(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 3 માર્ચના પુણ્ય દિવસે શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીચૈતન્ય મહાપ્રભુના સંદર્ભમાં વર્તમાન યુગાવતાર શ્રીરામકૃષ્ણદેવનું જીવનદર્શન અવલોકીએ.
શ્રીરામકૃષ્ણના દક્ષિણેશ્વરના ઓરડામાં શ્રીચૈતન્ય તથા નિત્યાનંદની કીર્તનમંડળીની તસવીર હતી, જેનું તેઓ નિત્ય દર્શન કરતા. વળી, કીર્તનના અંતે શ્રીરામકૃષ્ણ ‘હરિ બોલ, હરિ બોલ’ બોલતા. જાણે કે એમનામાં શ્રીગૌરાંગ પ્રગટ થયા છે અને સ્વયં સાક્ષાત્ ગૌરાંગ છે. ઠાકુરે સ્વામી વિવેકાનંદને પણ અનેક વખત કહ્યું હતું, ‘હું જ અદ્વૈત, ચૈતન્ય અને નિત્યાનંદ છું.’
વળી માસ્ટર મહાશય સૌ પ્રથમ વાર દક્ષિણેશ્વર પધાર્યા ત્યારે જોઈને જ મનમાં વિચારવા લાગ્યા, ‘જાણે કે શ્રીચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ પુરીમાં રામાનંદ, રૂપ ગોસ્વામી વગેરે ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.’
ઠાકુર અવારનવાર કહેતા કે ‘વળી ક્યારેક ગૌરાંગના ભાવમાં રહેતો. તેમાં બંને ભાવનું મિલન; પુરુષ અને પ્રકૃતિભાવનું મિલન. એ અવસ્થામાં હંમેશાં ગૌરાંગના સ્વરૂપનું દર્શન થતું.’ વળી કહેતા, ‘ખુલ્લી આંખે ગૌરાંગના ભક્તોને જોયા હતા, ભાવાવસ્થામાં નહીં, આ ખુલ્લી આંખે.’
5 ઓક્ટોબર, 1884ના રોજ નીલકંઠ કીર્તનકાર દક્ષિણેશ્વર આવીને ઠાકુરને નામસંકીર્તન સંભળાવી રહ્યા છે. ઠાકુરના ઓરડાની પશ્ચિમ તરફની અર્ધ ગોળાકાર ઓસરીમાં સૌ કોઈ બેઠા છે. નીલકંઠ ઠાકુરને કહે છે, ‘આપ જ સાક્ષાત્ ગૌરાંગ!’ બલરામ બસુના નિવાસસ્થાને ઠાકુર એકસોથી વધુ વખત પધાર્યા હતા. માસ્ટર મહાશય આ સ્થાનનું વર્ણન કરતાં લખે છે, ‘જાણે કે શ્રીગૌરાંગે શ્રીવાસને ઘેર પ્રેમનું બજાર ભર્યું છે.’
ભૈરવી બ્રાહ્મણીએ શ્રીરામકૃષ્ણનાં અલૌકિક દર્શનો, ભગવદ્-ચર્ચા વખતે થતો બાહ્યજ્ઞાનનો લોપ, નિદ્રાશૂન્યતા, દૈહિક વિકારો ઇત્યાદિ જોઈને પ્રથમ મુલાકાતમાં જ તેમને કહ્યું હતું, ‘તને કોણ પાગલ કહે છે, દીકરા? તને મહાભાવ થયો છે. આ જાતની અવસ્થા એક શ્રીમતી રાધારાણીને થઈ હતી, અને આવું જ થયેલું શ્રીચૈતન્ય મહાપ્રભુને!’ શ્રીરામકૃષ્ણ એક વાર પાલખીમાં બેસીને કામારપુકુરથી સિહડ જઈ રહ્યા હતા. જતી વખતે જોયું કે તેમના દેહમાંથી કિશોરવયના બે સુંદર બાળકો અચાનક બહાર આવ્યા અને વનફૂલોને વીણતાં વીણતાં ક્યારેક વગડામાં દૂર દૂર જવા લાગ્યા. કદીક પાલખી નજીક આવીને હસતા, ગમ્મત કરતા, વાતો કરતા અને જોડે જોડે ચાલતા. આમ થોડીક વાર આનંદવિહાર કરીને તે બેઉ પાછા શ્રીરામકૃષ્ણના દેહમાં પ્રવેશી ગયા. ઠાકુરના મુખેથી આ વર્ણન સાંભળીને ભૈરવી બ્રાહ્મણીએ કહ્યું હતું, ‘બાબા, બરાબર જ જોયું છે. આ વખતે નિત્યાનંદના ખોળિયામાં ચૈતન્યનો આવિર્ભાવ. શ્રીનિત્યાનંદ અને શ્રીચૈતન્ય આ વખતે એકીસાથે એકાધારે આવીને તમારી અંદર રહ્યા છે.’ આમ કહીને ભૈરવી બ્રાહ્મણીએ ગાયું, ‘આજ સુધી ગૌર લીલા કરે છે ગોરારાય, કોઈ કોઈ ભાગ્યવાનને જોવાનું એ થાય.’
ઠાકુરે આ અંગે કહ્યું હતું, ‘હૃદુને ઘેર જ્યારે જતો હતો ત્યારે ગૌરાંગનાં દર્શન થયાં હતાં. તેમણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું.’
ઠાકુર એક વખત શ્રીચૈતન્યના આવિર્ભાવ સ્થાન નવદ્વીપ નદિયા ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે નૌકામાં ચડતી વખતે એક અદ્ભુત દર્શનમાં જોયું તો બે રૂપાળા કિશોરો—એવું રૂપ તો ક્યારેય જોયું ન હતું. તપ્તકાંચનકાય, કિશોરવય, મસ્તક ફરતે જ્યોતિર્મંડળ. હાથ ઊંચા કરીને ઠાકુર તરફ મીટ માંડીને હસતાં હસતાં આકાશ માર્ગેથી ઊતરી આવ્યા. ઠાકુર બોલ્યા, ‘આ આવ્યા રે, આવ્યા રે!’ એટલામાં તો સમીપ આવીને તે બેઉ ઠાકુરના દેહમાં પ્રવેશી ગયા. આ હતું ઠાકુરનું ગૌરાંગ-નિત્યાનંદનું દર્શન. ઠાકુર અનેક વાર શ્રીચૈતન્યદેવની ત્રિદશા વિશે કહેતા, ‘અંતર્દશાની અવસ્થામાં તેઓ સમાધિસ્થ થઈ રહેતા, અર્ધ બાહ્યદશામાં માત્ર નૃત્ય કરી શકતા, બાહ્યદશામાં તેઓ નામસંકીર્તન કરતા.’ આ અવસ્થાઓનું વર્ણન કરીને ઠાકુર જાણે કે પોતાની અવસ્થાઓ પ્રતિ નિર્દેશ કરીને શ્રીચૈતન્ય સાથેની સ્વયંની એકાત્મતા સૂચવતા. ઠાકુર શ્રીચૈતન્ય વિષયક ભજન ગાતાં ગાતાં સમાધિસ્થ થઈ જતા. ઠાકુર કહેતા, ‘ચૈતન્ય ભક્તિનો અવતાર. જીવોને ભક્તિ શીખવવા આવ્યા હતા… પરમાત્મા માણસમાં અવતીર્ણ થાય? રામ, ચૈતન્ય જેવા?’ વળી તેઓ કહેતા, ‘એક ઈશ્વર તેનાં અનેક નામ… તમે મને શું ધારો છો?.. તમે જ્યાં ત્યાં જાઓ મા. તમારે અહીં જ આવવું.’ શું ઠાકુર કહે છે કે હું પોતે અવતાર થઈને આવ્યો છું? મારાં દર્શન કરવાં એ જ ઈશ્વરદર્શન કરવા બરાબર?
ઠાકુરને ઉદ્દેશીને માસ્ટર મહાશય કહેતા, ‘તમને જે જેટલો સમજશે, તેટલો ઉન્નત થશે… આપને સમજવા બહુ જ કઠણ.’
ચાલો, આપણે સૌ લીલાચિંતન કરીને માસ્ટર મહાશયના સટીક બોધને અનુસરીએ.
Your Content Goes Here




