(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.)

આપણે સૌ ઇષ્ટના ચરણોમાં પ્રણામ કરીએ છીએ, તેનું ચિંતન કરીએ છીએ, તેનું પૂજન-અર્ચન કરીએ છીએ, તે ચરણોમાં આત્મનિવેદન કરીએ છીએ. તો ચાલો, આવાં પતિતોદ્ધારક શ્રીચરણો વિશે જાણીએ.

શ્રીરામકૃષ્ણદેવના પિતા ખુદીરામ ગયાધામનાં દર્શને ગયા હતા. એ ધામમાં ભગવાન વિષ્ણુનો વિગ્રહ નથી, તેમનાં શ્રીચરણ-ચિહ્નોની પૂજા થાય છે. પિતા ખુદીરામે આ વિષ્ણુ-ચરણોની વંદના ઇત્યાદિ કર્યાં. રાત્રે તેમને દેવસ્થાનમાં દેખાયું કે શ્રીમંદિરમાં જે ચરણકમળની પૂજા કરી હતી તેમણે નવદૂર્વાદળ શ્યામવર્ણના જ્યોતિર્મય તનુધારી પરમપુરુષનું રૂપ ધારણ કર્યું છે અને કહી રહ્યા છે, ‘હું તારા પુત્ર તરીકે અવતરું છું.’ આમ શ્રીવિષ્ણુ-પાદપદ્મમાંથી ઠાકુરનો આવિર્ભાવ થયો.

ઠાકુરની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવી કામારપુકુરમાં નિવાસ કરી રહ્યાં હતાં. શ્રીમાને ગંગા નદી પ્રત્યે પ્રબળ આકર્ષણ હતું; તેથી તેમણે કલકત્તા જઈ ગંગાસ્નાન કરી આવવા વિચાર્યું. શ્રીમાને ઉઘાડી આંખે દર્શન થયાં, જેમાં તેમણે જોયું કે ઠાકુર ભૂતિની નહેર તરફથી આવતા હતા, સાથે હતા નરેન, રાખાલ, બાબુરામ વગેરે. જોયું તો ઠાકુરના પાવન ચરણોમાંથી ખળખળાટ ધસતો જળપ્રવાહ તેમની સમક્ષ તરંગોરૂપે વહેતો જાય છે. શ્રીમાએ જાણી લીધું કે ઠાકુર સર્વસ્વ છે. બ્રહ્માજીએ કમંડલુના જળથી ભગવાન વિષ્ણુના ચરણ પખાળ્યા હતા, તે જ તો સ્વર્ગ-ઉદ્‌ભૂતા મા ગંગા!

મનોમોહન નામના ગૃહસ્થ ભક્તને એક વાર દર્શન થયું. પ્રથમ તો તેઓ માની જ ન શક્યા કે આ દિવ્ય સ્વરૂપ છે. વિષ્ણુના ચરણોમાં છે તે ધ્વજ, વજ્ર, ગદા, અંકુશ વગેરેને મળતાં ચિહ્નો ઠાકુરના ચરણમાં જોોઈ તેઓ નિ:શંક થયા કે આ ચિહ્નો ધારણ કરનાર તેઓ સ્વયં નારાયણ જ છે. આ જોઈ તેઓ પ્રણામ કરીને બોલી ઊઠ્યા, ‘નારાયણ સ્વરૂપ શ્રીરામકૃષ્ણ.’

એક વાર યોગિનમાએ ઠાકુરના ચરણે પ્રણામ કરીને પુષ્પો અર્પણ કર્યાં. ગોપાલમાની સૂચના મુજબ યોગિનમાએ ઠાકુરના ચરણોને પોતાના વક્ષ:સ્થળ પર સ્પર્શ કરાવ્યો. ઠાકુરની મહાસમાધિ બાદ ઘણો સમય વીત્યે યોગિનમા મંત્રજાપ કરી રહ્યાં હતાં ત્યારે તેમને દિવ્યસાદ સંભળાયો, ‘દામોદરના શ્રીચરણથી તમારું વક્ષ:સ્થળ અંકિત થયું છે.’

બલરામભવનની એક ઘટના છે. ઠાકુર ત્યાં બિરાજમાન છે. ગિરીશચંદ્રે તથા કાલીપદે ‘આમાય ધરો રે નિમાઈ’ ગીત ઉપાડ્યું એટલે ઠાકુર સમાધિસ્થ થઈ ગયા. મુખ પર પ્રસન્નતા, આનંદથી મઢ્યું અપૂર્વ સ્મિત, ઠાકુરે જમણો ચરણ ઊંચો કરીને લંબાવ્યો અને સન્મુખ બેસીને એક વ્યક્તિ પરમ પ્રેમ સહિત એ ચરણને અતિ સંભાળપૂર્વક પોતાની છાતી પર ધારણ કરી રહેલ છે. ઠાકુરના ચરણપ્રાંતે બેઠેલ વ્યક્તિની આંખો મીંચાયેલી અને છાતી અશ્રુભીની. ઓરડો નિ:સ્તબ્ધ. એ વ્યક્તિ હતી નૃત્યગોપાલ ગોસ્વામી.

એક વખત ભક્ત મનોમોહન દક્ષિણેશ્વર આવ્યા. એમને જોઈને પાટ પર બેઠેલા ઠાકુરે પોતાના ચરણ ઉપર લઈ લીધા અને પલાંઠી વાળીને બેઠા. મનોમોહનને માઠું લાગ્યું. તેમણે કહ્યું, ‘પ્રભુ, ચરણને પહેલાંની જેમ લાંબા કરો અને એમ નહીં કરો તો એને કાપીને હું મારે ઘેર લઈ જઈશ એટલે ભક્તો આપના ચરણોનું પૂજન કરી શકશે.’ હસીને ઠાકુરે ચરણસ્પર્શ કરવા દીધો.

ભક્ત કાલીપદ ઠાકુર સાથે નૌકામાં બેસીને કલકત્તા જઈ રહ્યા હતા. ગંગામાં અધવચ્ચે ઠાકુરના ચરણ પકડીને કાલીપદે કહ્યું, ‘પ્રભુ! હું દુષ્ટ, અધમ છું. આપ કૃપાસિંધુ છો. મને તારવાની કૃપા કરો.’ ઠાકુર સંમત ન થયા. કાલીપદે ચરણ એવા તો પકડી રાખ્યા અને દુરાગ્રહ કરવા લાગ્યો. ગંગાની મધ્યમાં ક્યાંક અઘટિત ન બની જાય એ ભયથી ઠાકુરે નમતું જોખવું પડ્યું અને કરુણાપૂર્ણ હૃદયે કહ્યું, ‘સારું, સારું, તારી પ્રાર્થના ફળશે. તારી ભલી થાય! ગંગાની મધ્યમાં મને લાવીને તેં આ શું નાટક કર્યું છે!’

દક્ષિણેશ્વરમાં ઠાકુર પોતાના ઓરડામાં આરામ કરી રહ્યા હતા. રાખાલ મહારાજ આવ્યા એટલે ઠાકુરે તેમને પથારીમાં બેસીને ચરણ દબાવવા કહ્યું. શરૂમાં રાખાલ અચકાયા પણ ઠાકુરે કહ્યું, ‘જો સાધુસેવાનું ફળ પ્રત્યક્ષ છે.’ ઠાકુરની ચરણચંપી કરતાં રાખાલે સાત-આઠ વર્ષની કન્યાના રૂપમાં જગદંબાને ઠાકુરની પથારીની પ્રદક્ષિણા કરતાં અને પછી એમના દેહમાં સમાઈ જતાં જોયાં. ઠાકુરે રાખાલને કહ્યું, ‘કેમ રે, સાધુસેવાનું ફળ તને જોવા મળ્યું ને?’

શ્રીરામકૃષ્ણ પાણિહાટિના ઉત્સવમાં ભક્તો સંગે ગયા હતા. ઉત્સવ સ્થળે ઠાકુર પધાર્યા છે એમ સાંભળીને કોન્નગર નિવાસી નવચૈતન્ય મિત્ર તેમનાં દર્શન માટે વ્યાકુળ થઈ તેમને ચોતરફ શોધવા લાગ્યા. ઠાકુર દક્ષિણેશ્વર જવા હોડીમાં બેઠા હતા, હોડી છૂટવાની તૈયારીમાં હતી. નવચૈતન્ય પાગલની જેમ દોડતા આવીને ઠાકુરના ચરણોમાં પછડાટ ખાઈને ‘કૃપા કરો, કૃપા કરો’ એમ બોલી રડવા લાગ્યા. ઠાકુરે ભાવાવેશમાં તેમને સ્પર્શ કર્યો અને નવચૈતન્ય હોડીમાં મત્ત બનીને નાચવા લાગ્યા. આ ચરણસ્પર્શથી કૃપાધન્ય બની નવચૈતન્ય ગંગાતીરે પર્ણકુટિમાં વાનપ્રસ્થ જીવન ગાળતાં ગાળતાં ઠાકુરના નામ-ગુણગાનમાં દિવસો વિતાવવા લાગ્યા.

ગૌરીમા દામોદર શિલાનું નિત્ય પૂજન કરતાં હતાં. એક દિવસ અભિષેક પછી તેમણે દામોદરને સિંહાસન પર બિરાજમાન કર્યા ત્યારે જોયું તો ત્યાં એક મનુષ્યના બે જીવંત ચરણ છે, શરીરનાં બીજાં કોઈ જ અંગ નથી. જાણ્યું કે આ કંઈ આંખોનો ભ્રમ નથી, તેથી એમણે દામોદરને તુલસીપત્ર અર્પણ કર્યું. પરંતુ એ પણ એ ચરણયુગલ પર જઈ પડ્યું. તેઓ બેહોશ થઈ ગયાં. ભાન આવતાં તેમને લાગ્યું કે કોઈ એમના હૃદયને દોરડાથી ખેંચી રહ્યું છે. તેઓ બહાર જવાની કોશિશ કરવા લાગ્યાં. બલરામ બસુએ પૂછ્યું, ‘દક્ષિણેશ્વરના મહાપુરુષ પાસે આવશો?’ દક્ષિણેશ્વર ઠાકુરના ઓરડામાં પ્રવેશતાં જ ગૌરીમા સમજી ગયાં કે અવ્યક્ત વેદનાનું મૂળ સ્થાન ક્યાં છે. એમણે આશ્ચર્યથી જોયું, આ તો પૂર્વે જોયેલાં સજીવ ચરણયુગલ છે.

શ્રીમા શારદાદેવીનાં જન્મદાયિની માતા શ્યામાસુંદરી એક વાર શ્રી ‘મ’ના ગૃહમંદિરે પધાર્યાં હતાં. જ્યારે તેમણે ઠાકુરનાં પગરખાં કાચની પેટીમાં જોયાં ત્યારે બોલી ઊઠ્યાં, “જ્યારે ‘સારુ’ પરણી હતી ત્યારે શું હું જાણતી હતી કે મારા જમાઈ ‘ઈશ્વર’ છે અને તેમનાં પગરખાં શ્રી ‘મ’ના ભવન, જે અત્યારે ‘કથામૃત ભવન’ તરીકે ઓળખાય છે ત્યાં ભક્તોના દર્શનાર્થે રખાયાં છે. સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણ વિષયક આરાત્રિકમ્‌ અને સ્તોત્રની રચના કરી છે. આ બંનેયમાં શ્રીરામકૃષ્ણનાં અંગો પૈકી ‘શ્રીચરણ’નો બે-ત્રણ વખત ઉલ્લેખ કર્યો છે.

‘ખંડન ભવબંધન’ આરાત્રિકમ્‌માં भक्तार्जन युगलचरण (હે પ્રભુ! ભક્તોની સંપત્તિરૂપ તમારાં ચરણયુગલ સંસારસમુદ્રમાંથી પાર કરનાર છે); संपद तव श्रीपद (હે પ્રભુ! તમારા શ્રીચરણ અમારી સંપત્તિ છે); અને देहो पदे अनुराग (હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ! મને તમારા શ્રીચરણમાં પ્રેમ આપો); એવો ત્રણ વાર ઉલ્લેખ ‘શ્રીચરણ’ માટે છે. સંસ્કૃત સ્તોત્રમાં नक्तंदिवं सकरुणं तव पादपद्मम्‌ मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं… (તમારા મોહવિનાશક પૂજનીય ચરણકમળનું હું દિવસરાત ભજન કરતો નથી) અને मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं (તમારા ચરણ મરણધર્મા મનુષ્યલોક માટે અમૃત સ્વરૂપ અને મૃત્યુરૂપ તરંગનો નાશ કરનારા છે), એવો બે વખત ઠાકુરના શ્રીચરણ માટેનો ઉલ્લેખ છે.

આમ, સ્વામીજીના ઉપદેશાનુસાર ઠાકુરનાં શ્રીચરણકમળ ભવસાગર પાર કરનારાં છે; ભક્તજનોની સંપત્તિરૂપ છે, મોહવિનાશક છે તથા મૃત્યુરૂપ તરંગોનો નાશ કરનાર અમૃત સ્વરૂપ છે.

કેશવસેનના કલકત્તામાં આવેલ નિવાસસ્થાને ૨૧ સપ્ટેમ્બર, ૧૮૭૯ના રોજ લેવાયેલ ઠાકુરની તસવીરમાં આપણને તેમના શ્રીચરણનાં દર્શન થાય છે. આ સિવાય એ શ્રીચરણ અન્યત્ર મૂળ સ્વરૂપમાં જોવા મળતાં નથી.

Total Views: 2

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.