(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના આ પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

(ગતાંકથી આગળ)

શાંત, સુંદર, સુશીતળ હિમાચલ પ્રદેશ. યમુનોત્રી તીર્થના માર્ગ પર આશરે નવ માઈલ આગળ એક પહાડી ગામ છે. સડકથી થોડે ઉપર પહાડની ટોચ ઉપર દૂરથી છબિ જેવું મનોહર, બંને તરફ દૂર દૂર સુધી બરફથી શણગારેલું ધવલ ગિરિશિખર, અપૂર્વ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ ગામ!

પરિવ્રાજક સંન્યાસી હિમાલયમાં ભ્રમણ કરતાં કરતાં આ ગામમાં જઈ પહોંચ્યો. બપોરનો સમય હતો. બહુ ભૂખ લાગી હતી, ગઈ કાલે પૂરતું ભોજન મળ્યું ન હોવાથી અન્નની બહુ જરૂર જણાતી હતી, પરંતુ આ શું? ગામ તો આખું ખાલી જણાઈ રહ્યું છે. માણસો તો હશે, કેમ કે ગાય ચરી રહી છે, કૂતરાં પણ છે, વસ્તીનાં અન્ય પણ કેટલાંક ચિહ્નો છે. એક ઘરના આંગણામાં બેસીને એક વૃદ્ધ સ્ત્રી તકલી પર ઊન કાંતતી હતી. સંન્યાસીને જોતાં જ એ બહુ પ્રેમપૂર્વક આવકાર આપતાં બોલી, ‘આવો નારાયણ, પધારો.’ અને સાદડીનું એક આસન પાથરી દીધું. ‘આજે તમે અમારા ઘરે પધાર્યા, અમારાં અહોભાગ્ય! હવે ભિક્ષા લઈને જ જજો, વહુ-દીકરી બધાં ઘાસનાં બીજ લાવવા ગયાં છે, પાંચ ગામ દૂર, સવારે જ ગયાં છે. સાંજ સુધીમાં આવી જશે, ત્યારે તેનાથી રસોઈ બનાવશે, તમે પણ જમજો. બે વર્ષથી કોઈ અન્ન પાક્યું નથી, શું કરીએ, પરમેશ્વરની જેવી ઇચ્છા!’

એટલી વારમાં એક વૃદ્ધ આવ્યા. તેઓ ગામના મુખિયા હતા. ‘ॐ નમો નારાયણ’ — કહીને બહુ સજ્જનતાપૂર્વક પ્રણામ કરીને સ્વાગત કરતાં બોલ્યા, ‘મહારાજ, તમે મારા ઘરે ચાલો, એમને ત્યાં કોઈ નથી, બધાં ઘાસના બીજ લેવા ગયાં છે, ગામની બધી સ્ત્રીઓ ગઈ છે. બળવાન પુરુષો મજૂરી કરવા માટે મસૂરી-દેહરાદૂન ગયા છે. થોડું કમાશે અને પછી ધાન્ય લઈને આવશે. બે વર્ષથી અહીંયાં કંઈ પેદા થયું નથી, મહારાજ! શું કરીએ? પેટ માટે કંઈક ઉપાય તો કરવો પડશે ને. ભિક્ષાનો સમય થઈ ગયો છે. મારે ત્યાં રસોઈ તૈયાર છે, પધારો.’

પણ એ વૃદ્ધ સ્ત્રી છોડવા માટે રાજી ન થઈ — ‘અમારા ઘરે સંત આવ્યા છે. કંઈ ખાધા વિના કેવી રીતે જઈ શકે? અમંગળ થશે. સાંજ સુધીમાં વહુ-દીકરી આવી જશે, ત્યારે રસોઈ બનશે. અત્યારે ઘરમાં કંઈ નથી, શું કરું? નહીંતર તો હું જ બનાવીને ખવડાવી દેત. હું પણ જાણું છું કે ભિક્ષાનો સમય થઈ ગયો છે, પણ ઘરે આવ્યા છે તો ભિક્ષા કરીને જ જશે અને મેં જ બોલાવીને બેસાડ્યા છે, હવે જો આમ જ જતા રહે, તો અધર્મ થશે.’

મુખિયાએ બહુ સમજાવ્યાં કે, ‘ભૂખ્યા છે, આમ બેસાડી રાખવા ઉચિત નથી, આપણે બધા એક જ તો છીએ. એમાં દોષ નથી, ગામ તરફથી હું હાજર છું. મારા દ્વારા કરવામાં આવેલી આગતા-સ્વાગતામાં બધાનો ભાગ છે!’ વગેરે વગેરે. વૃદ્ધાએ કહ્યું, ‘હા, એ તો ઠીક, પણ ઘર-આંગણમાંથી જરા કંઈક ગ્રહણ કર્યા વિના ચાલ્યા જાય, એ તો ન બની શકે.’ એવું કહીને અંદર ગયાં અને એક કણી ગોળની લાવીને સંન્યાસીના હાથમાં રાખીને અશ્રુભીની આંખે કહ્યું કે, ‘મહારાજ, બીજું કશું નથી, આટલું સ્વીકાર કરો’ — એમ કહીને હાથ જોડીને બેસી ગયાં. સંન્યાસીએ પ્રેમપૂર્વક તે ગ્રહણ કર્યું અને ખૂબ આશીર્વાદ આપીને મુખિયા સાથે એના ઘરે ગયો. મુખિયાએ બહુ પ્રેમથી નાની નાની ચાર રોટલી ભિક્ષામાં આપતાં કહ્યું, ‘મહારાજ, હવે આટલેથી જલપાન કરી લો, જ્યારે રાતે જંગલેથી અન્નના દાણા ભરીને સ્ત્રીઓ આવશે, ત્યારે ફરી રસોઈ બનશે. શું કરીએ મહારાજ, બે વર્ષથી કોઈ અન્ન પાક્યું નથી, બટેટા પણ નથી પાક્યા, નહીં તો અમે એનાથી પણ કામ ચલાવી લેત.’

રોટલી પણ એકદમ લીલા રંગની હતી! સંન્યાસી એ જોઈને મનોમન ગભરાઈ ગયો અને બોલ્યો, ‘મુખિયાજી, ગામની બહાર ઝરણા પાસે બેસીને ખાઈશ.’ એવું કહીને ગામની બહાર ઝરણા પાસે ચાલ્યો ગયો. પરંતુ, એક બટકું તોડીને મોઢામાં મૂકતાં જ કડવી દવા જેવો સ્વાદ ચાખીને ગભરાઈ ગયો. મનોમન કહેવા લાગ્યો, ‘અરે મન, આ ભોજન કેટલી તકલીફથી બનાવ્યું છે. વળી, તું ક્યાં રાજકુંવર છે. ખાઈ લે. આ જ ખાઈને લોકો જીવે છે અને અને તે પણ મુશ્કેલીથી મળે છે. એથી ફેંકી દેવું ઉચિત નથી, તું ખાઈ લે.’ પણ મનને સમજાવવાથી શું થાય, મોંઢામાં નાખતાં જ અન્નપ્રાશન સુધીનું અન્ન પણ બહાર આવી ગયું, પાણી પીવા છતાં બહુ મુશ્કેલીથી એ નાનું એવું બટકું પેટમાં તો નાખ્યું, પણ બાકીનું ખાવું અશક્ય લાગતાં તે વિચારવા લાગ્યો કે, ‘હવે શું કરવું? ભિક્ષામાં આપેલું અન્ન વગેરે કોઈ વસ્તુ ગૃહસ્થ પરત તો ન લે, અધર્મ માને છે, અને સંન્યાસી માટે પણ લઈને ફેંકી દેવું અધર્મ છે.’ ધર્મ-સંકટમાં પડીને વિચારવા લાગ્યો કે શું કરી શકાય. એટલી વારમાં જ્યાં સંન્યાસી બેઠો હતો, ત્યાંથી ઉપર તરફ ધ્યાન ગયું તો જીર્ણ-શીર્ણ હાડપિંજરવાળો એક ગોપ-બાળક બેઠો હતો અને ભૂખ્યા સિંહની માફક રોટલી તરફ તાકી તાકીને જોતો હતો.

સંન્યાસીએ ઇશારો કરીને એને પાસે બોલાવ્યો, એટલે એકદમ કૂદકો મારીને આવી પહોંચ્યો અને સાડા ત્રણ રોટલીઓ આપતાં જ મીઠાઈની જેમ એકદમ ખાઈ ગયો, પાણી પણ ન પીધું. આહા, ભૂખ!

ઉપરનું સંપૂર્ણ દૃષ્ટાંત અપૂર્વ ધાર્મિકતાની સાથે માનવતાની ઝાંખી કરાવે છે.

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.