(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ વરાહજયંતી નિમિત્તે આ લેખ અત્રે પ્રસ્તુત છે. – સં.)
જયદેવકૃત ‘શ્રીદશાવતાર સ્તોત્રમ્’માં ઉલ્લેખ છે,
वसति दशनशिखरे धरणी तवलग्ना
शशिनि कलङ्ककलेव निमग्ना।
केशव धृत सूकर रूप जय जगदीश हरे॥
પુરાણોમાં વરાહ ભગવાનને યજ્ઞરૂપ માનવામાં આવ્યા છે. તેમનાં બધાં અંગોમાં યજ્ઞોનાં ઉપકરણોની પરિકલ્પના કરવામાં આવી છે. વરાહ અવતારની કથા વિભિન્ન પુરાણોના આધારે આવી છે –
એક વાર બ્રહ્માના માનસપુત્ર સનકાદિ શ્રીહરિનાં દર્શનની લાલસાથી વૈકુંઠધામ પહોંચ્યા. દ્વાર પર શ્રીહરિના પાર્ષદ જય-વિજય દ્વારપાલ રૂપે ઉપસ્થિત હતા. દિગંબર રૂપે સનકાદિને જોઈને જય-વિજયને હસવું આવ્યું અને તેમને વૈકુંઠધામમાં પ્રવેશતા રોક્યા. ક્રોધિત સનકાદિએ જય-વિજયને ત્રણ જન્મપર્યંત દૈત્ય યોનિમાં જન્મ ધારણ કરવાનો શાપ આપ્યો. એટલામાં અંતર્યામી ભક્તવત્સલ શ્રીહરિ ત્યાં આવી પહોંચ્યા. સનકાદિએ શ્રીહરિની સ્તુતિ કરી. શાપત્રસ્ત જય-વિજયના અનુનયને વશ થઈ ભગવાને કહ્યું, ‘ચિંતા ન કરશો, તમને મારું સ્મરણ રહેશે અને વૈરભક્તિથી અંતે તમે મને પામશો.’ કાલાંતરે શ્રીહરિએ મહર્ષિ કશ્યપની પત્ની દક્ષપુત્રી દિતિના મનમાં સંતાનપ્રાપ્તિની કામના જાગ્રત કરી. દિતિએ કશ્યપજી સમક્ષ સંધ્યાવંદનના શુભ સમયે પુત્રપ્રાપ્તિની કામના પ્રગટ કરી. તપોનિષ્ઠ કશ્યપ દિતિના દુરાગ્રહ સમક્ષ વિવશ થયા. અસમયે કામાસક્ત થવાના કારણે આ અપરાધ અક્ષમ્ય હતો. તેથી બે અત્યંત પરાક્રમી ક્રૂરકર્મા પુત્ર ઉત્પન્ન થયા. એક હિરણ્યકશિપુ તથા બીજો હિરણ્યાક્ષ. તેઓ આસુરીરાજની સ્થાપના માટે કૃતનિશ્ચયી થયા. હિરણ્યાક્ષે ઇન્દ્રલોક પર આક્રમણ કરીને દેવોને ભયભીત કરી દીધા. હિરણ્યાક્ષે વિચાર્યું કે આ દેવગણ પૃથ્વી પર થતા યજ્ઞના ભાગનો ઉપભોગ કરે છે, એટલે ત્રિલોકીમાં એમનું એક-છત્ર રાજ્ય છે. તેથી હું આ પૃથ્વીને જ પાતાળમાં પહોંચાડી દઉં છું. હિરણ્યાક્ષ પૃથ્વીને રસાતળમાં લઈ ચાલ્યો ગયો અને ત્યાં વરુણદેવને કષ્ટ આપવા લાગ્યો. વરુણના મુખેથી શ્રીહરિના અતુલ પરાક્રમ વિશે સાંભળી હિરણ્યાક્ષ શ્રીહરિને સર્વત્ર શોધવા લાગ્યો. ચારેય બાજુ હાહાકાર મચ્યો.
પૃથ્વીના ઉદ્ધાર તથા દૈત્ય હિરણ્યાક્ષના વધ માટે બ્રહ્માદિ દેવગણ તથા ઋષિમહર્ષિઓએ પરમાત્માનું સ્તવન કર્યું. પરમાત્માનું સ્મરણ-મનન થતાં જ બ્રહ્માજીની નાસિકામાંથી અંગૂઠાના કદનું એક શ્વેત વરાહશિશુ પ્રગટ થયું. તે જોઈને સૌને પહેલાં તો આશ્ચર્ય થયું પરંતુ વરાહરૂપમાં શ્રીહરિનો અવતાર જાણીને સૌ વંદના કરવા લાગ્યા. આ વરાહરૂપ અત્યંત મનોહર તથા દિવ્ય હતું. વરાહવિગ્રહવાળા શ્રીહરિ સમુદ્રમાં કૂદી પડ્યા અને દૈત્ય હિરણ્યાક્ષે જ્યાં પૃથ્વી સંતાડી હતી ત્યાં પહોંચી ગયા. શ્રીહરિને પોતાનો ઉદ્ધાર કરવા આવેલ જાણીને પૃથ્વી દેવીએ સ્તુતિ કરી. સ્તુતિ સાંભળીને વરાહ ભગવાને ‘ઘર્ઘર’ શબ્દ દ્વારા ભયંકર ગર્જના કરી અને પોતાની દાઢો પર પૃથ્વી ટેકવીને સમુદ્રમાંથી બહાર નીકળવા લાગ્યા. એટલામાં ગર્જના સાંભળીને હિરણ્યાક્ષ યુદ્ધ કરવા ત્રાટક્યો. એવામાં તો ભગવાન વરાહે પૃથ્વીને જળ ઉપર સ્થાપિત કરી દીધી. પછીથી શ્રીહરિ અને હિરણ્યાક્ષ વચ્ચે મહાતુમૂલ યુદ્ધ થયું અને અંતે હિરણ્યાક્ષ શ્રીહરિના હાથે હણાયો.
શ્રીહરિનું આ લીલાચરિત્ર અત્યંત પુણ્યદાયક તથા પરમ પવિત્ર છે. આ દિવ્યલીલાના શ્રવણથી શ્રીહરિનો આશ્રય પ્રાપ્ત થાય છે. આ વરાહ અવતારની કથાનું નિરૂપણ કરતા પુરાણનું નામ વરાહપુરાણ છે. તેમાં 217 અધ્યાય અને લગભગ 10,000 શ્લોક છે. 18 મહાપુરાણોમાં ગણનાક્રમમાં આ 12મા ક્રમનું ગણાય છે. તેમાં સવિશેષ વિષ્ણુચરિત છે, તેથી તે વૈષ્ણવપુરાણ છે.
5 એપ્રિલ, 1884ના રોજ શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના પોતાના પૂર્વપરિચિત ઓરડામાં નાની પાટ પર બેઠેલા છે અને પ્રાણકૃષ્ણ નામના ભક્તને કહે છે, ‘હિરણ્યાક્ષનો વધ કરવા માટે ભગવાને વરાહ અવતાર લીધો હતો. હિરણ્યાક્ષનો વધ થઈ ગયો, એ સાથે જ નારાયણ હસતાં હસતાં સ્વધામમાં પધારી ગયા.’
Your Content Goes Here




