(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના આ પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
પરિવ્રાજક સંન્યાસી ચંબા પર્વત (પંજાબ)થી નીચે પઠાણકોટ તરફ આવી રહ્યો છે. વર્ષાઋતુ છે અને બહુ વરસાદ વરસી રહ્યો છે. પાસે છત્રી નથી—એક પાતળા ધાબળાથી જ છત્રીનું કામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ એ પણ પાણીમાં પલળીને વજનદાર બની ગયો છે, તેથી તેને વારંવાર નીચોવીને શરીર ઢાંકવું પડે છે. ૧૨-૧૩ માઈલ પર એક ગામ છે—રસ્તામાં રોકાવા યોગ્ય બીજું કોઈ સ્થાન નથી. પઠાણકોટના આ ટૂંકા માર્ગ (Short Road)ની લંબાઈ પઠાણકોટ-ડેલહાઉસી-ચંબાના સડક માર્ગથી ૧૪-૨૦ માઈલ ઓછી છે.
દૂરથી ગામ દેખાયું. એક નાનો પુલ ઓળંગીને જવું પડે, પણ… હાય રે! રસ્તો ધસીને બહુ દૂર સુધી અદૃશ્ય થઈ ગયો છે. સામે જવા માટે કોઈ માર્ગ નજરે પડતો નથી, એટલે તે વિચારે છે કે શું કરવું? એટલી વારમાં એક પગદંડી નજરે પડી, જે લગભગ અડધો માઈલ નીચે એકદમ ચંબલ નદીની નજીક સુધી છે; અને જે ઝરણું રસ્તો તોડીને તીવ્ર વેગે નદીમાં ભળી જાય છે—એની જ પેલી બાજુ જઈને સડક સાથે મળેલી છે. સામે પુલ પર જવાનો બસ આ એકમાત્ર માર્ગ છે—બાકી ઉપર તરફ હતા ઊંચા પર્વતો, એની પર ચઢવાનો કોઈ માર્ગ ન હતો. પરિવ્રાજક નીચેની તરફ ચાલીને ચંબલ પાસે આવી પહોંચ્યો.
ચંબલ નદી વિનાશની મૂર્તિ ધારણ કરીને નાચતી તથા ગર્જના કરતી કરતી ભયંકર વેગથી દોડી રહી હતી. તે પાણીથી છલોછલ ભરેલી હતી અને હવે તેનો પ્રવાહ ઊંચા પુલથી જરાક જ નીચે રહી ગયો હતો! પરંતુ એ ઝરણાની ગતિ અહીંયાં એટલી તીવ્ર હતી કે જરા પણ પગ લપસ્યો તો સીધા ચંબલની ગોદમાં. પથ્થરો પરથી પસાર થઈને ઊછળતી-કૂદતી નદી એવી વેગવંતી હતી કે તૃણના પણ બે ભાગ થઈ જાય અને એમાં પડતાં જ ક્ષણભરમાં મૃત્યુ થવું નિશ્ચિત હતું.
હવે શું ઉપાય કરવો? એ ભયંકર વરસાદમાં સહારો આપનારી કોઈ પણ વ્યક્તિ બહાર દેખાતી ન હતી. તેથી નદી પાર કરવાનો પ્રયાસ કરવો જ એકમાત્ર ઉપાય હતો. ઝરણાના પાણીમાં બે ડગલાં આગળ વધતાં જ એનો એક પગ અડધાથી વધુ ઊંડા કાદવમાં ખૂંપી ગયો, હાથમાં પકડેલી લાંબી પહાડી લાકડીનો પણ લગભગ પોણો ભાગ અંદર ચાલ્યો ગયો અને સંન્યાસી અસહાય સ્થિતિમાં ફસાઈ ગયો. હવે નીચે ઝરણાના પાણીનું જોર હતું અને ઉપરથી મેઘરાજાએ પણ વરસાદ ચાલુ રાખ્યો હતો. હિમાલયનો બર્ફીલો પવન વહી રહ્યો હતો અને બધાં કપડાં વગેરે ભીંજાઈ જવાથી અકલ્પનીય કષ્ટ થઈ રહ્યું હતું, હવે મૃત્યુ સુનિશ્ચિત છે એવું માનીને સંન્યાસી અંતિમ સ્મરણ કરવા લાગ્યો—આંખો બંધ કરીને મૃત્યુની પ્રતીક્ષા કરવા લાગ્યો. મનમાં એકમાત્ર આ જ ભાવ હતો — ‘તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.’
ભયંકર અવાજ થયો. એણે ચોંકીને જોયું કે જ્યાં ઊભો છે, બરાબર એની ઉપર જ ઝરણામાં ફરીથી માટી તથા ભેખડો ધસીને એ તરફ જ આવી રહ્યાં હતાં. બસ, આ બધું આવીને તેને દબાવી દેશે, હવે જીવવાની કોઈ આશા નથી. પરમેશ્વરની કદાચ એ જ ઇચ્છા હશે! જય ભગવાન! એ આંખો બંધ કરીને મૃત્યુની રાહ જોઈને શાંત ઊભો હતો, પરંતુ આ શું? મોટી મોટી શિલાઓ એકદમ હાથવેંત દૂર આવીને અટકી ગઈ? વરસાદ પણ ઓછો થઈ ગયો. કોણ જાણે એની શું મરજી છે! અસ્તુ! ફસાયેલા પગને કાઢવાનો પ્રયત્ન કેમ ન કરવો? હાથ પાસે જ મોટો પથ્થર હતો, એનો ટેકો લઈને પગ ખેંચીને કાઢી લીધો અને જોયું કે ઉપરથી જે મોટા પથ્થરો અને માટી ધસી આવ્યાં હતાં, એના કારણે પાસે જ રસ્તો બની ગયો છે અને એના પરથી ઝરણાની પાર જવું સરળ બન્યું. દસ હાથ નીચે જ ઉન્માદિની ચંબલ દોડી રહી હતી. ‘પ્રભુ, તમારી અસીમ દયા! જેને નિશ્ચિત મૃત્યુ સમજ્યું હતું, એ જ નિશ્ચિત જીવનનો સહારો બન્યો! તમારી લીલા કોણ સમજી શકશે! જય ભગવાન!’ આભારપૂર્ણ હૃદયમાં બીજી ઘણી વાતો આવી, ઘણા પ્રેમપૂર્ણ ઉદ્ગારો નીકળ્યા, પણ તે અંતર્યામી જ જાણે, અહીંયાં કહેવું યોગ્ય નથી.
સ્નેહપૂર્ણ હૃદય સાથે સંન્યાસી પુલ તરફ આગળ વધ્યો, જ્યાંથી ગામ નજીક દેખાતું હતું. એ પુલની આ તરફ એક નાની એવી પહાડી દુકાન હતી, જેમાં અનાજ-કપડાં વગેરે જરૂરી ચીજવસ્તુઓ હતી. પાસે જતાં જ દુકાનદારે કહ્યું, ‘પુલ બંધ છે, તાળું માર્યું છે, જવાનો હુકમ નથી, પુલ ખતરામાં છે, પાણીની બહુ આવક થતાં એક હાથ જેટલો જ બાકી છે, એ બાજુ ડૂબવા માટે ન જાઓ!’ સંન્યાસીએ કહ્યું, ‘અરે, ભાઈ! જો ચાવી હોય તો ખોલી આપો, ગામમાં જતો રહું. અહીંયાં ક્યાં રોકાઈશ?’
એટલી વારમાં એક બીજા ભાઈ અંદરથી બહાર આવ્યા અને સંન્યાસીને જોઈને કહ્યું, ‘આવો મહારાજ, પધારો. અરે, તમે તો પલળી ગયા છો. રસ્તો તો તૂટી ગયો છે, ઊતરશો કેવી રીતે? આવો, જરા આગ તાપો, કપડાં સૂકવી લો, આવી રીતે રહેવાથી બીમાર પડી જશો. તમે ચા તો પીઓ છો ને? અરે, ભીંજાવાથી અંગો ફિક્કાં પડી ગયાં છે.’ અને તે હાથ પકડીને આગ પાસે લઈ ગયા અને કહ્યું, ‘બધું કાઢી નાખો, લો આ નવાં કપડાં. કોઈએ પહેર્યાં નથી, પહેરી લો, આ ધાબળો ઓઢી લો. આને કાઢી નાખો. અરે, આ તો પાણીમાં પલળી ગયો છે.’
આગની પાસે બીજા એક-બે ધાબળા પાથરીને તેમણે કહ્યું, ‘આની પર બેસો, ગરમ રહેશે.’ આગને પ્રજ્વલિત કર્યા બાદ ગોળ નાખીને ગરમ ચા બનાવી અને વાટકો ભરીને પીવા આપી. ચા પિવડાવ્યા બાદ એણે કહ્યું, ‘મહારાજ, તમે ધાબળો ઓઢીને આરામથી સૂઈ જાઓ, તબિયત સારી થઈ જશે. કાલે પુલ ખૂલે ત્યારે જતા રહેજો. વરસાદ બંધ થઈ ગયો છે. જો રાતે પણ બંધ રહેશે, તો પાણીની આવક ઘટી જશે અને પુલ ખૂલી જશે. તમે આરામથી સૂઈ જાઓ.’
સંન્યાસી થાકેલો હતો. મૃત્યુના મુખમાંથી બહાર આવ્યો હોવાથી માનસિક થાક પણ લાગ્યો હતો. પરિસ્થિતિજન્ય એ ભયાનક માનસિક આઘાત! સૂતાંવેંત જ ઊંઘ આવી ગઈ. સાંજના ૪ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સારી ઊંઘ લીધી. જ્યારે જાગ્યો, ત્યારે બંને દુકાનદાર-ભાઈઓ તમાકુ ખાતાં ખાતાં વાતો કરતા હતા. એક જણે ઊભા થઈને ગરમ પાણી આપતાં કહ્યું, ‘મોં ધોઈ લો, ખીચડી તૈયાર છે, ગરમાગરમ ખાઈ લો, સાજા થઈ જશો.’
સંન્યાસીને બહુ કકડીને ભૂખ લાગી હતી—હાથ-મોં ધોઈને એ અમૃત-સમાન ખીચડી ખાઈ ગયો. વાત કરવાની મનઃસ્થિતિ ન હતી. વીતેલી ઘટનાનું સ્મરણ કરીને મનોમન કહી રહ્યો હતો — ‘ઈશ્વરીય-લીલાને ભલા કોણ સમજી શકે? જેના કારણે મૃત્યુ નિશ્ચિત હતું, એના દ્વારા જ સહારો મળ્યો…. અને આ પહાડી ભાઈઓના મનમાં પ્રેરણા જગાવીને ચોક્કસ એમણે જ મદદ કરી છે. આટલા સ્નેહથી સત્કાર! આશ્ચર્ય!’…… એક ભાઈએ કહ્યું, ‘તમે સૂઈ જાઓ, મહારાજ! ફરી સવારે ચા પીવાના સમયે બોલાવીશ.’ સવારે જાગીને જોયું, તો તેઓ ઊઠીને બેઠા હતા. બહાર જોરદાર વરસાદ વરસતો હતો. સજ્જનોએ કપડાં તથા ધાબળો સૂકવીને પાસે જ રાખી દીધાં હતાં. સંન્યાસી સ્નાન વગેરે કરીને પરવાર્યો ત્યાં તો ચા તૈયાર હતી! તેમણે કહ્યું કે, ‘આજે અહીંયાં જ રોકાઓ, પુલ કદાચ આજે પણ નહીં ખૂલે, ચિંતા ન કરો, આપણે સત્સંગ કરીશું.’
બપોરે ભોજન કર્યા બાદ પ્રશ્નોત્તરરૂપે થોડી ધર્મ-ચર્ચા થઈ. બહુ પ્રેમપૂર્વક વાતચીત કરી. વરસાદ બંધ થઈ ગયો હતો. પેલી બાજુથી પોલીસવાળાએ આવીને પુલનો દરવાજો ખોલવા માટે કહ્યું. દરવાજો ખૂલતાં જ પરિવ્રાજક સંન્યાસી સપ્રેમ કૃતજ્ઞતા તથા ઘણા આશીર્વાદ આપીને વિદાય લઈને ગામ તરફ ચાલી નીકળ્યો. માનવતાનું આ સુંદર રૂપ જોઈને તે મુગ્ધ થઈ ગયો હતો.
Your Content Goes Here




