(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રીજગન્નાથ મહાપ્રભુની રથયાત્રા દિને આ લેખ પ્રસ્તુત છે. – સં)
શ્રીજગન્નાથ પુરી ચાર પાવન ધામમાંનું એક તીર્થસ્થાન છે, લૌકિક માન્યતા છે કે બદરીનાથ સત્યયુગનું, રામેશ્વર ત્રેતાયુગનું, દ્વારિકા દ્વાપરયુગનું ધામ છે, પરંતુ કળિયુગનું પાવનકારી ધામ તો છે જગન્નાથ પુરી જ. આ ધામનાં અન્ય નામ છે—શ્રીક્ષેત્ર, પુરુષોત્તમ પુરી, શંખક્ષેત્ર, ઇત્યાદિ. આ સમગ્ર ક્ષેત્રની આકૃતિ શંખાકાર છે, તેથી તેને શંખક્ષેત્ર કહેે છે. જગન્નાથ પુરીના મહાપ્રસાદનો મહિમા તો સંસારભરમાં પ્રસિદ્ધ છે. આ પ્રસાદમાં છૂતાછૂતનો દોષ તથા ઉચ્છિષ્ટતાનો પણ દોષ લાગતો નથી. વ્રત-ઉપવાસ કે એકાદશીના પ્રસંગે પણ આ મહાપ્રસાદ આરોગવામાં કોઈ દોષ નથી. શ્રીરામકૃષ્ણદેવ નિત્ય પ્રાત:કાળે મુખમાં સૌ પ્રથમ જગન્નાથનો મહાપ્રસાદ મૂકતા.
જગન્નાથ પુરીનું મંદિર અત્યંત વિશાળ છે. મંદિરના પૂર્વમાં સિંહદ્વાર, પશ્ચિમમાં વ્યાઘ્રદ્વાર, ઉત્તરમાં હસ્તિદ્વાર અને દક્ષિણમાં અશ્વદ્વાર છે. મુખ્ય મંદિરમાં ત્રણ ભાગ છે. શ્રીમંદિરનો ભાગ સૌથી ઊંચો છે. તેમાં જગન્નાથ મહાપ્રભુ બિરાજમાન છે. જગમોહન નામના ભાગમાં આવેલ ગરુડસ્તંભ પાસે ઊભા રહીને શ્રીચૈતન્ય મહાપ્રભુ નિત્ય દર્શન કરતા. નિજમંદિરમાં ૧૬ ફૂટ લાંબી અને ૪ ફૂટ ઊંચી વેદી છે, જેને રત્નવેદી કહેવામાં આવે છે. આ વેદી પર શ્રીજગન્નાથ, સુભદ્રા અને બલરામજીની મુખ્ય મૂર્તિઓ બિરાજમાન છે. શ્રીજગન્નાથજીનો શ્યામવર્ણ છે. આ મૂર્તિઓ સ્વરૂપમાં અપૂર્ણ છે, તેના હસ્ત અપૂર્ણ છે, વળી મુખમંડળ પણ અપૂર્ણ નિર્મિત છે.
અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નિમિત્તે અહીં મહા ઉત્સવ થાય છે. ત્રણ વિશાળ રથ હોય છે. પહેલા રથમાં બલરામજી, બીજા રથમાં સુભદ્રા અને સુદર્શન ચક્ર તથા ત્રીજા રથમાં શ્રીજગન્નાથજી બિરાજમાન થાય છે. મૂર્તિઓના નિર્માણકાર્યમાં વપરાતા કાષ્ઠને મહાદારુ કહેવામાં આવે છે.
દ્વાપરયુગની કથા છે. ભગવાન શ્રીકૃષ્ણની પટરાણીઓએ એક વાર માતા રોહિણીને શ્યામસુંદરની વ્રજલીલા કહી સંભળાવવાનો અત્યંત આગ્રહ કર્યો. સુભદ્રા ભગિની ત્યારે ત્યાં ઉપસ્થિત ન રહે એવું રોહિણી માતાને લાગ્યું. તેથી એમણે સુભદ્રાને ભવનના દ્વાર પર ઊભા રહીને અંદર કોઈનેય ન આવવા દેવા જણાવ્યું. સંયોગવશાત્ શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા એટલે સુભદ્રાએ બે હાથ ફેલાવીને તે બંનેને ભવનમાં પ્રવેશતા અટકાવ્યા. ભવનમાં વ્રજપ્રેમની કથા ચાલતી હતી તે કિંચિત્ સાંભળીને ત્રણેયના દેહ દ્રવિત થવા લાગ્યા. એટલામાં દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા. આ પ્રેમદ્રવિત રૂપ જોઈને નારદજીએ પ્રાર્થના કરી, ‘તમે ત્રણેય આ જ રૂપમાં વિરાજમાન થાઓ.’ ભગવાન શ્રીકૃષ્ણે સ્વીકાર કર્યો, ‘કળિયુગમાં દારુવિગ્રહમાં આ રૂપમાં અમે ત્રણેય ઉપસ્થિત રહીશું.’
પ્રાચીન કાળમાં પરમ વિષ્ણુભક્ત ઇન્દ્રદ્યુમ્ન રાજાને ખબર પડી કે નીલાચલ પર ભગવાન નીલમાધવનો દેવપૂજિત વિગ્રહ છે. તેઓ સપરિવાર વિગ્રહનાં દર્શન કરવા ત્યાં પહોંચ્યા તે પૂર્વે જ દેવતાઓ એ શ્રીવિગ્રહ લઈ પોતાના લોકમાં ચાલ્યા ગયા હતા. એ વખતે આકાશવાણી થઈ કે દારુબ્રહ્મરૂપે તેમને હવે જગન્નાથનાં દર્શન થશે. ઇન્દ્રદ્યુમ્ને તે સ્થળે નિવાસ કર્યો. એક દિવસ સમુદ્રમાં એક અત્યંત વિશાળ લાકડું (મહાદારુ) તણાઈને આવ્યું. રાજાએ તેને બહાર કઢાવ્યું અને વિષ્ણુમૂર્તિ બનાવડાવવાનો નિશ્ચય કર્યો. વિશ્વકર્મા સુથારરૂપમાં ઉપસ્થિત થયા અને એ મૂર્તિ તૈયાર કરવાનું સ્વીકાર્યું. પરંતુ શરત હતી કે જ્યાં સુધી સૂચિત ન કરાય ત્યાં સુધી તેઓ જે ગૃહમાં મૂર્તિ બનાવવાના હતા તે ખોલવામાં ન આવે. મહાદારુ લઈ સુથાર મંદિરના ભવનમાં પૂરાઈ ગયા. ઘણા દિવસ વીતવા છતાં કંઈ પરિણામ આવતું ન જણાયું એટલે મહારાણીના દુરાગ્રહવશાત્ ભવનનું દ્વાર ખોલવામાં આવ્યું. મહારાણીને એમ કે આટલા દિવસોમાં તો વૃદ્ધ મૂર્તિકાર કદાચ ક્ષુધા-તૃષાથી મૃત્યુ પામ્યા હશે કે મરણાસન્ન થયા હશે. દ્વાર ખોલીને જોયું તો સુથાર અદૃશ્ય થઈ ચૂક્યા હતા અને શ્રીજગન્નાથ, સુભદ્રા તથા બલરામજીની અપૂર્ણ પ્રતિમાઓ વિદ્યમાન હતી. રાજા અત્યંત દુ:ખી થયા. એવામાં આકાશવાણી થઈ, ‘ચિંતા કરશો નહીં. આવા જ રૂપે રહેવાની અમારી ઇચ્છા છે. મૂર્તિઓ પર પવિત્ર રંગદ્રવ્ય ચડાવીને તેની સ્થાપના કરો.’
આમ, શ્રીજગન્નાથ મહાપ્રભુનું પ્રાગટ્ય થયું. હવે રથયાત્રાના દિવસે નગર-ભ્રમણ નિમિત્તે નીકળતી રથયાત્રામાં વપરાતા રથ વિશે જાણકારી મેળવીએ. ભગવાન જગન્નાથના ૧૬ પૈડાંવાળા નંદિઘોષ નામના રથની ઊંચાઈ ૪૫ ફૂટની હોય છે, જેને લાલ-પીળા રંગના કાપડથી આચ્છાદિત કરવામાં આવે છે. ૧૪ પૈડાંવાળો તાલધ્વજ નામનો બલરામજીનો રથ ૪૪ ફૂટ ઊંચો હોય છે, જેનું આચ્છાદન લાલ-લીલા રંગના કાપડથી કરવામાં આવે છે. ૪૩ ફૂટ ઊંચો તથા ૧૨ પૈડાંવાળો દર્પદલ નામનો રથ સુભદ્રા માટે વપરાય છે. તેનું આચ્છાદન લાલ-કાળા કાપડથી થાય છે.
પ્રત્યેક રથનાં પૈડાંનો ઘેરાવો ૭ ફૂટનો હોય છે. ત્રણેય રથના નિર્માણ માટે વપરાતા લાકડાને ‘દારુશ્રેષ્ઠ’ કહેવામાં આવે છે. વિવિધ શાસ્ત્રોમાં રથના નિર્માણ માટે વપરાતા કાષ્ઠની વિશેષતાઓનું વર્ણન કરાયું છે. એકાદ વિશેષતાના અભાવમાં પણ તે વૃક્ષનું કાષ્ઠ વપરાશમાં લેવાતું નથી. રથ-નિર્માણમાં વપરાતા વૃક્ષની લાક્ષણિકતાઓ નીચે મુજબની હોવી ફરજિયાતપણે આવશ્યક છે.
વૃક્ષનું થડ ૧૨ ફૂટ ઊંચું તથા ચાર મુખ્ય ડાળીવાળું હોવું જોઈએ. આ વૃક્ષ નદી તથા સ્મશાન ભૂમિની નજીક હોવું જોઈએ. વળી નજીકમાં આશ્રમ કે મંદિર તથા વરુણવૃક્ષ પણ હોવાં જોઈએ. વૃક્ષ પર કોઈ પણ પંખીનો માળો ન હોવો જોઈએ, જેથી વૃક્ષ કાપતી વખતે તેના પર વસતાં પંખીને હાનિ ન પહોંચે. વૃક્ષના થડ પર કોઈ વેલ કે છોડ ચઢેલ ન હોવાં જોઈએ. વૃક્ષ પર કોઈ પણ પ્રકારના પ્રહારનાં નિશાન ન હોવાં જોઈએ. વૃક્ષનાં મૂળિયાં નજીક સાપનું દર હોવું જોઈએ.
જગન્નાથ પ્રભુના રથ-નિર્માણ માટેના વૃક્ષ પર ચક્રની નિશાની, બલરામજીના રથ-નિર્માણ માટેના વૃક્ષ પર શંખની નિશાની તથા સુભદ્રાજીના રથ-નિર્માણ માટેના વૃક્ષ પર કમળની નિશાની હોવી જોઈએ. જગન્નાથ પ્રભુના રથ માટેનું વૃક્ષ લગારેક ઘેરા લીલા રંગનું હોવું જોઈએ તથા અન્ય બે રથ માટેનાં વૃક્ષનો રંગ રતુમડો હોવો જોઈએ. ત્રણેય રથ દર વર્ષે નવા બનાવવામાં આવે છે. નિર્માણ-કાર્ય પ્રથમ પૈડાંથી શરૂ થાય છે, અંતે શિખર. સમગ્ર નિર્માણ-કાર્યમાં ક્યાંય ખીલા કે બાહ્ય ચીજોનો વપરાશ થતો નથી, માત્ર સાંધાનું જોડાણ જ કરાય છે.
પરંપરાગત નિપુણ કારીગરોના પેઢીગત અનુભવના આધારે રથ-નિર્માણનું કાર્ય સંપન્ન કરાય છે. સુથારીકામ કરતા મુખ્ય કારીગરોને ‘વિશ્વકર્મા સેવક’ કહેવામાં આવે છે. આ લોકો વારસાગત આવું કામ સૈકાઓથી કરતા આવ્યા છે. રથ-નિર્માણના કાર્યમાં અનેક જાતના કારીગરોનો સમાવેશ થાય છે, જેવા કે બધેઈ મહારાણા, પહી મહારાણા, ઓઝા મહારાણા, ચંડકાર, રૂપકાર, મૂર્તિકાર, ચિત્રકાર, સૂચિકાર તથા રથભોઈ. રથયાત્રા પૂર્ણ થયા બાદ રથના ભાગો છૂટા કરી દેવાય છે અને આ કાષ્ઠ મંદિરના રસોડા વિભાગમાં ‘કોઠાભોગ’ તૈયાર કરવામાં વપરાય છે.
Your Content Goes Here




