(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના આ પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
ગુજરાત પ્રદેશમાં સચીન એક નાનકડું રાજ્ય છે, સુંદર જગ્યા છે, ચારેય બાજુ હરિયાળી, શાંત અને આકર્ષક. પરિવ્રાજક સંન્યાસી ભ્રમણ કરતાં કરતાં સુરત ગયો હતો. ત્યાં તેની તબિયત થોડી બગડી ગઈ. એક શિવ-મંદિરમાં વિચારમગ્ન બેઠો હતો, ત્યારે જ ત્યાંના એક સૌમ્યમૂર્તિ ગૌડ બ્રાહ્મણ આવ્યા.
શિવ-પૂજન કર્યા બાદ પાસે આવીને સંન્યાસીને પ્રણામ કર્યા અને ખબર-અંતર પૂછ્યા, જાણે કોઈ પૂર્વ-પરિચિત હોય! સંન્યાસીને એવું પ્રતીત થયું કે એ જાણે કોઈ પરમ આત્મીય છે. ત્યાર બાદ વાતચીત, સત્સંગ ચાલુ રહ્યાં. ભિક્ષાનો સમય થતાં બ્રાહ્મણે પૂછ્યું, ‘ભિક્ષાની શું વ્યવસ્થા છે?’
જ્યારે સાંભળ્યું કે કંઈ નથી, આકાશ-વૃત્તિ છે, તો તરત જ બજાર જઈને થોડા ગાંઠિયા, ભજિયાં, મીઠાઈ વગેરે લઈ આવ્યા. સંન્યાસી ભોજન કરતો હતો ત્યારે બ્રાહ્મણ પોતાના ગામ સચીન આવવા માટે અને થોડા દિવસ ત્યાં રોકાઈને તબિયત સુધારવા માટે વિનંતી કરવા લાગ્યાઃ
‘સચીન પાસે જ છે, સ્વાસ્થ્યપ્રદ જગ્યા છે, ચાલો. તમારી તબિયત સુધરી જશે અને અમને થોડો સત્સંગ મળશે, ત્યાર પછી તમારી જ્યાં ઇચ્છા હોય, ત્યાં જજો. મારી એક બહેન છે, રાત-દિવસ પૂજા-પાઠ કરે છે, તમારી સેવા કરશે, ઉપદેશથી તેને લાભ થશે. બહુ પ્રશ્નો પૂછે છે, પણ મને તો કંઈ ખાસ આવડતું નથી અને ત્યાં કોઈ સંત-મહાત્માનો આશ્રમ પણ નથી, જ્યાં જઈને અમે આધ્યાત્મિક જ્ઞાન કે આત્માની શાંતિ પ્રાપ્ત કરી શકીએ. ૫-૧૦ દિવસ માટે, જેટલા પણ દિવસ ભલે રોકાઓ, અમારું ઘર શહેરની બહાર છે, આશ્રમ જેવું જ છે, તમને બહુ ગમશે.’
સંન્યાસી રાજી થયો અને તરત જ સાથે ચાલતો થયો. એમણે બહુ સ્નેહપૂર્વક ધાબળો અને કમંડળ ઉઠાવી લીધાં.
ગાડી આવતાં જ ટિકિટ લઈને બંને બેસી ગયા અને વિવિધ પ્રકારની ચર્ચાઓમાં ડૂબી ગયા. રેલગાડી લગભગ સાંજે સચીન પહોંચી. ઘરે પહોંચ્યા તો ઘરના બધા લોકો બહુ રાજી થયા અને સામેના એક સ્વચ્છ ઓરડામાં રહેવાની વ્યવસ્થા કરી આપી. આખું ઘર સાત્ત્વિકતાથી પરિપૂર્ણ પ્રતીત થયું, સંન્યાસીને તે ઋષિઓના આશ્રમ-ગૃહ જેવું લાગ્યું. બહુ આનંદ થયો.
રાતે બહુ મોડે સુધી સત્સંગ ચાલ્યો. બ્રાહ્મણ તથા સંન્યાસી બંને એ જ ઓરડામાં સૂતા. સંન્યાસીએ કહ્યું, ‘મને સવારે વહેલા ઊઠવાની આદત છે, એટલે એક બાલટી અને દોરડું રાખી દો, કૂવામાંથી પાણી સીંચી લઈશ, તેથી સવારે માગવું ન પડે.’ બ્રાહ્મણે હસીને પૂછ્યું, ‘સવારે કેટલા વાગે જોઈશે? બહેન પણ રોજ ૩-૪ વાગે ઊઠી જાય છે, સ્નાન કરીને પછી પૂજામાં બેસે છે, તમને પાણી તૈયાર મળશે, સીંચવું નહીં પડે.’
બહેને સવારે ઊઠીને પાણી ભરી રાખ્યું હતું. જ્યારે સંન્યાસી પ્રાતઃકાર્ય કરીને પાછો ફર્યો, તો બધું તૈયાર હતું.
સંન્યાસી ચા પીને નજીકની સડક પર થોડો ટહેલવા નીકળ્યો, જેથી ગૃહસ્થ સુગમતાથી સવારનું કામકાજ કરી શકે! રસ્તો સુંદર હતો, પણ બંને તરફ દૂર સુધી એક જાતનાં બાવળનાં વૃક્ષો વાવેલાં હતાં. નાના નાના કાંટા અને બાવળનાં પીળાં ફૂલ રસ્તા પર પથરાયેલાં મળ્યાં.
ઉઘાડા પગે ચાલવું બહુ મુશ્કેલ હતું. જોયું તો, દૂર ગામમાંથી શાકભાજી, દૂધવાળાં ગરીબ સ્ત્રી-પુરુષો પોતાની મજૂરી કરવા જતાં હતાં, જેઓના પગમાં પગરખાં ન હતાં, તેઓ તો કાંટા પરથી ઘણી મુશ્કેલીથી પાર થઈ શકતાં હતાં. કાંટા વાગતા હતા અને તેઓ કાઢતાં જતાં હતાં.
બીજું શું કરે! સંન્યાસીને બહુ દુઃખ થયું. જાહેર માર્ગ પર બાવળ કે કોઈ અન્ય કાંટાવાળાં વૃક્ષો ઉગાડવાં જોઈએ નહીં અને આ કાંટાળાં વૃક્ષોને તો વિશેષ કરીને છાંયડા તથા શોભા માટે જ ઉગાડવામાં આવ્યાં હતાં. કેવી બુદ્ધિ!
પાસે જ એક નાનકડું ખજૂરનું ઝાડ જોયું. એનું જ એક પાંદડું કાપીને સાવરણા જેવું બનાવી લીધું અને રસ્તાની વચ્ચેનો ભાગ સાફ કરવા લાગ્યો. જેણે પણ જોયું, હસીને ચાલતા થયા, પરંતુ સંન્યાસી ખૂબ મુશ્કેલીથી કાંટા દૂર કરવામાં લાગેલો રહ્યો. બંને તરફ મળીને કુલ બસો જેટલાં બાવળનાં કાંટાળાં વૃક્ષો હતાં. એટલી વારમાં એક આધેડ ગુજરાતી વ્યક્તિ ત્યાં આવી પહોંચી.
– ‘શું કરી રહ્યા છો, મહારાજ?’
– ‘કંઈ નહીં, આ કાંટા લોકોને બહુ કષ્ટ આપે છે, એટલે જરા દૂર કરું છું.’
– ‘પણ વૃક્ષો કાપવામાં નહીં આવે, ત્યાં સુધી આવું જ રહેશે.’
– ‘વૃક્ષો ઉગાડનારે બુદ્ધિપૂર્વક રસ્તાના કિનારે કાંટાળાં વૃક્ષો ઉગાડ્યાં છે. પણ એને કદાચ એ વાત ધ્યાનમાં નથી આવી કે હજારો એવા ગરીબ લોકો છે, જેઓ ચંપલ પહેરી શકતા નથી. નવાબ સાહેબનું ધ્યાન આ બાજુ દોરવું જોઈએ. કમસે કમ એક વાર સવારે સફાઈદાર આવીને આટલી જગ્યા સાફ કરી જાય, વચ્ચેનો ભાગ સાફ કરવાથી જ થઈ જશે, લોકોની મુશ્કેલી દૂર થશે.’
– ‘હા, આટલું તો થઈ શકે, એમાં કોઈ મોટી વાત નથી, મહારાજ! જરા મને ઝાડુ આપો, થોડું હું પણ લગાવી દઉં.’
સંન્યાસીના હાથમાંથી એમણે ખજૂરનું ઝાડુ લઈ લીધું અને થોડે દૂર સુધી કાંટા સાફ કરવા લાગ્યા.
પરંતુ હવે લોકો આ જોઈને હસ્યા નહીં, પરંતુ આદરપૂર્વક મોઢામાં આંગળાં નાખીને ચુપચાપ ચાલવા લાગ્યા. પરંતુ કોઈએ એમ પણ ન કહ્યું કે અમને આપો, તેઓ બધા કામે જઈ રહ્યા હતા અથવા તો એમનું બજારમાં સમયસર પહોંચવું જરૂરી હતું.
સંન્યાસીને લાગ્યું કે આ ભાઈ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ઉપરોક્ત કાર્ય સમાપ્ત થયા બાદ એ મહાશયે કહ્યું, ‘તમે ક્યાં રોકાયા છો, ક્યારે આવ્યા? વગેરે.’ જ્યારે સાંભળ્યું કે ગઈ કાલે રાતે જ આવીને ગૌડ બ્રાહ્મણના ઘરે રોકાયા છે, એટલે ખુશ થઈને કહ્યું, ‘ગૌડ સારો માણસ છે, બહુ ધાર્મિક છે. મારા ઘરે ચાલો ને, પાસે જ છે, ૫-૭ મિનિટનો જ રસ્તો છે.’
સંન્યાસી સાથે ગયો. જાતજાતની વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યા, જોતાં જ પટ્ટાવાળો ચોકીદાર સલામ મારીને ઊભો થઈ ગયો, બહાર એક બોર્ડ લટકાવેલું હતું — ‘દીવાન સાહેબ, સચીન સ્ટેટ.’
સંન્યાસીને આદરપૂર્વક બેસાડીને ચા મગાવી અને કહ્યું — ‘મહારાજ, આજે તમારી પાસેથી જીવનની એક સારી શીખ મળી. હું દરરોજ ટહેલવા માટે એ બાજુ જ જાઉં છું, પરંતુ આ વાતનો ક્યારેય ખ્યાલ પણ ન હતો આવ્યો. જોઈને પણ નહોતું જોયું. એટલા માટે સંત-સમાગમ જરૂરી છે. આજે મને એ વાતનો આનંદ છે કે હું પણ મારા હાથે થોડી સેવા કરી શક્યો. અને એવી સેવા, જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરતા.’
સામે જ કચેરી હતી, ત્યાંથી રાજકુંવર સાહેબ આવી પહોંચ્યા, એટલે દીવાનજીએ બધી વાત કહી સંભળાવી. રાજકુંવર સાહેબે કહ્યું, ‘વાત તો સાચી છે, લોકોને તકલીફ તો બહુ પડતી હશે. તો બંને સમયે કોઈને સાફ કરવા મોકલી દઈએ, હુકમ કરી દો.’ આટલું કહીને પ્રણામ કરીને ચાલ્યા ગયા.
દીવાન સાહેબ સત્સંગી બ્રાહ્મણ હતા. સંન્યાસી ત્યાં ૫-૬ દિવસ રોકાયો હતો. તેઓ દરરોજ સવારે એ જ રસ્તા પર મળતા અને સત્સંગ કરતાં કરતાં દૂર સુધી ચાલીને પરત ફરતા.
જ્યાં ધાર્મિક ભાવના છે, ત્યાં માનવતા છે.
Your Content Goes Here




