(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના આ પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
સુદૂર કન્યાકુમારીની વાત છે. ભારત-માતાનાં શ્રીચરણ-સ્વરૂપ આ સ્થળ અપૂર્વ સૌંદર્યથી શોભિત છે. હિંદ મહાસાગર, અરબ-સાગર તથા બંગાળની ખાડી—આ ત્રણનું સંગમ-સ્થળ કન્યાકુમારી એક પવિત્ર તીર્થ હોવાને કારણે ધર્મપ્રાણ ભારતવાસી એનાં દર્શનાર્થે જાય છે. પરિવ્રાજક સંન્યાસી પણ ભ્રમણ કરતાં કરતાં એ બાજુ જઈ પહોંચ્યો અને ત્રાવણકોર (ત્રિવેન્દ્રમ) રાજ્યની ધર્મશાળા કે અતિથિ-શાળામાં રોકાયો. રાજ્યના એક ધર્મનિષ્ઠ અધિકારીએ બહુ પ્રેમપૂર્વક રહેઠાણની તથા નિત્ય ભિક્ષાની પણ વ્યવસ્થા કરી દીધી હતી, એટલે સંન્યાસી એ બાબતમાં નિશ્ચિંત થઈને, ત્યાંના પવિત્ર આનંદનો ઉપભોગ કરવા લાગ્યો. પરંતુ બ્રાહ્મણ સવારે કૉફી, બપોરે ભોજન અને ફરી રાતે કૉફી આપી જતા હતા, ક્યારેક ક્યારેક એમના અન્ય પુરોહિતપણાનાં કાર્યોમાં વધુ સમય લાગી જવાથી બહુ વિલંબ થયા કરતો, અઢી-ત્રણ વાગે ભોજન આવતું અને સવારની કૉફી નવ, સાડા નવ કે દસ વાગ્યા સુધીમાં આવતી, પરંતુ રાતના ભોજનમાં કંઈ ખાસ મોડું ન થતું. તેથી અગવડ પડતી હોવા છતાં સંન્યાસી ચુપચાપ સહન કરી લેતો, કેમ કે બીજો કોઈ ઉપાય પણ ન હતો.
એક દિવસ તો લગભગ બાર વાગવા આવ્યા, તો પણ કૉફી આવી નહીં. સંન્યાસી જે ઓરડામાં રોકાયો હતો, બરાબર એની સામેના આંગણાની પેલી પાર એક ઓરડામાં એક વૃદ્ધ દંપતી પહેલેથી જ રહેતાં હતાં. પરંતુ એમનો અલગ ભાવ જોઈને સંન્યાસીએ એમની સાથે પરિચય કેળવવાનો પ્રયત્ન કર્યો ન હતો. તેઓ પણ કોઈ વાતચીત કે ચર્ચા કરવા આવ્યાં ન હતાં. એ દિવસે એ વૃદ્ધ સજ્જને આવીને કહ્યું કે, ‘મારી સહધર્મિણી કહી રહી છે કે અત્યારે બાર વાગવા આવ્યા છે ને બ્રાહ્મણ સ્વામીજી માટે કૉફી નથી લાવ્યો. શું થયું, કેમ નથી લાવ્યો? તે બ્રાહ્મણ દરરોજ બહુ મોડું કરે છે, પણ આજ તો હદ કરી નાખી. તમને ભૂખ તો લાગી હશેે. ખરેખર તો આ કૉફીનો નહીં, પણ ભોજનનો સમય છે.’ સંન્યાસીએ કહ્યું, ‘હા, પણ ખબર નહીં, તે કેમ નથી આવ્યો! કદાચ કોઈ જરૂરી કામ આવી ગયું હશે અથવા તો તબિયત ખરાબ હશે! તે ઘરમાં એકલો જ છે, એના પિતા વૃદ્ધ છે અને મંદિરમાં કામ કરતો હોવાથી આ કામ કરી શકતો નથી.’
– ‘એના ઘરનું સરનામું છે?’
– ‘ના, ક્યારેય ગયો નથી, અને સરનામું હોય તો પણ આ સમયે તો એ નહીં મળે, ગોરપદું કરે છે, એટલે ક્યાંક કામમાં રોકાયેલો હશે.’
તે વૃદ્ધ પોતાના ઓરડામાં ગયો અને પત્ની સાથે વાતચીત કરીને પાછા આવીને (હાથ જોડીને) કહ્યું, ‘તો સ્વામીજી, મારી પત્ની કહી રહી છે કે જો તમે અનુમતિ આપો, તો એ સ્ટવ, વાસણ વગેરે સારી રીતે ધોઈ-માંજીને તમારા માટે કૉફી તૈયાર કરી દે…. કંઈક તો લેવું જોઈએ, હવે તો બાર વાગી ચૂક્યા છે.’
– ‘બહુ ખુશીથી કૉફી બનાવો, મને કોઈ વાંધો નથી.’ એ સાંભળીને વૃદ્ધ આનંદમાં આવી ગયો ને દોડીને પોતાના ઓરડામાં પહોંચી ગયો. વૃદ્ધા માતાએ સ્ટવ વગેરે ધોઈને કૉફી તૈયાર કરીને જાણ કરી કે, ‘કૉફી તૈયાર છે, આજ્ઞા હોય તો ત્યાં લાવે અને જો તમે અહીંયાં જ પધારો તો એથીય સારું રહેશે.’
સંન્યાસી વૃદ્ધ સાથે ચાલતો થયો. બહુ ભૂખ લાગી હતી, એ બહુ પ્રેમથી ગરમાગરમ કૉફી આપતા ગયા, સંન્યાસી આનંદપૂર્વક બે-ત્રણ કપ પી ગયો.
– ‘જો અનુમતિ આપો, તો હમણાં જ ઈડલી બનાવી છે. બહુ સારી વાનગી છે, બીમાર માણસને પણ આપવામાં આવે છે, હળવી હોવાથી તરત જ પચી જાય છે અને ચટણી પણ તૈયાર છે, તમને પીરસે?’
– ‘બહુ ખુશીથી, ઈડલી તો સારી વસ્તુ છે.’ એટલું સાંભળતાં જ વૃદ્ધ આનંદિત થયો અને એક થાળીમાં ૪-૫ ઈડલી તથા ચટણી આપી દીધી. બહુ સ્વાદિષ્ટ બની હતી, સંન્યાસી કૉફી સાથે ખાતો ગયો અને આડીઅવળી—દેશ-ભેદને કારણે ભોજન બનાવવાની પદ્ધતિમાં તફાવત વગેરે સામાન્ય વાતચીત કરતો ગયો. ૭-૮ ઈડલી સાથે તે ૪-૫ કપ કૉફી પણ સાફ કરી ગયો. તેણે જોયું કે વૃદ્ધ દંપતી આંસુ સારી રહ્યાં છે.
સંન્યાસીએ કહ્યું, ‘કેમ? મને બહુ ભૂખ લાગી હતી, એટલે શું? સંન્યાસ-આશ્રમનું જીવન આવું જ હોય છે કે, ક્યારેક સમય પર ખાવાનું મળે છે અને ક્યારેક કસમયે મળે છે. ક્યારેક તો કંઈ પણ મળતું નથી. ભૂખ-તરસથી તકલીફ તો પડે છે, પણ સહન કરવું પડે છે. ભોજનની બાબતમાં પરાધીનતા તો છે. અને તમે તો જાણો જ છો કે પરાધીનતા ચાહે ગમે તે રૂપમાં હોય, દુઃખદાયક જ હોય છે; પરંતુ સુખ હોય તો એ ફક્ત માનસિક જ હોય છે, મનમાં તો એ સ્વતંત્ર બાદશાહ હોય છે.’
વૃદ્ધે કહ્યું, ‘સ્વામીજી, એ વાત તો બરાબર, પણ અત્યારે અમારા જીવનની તો એક અપૂર્ણ ઇચ્છા પૂરી થઈ રહી છે. અમે પિલ્લૈ બ્રાહ્મણ છીએ, એટલે સંન્યાસી અમારા હાથનું અન્ન સ્વીકારતા નથી, તેઓ અમને શૂદ્ર માને છે, પણ અમે તો પોતાને ક્ષત્રિય સમજીએ છીએ. પોતાના હાથે બનાવેલી રસોઈ, પોતાના હાથે પીરસીને સંન્યાસીને ખવડાવવાની (ગૃહિણી તરફ ઇશારો કરીને) એની ઇચ્છા અત્યાર સુધી અધૂરી રહી હતી, આજે ઈશ્વરાનુગ્રહથી એ પૂર્ણ થઈ, તેથી આત્મિક પ્રસન્નતા તેમજ આનંદથી અમારું હૃદય ભરાઈ ગયું અને અમે આંસુ રોકી શકતાં નથી.’ (શ્રી પિલ્લૈ એક સેવાનિવૃત્ત પોલીસ-અધિકારી હતા.)
આ વાત સાંભળીને સંન્યાસીનું હૃદય પણ ભરાઈ આવ્યું અને અશ્રુપૂર્ણ આંખે બોલ્યો, ‘એવું શા માટે? સંન્યાસ લેતી વખતે તો નાત-જાત બધું છોડવાનો સંકલ્પ લઈને અગ્નિમાં આહુતિ આપવી પડે છે, ફરી એને જ પકડીને રાખવાનું! હા, શુચિ-અશુચિનો વિચાર સ્વીકાર્ય છે, સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. શુદ્ધતા તથા સફાઈ સાથે જો કોઈ રસોઈ બનાવે, તો સંન્યાસી માટે સત્શૂદ્રો અર્થાત્ શુદ્ધ સંસ્કારયુક્ત શૂદ્રોના હાથનું પણ ખાવામાં કોઈ દોષ નથી. વૈદિક બ્રાહ્મણ-ગ્રંથોમાં તો જોવા મળે છે કે એ વખતમાં બધા શૂદ્ર લોકો જ રસોઇયા હતા. વારુ, આ વિવાદનો વિષય હોવાથી એને છોડી દઈએ, પરંતુ જો વ્યક્તિ શુદ્ધ સંસ્કારી અને ભગવદ્ભક્ત તથા ધર્મ-પરાયણ હોય, તો અમે મનુષ્યમાત્રમાં ભેદ રાખતા નથી. અન્ન વગેરે ખાદ્યપદાર્થો સપ્રેમ સ્વીકારીએ છીએ અને પ્રાપ્ત અન્ન ‘બ્રહ્માર્પણમ્’ કરીને સાદર ગ્રહણ કરીએ છીએ. તેથી અજાણતાં પણ જો કોઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય, તો શાસ્ત્ર તેમજ ગુરુના નિર્દેશાનુસાર શુદ્ધીકરણ થઈ જાય છે. વળી, બધું સંસ્કાર તથા વિચાર દ્વારા ઉત્પન્ન થયેલ માનસિક સ્થિતિ પર નિર્ભર છે. હિંદુઓમાં ઘણાય અવૈદિક સંસ્કારો ઘૂસી ગયા છે, જેને વેદાનુકૂૂળ અને ઋષિ-જીવનમાં પ્રદર્શિત આચાર-વિચાર દ્વારા પુનઃ પરિશુદ્ધ કરવાની જરૂર છે. એવું થવાથી ભારતવાસી પુનઃ વધુ ગૌરવયુક્ત બનશે.’
– ‘(હાથ જોડીને) તો સ્વામીજી, અમારા ઘરે દરરોજ કૉફી પીવા આવો. તમે જ્યારથી આવ્યા છો; મોડેથી કૉફી તથા ભોજન લાવતાં જોઈને અમને બંનેને બહુ દુઃખ થયું હતું. મારાં ધર્મપત્ની તો વારંવાર કહ્યા કરતાં કે, ‘તે બ્રાહ્મણ આટલું મોડું કરે છે, આહા, સ્વામીજીને કેટલી તકલીફ પડતી હશે! પણ ભય અને સંકોચનાં માર્યાં અમે તમને કંઈ કહી શકતાં નહીં, આજે આનંદ થયો, હવે મનમાં સંતોષ છે.’
અને એમની આંખોમાંથી દડ દડ અશ્રુધારા વહેવા લાગી.
આમાં હતી ધાર્મિક ભાવના સાથે માનવતાની સુંદર ઝાંખી.
Your Content Goes Here




