(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સદ્ગુરુ કબીર સાહેબની પ્રાગટ્ય તિથિ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
કબીરના પ્રાકટ્ય પૂર્વે આર્ય સંસ્કૃતિ ત્રણ સંસ્કૃતિમાં વિભાજિત થઈ ગઈ હતી—વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિ. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા વિદેશી ધર્મોએ ભારત બહારનાં રાષ્ટ્રોમાં પ્રવેશ કર્યો હતો. અન્ય ધર્મમતોના પ્રભાવથી ભારતીય સમાજવ્યવસ્થાને ધક્કો પહોંચ્યો હતો. આવી વિપરીત પરિસ્થિતિઓના મિલનબિંદુ પર કબીરનું પ્રાગટ્ય થયું હતું. તેમણે પક્ષપાતરહિત, સત્ય, સચોટ અને તીક્ષ્ણ વાણીપ્રહારથી યથાર્થ માનવધર્મનો સુસંદેશ માનવજાતને આપ્યો. તેઓ અદ્વિતીય ધર્મગુરુ હતા અને ક્રાંતિકારી યુગપુરુષ પણ. અંધવિશ્વાસ, જડપૂજા, ઊંચનીચનો ભેદ, વ્યર્થ બાહ્યાચારો અને હિંસકવૃત્તિને જડથી ઉખેડી નાખીને તેમણે નવસર્જનનું અનુપમ કાર્ય કર્યું હતું. તેમના સમાજનું આદર્શ વ્યક્તિત્વ હતું—સત્ય બુદ્ધિ, વિશુદ્ધ વિચાર અને પવિત્ર વાણી.
કબીરના પ્રાકટ્ય તથા વાણી-વચન વિષયક અનેક પુસ્તકોનું પ્રકાશન થયું છે. અનેક વિદ્વાનો તથા લેખકોએ અહીં-તહીંથી એકત્રિત કરીને સ્વબુદ્ધિ અનુસાર અવસર તથા અનુમાનના આધારે કબીરના પ્રાકટ્ય અંગે ઘણું લેખનકાર્ય કર્યું છે; પરંતુ તેમાંથી કોને પ્રમાણભૂત માનવું અને કોને અપ્રમાણભૂત કહેવું તે એક મોટો કોયડો છે. સર્વ કોઈ કબીરના પ્રાકટ્યનું વાસ્તવિક રહસ્ય તાદૃશ સ્વરૂપમાં પ્રસ્તુ કરવામાં સર્વથા અસમર્થ નીવડ્યા છે. કબીર કાશીમાં પશ્ચિમ તરફના લહરતરા નામનું તળાવ છે ત્યાં પ્રકટ થયા હતા, એ નિર્વિવાદ તથ્ય છે. તે સ્થાન આજેય મોજૂદ છે. તેમના પ્રાકટ્ય અંગેની અનેક કથાઓ છે. તથા તેમનાં વાણી-ઉપદેશમાં અનેક સ્થાનોએ પ્રક્ષેપણ થયું હોવાનું જણાય છે.
કબીરના નામ સાથે જોડાયેલ જગપ્રસિદ્ધ કબીરવડ વિશે જાણીએ. હાલના ભરૂચ શહેરની પૂર્વ દિશામાં થોડેક દૂર નર્મદા તટે શુક્લ તીર્થ નામનું સ્થાન આવેલું છે. આ સ્થાનની સાથે નર્મદા નદીના સામેના કાંઠા પરના એક નગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુળના તત્ત્વા અને જીવા નામના બે ભાઈ નિવાસ કરતા હતા. બંને ભાઈ સદાચારનિષ્ઠ અને શાસ્ત્રજ્ઞ હતા. કાશીમાં શાસ્ત્રાભ્યાસ પૂર્ણ કર્યા પછી યોગ્ય સદ્ગુરુની શોધમાં ઘણાં બધાં સ્થળોએ ફર્યા પરંતુ તે શોધમાં તેઓ નિષ્ફળ નીવડ્યા, એટલે જન્મભૂમિમાં આવીને સંસ્કારપૂર્ણ જીવન વિતાવવા લાગ્યા. નર્મદા કિનારે આવતા સંતો અને પરિક્રમાવાસી ભક્તોની તેઓ હૃદયપૂર્વક સેવાશુશ્રૂષા કરતા, સાથે સાથે સત્સંગ પણ રહેતો. તેમણે સદ્ગુરુની પ્રાપ્તિ અર્થે એક કઠોર વ્રત લીધું હતું કે જે સંતપુરુષના ચરણામૃતથી વડની સૂકી ડાળી લીલી થશે તે અમારા ગુરુ થવા યોગ્ય લેખાશે. આ વ્રતના અનુપાલનમાં ઘણો સમય વીતી ગયો. પરંતુ ઇચ્છાપૂર્તિ થઈ નહીં. અંતે ભાગ્યોદય થયો અને હિંદુસ્તાનમાં ભ્રમણ કરતાં કરતાં કબીર સાહેબ અહીં આવી પહોંચ્યા. કબીરનાં દર્શનમાત્રથી બે ભાઈઓનાં હૈયાં નાચી ઊઠ્યાં અને હૃદય ઉલ્લાસથી ભરાઈ ગયાં. તેમણે કબીરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. પોતાના હંમેશના નિયમાનુસાર તેમણે કબીરનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું અને તે ચરણજળ વડની સૂકી ડાળી પર રેડ્યું. દીર્ઘકાળથી સૂકી એવી ડાળી પર કબીરનાં ચરણોનું પાવનજળ પડતાંવેંત તે લીલી થઈ. કાળક્રમે તે વટવૃક્ષરૂપે વિકસિત થવા લાગી. આ વૃક્ષ એ જ મહાન કબીરવડ. આમ તત્ત્વા અને જીવા કબીરના શિષ્ય બન્યા. કબીરવડ તત્ત્વા અને જીવાની અમર ભાવના સહિત કબીરના મહાન અલૌકિક ઐશ્વર્યનું ભાન કરાવતો આજેય અડીખમ ઊભો છે. ભારતમાં આવાં તો અગણિત આધ્યાત્મિક આશ્ચર્ય સત્ત્વપૂર્ણ ઐશ્વર્યની સાક્ષી પૂરતાં દૃષ્ટિગોચર થાય છે.
કબીર સાહેબની વાણી મુખ્યત્વે ત્રણ ગ્રંથોમાં સમાવિષ્ટ થયેલી છે—બીજક ગ્રંથ, શબ્દાવલી અને સાખી ગ્રંથ. મૂળ બીજક ગ્રંથની રચના કબીર સાહેબે સ્વહસ્તે હિંદી ભાષામાં ઉપનિષદરૂપે કરી છે. બીજક ગ્રંથ તેમના રહસ્યમય તત્ત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે. તેમાં તેમણે સંસારમાં પ્રવર્તમાન પ્રપંચોને પ્રગટ કરી માનવજાતને તેનાથી વિમુખ-વિરત થવા સાવધ કર્યા છે અને નિજ આત્મજ્ઞાનમાં અવસ્થિત રહેવાનો ગૂઢ ઉપદેશ આપ્યો છે. તે નિવૃત્તિમાર્ગનો અદ્વિતીય ગ્રંથ છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે કબીરનું નિરાકાર તરફ વલણ હતું. શબ્દાવલી અને સાખી ગ્રંથમાં કબીરે જે જે સમયે ભજન તથા સાખી દ્વારા ઉપદેશ કરેલો તેનો સંગ્રહ તેમના અનુયાયીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સાખી ગ્રંથમાં ૨૮૦૦થી વધુ સાખીઓ છે. કબીરનું દાર્શનિક ચિંતન તથા તત્ત્વજ્ઞાનનું પરમ રહસ્ય સમજવા માટે બીજક ગ્રંથ પર્યાપ્ત છે. શીખોના પંચમગુરુ શ્રી અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરાવેલો ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંત-સાહિત્યનો બૃહત્ અને મહત્ત્વપૂર્ણ અમૂલ્ય સંગ્રહ-ગ્રંથ છે. એમાં કબીરનાં લગભગ સવાબસ્સો પદ અને અઢીસો દોહા સંગ્રહિત થયેલા છે.
રાજસ્થાનમાં પ્રચલિત દાદૂપંથનો ‘પંચવાણી’ નામનો ગ્રંથ છે, જેની તેના મતાવલંબીઓ નિત્ય પૂજા-આરતી કરે છે. તેમાં કબીરનાં સૌથી વધુ, ચારસો જેટલાં પદ, આઠસો જેટલી સાખીઓ કે દોહા અને કેટલીક રચનાઓ કે ચોપાઈઓ સંગ્રહિત છે.
આ બતાવે છે કે કબીરની ઉપદેશ-વાણી કેટલી અમૂલ્ય છે!
કબીર સાહેબની એક વિશેષતા છે કે તેઓ પૂર્ણત: સંત હોવાની સાથે ગૃહસ્થ પણ હતા અને તેઓ એવું માનતા કે ઘર-ગૃહસ્થીમાં રહેતાં રહેતાં પણ ભક્તિ કરી શકાય છે.
શ્રીરામકૃષ્ણદેવના શબ્દોમાં, “કબીર કહેતા કે ‘નિરાકાર મારો બાપ ને સાકાર મારી મા.’ ભક્તને જે રૂપ ગમે તે રૂપે ઈશ્વર તેને દર્શન દે, કારણ કે પ્રભુ ભક્ત-વત્સલ.”
કબીર સાહેબે મનુષ્યને તેની દિવ્ય અપૂર્વ શક્તિનું ભાન કરાવતાં કહ્યું છે—
નિર્વિકાર નિર્ભય તૂંહી, ઓર સકલ ભય માંહિ;
સબ પર તેવી સાહેબી, તુજ પર સાહિબ નાહિ.
અર્થાત્ હે મનુષ્ય! તું નિર્વિકાર અને નિર્ભય છે. દુનિયાની અન્ય સઘળી વસ્તુઓ તથા પ્રાણીઓને ભય છે. દુનિયાની સમસ્ત ચીજો પર તારી જ સત્તા છે. તારી ઉપર બીજો કોઈ માલિક નથી.
Your Content Goes Here




