(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું હૃદય વિશાળ હતું. તેમને પતિતો માટે, કચડાયેલા લોકો માટે દિલમાં લાગી આવતું. એમણે બ્રાહ્મણથી માંડીને અસ્પૃશ્ય સુધી સૌને માટે સર્વોચ્ચ આધ્યાત્મિક ઉપાસનાનાં દ્વાર ખુલ્લાં કર્યાં. એ હતું રામાનુજનું કાર્ય.’
શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘વિશિષ્ટાદ્વૈતવાદ છે રામાનુજનો મત. એટલે કે જીવ, જગત વિશિષ્ટ બ્રહ્મ. બધું મળીને એક.’
શ્રીરામાનુજાચાર્યનો આવિર્ભાવ સંવત ૧૦૭૪માં ભૂતપુરી (હાલ પેરુમ્બુપુરમ્)માં થયો હતો. તેઓ અત્યંત વિદ્વાન, સદાચારી, ધૈર્યવાન તથા ઉદારમના હતા. તેમના પિતાનું નામ કેશવ ભટ્ટ હતું. તેમનાં માતાનું નામ કાંતિમતી હતું.
વિદ્યા, ચરિત્ર અને ભક્તિમાં રામાનુજ અદ્વિતીય હતા. તેઓ કરુણામાં ભગવાન બુદ્ધ સમાન હતા, તો સહિષ્ણુતામાં ઈશુ ખ્રિસ્ત જેવા હતા. તેમની કરુણા અંગેનો એક પ્રસંગ છે.
મહાત્મા નામ્બિએ તેમને ‘ૐ નમો નારાયણાય’ અષ્ટાક્ષર મંત્ર આપીને કહ્યું કે ‘તમે આ મંત્ર ગુપ્ત રાખજો, અન્યથા નરકવાસ થશે.’ આ તારકમંત્રથી જો જીવમાત્રનું કલ્યાણ થતું હોય તો પોતા પૂરતો શા માટે ગુપ્ત રાખવો, ભલેને નરકવાસ થાય! આમ વિચારીને રામાનુજે બધા વર્ણના લોકોને એકત્ર કરીને મંદિરના શિખર પર ઊભા રહીને, આ મંત્ર સંભળાવ્યો. તેમની ધૃષ્ટતા જોઈને ક્રોધે ભરાયેલા ગુરુ નામ્બિએ કહ્યું, ‘તમારે આ અપરાધ બદલ નરક ભોગવવું પડશે.’ શ્રીરામાનુજે વિનયપૂર્વક ઉત્તર આપ્યો, ‘ભગવન્! જો આ મહામંત્રનું રટણ કરીને અસંખ્ય લોકો નરકયંત્રણાથી ઊગરી શકતા હોય તો મને પોતાને નરકવાસ ભોગવવામાં આનંદ આવશે.’
આવી સમદર્શિતા અને ઉદારતા ક્યાં જોવા મળશે! શ્રીરામાનુજાચાર્યે ‘પ્રપત્તિ’ પર વિશેષ ભાર મૂક્યો છે. ઈશ્વર પ્રતિ સર્વતોભાવેન આત્મસમર્પણ કરવું એ જ પ્રપત્તિ છે. તેમના મતાનુસાર નારાયણ વિભુ છે, ભૂમા છે, તેમનાં શ્રીચરણકમળમાં આત્મસમર્પણ કરવાથી જીવને પરમશાંતિ પ્રાપ્ત થાય છે.
નારાયણને પ્રસન્ન કરવાથી મુક્તિ મળે છે. નારાયણને સર્વસ્વનું નિવેદન કરવું પડશે. સર્વ ઇન્દ્રિયવિષયભોગનો ત્યાગ કરીને નારાયણનું શરણ લેવું એ જ આ યુગનો મુક્તિમાર્ગ છે.
તેમણે દેશભરમાં ભ્રમણ કરીને હજારો નરનારીને ભક્તિમાર્ગે વાળ્યાં. તેમના ૬૪ શિષ્યો હતા, જે પરવર્તીકાળે સંત તરીકે ઓળખાયા હતા. મહાત્મા પિલ્લલોકાચાર્યને ઉત્તરાધિકારી બનાવીને ૧૨૦ વર્ષની વયે તેઓનો દેહવિલય થયો હતો.
Your Content Goes Here




