ પર આધારિત સંગીતમય કથા ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’નું  આયોજન થયું હતું. જેમાં શ્રી નલિનભાઈ મહેતાએ સુંદર પ્રસ્તુતિ કરી હતી અને સ્વામી વિજયેશાનંદજી મહારાજ તથા મંડળી દ્વારા સંગીત પીરસવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ૩૧ મે થી ૨ જૂન દરમિયાન રામકૃષ્ણ મઠ, રાજગીર, બિહારથી પધારેલા પૂજ્ય સ્વામી રામતત્ત્વાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ-ચરિત-માનસ’ વિષય પર રસપ્રદ સંગીતમય કથાનું રસપાન કરાવ્યું હતું.

આ શ્રૃંખલાના અંતિમ ચરણમાં ૩ થી ૫ જૂન દરમિયાન રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ પૂજ્ય સ્વામી સુખાનંદજી મહારાજે ‘શ્રીરામચરિત-માનસ’ પર આધારિત સંગીતમય કથા દ્વારા ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શતાબ્દી મહોત્સવ નિમિત્તે પૂજ્ય મોરારી બાપુના પ્રવચનનું આયોજન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના તા. ૫ માર્ચ, ૧૯૨૭ના રોજ થઈ હતી. આથી તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૭થી તા. ૫ માર્ચ, ૨૦૨૮ સુધી શતાબ્દીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે તા. ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન રાજકોટમાં પૂજ્ય મોરારી બાપુના વિશેષ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંદર્ભે તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ અને અન્ય સંન્યાસીઓએ ચિત્રકૂટધામ, તલગાજરડા ખાતે પૂજ્ય મોરારી બાપુની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તેમણે પ્રસન્નતાપૂર્વક આ આમંત્રણનો સ્વીકાર કરીને પ્રવચન આપવા માટે પોતાની સંમતિ પ્રદાન કરી હતી.

શ્રી રામકૃષ્ણ મેડિકલ સેન્ટર ખાતે દર્દીઓ માટે છાશ વિતરણ

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટર ખાતે દર્દીઓ માટે છાશ વિતરણ સેવા યોજાઈ હતી. સ્વામી વિવેકાનંદજીએ “શિવભાવથી જીવસેવા”નો મહામંત્ર આપ્યો છે, અને આશ્રમમાં દર્દીઓને ‘દર્દી-નારાયણ’ તરીકે માનવામાં આવે છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટર ખાતે આવનાર દર્દીનારાયણો માટે ૯ એપ્રિલ, ૨૦૨૬થી ૭ જૂન, ૨૦૨૬ દરમિયાન છાશ સેવા શરૂ કરવામાં આવી હતી. ઉકળાટભર્યા ઉનાળાના દિવસોમાં આશ્રમ દ્વારા વિતરણ કરાયેલ શીતળ છાશનો સર્વ દર્દીઓએ આનંદ સાથે લાભ લીધો હતો.

મોબાઈલ વેલ્યુ એજ્યુકેશન વાન – વિવેક રથ

સ્વામી વિવેકાનંદના ચારિત્ર-ઘડતર દ્વારા રાષ્ટ્ર ઘડતરનો સંદેશ ગુજરાતના જન-જન સુધી પહોંચે તે હેતુથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મોબાઈલ વેલ્યુ એજ્યુકેશન વાન – વિવેક રથ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોની પ્રદર્શની અને વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રયાસ હેઠળ, કચ્છ વિસ્તારમાં રામકૃષ્ણ મઠ, આદિપુરના માર્ગદર્શન હેઠળ અનેક શહેરો તથા ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. રામકૃષ્ણ મઠ, આદિપુરના માર્ગદર્શન હેઠળ વિવેક રથને લઈને ‘વિવેકાનંદ આપને દ્વાર’ પ્રકલ્પનું મંગલાચરણ ગુજરાતમાં સૌ પ્રથમ ભુજ તાલુકાના ધાણેટી ગામમાં કરવામાં આવ્યું હતું. વિવેક રથમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદની મૂર્તિનું ગ્રામજનો દ્વારા વાદ્યવાદન સાથે સ્વાગત કરવામાં આવ્યું; ત્યારબાદ સામૈયું, દીપપ્રાગટ્ય, આરતી અને ભાવભરી પુષ્પાંજલિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું

આ પ્રકલ્પ અંતર્ગત અંજાર, ડગાળા, મોખાણા અને મમુઆરા જેવા ગામોમાં પણ ઉત્સાહભેર આ જ પરંપરાનુ અનુસરણ કરવામાં આવ્યું  અને ગ્રામજનોને આ દિવ્ય સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. દરેક ગામમાં ગ્રામજનોની સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી મંત્રેશાનંદજી અને અન્ય વક્તાઓએ આ સાહિત્યના જીવનોપયોગી અને શક્તિદાયી મહિમાનો સુંદર રીતે ઉલ્લેખ કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં દિવ્યાંગ બાળકોની કળાને પ્રોત્સાહન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટરમાં સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ – સેરેબ્રેલ પાલ્સીથી અસરગ્રસ્ત બાળકોની કળાને ઉત્સાહિત કરવા તથા તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ એક વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૪૦ દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને કલકત્તાની જાણીતી ‘પિયર્સલેસ ગ્રુપ’ કંપની દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રોમાં તેમની સર્જનાત્મકતા તથા કલ્પનાશક્તિ સ્પષ્ટપણે ઝળહળી ઊઠી હતી. શારીરિક અથવા માનસિક મર્યાદાઓ હોવા છતાં બાળકો દ્વારા સુંદર ડ્રોઇંગ અને આકર્ષક કલરિંગ રજૂ કરી સમાજ સમક્ષ તેમની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.