શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વસંતપંચમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીસરસ્વતી માતાની મૂર્તિમાં પૂજા સંપન્ન થઈ

શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૨૩ જાન્યુઆરીના રોજ વસંતપંચમીના પાવન અવસરે વિદ્યાદાયિની દેવી મા સરસ્વતીના પૂજન-અર્ચનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી માતાની સુંદર અને મનોહર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અનુષ્ઠાન સંપન્ન થયાં હતાં.

કાર્યક્રમના પ્રારંભે વહેલી સવારે મંગલ આરતી બાદ પરિવેશને ભક્તિમય બનાવવા માટે વૈદિક પાઠ અને સ્તોત્રગાન કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ શ્રીશ્રીસરસ્વતીદેવી અને ભગવાન નારાયણની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી અને હોમનું આયોજન કરાયું હતું.

આ પાવન પ્રસંગે ઉપસ્થિત ભક્તજનો દ્વારા દેવીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉત્સવ પ્રસંગે નાનાં બાળકોને ‘અક્ષરારંભ’ કરાવાયો હતો. મધ્યાહ્ને ૧૯૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

તદુપરાંત સાંજે શ્રીમા-નામ સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું હતું તથા શ્રીશ્રીસરસ્વતી દેવીની આરતી કરવામાં આવી હતી. બીજે દિવસે ઘટ-વિસર્જન બાદ સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર યોજાયેલ સ્પર્ધામાં ૯૪૫૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર ૧૯૬ વિજતાઓને પુરસ્કાર વિતરણ સમારોહમાં બિરદાવાયા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા છેલ્લાં ૫૯ વર્ષથી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્વામીજીની ૧૬૩મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ‘પુણ્યભૂમિ ભારતવર્ષ’ થીમ પર આધારિત આ મહોત્સવમાં રાજકોટની ૧૬૬ શાળાઓના ૯૪૫૪ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

૧૪ ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન વેશભૂષા, સમૂહ ભજનગાન, વાર્તાકથન અને શીઘ્રચિત્ર જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષાઓમાં મુખપાઠ તેમજ વકતૃત્વ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાઓમાં ૧ થી ૫ ક્રમાંક મેળવનાર ૯૩૫ વિજેતાઓને પુરસ્કાર અને તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રથમ ક્રમાંક મેળવનાર ૧૯૬ વિજેતા વિદ્યાર્થીઓને બિરદાવવા માટે રવિવાર, ૨૫ જાન્યુઆરીના રોજ ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધનમાં આશ્રમની સેવાની પરંપરાને બિરદાવતાં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સંસ્કારોનું સિંચન કરે છે.

આ પુરસ્કાર વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ ઉપરાંત આશ્રમના સ્વામી ગુણેશાનંદજી, સ્વામી દર્પહાનંદજી તથા સ્વામી મેધજાનંદજીના વરદ હસ્તે તેમજ આશ્રમના સ્વયંસેવકો શ્રી જી. એલ. રામાણી સાહેબ તથા શ્રી મનીષભાઈ પારેખના વરદ હસ્તે વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે પૂજ્ય સ્વામીજીઓએ પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ અંગેનાં પુસ્તકો વાંચવાનો અનુરોધ કર્યો હતો. સમસ્ત સ્પર્ધા સ્વામી શંકરેશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આશ્રમના કર્મયોગી સ્વયંસેવકો દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આ સ્પર્ધામાં સહભાગી થનાર તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, ટ્રસ્ટીઓ અને શિક્ષકો પ્રતિ આશ્રમ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

‘યુવાશક્તિ અને ભારતનું પુનર્નિર્માણ’ અંગે યુવા સંમેલન

૪ ફેબ્રુઆરીના રોજ ‘યુવાશક્તિ અને ભારતનું પુનર્નિર્માણ’ વિષય પર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રોના ૫૦૦ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સંમેલનમાં વેદાંત સેન્ટર, જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડના સ્પિરિચ્યુઅલ ડિરેક્ટર સ્વામી વેદનિષ્ઠાનંદજી, લોકપ્રિય શિક્ષણવિદ્ ડૉ. ભદ્રાયુ વછરાજાની તથા પૂર્વ સૈન્ય અધિકારી કેપ્ટન જયદેવ જોશીએ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડૉ. ભદ્રાયુભાઈએ યુવાનોને જીવનમાં એકાગ્રતા કેળવવા તથા ટૂંકા ગાળાનાં લક્ષ્યો નિર્ધારિત કરીને સ્વયંને તે માટે પ્રતિબદ્ધ થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું, સાથે જ યુવાનોને નિયમિત રીતે આશ્રમની મુલાકાત લઈ ધ્યાનના અભ્યાસ દ્વારા આંતરિક શક્તિ વિકસાવવા સૂચન કર્યું હતું.

સ્વામી વેદનિષ્ઠાનંદજીએ યુવાનોને એકાગ્રતાની રમત રમાડીને જીવનમાં લક્ષ્ય પ્રત્યે ગંભીર થવા હાકલ કરી હતી.

પૂર્વ સૈન્ય અધિકારી કેપ્ટન જયદેવ જોશીએ ‘વિવેક’ શબ્દનો સુંદર અર્થ સમજાવી પોતાના આર્મીના અનુભવો દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગ્રત કરી હતી.

સંમેલનના અંતિમ ચરણમાં યુવાનોના વિવિધ પ્રશ્નોના સચોટ ઉત્તર આપવામાં આવ્યા હતા તથા સૌએ સાથે મળીને સમૂહગાનનો આનંદ માણ્યો હતો. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી પુસ્તકોનો સેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

‘ધ્યાન શિબિર’માં ‘Guided Meditation’  શીખવવામાં આવ્યું

રવિવાર, ૮ ફેબ્રુઆરીના રોજ ‘ધ્યાન શિબિર’ યોજાઈ. શિબિરના પ્રારંભમાં વેદપાઠ, ગીતાપાઠ તથા સ્તોત્રગાનથી પરિવેશ ભક્તિમય બન્યો હતો.

​શિબિરમાં સ્વામી વેદનિષ્ઠાનંદજીએ ‘ધ્યાન’ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું અને ઉપસ્થિત ભાવિકોને ધ્યાનનો અભ્યાસ કરાવ્યો હતો. ત્યાર બાદ, રામકૃષ્ણ મિશન આશ્રમ, ભોપાલના સચિવ સ્વામી નિત્યજ્ઞાનાનંદજીએ ‘ગૃહસ્થ જીવનમાં આધ્યાત્મિકતા’ વિષય પર પ્રેરક પ્રવચન આપી, રોજિંદા જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોને કેવી રીતે વણી શકાય તે અંગે સમજણ આપી હતી.

રાજકોટ આશ્રમના સ્વામી દર્પહાનંદજીએ ‘મંત્ર-દીક્ષાનું મહત્ત્વ’ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે આશ્રમમાં 28 માર્ચના રોજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજ મંત્ર-દીક્ષા પ્રદાન કરશે. ઇચ્છુક ભક્તજનોને આશ્રમ કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી.

કાર્યક્રમના અંતિમ ચરણમાં જિજ્ઞાસુઓ માટે પ્રશ્નોત્તરી-સત્ર રાખવામાં આવ્યું હતું, જેમાં સ્વામીજીઓએ સાધકોની મૂંઝવણોનું નિરાકરણ કર્યું હતું. આ શિબિરનો 300થી વધુ ભક્તોએ લાભ લીધો. શિબિરાર્થીઓને કાર્યક્રમના અંતમાં ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો તથા ‘’પુસ્તક-કીટ’ ભેટ આપવામાં આવી હતી.

પ્રજાસત્તાક દિનની ઉજવણી

આશ્રમના પ્રાંગણમાં ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્વામી ગુણેશાનંદજી મહારાજ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, જેમાં સહુ સંન્યાસીઓ, સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીમંદિરના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.

‘વિવેકાનંદ સર્વિસ કૉર’ પ્રકલ્પના કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી. આ પ્રકલ્પની મહિલા શાખાની શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું તથા ભાઈઓ અને બહેનો બંને શાખાના કેડેટ્સે શક્તિ-પ્રદર્શન પણ કર્યું.

અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ

આશ્રમની નિત્ય-નૈમિત્તિક સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે પડધરી તાલુકાના ખામટા ગામમાં ૧૯૦ જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, પુસ્તક અને નાસ્તાના પેકેટ ધરાવતી ‘શૈક્ષણિક કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જરૂરિયાતમંદ લોકોમાં ૭૦ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટાના સીમ વિસ્તારમાં વસતા શ્રમિક અને જરૂરિયાતમંદ પરિવારોને ૭૦ ધાબળા, ૭૦ સાડી અને નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટના લોકવિદ્યા મંદિર-થોરડી, સિસ્ટર નિવેદિતા સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એડ. કૉલેજ, દર્શન યુનિવર્સિટી, પંચશીલ સ્કૂલ તથા રાધિકા સ્કૂલ-ત્રમ્બામાં મૂલ્યલક્ષી સેમિનાર કરવામાં આવ્યા હતા, જેનો ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

મહાશિવરાત્રિની ઉજવણી

રવિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રાજકોટ આશ્રમમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. શ્રીમંદિરમાં સંપૂર્ણ રાત્રિ દરમિયાન ચાર પ્રહરની વિશેષ પૂજા કરવામાં આવી. પૂજા દરમિયાન વિવિધ સ્તોત્રો, ભજન અને શિવ-નામ સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું તથા શિવ-નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. લગભગ ૧૦૦૦ જેટલા ભક્તોએ પ્રત્યેક પ્રહરના અંતે શિવજીને અભિષેક પણ કર્યો હતો.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.