(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના બે પ્રકરણોનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

(૧)

પઠાણકોણ (પંજાબ) શહેરની બહાર એક નાનકડું શિવ-મંદિર છે. સુંદર સ્થાન છે. ત્યાં એક કુંડ છે, જેમાં પાણીનું સ્તર વધી જવાથી તેનો પ્રવાહ એક નાની એવી નદી જેવો થઈ ગયો છે. વર્ષાઋતુને કારણે પાણીનો પ્રવાહ થોડો વધુ હતો અને ચારે બાજુ વનસ્પતિઓની હરિયાળી નજરે પડતી હતી.

સંન્યાસી ભ્રમણ કરતાં કરતાં ડેલહાઉસી-ચંબા પહાડથી એ બાજુ ઊતરી આવ્યો હતો. એ મંદિરની બાજુમાં એક નાની ઓરડી હતી. પૂજારીના કહેવાથી એમાં જ રોકાયો, પરંતુ રાતે એવો તાવ ચઢ્યો કે બેભાન થઈને આખી રાત તથા બીજે દિવસે સાંજના લગભગ ચાર વાગ્યા સુધી પડ્યો રહ્યો. પૂજારી એક પહાડી સજ્જન હતા. એમને પણ મલેરિયા તાવ ચઢ્યો હતો અને બેહાલ થઈને પડ્યા હતા. એક વૃદ્ધ પંજાબી માઈ પૂજારીની સેવા કરીને—એમની પાસેથી જાણીને કે કોઈ સંન્યાસી આવ્યા છે, મળવા અને પ્રણામ કરવા એ ઓરડીમાં આવી. ત્યાં સંન્યાસીને સૂતેલો જોઈને સમજી ગઈ કે ઊંઘમાં છે. પરંતુ સાંજ પડી રહી છે, એટલે જગાડી દેવા ઠીક રહેશે. એમ વિચારીને વારંવાર બૂમો પાડવા લાગી, ‘મહારાજ, સાંજ પડવા આવી, હવે કેટલો આરામ કરશો.’ એથી સંન્યાસી ભાનમાં આવ્યો અને ખબર પડી કે તે આટલો સમય બેભાન પડ્યો હતો.

આ વાતની ખબર પડતાં જ વૃદ્ધ માઈ રડવા લાગી, ‘હાય, હાય, જો ઈશ્વર-આદેશથી હું આ બાજુ ન આવી હોત, તો તાવમાં ભૂખ્યા જ રહી જાત! આખા શહેરમાં ઘરે ઘરે બધા તાવમાં પટકાયા છે, મલેરિયા તાવ બહુ ખરાબ છે. હું હમણાં જ દૂધ લાવું છું, ગરમ ગરમ દૂધ પીવાથી ભાન આવશે, સારું રહેશે.’ સંન્યાસીએ ઊઠીને બેસવાનો પ્રયત્ન કર્યો, પણ એક જ રાતમાં એટલી નબળાઈ આવી ગઈ હતી કે ઊભો ન થઈ શક્યો. માઈએ સ્નેહપૂર્વક પકડીને બેસાડ્યો, પાણી લાવીને સામે મૂક્યું અને બજારમાં દૂધ લેવા ગઈ. બજાર થોડેક દૂર હતું. જ્યારે દૂધ લઈને આવી, તો સાથે એમનો દીકરો પણ હતો. તે એને સમજાવા લાગી કે ‘આવી હાલતમાં કોઈ હોય, તો તેની સેવા કરવી જોઈએ, આ જ ધર્મ છે. સવારે આવીને જોઈ જજે, દૂધ આપી જજે, પછી હું આવીશ… પૂછી જજે કે થોડી ખીચડી કે રોટલી ખાવાની ઇચ્છા છે, તો આવતી વખતે સાથે લાવીને ખવડાવીશ, ફરી સાંજે પણ અહીંયાં આવજે, ખબર-અંતર પૂછી જજે.’

ઘણા દિવસ તાવ રહ્યો, પણ આ દેવીએ સંન્યાસીને કોઈ પણ જાતની તકલીફ ન પડવા દીધી, બધી રીતે સેવા કરી. જ્યારે ત્યાંના આર્ય-સમાજના અધ્યક્ષે અચાનક આવીને આ દૃશ્ય જોયું, ત્યારે તાત્કાલિક ગાડી મગાવીને સમાજ-ગૃહમાં લઈ ગયા અને સેવાની ખાસ વ્યવસ્થા કરીને બહુ પ્રેમપૂર્વક દાક્તર પાસે સારવાર કરાવી. એવું લગભગ બે મહિના સુધી ચાલ્યું. એ વૃદ્ધ માઈ પણ સંન્યાસી માટે દૂધ લઈને ત્યાં રોજ આવ્યા કરતી.

માનવતાનો એ સર્વોત્તમ નમૂનો હતો.

(૨)

વર્ષાઋતુ હતી, ભાદરવો મહિનો, ઝડપી પવન ફૂંકાતો હોવા છતાં પણ દિવસે ગરમી પડતી હતી. ધાન્ય પાક ઊતરવાની તૈયારીમાં હતો. ચારેય તરફ ફેલાયેલાં ધાન્યનાં ખેતરો અપૂર્વ શોભાથી હૃદયને આકર્ષી રહ્યાં હતાં. ઘાટ, મેદાન, વનસ્પતિઓ—બધાં જાણે લીલા રંગનાં વસ્ત્રો પહેરીને જગન્નાથનું મન બહેલાવી રહ્યાં છે—જ્યાં જુઓ ત્યાં અનુપમ સૌંદર્યની શોભા છે, પણ સૂર્ય-નારાયણ બહુ તાપ વરસાવી રહ્યા છે, બપોરનો તડકો તો અસહ્ય છે.

એ જ વખતે એક પરિવ્રાજક સંન્યાસી કલકત્તાથી થોડે દૂર સ્થિત બંગાળના એક તીર્થ-ત્રિવેણી (જેને મુક્ત-ત્રિવેણી પણ કહે છે)થી વર્ધમાન શહેર જવા માટે નીકળી પડ્યો હતો. વર્ધમાન ત્યાંથી ઘણું દૂર હતું, એટલે જલદી રવાના થયો. પરંતુ ત્રિવેણી શહેર હજુ પસાર પણ નહોતું કર્યું, ત્યાં તો તાપથી દુઃખી અને તરસથી પરેશાન થઈ ગયો. એક નાનકડા જર્જરિત મકાનના દ્વારે કોઈ પ્રૌઢ દેવી ઊભાં હતાં, વિધવા હતાં, તેથી બંગાળની પ્રથા અનુસાર (કિનારી વિનાના) શ્વેત ઉજ્જ્વળ વસ્ત્રો પહેર્યાં હતાં. (બંગાળની વિધવા સ્ત્રીઓ શરીર પર કોઈ પણ આભૂષણ ધારણ કરતી નથી). પરિવ્રાજકે નજીક પહોંચીને કહ્યું, ‘માતાજી, બહુ તરસ લાગી છે, પાણી પિવડાવો.’

સૌમ્ય દૃષ્ટિએ જોઈને તેઓ અંદર ગયાં અને લોટો ભરીને ચોખ્ખું પાણી લઈ આવ્યાં. હાથમાં સાકરનો એક ગાંગડો આપતાં તેમણે કહ્યું, ‘ફક્ત પાણી ન અપાય, અત્યારે બહુ આકરો તડકો છે, આ સાકર ખાઈને પછી પાણી પીઓ. શું તમને ભિક્ષા મળી ગઈ છે? ભિક્ષાનો સમય તો વીતી ગયો છે!….. આટલા આકરા તડકામાં શા માટે નીકળ્યા છો? આ તાપ બહુ ભયંકર છે, આને લીધે તાવ આવે છે. તમારે ક્યાં જવું છે?’ જ્યારે સાંભળ્યું કે, વર્ધમાન, તો કહ્યું કે, ‘અરે! એ તો બહુ દૂર છે…. પરંતુ આ બાજુ, આ ઋતુ બહુ ખરાબ છે, અચાનક મલેરિયા તાવ ચઢી જાય છે અને હેરાન કરી નાખે છે.’

સંન્યાસી પાણી પીને, આભારપૂર્વક, ‘કલ્યાણ થાઓ’ કહીને આગળ ચાલ્યો, તો સાંભળ્યું કે એ દેવી કોઈ પડોશીને કહી રહ્યાં હતાં કે, ‘સંન્યાસ-વ્રત બહુ કઠિન છે. આહા, આની મા બિચારી કેટલી દુઃખી હશે? જો મૃત્યુ પામી હશે તો ઠીક છે. બાપને એટલું દુઃખ નથી થતું—જેટલું માને થાય છે. આહા! ખબર નહીં એ ક્યાંના છે, પણ એમની માની મને દયા આવે છે.’ (ત્યારે સંન્યાસીની યુવાવસ્થા હતી.)

હૃદયમાં માનવતા પુષ્પિત થઈ રહી છે.

Total Views: 2

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.