(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના આ પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
કિષ્કિંધા, જ્યાં વાલી-સુગ્રીવનું રાજ્ય હતું, જ્યાં શ્રીરામ-લક્ષ્મણ રોકાયા હતા, જ્યાં શ્રીહનુમાન મા-સીતાની શોધ કર્યા બાદ પાછા આવ્યા હતા અને જ્યાંથી શ્રીરામ વાનર-સેના સાથે લંકા પર ચઢાઈ કરીને સીતાજીને મુક્ત કરી લાવ્યા હતા. એ પવિત્ર સ્થાનનાં દર્શન કરવા માટે એક વાર પરિવ્રાજક સંન્યાસી ભ્રમણ કરતાં કરતાં ત્યાં જઈ પહોંચ્યો. એણે જોયું—પર્વતમાળાથી ઘેરાયેલું સુંદર સ્થળ, જીર્ણ થયેલું એક પ્રાચીન મંદિર, પરંતુ રામાયણનો એ પ્રસંગ યાદ આવી જતાં એને સ્થળ-ગાંભીર્યનો અનુભવ થવા લાગ્યો. નજર સમક્ષ જાણે ત્વરિત ગતિએ કિષ્કિંધા-કાંડનું ચલચિત્ર ચાલવા લાગ્યું. ત્યાં અનુભવ તો બીજા ઘણા થયા, પરંતુ આ સ્થાન પર એ બધાનું નહીં, પણ માનવતાની અનુભૂતિનું વર્ણન કરવું જ યોગ્ય છે.
ત્યાંથી ચક્રતીર્થ નજીક જ છે. બીજા જ દિવસે સંન્યાસી જંગલના માર્ગે ત્યાં જઈ પહોંચ્યો. એક રાત કિષ્કિંધામાં રહ્યો અને સવારે માતંગ-પર્વતનાં દર્શન કરવા ગયો, ત્યારે ત્યાં કોઈ તાજું નારિયેળ મૂકી ગયું હતું. ભૂખ લાગી હતી, એટલે અનાયસ જ નારિયળનો એ પ્રસાદ આનંદપૂર્વક ખાઈ ગયો. ત્યાર બાદ બપોરે ચક્રતીર્થ પહોંચ્યો. સ્વચ્છ-સલિલા અર્ધ-ચંદ્રાકાર નદીમાં ખૂબ સ્નાન કર્યું. દૃશ્ય અતિ મનોરમ હતું. સામે વાદળી રંગના પર્વતને ચક્રાકારે ઘેરતી પ્રચંડ વેગથી વહેતી નદી વરસાદના પાણીથી છલોછલ ભરેલી હતી. આજુબાજુ પણ પહાડ-જંગલ જ હતાં. ક્યારેક અહીંયાં મહાન વિજયનગર રાજ્યની રાજધાની હતી, હવે હમ્પી નામ છે, શ્રીહમ્પીશ્વર મહાદેવજીનું એક વિશાળ મંદિર છે. આ ચક્રતીર્થ પ્રસિદ્ધ શૈવતીર્થ છે.
સંન્યાસી સ્નાન કરીને એક સ્વચ્છ પથ્થર પર બેસીને ત્યાંનાં પ્રાકૃતિક દૃશ્યો નિહાળી રહ્યો હતો અને મનોમન ઇતિહાસનાં પાનાંમાં શોધી રહ્યો હતો કે વિજયનગર સામ્રાજ્યનું ઉત્થાન અને પતન કેવી રીતે થયું? અને શું આપણે ભારતવાસીઓ એમાંથી કોઈ બોધપાઠ લઈ શકીએ છીએ? વગેરે વગેરે.
એટલી વારમાં સૌમ્ય સ્વભાવની એક વૃદ્ધ સ્ત્રી આવી અને સામે શ્રીફળ રાખીને તેની ભાષામાં કંઈક કહેવા લાગી. સંન્યાસી તો બે-ચાર શબ્દોનું જ અનુમાન લગાવી શક્યો, બાકી બધું શૂન્ય. એણે હિન્દીમાં બોલીને આશીર્વાદ આપ્યા, પણ વૃદ્ધા કદાચ કંઈ પણ ન સમજી શકી અને પછી તે દંડવત્ પ્રણામ કરીને ચાલી ગઈ. હવે ભૂખ તો લાગી જ હતી, અનાયાસ ફરી નારિયેળ મળી જવાથી એ જ ખાઈને ક્ષુધા-નિવારણ કરવા માટે સંન્યાસી આખું નારિયેળ ખાઈ ગયો. અને બીજો કોઈ ઉપાય પણ ન હતો. તે ગૃહસ્થના ઘરે જઈને ભિક્ષા તો માગતો જ ન હતો. ‘આકાશવૃત્તિ’માં સ્થિત હતો. પણ બંને સમયના આહાર-રૂપ નારિયેળે પેટમાં જઈને ગડબડ કરી. પહેલાં તો પેટમાં દુઃખવા લાગ્યું, ત્યાર બાદ ઝાડા થઈ ગયા અને સાંજ સુધીમાં મરડો થઈ ગયો. હોસપેટ શહેરમાં સારવારની વ્યવસ્થા હશે એમ વિચારીને સંન્યાસી, હવે ચક્રતીર્થમાં રોકાવાનો વિચાર છોડીને એ શહેર તરફ ચાલી નીકળ્યો. આખા રસ્તે ઝાડાથી પરેશાન થઈને, રાતે તે હોસપેટ પહોંચ્યો. પણ હવે રોગ એટલો વધી ગયો હતો કે શહેરમાં કોઈ જગ્યાએ જવું શક્ય ન હતું. બહાર રસ્તાની બાજુમાં એક લિંગાયત ધર્મશાળાની પાછળ છાપરામાં આશ્રય મળ્યો. નિર્જન સ્થાન હતું એ સારું થયું. સામે ઘેરાયેલા કિલ્લાની અંદર તળાવ અને જંગલ હતું, એથી બધી સગવડ જોઈને સંન્યાસી નિશ્ચિંત બન્યો. પરંતુ આખી રાત ઝાડા ચાલુ રહેવાથી બહુ નબળાઈ આવી ગઈ હતી. સવારે જોયું કે ફક્ત લોહી જ પડી રહ્યું છે. હવે તો એટલી નબળાઈ આવી ગઈ હતી કે હાજત માટે પણ બહુ મુશ્કેલીથી જઈ શકતો હતો. ચક્કર આવવા લાગ્યા હતા. પણ કોઈ સહાયક ન હોવાથી નિરુપાય થઈને પડ્યા રહેવા સિવાય તે બીજું શું કરી શકે! સાંજે સારંગી વગાડીને ભીખ માગનાર ગ્વાલિયરનો એક માણસ આવી પહોંચ્યો. સંન્યાસીને જોઈને એ બહુ રાજી થયો અને બોલ્યો, ‘સત્સંગમાં રાત સારી પસાર થશે.’ પણ જ્યારે જોયું કે વારંવાર હાજત કરવા જઈ રહ્યા છે, એટલે ચિંતિત થઈને પૂછ્યું, ‘ક્યારથી આ તકલીફ થઈ છે, અહીંયાં ક્યારે આવ્યા, દવા લીધી છે કે નહીં, કંઈ ખાધું?’ વગેરે. બધી વાત જાણ્યા પછી તેણે કહ્યું, ‘કાલે સવારે મટી જશે. આ અનાજ ન ખાવાને લીધે અને એ નારિયેળનો પ્રતાપ છે. હું કાલે જલદી ભાત બનાવીને તમને ખવડાવીને પછી ભીખ માગવા જઈશ, તમે ગભરાશો નહીં.’
આખી રાત લોહીના ઝાડા ચાલુ રહ્યા. સવારે એણે નાહી-ધોઈને ભાત રાંધ્યો અને લાલ મરચામાં ખૂબ ઘી નાખીને એનો રસો બનાવીને ખાવા માટે પીરસ્યું. સંન્યાસીએ લાલ મરચાં જોઈને વિચાર્યુ—બસ, હવે આ છેલ્લું ભોજન છે. ‘જય ભગવાન’ કહીને એ રસા સાથે ભાત ખાધો. તેણે પણ થોડું ભોજન કર્યું અને ભિક્ષા માટે ચાલી નીકળ્યો.
આ બાજુ, ૪-૫ વાર તો બહુ જોરદાર ઝાડા શરૂ થયા, પણ ત્યાર બાદ લોહી પડવાની માત્રા ઘટી ગઈ અને ઝાડા આવવાનો સમય વધી ગયો. આશ્ચર્ય! સાંજ સુધીમાં તો લોહી પડવાનું બિલકુલ બંધ થઈ ગયું. શરીરમાં સ્વસ્થતા આવવા લાગી, તે બજારમાંથી દહીં અને સંન્યાસીની બીમારીની વાત કહીને ઇલાજ માટે કોઈ સજ્જન પાસેથી શુદ્ધ ઘી માગી લાવ્યો હતો. રાતે તેણે ફરી ઘી સાથે દહીં-ભાત ખવડાવ્યાં. સવાર સુધીમાં તો મરડાનું કોઈ નામોનિશાન સુધ્ધાં રહ્યું નહીં.
બીજા દિવસે ફરી દહીં-ભાત ખવડાવીને તે ભિક્ષા માટે ચાલ્યો ગયો. આખો દિવસ સંન્યાસીને આરામ રહ્યો. સાંજે તે સારંગીધારી એક સજ્જનને સાથે લઈને આવ્યો. એણે કહ્યું, ‘બેલ્લારી સારી જગ્યા છે, ત્યાં જતા રહેવાથી સારું રહેશે.’ પોતે ટિકિટ પણ ખરીદી આપી. સારંગીધારીએ સ્ટેશન સુધી સાથે આવીને ગાડીમાં બેસાડી દીધો અને બહુ સ્નેહપૂર્વક વિદાય આપી. સંન્યાસી સાભાર વિદાય લેતાં વિચારવા લાગ્યો—આ ભિક્ષુકના હૃદયમાં પણ માનવતાનું સુંદર પુષ્પ ખીલેલું છે. ધન્ય!
Your Content Goes Here




