(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને લઈને જાણે કે એક ત્રિપટ તૈયાર થયો હતો; જે સહસ્રશીર્ષ, સહસ્રપાત્ અને સહસ્રાક્ષ વિશ્વદેવતાના પ્રીત્યર્થે નિવેદિત થયો હતો. વિશ્વવાસીઓના કલ્યાણાર્થે જ આ વિભૂતિઓએ જીવન ધારણ કર્યાં હતાં. એમની પાર્ષદ-વિભૂતિઓ પૈકીના એક હતા સ્વામી યોગાનંદ.
સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ ચૌધરી વંશમાં માર્ચ, ઈ.સ. ૧૮૬૧માં (ફાગણ સુદ ચોથ) શનિવારે થયો હતો. પિતા નવીન્દ્રનાથ ચૌધરી નિષ્ઠાવાન, ધાર્મિક બ્રાહ્મણ હતા અને પૂજા-ધ્યાન વગેરેમાં ઘણો ખરો સમય ગાળતા.
તેમનું દેહાવસાન ૩૮ વર્ષની વયે, ૨૮ માર્ચ, ૧૮૯૯ના રોજ થયું હતું. ઠાકુરના શિષ્યોમાંહે મૃત્યુ પામનાર તેઓ સૌ પ્રથમ હતા. તેમના મૃત્યુ સમયે શ્રીમાએ દીર્ઘનિ:શ્વાસ નાખીને કહ્યું હતું, ‘ઇમારતની એક ઈંટ ખસી, હવે બધી જશે.’ વળી તે વખતે શ્રીમા રડી ઊઠ્યાં અને બોલ્યાં હતાં, ‘મારો યોગીન મને મૂકીને ચાલ્યો ગયો, હવે મારી સંભાળ કોણ લેશે?’
જરા વિચારી તો જુઓ, વિશ્વધારિણી જગદંબા સ્વયં કહે છે કે હવે મારી સંભાળ કોણ લેશે? શ્રીમા જેવી દિવ્ય વિભૂતિ પણ સ્વામી યોગાનંદના મૃત્યુથી શોકગ્રસ્ત બની ગઈ હતી. આ સૂચવે છે કે સ્વામીનો માતૃપ્રેમ કેવો હશે! શ્રીમા પછીના સમયમાં કહેતાં, ‘યોગીનની માફક મને કોઈ ચાહતું નથી. કોઈ પણ તેને પૈસા આપે તો તે રાખી મૂકતો અને કહેતો કે મા જ્યારે તીર્થયાત્રા કરવા જશે ત્યારે તેનો ઉપયોગ કરશે.’
સ્વામી યોગાનંદને શ્રીમા પ્રત્યે અગાધ પ્રેમ હતો. આ ઉચ્ચ પૂજ્યભાવ એવો હતો કે તેઓ શ્રીમાને પ્રણામ કરતી વખતે તેમનો ચરણસ્પર્શ કરતા નહીં. પરંતુ તેના બદલે જ્યાં શ્રીમા ઊભાં હોય તે સ્થાને મસ્તક અડાડતા. આવી વિચિત્ર વર્તણૂક અંગે પૂછવામાં આવતું ત્યારે તેઓ જવાબ આપતા, ‘શું? શ્રીમાને હું પ્રણામ કરી શકું તે માટે તેઓ પ્રતીક્ષારત બનીને મારી રાહ જોતાં ઊભાં રહે! આમ કરવું શું મારા માટે શોભાસ્પદ છે?’
સ્વામી યોગાનંદને શ્રીમાની કેટલી ચિંતા થતી હતી! તેમના શ્રીમા પ્રત્યેના પ્રેમનું નિદર્શન ભાવનાશીલતા તથા ચિંતનશીલતા દ્વારા પ્રગટ થાય છે, જેનું ઉદાહરણ નીચેની બાબત છે.
શ્રીમાને એક વખત જગદ્ધાત્રીદેવીનાં ભાવદર્શન થયાં હતાં ત્યાર બાદ દર વર્ષે જગદ્ધાત્રીપૂજા નિમિત્તે જયરામવાટી જતાં હતાં. શ્રીમા પૂજાનાં વાસણો માંજવામાં અને બીજી બાબતોનું ધ્યાન રાખવામાં સૌ કોઈને સહાયરૂપ થતાં. તે વખતે પૂજામાં સહયોગ આપનાર વ્યક્તિઓની તંગી હોવાથી શ્રીમાને વાસણ માંજવામાં ખૂબ શ્રમ પડતો. શ્રીમાને આવું કામ કરતાં જોઈને સ્વામી યોગાનંદ લાકડાનાં વાસણ ખરીદી લાવ્યા અને શ્રીમાને કહ્યું, ‘મા, હવે તમારે વાસણ માંજવા ગામડે જવું નહીં પડે.’ આવી હતી સ્વામી યોગાનંદની માતૃભક્તિ!
સ્વામી સારદાનંદે કહ્યું, ‘સ્વામી યોગાનંદ મહારાજે વૃંદાવનમાં ઘણું જ તપસ્યામય જીવન વિતાવ્યું હતું. ક્યારેક ક્યારેક તેઓ ભોજન પણ ન કરતા અથવા એક-બે રોટલી જ ખાતા. પોતાના શરીરની કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના આખો દિવસ ઈશ્વરના ધ્યાન-ચિંતનમાં પસાર કરતા હતા. આ બધું જોઈને યોગીન-માએ એક વાર શ્રીમા સારદા દેવીને કહ્યું હતું, ‘મારી નજર સામે આ બધું જોવું સહન થતું નથી. કાં તો તે મઠમાં ચાલ્યો જાય, નહીંતર પોતાના ઘરે જાય.’ યોગેન મહારાજને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે એમણે ગોલાપ-માને કહ્યું, “યોગીન-માએ શ્રીમાને આ બધું શા માટે જણાવ્યું? શું મેં એમની સાથે કંઈ અનુચિત કર્યું છે? એમને શું સમસ્યા છે?
‘શ્રીમાની સેવા જ યોગેન મહારાજનું મુખ્ય લક્ષ્ય હતું. જ્યારે શ્રીમા નીલાંબર બાબુના ઉદ્યાન, બેલુરમાં નિવાસ કરી રહ્યાં હતાં, ત્યારે યોગેન મહારાજ પોતાના ખભા પર શ્રીમા માટે સામાન ઊંચકીને લાવતા હતા. એક દિવસ શ્રીમાએ છત પરથી આ જોયું અને કહ્યું, ‘આ બધો સામાન પીઠ પર ઊંચકીને યોગેને પોતાની પીઠ તોડી નાખી છે. એ જોઈને મને ખાવાની ઇચ્છા થતી નથી.’
‘જ્યારે અમે લોકો નીલાંબર બાબુના ઉદ્યાનમાં કેટલાક દિવસ નિવાસ કર્યો હતો, ત્યારે અમે લોકો પણ શ્રીમા માટે સામાન ખરીદી લાવતા હતા. આહા! યોગેન મહારાજ કેવા અંતઃકરણપૂર્વક શ્રીમાની સેવા કરતા હતા! “ભક્ત બનવું, પરંતુ મૂર્ખ ન બનવું” ઠાકુરના આ ઉપદેશનું એમણે પોતાના જીવનમાં પાલન કર્યું હતું. શ્રીમા તીર્થયાત્રાએ જશે, એટલા માટે યોગેન મહારાજે બસો-ત્રણસો રૂપિયા બેંકમાં જમા કરી રાખ્યા હતા.
શ્રીમાએ યોગેન મહારાજનાં ધર્મપત્નીને એમના દેહત્યાગ પૂર્વે એમની સેવા કરવા માટે બોલાવ્યાં હતાં. એમનાં પત્ની પોતાના ભાઈ સાથે વાટાઘાટ કરીને એ રૂપિયા બેંકમાંથી ઉપાડીને લઈ ગયાં. એ ઘટના પછી પણ શ્રીમાનો એના પ્રત્યેનો પ્રેમભાવ પહેલાં જેવો જ રહ્યો.
‘સ્વામી યોગાનંદે શ્રીમાને કહ્યું હતું, “મા, શ્રીરામકૃષ્ણે કેટલાક યુવકોને તૈયાર કર્યા છે; તમારે કેટલીક યુવતીઓને તૈયાર કરવી પડશે.’ જો કે, એમનાં પત્નીએ શ્રીમા પાસે ખોટું બોલ્યું હતું કે મારા પિતાજીનું શરીર અસ્વસ્થ છે અને પૈસા લઈને પિયર ચાલ્યાં ગયાં. પાછળથી એમના ભાઈએ એમની પાસેથી બધા રૂપિયા અને ઘરેણાં લઈ લીધાં હતાં અને એમને ખૂબ દુઃખ ભોગવવવું પડ્યું હતું.
‘યોગાનંદ મહારાજે એ પણ કહ્યું હતું કે, “ શ્રીમાને ભવિષ્યમાં દુઃખપૂર્ણ જીવન જીવવું પડશે.” એ જ બન્યું. ત્યારે રાધુનો જન્મ થયો ન હતો.
‘શ્રીરામકૃષ્ણે યોગાનંદના શરીરનો સ્પર્શ કર્યો હતો અને એ જ સ્પર્શશક્તિથી એમણે કામવાસના પર વિજય મેળવ્યો હતો. એવા વિરલા લોકો બહુ ઓછા હોય છે, જેમનું પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે. અમારી સાથે એક જ ઘરમાં રહેતા ત્યારે અથવા શ્રીમા સાથે લાંબો સમય રહેવા છતાં પણ તેઓ ખૂબ જ ઓછું બોલતા હતા. યોગાનંદ શ્રીમા શારદાના પ્રથમ અને મુખ્ય શિષ્ય હતા. શ્રીરામકૃષ્ણે શ્રીમાને ત્રણ-ચાર વાર દર્શન દઈને યોગાનંદને દીક્ષા આપવા માટે કહ્યું હતું, ત્યારે શ્રીમાએ એમને દીક્ષા આપી હતી.
“ગોલાપ-માએ કહ્યું, “ઘુસડીના જે મકાનમાં શ્રીમા રોકાયાં હતાં, એનું માસિક ભાડું છ રૂપિયા હતું. નીલાંબર બાબુનું ઉદ્યાનભવન, બેલુરના મકાનનું માસિક ભાડું પચાસ રૂપિયા હતું. વૃંદાવનમાં બલરામ બોસે શ્રીમાની ખૂબ સેવા કરી હતી. એક વાર જ્યારે યોગાનંદ અને સારદાનંદ હોડીમાં બેસીને નીલાંબર બાબુના ઉદ્યાને આવી રહ્યા હતા, ત્યારે હોડી એક જહાજ સાથે અથડાઈ ગઈ. શ્રીમાએ ઉદ્યાનની છત પરથી આ ઘટના જોઈ અને સતત શ્રીરામકૃષ્ણને પ્રાર્થના કરતાં રહ્યાં. આ ઘટના છતાં પણ યોગાનંદ મહારાજે ધીનો ડબરો, જે શ્રીમા માટે લાવી રહ્યા હતા, એને પાણીના પ્રવાહમાં વહેવા ન દીધો. તેઓ એ દિવસોમાં વરાહનગરથી ખરીદી કરતા હતા. યોગાનંદ મહારાજ લોટ, ચોખા, દાળ અને તેલનું ભારે વજન પોતાની પીઠ પર લાદીને લઈ આવતા હતા. શ્રીમા બપોરના પ્રસાદ વખતે એમને વધુ પ્રમાણમાં ભાત અને શાક પીરસતાં હતાં અને તેઓ બધું ખાઈ જતા હતા. એ દિવસોમાં શ્રીમાનાં દર્શન માટે અનેકાનેક ભક્ત-દર્શનાર્થીઓ આવ્યા કરતા હતા. તેથી તેઓ બપોરે ૩ થી ૪ વાગ્યા પહેલાં પ્રસાદ ગ્રહણ કરી શકતાં ન હતાં. આ અનિયમિતતાને કારણે તેઓ બીમાર પડી ગયાં હતાં.
આ પરિસ્થિતિ નિહાળીને સ્વામીજીએ સ્વામી યોગાનંદને કહ્યુંઃ ‘શ્રીમા પાસે જાતજાતની સ્ત્રીઓ આવે છે એ તું જાણે છે. આ બ્રહ્મચારીનું ચિત્ત અધ્યાત્મ માર્ગમાંથી ચ્યુત થયું તો જવાબદાર કોણ?’ પોતાની છાતીએ હાથ મૂકી સ્વામી યોગાનંદે તરત ઉત્તર આપ્યોઃ ‘હું જવાબદાર, એને માટે હું મારો જીવ દેવા પણ તૈયાર છું.’ સ્વામી યોગાનંદના હોઠ ‘હું’ બોલ્યા ત્યારે એની પાછળની અદૃશ્ય શક્તિ વિશે વાત કરવાની આવશ્યકતા નથી.
પોતાના રણકાદાર, સાધુ-ગુણો માટે સ્વામી યોગાનંદ સૌનો પ્રેમ અને આદર મેળવતા. પરંતુ શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં એમને અનોખા તારવતી બાબત હતી—શ્રીમાની એમની ભક્તિસભર સેવા. શ્રીમાની ગ્રામવાસી સાદગી પાછળ ઢંકાયેલી અસાધારણ આધ્યાત્મિક મહત્તાને ઓળખનારામાં એ પહેલી હરોળના સાધુ હતા.
સ્વામી સારદાનંદે એક વાર એમને કહ્યુંઃ ‘યોગીન, હું તો નરેનની બધી વાતો સમજી શકતો નથી. તે કેટલીયે જાતજાતની વાતો કરે છે! જ્યારે જે (વિષય)ને પકડે છે, એને એટલો મોટો કરી દે છે કે, એની આગળ બીજું બધું સાવ તુચ્છ બની જાય છે.’ સ્વામી યોગાનંદે કહ્યું, ‘શરત્, તને એક વાત જણાવી દઉં છું. તું શ્રીમાને પકડ. તેઓ જે કંઈ કહે, એ જ સાચું માનવું.’ આટલાથી જ સંતોષ ન થતાં તેઓ તેમને શ્રીમાની પાસે લઈ ગયા. આ રીતે શરત્ મહારાજે ધીમે ધીમે શ્રીમાની સેવાનું સૌભાગ્ય મેળવ્યું અને પછી માતૃસેવાની પરાકાષ્ઠા સર્જીને તેઓ રામકૃષ્ણ સંઘમાં અવિસ્મરણીય બની ગયા.
૧૮૯૯ના માર્ચની ૨૮મીએ, બપોર પછી ૩-૧૦ વાગ્યે સ્વામી યોગાનંદે સમાધિ અવસ્થામાં દેહત્યાગ કર્યો.
Your Content Goes Here




