(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અનુક્રમે આચાર્ય શ્રીશંકર અને શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ જયંતી ઉજવાઈ રહી છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં. – સં.)
વેદાંત અનુસાર બ્રહ્મ, ઈશ્વર, જગત, જીવ ઇત્યાદિ સંબંધિત વિવિધ મત કે વાદ છે; જેમ કે શ્રીશંકરાચાર્યનો અદ્વૈતવાદ, શ્રીરામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ, શ્રીનિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈતવાદ, શ્રીવલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈતવાદ શ્રીમધ્વાચાર્યનો દ્વૈતવાદ, શ્રીચૈતન્યનો અચિંત્ય ભેદાભેદવાદ.
આ લેખમાં આપણે શ્રીશંકરાચાર્યના અદ્વૈતવાદ અવલંબિત વિવર્તવાદ અને શ્રીરામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતવાદ અવલંબિત પરિણામવાદ અંગે સમીક્ષા જોઈએ.
શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘વેદાંત, આચાર્ય શંકરે જે સમજાવ્યું છે એ પણ છે અને (આચાર્ય) રામાનુજનો વિશિષ્ટાદ્વૈતવાદ પણ છે… સત્ય એક જ છે, બે નહિ! સચ્ચિદાનંદ જ વિવિધરૂપ ધારણ કરીને રહેલો છે; એ જ જીવ, જગત બધું થઈ રહ્યો છે.’
શ્રીશંકરાચાર્યે અને શ્રીરામાનુજાચાર્યે—બેઉએ શ્રુતિ પ્રામાણ્યથી પોતપોતાના મત પ્રસ્થાપિત કર્યા બંનેની પ્રક્રિયાઓ ભિન્ન ભિન્ન હતી, એકનો છે વિવર્તવાદ અને બીજાનો છે પરિણામવાદ.
શ્રીશંકરના મતાનુસાર ‘सत्यं ज्ञानमनन्तं ब्रह्म’ આદિ વેદાંત વાક્ય બ્રહ્મનું સ્વરૂપ એવું બતાવે છે કે ‘તે એક જ છે, અને તે તે જ છે, તેનાથી ભિન્ન કંઈ જ નથી.’
શ્રીરામકૃષ્ણ કહે છે, ‘સોઽહમ્; બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા. આ સોનું, આ પિત્તળ, એનું નામ અજ્ઞાન. બધું સોનું એનું નામ જ્ઞાન… જીવ, જગત એ બધું ઈશ્વર જ થઈ રહેલ છે.’
શ્રીશંકરાચાર્યના મતાનુસાર સંપૂર્ણ પ્રપંચ બે ભાગમાં વિભાજિત છે—દ્રષ્ટા અને દૃશ્ય. એક તે તત્ત્વ જે સંપૂર્ણ પ્રતીતિઓનો અનુભવ કરવાવાળું છે અને બીજું તે જે અનુભવનો વિષય છે. આમાં સમસ્ત પ્રતીતિઓના ચરમ સાક્ષીનું નામ ‘આત્મા’ છે તથા જે કંઈ તેનો વિષય છે, તે બધું ‘અનાત્મા’ છે. આત્મતત્ત્વ નિત્ય, નિશ્ચલ, નિર્વિકાર, અસંગ, કૂટસ્થ, એક અને નિર્વિશેષ છે. જીવ અજ્ઞાનવશ જ દેહ અને ઇન્દ્રિયો સાથે પોતાનું તાદાત્મ્ય સ્વીકારીને સ્વયંને કર્તા-ભોક્તા માને છે. સંપૂર્ણ વિભિન્ન પ્રતીતિઓના સ્થાને એક અખંડ સચ્ચિદાનંદઘનનો અનુભવ કરવો એ જ ‘જ્ઞાન’ છે અને સર્વાધિષ્ઠાન પર દૃષ્ટિ ન રાખીને ભેદમાં સત્યત્વબુદ્ધિ કરવી એ જ ‘અજ્ઞાન’ છે. વિવિધ આભૂષણો તત્ત્વદૃષ્ટિએ સુવર્ણમાત્ર જ છે તથા તરંગ અને વમળ વગેરે જળથી અભિન્ન જ હોય છે, તે રીતે અનેકવિધ ભેદસંકલિત સંસાર કેવળ શુદ્ધ બ્રહ્મ જ છે, તેનાથી ભિન્ન ક્યાંય, કોઈ વસ્તુ નથી અને તે જ પોતાનો આત્મા છે.
શ્રીરામાનુજાચાર્યના મતાનુસાર ‘તે જ એક બ્રહ્મ છે, જે સ્વયં બૃહત્ થવામાં અને અન્યને બૃહત્ કરવામાં સમર્થ છે. અર્થાત્ બ્રહ્મ તે છે, જેમાં એક અને કેવળ એક જ પદાર્થનું થવાનું અસંભવ છે; પ્રત્યુત જેમાં અન્ય પદાર્થ પણ છે, જે તેના દ્વારા બૃહત્ કરવામાં આવે છે. તેઓ કહે છે કે બ્રહ્મ એક છે, અને તેમાં ત્રણ વસ્તુઓ છે. શ્રીરામાનુજાચાર્યના મતાનુસાર અદ્વૈત પરમાત્માનું બે અન્ય વસ્તુઓથી વિશિષ્ટ એકત્વ છે.
વેદાંતશાસ્ત્ર અનુસાર બ્રહ્મમાં ત્રણ પદાર્થો હોવાનું સ્પષ્ટપણે પ્રમાણિત છે. (૧) જડ પદાર્થ અથવા જડ પ્રકૃતિ; જેનાં નામ છે પ્રધાન, પ્રકૃતિ, માયા અને અવિદ્યા. (૨) ચેતન આત્મા, જે અણુપ્રમાણ છે અને (૩) ઈશ્વર, જે વિભુ છે, સર્વનિયંતા છે અને સત્ય-જ્ઞાન-આનંદરૂપ ગુણોથી વિશિષ્ટ છે.
શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘વિશિષ્ટાદ્વૈતવાદ છે રામાનુજનો મત. એટલે કે જીવ, જગત વિશિષ્ટ બ્રહ્મ. બધું મળીને એક.’
શ્રીરામકૃષ્ણ વિશિષ્ટાદ્વૈતવાદને સમજાવતાં કહે છે, ‘જેમ કે એક બીલું. એક જણે તેની છાલ, બી અને અંદરનો ગર જુદાં કર્યાં હતાં. હવે બીલાનું વજન કેટલું એ જાણવાની જરૂર પડી. એ વખતે શું એકલા ગરનું જ વજન કર્યે બીલાનું વજન મળી શકે? છાલ, બી, ગર એ બધાંનું એકી સાથે વજન કરવું જોઈએ. પ્રથમ છાલ નહિ, બી નહિ, અંદરનો ગર એ જ મુખ્ય વસ્તુ એમ જણાય. ત્યાર પછી વિચાર કરી જુએ તો જે વસ્તુનો ગર, તે જ વસ્તુની છાલ અને બી.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ૨.૫૯)
શ્રીરામાનુજાચાર્યના પરિણામવાદનું સ્વરૂપ એ છે કે કારણ જ કાર્ય બની જાય છે, જેમ કે ઘટનું કારણ માટી છે અને ઘટરૂપ કાર્ય માટી જ છે, માટી જ ઘટરૂપ બની ગઈ છે. તેથી કાર્ય અને કારણ એક સમાન જ હોવાં જોઈએ. કારણના ગુણ જ કાર્યના ગુણ છે. આ સંસારરૂપ કાર્યમાં જો ત્રણ પદાર્થ દૃષ્ટિગોચર થતા હોય તો તેના કારણમાં પણ એ ત્રણ પદાર્થો હોવા જરૂરી છે. બ્રહ્મ આ જગતનું કારણ છે, જેનો અર્થ એ થયો કે એકની અંદર જે ત્રણ છુપાયેલ છે, તે જ એકની અંતર્ગતથી ત્રણરૂપે પ્રગટ થઈ જાય છે.
यथा सोम्य एकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातं स्यात्।।
એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે, ‘જીવ જગતને બાદ કરો કેવી રીતે? તો તો પછી વજન ઓછું થઈ જાય! બીલાનું કોચલું તથા બીયાં બાદ કરી નાખ્યે, બીલા આખાનું વજન મળે નહીં… જેમ કે જે વસ્તુમાંથી છાશ, એ જ વસ્તુમાંથી માખણ. ત્યારે પછી એ જ થયું કે છાશનું જ માખણ, ને માખણની છાશ!’
નિષ્કર્ષરૂપે કહી શકાય કે શ્રીશંકરાચાર્યના મતાનુસાર દરેક મનુષ્ય બ્રહ્મ છે. અદ્વૈતવાદી જ્ઞાની બ્રહ્મસ્વરૂપ થવા માગે છે, તો વળી શ્રીરામાનુજના મતાનુસાર દરેક મનુષ્ય ઈશ્વરના કિરણ અથવા સ્ફુલિંગ જેવો છે. વિશિષ્ટાદ્વૈતવાદી ભગવાન નારાયણ જેવો બનવા માગે છે. તે ઈશ્વરમાં ભળી જવા માગતો નથી, પરંતુ સ્ફુલિંગની જેમ અલગ રહેવા માગે છે.
પરંતુ શ્રીરામકૃષ્ણ કહે છે, ‘વિચાર કરી કરીને એક પ્રકારનું સમજાય અને ઈશ્વર જ્યારે બતાવી દે ત્યારે બીજી રીતે દેખાય.’ સ્વામી તુરીયાનંદે સ્વામી શર્વાનંદને પત્રમાં લખ્યું હતું, ‘વિવર્ત, અજાત, પરિણામ—બધા વાદ એમનામાં (શ્રીરામકૃષ્ણમાં) જ થઈ રહ્યા છે. એકમાત્ર તેઓ (શ્રીરામકૃષ્ણ) જ સત્ય છે. વળી તેમનામાંથી જીવ, જગત નીપજી રહ્યું છે. આ સત્ય છે, શરત એટલી કે તેમને ન ભુલાય. તેમને ભૂલીને નામ-રૂપ જોવા જતાં મિથ્યારૂપ થઈ જાય છે.’
આ બોધ હૃદયંગમ કરીએ તો શ્રીરામકૃષ્ણતત્ત્વ શું છે તે આત્મસાત્ થઈ જાય અને માનવજીવન ધન્ય બને.
Your Content Goes Here




