(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

‘આ તો ભયંકર કાંટાવાળા બાવળનું ઘોર જંગલ છે, તમે અહીંયાં કેવી રીતે આવી ગયા? અરે, પગમાં ચંપલ પણ નથી! તમારે ક્યાં જવું છે?’ અજાણ્યા સંન્યાસી આ તરફ આવી પહોંચેલા જોઈને ઘેટાં-બકરાં ચરાવનાર બે મુસલમાન ભરવાડ ભાઈઓએ પૂછ્યું. તે મહારાષ્ટ્રના સર્વોત્તમ તીર્થ પંઢરપુરથી ચાલીને સોલાપુર જઈ રહ્યો હતો. વર્ષાકાળ હતો—સડક ઉપર નદીનું પાણી ભરાઈ જવાથી, નિરુપાય બનીને ખેતરોમાંથી પસાર થઈને બહુ દૂર સુધી ચાલ્યા પછી પૂરના પાણીનો છેડો તો મળ્યો, પણ એક નાળામાંથી પસાર થવાનું હતું, જેમાં છાતી સુધી પાણી હતું. નાળું પાર કરીને બાવળના જંગલમાં જઈ પહોંચ્યો. એ જંગલમાં રસ્તો તો ન હતો, ક્યાંક ક્યાંક માત્ર પગદંડી દેખાતી હતી, પરંતુ બધી ભયંકર કાંટાથી ભરેલી હતી, પગ મૂકવા માટે ખાલી જગ્યા પણ દેખાતી ન હતી. હવે શું કરવું—એવું વિચારી રહ્યો હતો કે પેલા બે મુસ્લિમ ભરવાડ ભાઈઓ આવી પહોંચ્યા અને એ પ્રશ્ન કર્યો. એમના પગમાં ઊંચા અને બહુ મોટા તળિયાવાળાં દેશી પગરખાં હતા.

સંન્યાસીએ કહ્યું, ‘જવું તો સોલાપુર છે, નજીકમાં કોઈ ગામ હોય તો કહો; પાણી ભરાઈ જવાથી સડક છોડીને આ તરફ આવવું પડ્યું.’

મુસ્લિમ ભાઈઓએ કહ્યું, ‘ગામ તો એક માઈલ દૂર છે, પણ તમારા પગમાં જૂતાં તો નથી, જશો કઈ રીતે?

પછી બંને જણે પરસ્પર ચર્ચા કરી. નાળા પાસે એક નાનકડું ખજૂરનું વૃક્ષ હતું. એમાંથી એક પાન કાપીને ઝાડુ જેવું બનાવીને કહ્યું, ‘હવે આવો, આની પર પગ મૂકીને ચાલવાનું છે, જ્યાં-ત્યાં પગ રાખીને ચાલવાથી હેરાન થઈ જશો. આ જ તમને જંગલ પાર કરાવશે.’ બસ, એક ભાઈ આગળ આગળ ઝાડુ મારીને કાંટા હટાવતાં હટાવતાં ચાલતો થયો. જંગલની સીમા ગામ તરફ અડધા માઈલથી વધુ હશે. આખા રસ્તે પ્રેમથી કાંટા હટાવ્યા અને ખુલ્લું મેદાન આવ્યું ત્યારે સલામ કરીને બોલ્યો, ‘હવે આ પાંદડું પકડીને સીધા ચાલ્યા જાઓ. પેલી પહાડી પાસે ગામ છે, પરંતુ અહીંયાં ગોખરુના કાંટા છે, એટલે પાંદડાને છોડીને જ્યાં-ત્યાં પગ મૂકતા નહીં.’ એટલું કહીને પરત ફરી ગયો. સંન્યાસી બહુ આભાર માનવા લાગ્યો, એટલે કહ્યું, ‘આ તો મારું કર્તવ્ય છે, મેં વિશેષ શું કર્યું છે?’

પરંતુ આ નાનકડા કથનમાં જ હતી, માણસાઈ-માનવતા!

જ્યારે સંન્યાસી ધીરે ધીરે આગળ ચાલીને ગામની નજીક પહોંચ્યો, ત્યારે એક બીજો મુસ્લિમ છોકરો મળ્યો—ઉંમર ૧૩-૧૪ વર્ષ હશે. એણે બહુ આદરપૂર્વક સલામ કરીને પૂછ્યું, ‘તમે અહીંયાં કઈ રીતે આવ્યા? આ તો ભયંકર બાવળના જંગલનો માર્ગ છે, સોલાપુરની સડક તો ગામના પેલા કિનારેથી જાય છે.’

જ્યારે સંન્યાસીએ બધી વાત કહી સંભળાવી ત્યારે એણે કહ્યું, ‘અરે, ત્યારે તો તમારે આજે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું હશે.’ હાથમાં રૂમાલ ઢાંકેલી એક થાળી હતી, એ દેખાડીને તેણે કહ્યું, ‘આમાં તો ભાત અને શાક છે, ખાજા સાહેબ પીરને ધરાવીને આવી રહ્યો છું, પણ તમે તો હિન્દુ સંન્યાસી છો, તમને આ ચાલશે નહીં… પરંતુ ફળ-દૂધ તો તમે લઈ શકો છો, કેમ?’ વળી ‘હા’માં જવાબ મળવાથી ઉત્સાહિત થઈને તેણે કહ્યું, ‘ત્યારે તો ઠીક, મારી બકરી દૂધ આપે છે અને ઘરે ઘણાં સરસ પાકેલાં કેળાં પડેલાં છે. દૂધ અને કેળાં ખાજો… વારું, રોકાશો ક્યાં?’ સંન્યાસીએ કહ્યું કે જ્યાં પણ જગ્યા મળે ત્યાં. એટલે તેણે આગ્રહપૂર્વક કહ્યું, ‘મસ્જિદમાં રોકાજો. મારા દાદાજી મૌલવી છે, હું જઈને તેમને વાત કરું છું. બહુ મજા આવશે, વાતચીત કરીને આનંદ આવશે.’

ત્યાં સુધીમાં નાનકડા ગામમાં જઈ પહોંચ્યો અને એ છોકરા સાથે મસ્જિદના ચબૂતરા પર જઈને બેસી ગયો. એ દોડીને પોતાના (મૌલવી) દાદાજીને બોલાવી લાવ્યો. વૃદ્ધ મૌલવીએ આવીને સ્વાગત-સત્કાર કર્યા પછી કહ્યું, ‘મહારાજ, આ ગામ તો મરાઠા લોકોનું છે. અમે ફક્ત ૪-૫ ઘર જ મુસ્લિમો રહ્યા છીએ, તમે તો સંન્યાસી છો, તમારી દૃષ્ટિમાં તો હિન્દુ, મુસ્લિમ બધા એકસમાન છે, પરંતુ જ્યારે મરાઠા લોકોને એ વાતની જાણ થશે કે અમે એક હિન્દુ સંન્યાસીને મસ્જિદમાં આશ્રય આપ્યો છે, તો નારાજ થશે, ઝઘડો પણ કરી શકે છે, એટલે પહેલાં તમે કાલેના હનુમાન મંડપમાં જઈને રોકાઓ. આ છોકરો તમારી સાથે આવશે અને ગામના અગ્રણીને જાણ કરીને બોલાવી લાવશે. જો તેઓ વ્યવસ્થા ન કરે, તો આ મસ્જિદ તો છે જ.’ આ ગ્રામીણ રાજકારણની વાત હતી, અને એમાં જ શાણપણ પણ હતું.

કાલેનો હનુમાન-મંડપ કહો કે ગામની અતિથિશાળા, પરંતુ એકદમ ગંદું સ્થાન હતું અને ત્યાં ગધેડાં, બકરાં વગેરે પશુઓ મોજથી આંટા મારતાં અને કુદરતી હાજત પણ કરતાં હતાં. ત્યાં કોઈ વ્યક્તિ દેખાતી ન હતી. એ છોકરાએ ઝાડુ મારીને બહુ સફાઈ કરી, છાણ ઉઠાવી ઉઠાવીને ફેંકી દીધું અને પછી પાણીની છાલક મારીને સંન્યાસીનો ધાબળો પાથરી દીધો. સામે જ કૂવો હતો. પાણી સારીને હાથ-મોં ધોઈને સંન્યાસી બેસી ગયો. ત્યારે બે-ત્રણ સાથીઓ સાથે ગામના મુખિયા આવી પહોંચ્યા. છોકરાએ જાણ કરી દીધી હતી. છોકરો દુભાષિયાનું કામ કરવા લાગ્યો. ગામના આગેવાનના પ્રશ્નોના સંન્યાસી હિન્દીમાં જવાબ આપતો હતો, તેને મરાઠીમાં પેલા આગેવાનને સમજાવીને આગેવાનની વાતો હિન્દીમાં સમજાવતો હતો. આ રીતે ઘણા સમય સુધી વાતો ચાલી, એમાં બહુ મજા પડી, આ મરાઠાઓ (એ લોકો જ શિવાજીની સેનામાં રહ્યા હતા) સાથે મનોવૈજ્ઞાનિક ચર્ચા કરવાની સુંદર તક હતી, પરંતુ અહીંયાં એ વાતો કરવાનો કોઈ અવકાશ ન હતો. સંન્યાસીની ભોજન-વ્યવસ્થા અંગે જે ચર્ચા થઈ, એ કિસ્સો બહુ રસપ્રદ છે, પરંતુ અહીંયાં તો માનવતાનો અંશમાત્ર જ લખવો છે. ગામના આગેવાન સંન્યાસીના ભોજનની વ્યવસ્થા કરીને પોતાના સાથીઓ સાથે રવાના થઈ ગયા.

સાંજ ગઈને રાત પડી. એ છોકરાને હવે ત્યાં બેસાડી રાખવાની કોઈ જરૂર ન હતી, એટલે સંન્યાસીએ તેને ઘરે જઈને ભોજન કરવાનું તથા સવારે ફરી મળવા આવવાનું કહ્યું. પણ છોકરોએ કહ્યું, ‘હું જમીને હમણાં આવું છું. તમે થાકી ગયા છો, હું ગરમ તેલ લાવીને તમારા પગે લગાવીશ—કાંટા પણ વાગ્યા હશે—ગરમ તેલ લગાવવાથી પાકશે નહીં અને દુઃખાવો પણ મટી જશે… દાદાજીને કહીને આવીશ, કેમ કે ખબર નહીં ગામના મુખિયા ક્યારે બોલાવશે, અને ધાબળો-કમંડળ અહીંયાં છોડીને જવું ઠીક નથી. કોઈ ઉઠાવી જશે તો તમને તકલીફ પડશે. તમે પાછા ફરો ત્યાં સુધી હું ધ્યાન રાખીશ. ’ એવું કહીને તે ચાલ્યો ગયો અને એકાદ કલાકમાં ગરમ તેલ લઈને આવી પહોંચ્યો. સંન્યાસી તો થાકેલો હોવાથી સૂઈ ગયો હતો. તે હળવે હાથે પગમાં માલિશ કરવા લાગ્યો, તેથી જાગી ગયો. તેણે મધુર સ્વરે કહ્યું, ‘તમે સૂઈ જાઓ, હું માલિશ કરી દઉં છું.’ સંન્યાસી ફરી ઊંઘી ગયો.

રાતે લગભગ દસ વાગે, ગામનો મુખી હાથમાં એક મશાલ લઈને બોલાવવા આવ્યો. મહાકાય મુખી કાળા યમદૂત જેવો લાગતો હતો. એનું ખડતલ શરીર, ભુજાઓ એવાં હતાં કે જોતાં જ ભય લાગે. મુસ્લિમ બાદશાહો જેને પહાડના ઉંદર કહેતા હતા, એમની મદદ કરવાવાળા આ જ લોકો હતા.

સંન્યાસીને ભોજન વગેરે કરીને પાછા ફરતાં રાતના અગિયારથી પણ વધુ સમય થયો હશે, પરંતુ એ સુકુમાર છોકરો સજાગ બેસીને ચોકીદારી કરી રહ્યો હતો.

એટલી વારમાં એને બોલાવવા માટે તેના દાદાજી પણ આવી પહોંચ્યા. સંન્યાસીએ તેના આ સેવા-ભાવની બહુ પ્રશંસા કરી અને આશીર્વાદ આપીને દાદાજીની સાથે જ જવા માટે કહ્યું. જતી વખતે તેણે કહ્યું, ‘પણ સવાર પડતાં આમ જ ચાલ્યા ન જતા, હું ગરમ દૂધ અને પાકાં કેળાં લાવીશ, એ ખાઈને પછી જજો.’

સંન્યાસી હજુ નાહી-ધોઈને તૈયાર પણ ન હતો થયો કે એ છોકરો દૂધ અને કેળાં લઈને હાજર થઈ ગયો. સંન્યાસી જ્યારે ચાલતા થયા, તો એ સાથે સાથે ઘણે દૂર સુધી આવ્યો અને વારંવાર સલામ-પ્રણામ કરીને વિદાય લીધી.

સુસંસ્કારી માનવતાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું!

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.