(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. – સં.)
પ્રચલિત લોકોક્તિ છે –
ગંગા, ગીતા, ગાયત્રી, ગણપતિ, ગૌરિ, ગુપાલ;
પ્રાત:કાલ જો નર ભજૈ, તે ન પરૈં ભવજાલ.
વળી, ગંગા, ગાયત્રી અને ગૌમાતા—આ ત્રણ શક્તિ આર્યધર્મની આધારશિલા છે. તુલસીની જેમ વૈષ્ણવ મતાવલંબીઓ માટે ગંગા માતૃસ્વરૂપા છે. હિંદુ સનાતન પરંપરામાં ગંગામૈયાનો મહિમા સર્વવિદિત છે. શ્રદ્ધાળુ જન ગંગામાતાને અશરણ-શરણ્યા, મુક્તિદાયિની, કરુણામયીરૂપે ભજે છે. ગંગા નદી એ સાધારણ નદી નથી. તે શ્રીહરિ ભગવાન વિષ્ણુનું ચરણોદક છે. તેનો પ્રાદુર્ભાવ શ્રીહરિ વિષ્ણુનાં ચરણકમળમાંથી થયો છે અને તે ત્યાંથી ઉદ્ભવ પામીને સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એ ત્રણેય લોકમાં ત્રણ ધારાઓમાં પ્રવાહિત થઈને દેવ, માનવ અને દાનવ સૌનાં પાપોનો નાશ કરે છે.
ગંગામૈયાની દૃષ્ટિમાં કોઈ પણ જાતનો ભેદભાવ કે પૂર્વગ્રહ નથી. કોઈ પણ રીતે, કોઈ પણ અવસ્થામાં ગમે તેવી પાપી વ્યક્તિ ગંગામૈયાનાં દર્શન, સ્પર્શન; તેનાં પાવન જળમાં સ્નાન કે તેનું પાન કરીને પવિત્ર તથા વિશુદ્ધ થઈ જાય છે, એમાં સંદેહ નથી. ગંગા શ્રીહરિની જળમયી શક્તિ છે. તેના પૃથ્વી પરના અવતરણ અંગેનાં અનેક કારણો પુરાણોમાં વર્ણિત છે. ગંગાના મહિમાની વાત જ શું કરવી? મહર્ષિ વ્યાસ, ઋષિ વાલ્મીકિ, તથા તુલસીદાસજીથી લઈને મહાકવિ કાલીદાસ તથા અદ્યપર્યંતના અનેક વિદ્વાનો તથા પંડિતોએ ગંગા વિષયક સ્તુતિ, સ્તોત્ર, કાવ્ય ઇત્યાદિની રચના કરી છે. ગંગાકિનારે આદિકાળથી મહાન તીર્થો વસ્યાં છે અને મહાન ઋષિઓના આશ્રમો સ્થપાયા છે. ગંગાજળની અનન્ય ગુણવત્તાને કારણે તે વિશિષ્ટ નદીના રૂપમાં જ નહીં, પરંતુ પવિત્રતમ કલ્યાણદાત્રી દેવીના રૂપે પણ સર્વમાન્ય છે. ગંગાજળ કદાપિ વાસી થતું નથી. સર્વ પ્રકારનાં દેવકાર્યમાં ગંગાજળનો ઉપયોગ થાય છે. મરણોન્મુખ વ્યક્તિના મુખમાં ગંગાજળ મૂકવામાં આવે છે તથા સૂતક ઇત્યાદિ અશુચિ અવસ્થામાં ગંગાજળનું લેપન તથા છંટકાવ કરીને સ્થાનને પવિત્ર કરવામાં આવે છે.
ગંગા સૌની માતા છે અને સાર્વજનીન કલ્યાણ હેતુ હરિપ્રેરણાવશ ધરાતલ પર અવતરણ કરીને તે સર્વસુલભ થઈ છે. ભારતવર્ષનાં તીર્થોમાં સર્વાધિક મહિમા ગંગામૈયાનો છે. તે હિમાલયમાં ગોમુખ નામના સ્થળેથી આવિર્ભૂત થઈને સર્વપ્રથમ ભૂમિ પ્રદેશમાં ઋષિકેશ-હરિદ્વારમાં પ્રવાહિત થાય છે. વારાણસી તથા પ્રયાગ જેવાં તીર્થોમાં તેનો અપાર મહિમા જોવા મળે છે. તે બંગાળના ઉપસાગરમાં ગંગાસાગર નામના તીર્થસ્થાને સાગરમાં વિલીન થઈ જાય છે. અત્રે કપિલ મુનિનો આશ્રમ આવેલો છે. સ્કંદ પુરાણમાં ગંગાની ઉત્પત્તિના દિવસને ગંગાદશહરા ગણવામાં આવ્યો છે.
ગંગામૈયાના મહિમાનું ગાન વેદો, અનેક પુરાણો, ઉપપુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત તથા અન્ય શાસ્ત્રોમાં મુક્ત કંઠે કરાયું છે. ગંગાજળને મહૌષધિ ગણવામાં આવે છે. હિંદુ શાસ્ત્રોમાં તેનો વિષ્ણુપાદોદ્ભવા, શિવશીર્ષ-નિવાસિની, શાંતનુનાં પત્ની, ભીષ્મ ઇત્યાદિ અષ્ટ વસુઓનાં માતા તરીકે ઉલ્લેખ થયો છે. જહ્નુ ઋષિ દ્વારા તેનું પાન કરાયું હોવાથી તથા પુન: તેમની જાંઘમાંથી ઉદ્ભવ થયો હોવાથી તે જાહ્નવી તરીકે પણ પ્રસિદ્ધ છે.
કપિલ મુનિના શાપને કારણે સગર રાજાના સાઠ હજાર પુત્રો ભસ્મીભૂત થઈ ગયા હતા. તેમના ઉદ્ધાર અર્થે સ્વર્ગમાંથી ગંગાના અવતરણની આવશ્યકતા ઊભી થઈ. દિલીપ, અંશુમાન, ઇત્યાદિના તપની પરંપરામાં અંતે રાજા ભગીરથના તપથી સંતુષ્ટ થઈને ગંગામૈયાનું પૃથ્વી પર અવતરણ થયું. આ કથાના આધારે ગંગાનું પ્રચલિત નામ ભાગીરથી છે. કપિલ મુનિના આશ્રમના પ્રાંગણમાં સગરપુત્રોનો ભસ્મપુંજ હતો. ત્યાં ગંગાપ્રવાહ આવતાં તે સૌનો ઉદ્ધાર થયો. આ સ્થળ ગંગાસાગર નામે ઓળખાય છે, જ્યાં ગંગાનું સાગર સાથે મિલન થાય છે. આ સ્થાનનો મહિમા અપાર હોવાથી કહેવાય છે, ‘સૌ તીરથ બારબાર, ગંગાસાગર એકબાર.’
ગંગામૈયાની પુરાતન પરંપરાનાં મહિમા તથા માહાત્મ્ય, ગરિમા તથા ગૌરવ, શ્રેષ્ઠતા તથા શુચિતા, પવિત્રતા તથા પાવકતા, ઉપાદેયતા તથા ઉપયોગિતાનું વર્તમાન કાળમાં સમર્થન કરવા માટે શ્રીરામકૃષ્ણદેવે પોતાના અવતારકાર્યની લીલાભૂમિ નિમિત્તે દક્ષિણેશ્વરના ગંગાતટની પસંદગી કરી હતી. કલિકલુષહારિણી, કલકલનિનાદિની, પાવનકારી ગંગા નદીના તટે શ્રીરામકૃષ્ણદેવે ૩૦થી વધુ વર્ષ વિતાવ્યાં હતાં. તેઓ ગંગાજળને સાધારણ જળ ગણતા ન હતા. તેઓ કહેતા, ‘ગંગાવારિ, બ્રહ્મવારિ.’ તેમને ગંગાજળની પાવનકારી પાપહારી શક્તિમાં અગાધ વિશ્વાસ હતો. તેઓ નિત્ય પ્રાત:કાળે સૌ પ્રથમ ગંગાજળનું આચમન કરીને જગન્નાથનો મહાપ્રસાદ મુખમાં મુખ્યા બાદ વ્રજરજ દેહ પર ધારણ કરતા. તેમના ઓરડાના પશ્ચિમ ખૂણે ગંગાજળ ભરેલી કોઠી હતી. તેઓ આ જળનો દૈનિક વ્યવહારમાં વપરાશ કરતા. તેમના ઓરડામાં કોઈ દુશ્ચરિત્ર વ્યક્તિ આવીને જતી ત્યારે તે વ્યક્તિ જે સ્થાને બેઠી કે ઊભી હોય તે સ્થળે તેઓ ગંગાજળનો છંટકાવ કરાવી દેતા કે ગંગાજળથી તે સ્થાન પવિત્ર કરાવી દેતા.
કોઈ અંતેવાસીના અંત:કરણમાં અશુભ વૃત્તિ કે અમંગળ વિચાર જાગતો ત્યારે તેઓ તેને ગંગાજળનું પાન કરી લેવાની સલાહ આપતા. તેઓ પોતાના ઓરડાની પશ્ચિમે આવેલી અર્ધગોળાકાર ઓસરીમાં આવીને નિત્ય દર્શન કરતા. આવું તે દિવસમાં અનેકવાર કરતા, ગંગામૈયાનું સ્તવન ગદ્ગદ કંઠે કરતા. તેઓ ગંગાતટે આવેલ ચાંદનીઘાટે નિત્ય ગંગાસ્નાન કરતા અને માત્ર સ્નાન નિમિત્તે જ ગંગાનદી તટે જતા. પરંતુ હાથપગ ધોવા કે વસ્ત્ર ધોવા બાજુમાં આવેલ હંસપુકુર જતા. તેઓને એક વાર ગંગામૈયાનાં ભાવદર્શન થયાં હતાં—હસ્તમાં જળકુંભ સાથે દેવી અને ઋષિ રૂપે.
શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસંગિની શ્રીમા શારદાદેવીને પણ ગંગા પ્રતિ અનહદ ભાવ હતો. તેમના જન્મસ્થાન જયરામવાટીમાં આવેલ આમોદર નદીમાં તેઓ નિત્ય સ્નાન કરવા જતાં અને તે નદીને તેઓ ગંગા કહેતાં. આ નદીના ઘાટને તેઓ મણિકર્ણિકા ઘાટ કહેતાં. હાલ આમોદર નદીના ઘાટે શ્રીમાની પરિકલ્પના અનુસારનું સ્થાપત્ય નિર્મિત કરાયું છે.
શ્રીમા શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ કામારપુકુરમાં નિવાસ કરી રહ્યાં હતાં. એક દિવસ તેમના મનમાં કોલકાતા જઈને ગંગાસ્નાન કરી આવવાની પ્રબળ ઇચ્છા જાગી. પરંતુ ત્યાં જવું કેવી રીતે? એવામાં એક દિવસ તેઓ જુએ છે કે ભૂતિની નહેર બાજુથી અનેક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણદેવ શ્રીમા તરફ આવી રહ્યા છે. જોયું તો શ્રીરામકૃષ્ણનાં ચરણોમાંથી ગંગાપ્રવાહ નીકળીને ધસમસતો પોતા તરફ આવી રહ્યો છે. શ્રીમાએ પુષ્પો ચૂંટીને ગંગાપ્રવાહમાં પધરાવ્યાં. આ ભાવદર્શનથી શ્રીમાને થયું કે શ્રીરામકૃષ્ણદેવ જ સર્વસ્વ છે, તેઓ જ શ્રીહરિ વિષ્ણુ, તેઓ જ દેવનદી ગંગા!
શ્રીમા ઉદ્બોધન ભવનમાં નિવાસ કરતાં હતાં ત્યારે દરરોજ ગંગાનદીના પ્રામાણિક નામના ઘાટે સ્નાન કરવા જતાં. શ્રીમા જ્યાં પણ નિવાસ કરતાં, તેમને ગંગા પ્રતિ અદ્ભુત આકર્ષણ રહેતું. નીલાંબરબાબુના ભવનમાં રહેતી વખતે તેમને અલૌકિક દર્શન થયું હતું. ગંગાતટે આવેલ આ ભવનને પોતાનો સ્નાનઘાટ હતો. પૂનમની રાત્રી હતી. ભવનમાંથી આવીને શ્રીમા ગંગાનદીના ઘાટનાં પગથિયા પર બેસી મુગ્ધનયને ગંગાનદીની અપૂર્વ શોભા નિહાળવા લાગ્યાં. એમણે જોયું કે એકાએક શ્રીરામકૃષ્ણદેવ ઉતાવળે પગલે પાછળથી આવીને ગંગામાં ઊતર્યા, સાથોસાથ તેમનો ચિન્મયદેહ ભાગીરથીના જળમાં ભળી ગયો. પછીના સમયમાં શ્રીમા આનું વર્ણન કરીને કહેતાં, “હું મુગ્ધનયને વિસ્ફારિત મુખે આ દૃશ્ય જોતી રહી. એવામાં નરેન ક્યાંકથી આવ્યો અને ‘જય રામકૃષ્ણ’ બોલતાં બોલતાં બે હાથની અંજલિમાં એ બ્રહ્મવારિ લઈને આજુબાજુનાં અગણિત નર-નારી પર છંટકાવ કરવા લાગ્યો. મેં જોયું કે સૌ કોઈ એ જળના સ્પર્શથી સદ્યોમુક્તિ પામ્યાં.” આ દર્શન એટલી સ્પષ્ટ રીતે શ્રીમાએ જોયું હતું કે કેટલાક દિવસ સુધી તેઓ ગંગામાં સ્નાન કરી શક્યાં નહીં. તેઓ કહેતાં, ‘ગંગા શ્રીરામકૃષ્ણનો દેહ છે, હું મારા પગથી તેનો સ્પર્શ કેમ કરીને કરી શકું?’
શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા તીર્થયાત્રાએ ગયાં હતાં. ત્યારે તેમણે શ્રીરામકૃષ્ણદેવના કેશ તથા નખ હરિદ્વારના બ્રહ્મકુંડના ગંગાપ્રવાહમાં વિસર્જિત કર્યા હતા. કેશના કેટલાક અવશેષ શ્રીમાએ તીર્થરાજ પ્રયાગના ગંગા-યમુના-સરસ્વતીના ત્રિવેણી સંગમમાં વિસર્જિત કર્યા હતા. આ પ્રસંગે જળપ્રવાહની એક લહેર ઊઠી અને આ અવશેષ લઈને ચાલી ગઈ. શ્રીમા બોલ્યાં, ‘તીર્થની પવિત્રતા વધારવા માટે મારી પાસેથી કેશ લઈ લીધા.’
૨૧ જુલાઈ, ૧૯૨૦ના રોજ શ્રીમાનો દેહવિલય થયો. તેમના પવિત્ર પાર્થિવદેહને ગંગાઘાટે સ્નાન કરાવાયું અને ગંગાઘાટે જ ચંદનકાષ્ઠની ચિતામાં અગ્નિસંસ્કાર કરાયા. વળી, પવિત્ર ચિતા પર ગંગાજળ રેડીને અગ્નિશમન કરાવાયું. આ સ્થળે શ્રીમાનું સમાધિમંદિર બંધાયું. શ્રીમાને ગંગામૈયા પ્રતિ અપાર પ્રેમ હોવાથી સમાધિમંદિરનું દ્વાર ગંગા તરફ રાખવામાં આવ્યું છે કે જેથી શ્રીમા નિત્ય નિરંતર ગંગાદર્શન કરી શકે. કલિકલુષહારિણી ગંગામૈયા અને પવિત્રતા સ્વરૂપિણી શ્રીમા શારદાદેવી એકમેકને નિહાળીને જગકલ્યાણ નિમિત્તે અસ્તિત્વ ધારણ કરી ત્યાં વિદ્યમાન છે.
Your Content Goes Here




