(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિની ઉજવણી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ છે. તેના ઉપલક્ષ્યમાં આ લેખ પ્રસ્તુત છે. – સં.)
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ‘દરિદ્રનારાયણ-સેવા’ અર્થાત્ ‘શિવજ્ઞાને જીવસેવા’ની ગાથા અત્યંત કરુણાપૂર્ણ તથા રુચિકર છે. આ સેવાવ્રતના આદિ પ્રવર્તક છે—સ્વામી અખંડાનંદ. આ વ્રતનું બીજારોપણ ૧૮૯૭માં એક નાનકડી ઘટનાથી થયું હતું. સેવાવ્રતનો પ્રારંભ ક્યારે, ક્યાંથી અને કેવી રીતે થયો?
સ્વામી વિવેકાનંદના પ્રથમ સંન્યાસી-શિષ્ય સ્વામી સદાનંદ જ્યારે મદ્રાસ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને કૂતરું કરડ્યું. સ્વામી અખંડાનંદ તેમના માટે દવા લેવા નીકળ્યા અને દવા લઈને ટપાલ દ્વારા મોકલાવી. આલમબજાર મઠ પાછા વળ્યા વગર સીધા જ ત્યાંથી ભ્રમણાર્થે ઊપડી ગયા. ભ્રમણ કરતાં કરતાં મુર્શિદાબાદના ગ્રામ્ય ક્ષેત્રમાં પહોંચીને જોયું તો વિકરાળ દુષ્કાળ ફાટી નીકળ્યો હતો. પોતાની પાસે તો માત્ર ચાર આના હતા!
સેવાકાર્ય ચાલુ થયું. એક સવારે જોયું તો એક છોકરીનો પાણીનો ઘડો ફૂટી ગયો હતો અને એકમાત્ર જળપાત્ર ફૂટી જતાં તે કરુણ રુદન કરી રહી હતી. સ્વામીએ તેને ઘડો ખરીદી આપ્યો તથા થોડા ચેવડો-ધાણી પણ. વધેલા ત્રણ આના દુકાનદાર પાસેથી પાછા લઈ રહ્યા હતા એવામાં દસ-બાર કૃશકાય બાળકો ભિક્ષા માટે ફરી વળ્યાં. તેમને ચેવડો-ધાણી ખરીદી આપ્યાં એટલે સ્વામી બન્યા અકિંચન ફકીર.
જેમ તેમ કરીને સેવાવ્રત ચાલુ રાખ્યું. મઠના ગુરુભાઈને પત્રથી દુષ્કાળની વિકરાળ મૂર્તિની જાણ કરી. સ્વામી રામકૃષ્ણાનંદે મદ્રાસથી આર્થિક સહાય મોકલી. સ્વામી વિવેકાનંદે અત્યંત આશા અને ઉત્સાહપૂર્ણ પત્ર લખ્યો તથા આર્થિક સહાય મોકલી.
ક્ષુધાપીડિત લોકોનું દુઃખ ન જોઈ શકવાથી સ્વામી ઓરડાનું બારણું બંધ કરીને ઠાકુરને પ્રાર્થના કરતા. તેમના આર્તસ્વરની પ્રાર્થનાના પ્રતિસાદરૂપે તેમને સંભળાયું કે ઠાકુર કહી રહ્યા છે, “જોને શું થાય છે તે?” ઠાકુરના આ શબ્દોએ ચમત્કાર સર્જ્યો. આ શબ્દોના પ્રતિફળરૂપે આપણે આજે સારગાછિ આશ્રમ જોઈએ છીએ કે તે કેવો છે!
સ્વામી વિવેકાનંદે મોકલેલા બે સેવકો આવી પહોંચતાં ૧૫ મે, ૧૮૯૭ના રોજ રામકૃષ્ણ મિશનનું સૌ પ્રથમ સામૂહિક દુષ્કાળ-સેવાકાર્ય શરૂ થયું. આ હતો અન્નપૂર્ણા-પૂજાનો દિવસ.
દુષ્કાળ પૂરો થયો. પરંતુ દુષ્કાળના પરિણામે અનેક અનાથ બાળકો ઘરવિહોણાં બન્યાં હતાં. ૧૮૯૭ના અંતિમ છ માસમાં બે અનાથ બાળકોનો સ્વામી અખંડાનંદે ભાર લીધો. બીજા વર્ષે મે માસમાં ચાર બાળકો લઈને સારગાછિ આશ્રમની શરૂઆત કરી. લગભગ ૧૩-૧૪ વર્ષ ભાડાના મકાનમાં આશ્રમનું કાર્ય પરિચાલિત થતું રહ્યું. પછી ૧૯૧૩ના માર્ચમાં અત્યારના સ્થાને આશ્રમનું સ્થાનાંતર થયું.
જંગલી ઝાડી તથા ખાડા-ટેકરાવાળા પચાસ એકરના ભૂખંડ પર આશ્રમ સ્થાનાંતરિત થયો તો ખરો, પણ હવે શું? જમીન તો મળી પણ જંગલ જેવા સ્થાને કરવું શું? વિચારોના વમળમાં ફસાયેલા સ્વામી અખંડાનંદને ઠાકુરે જાણે સ્વગત કહી દીધું, “પહેલાં શું થાય છે? પહેલાં પુષ્પ, ત્યાર બાદ ફળ! પહેલાં પુષ્પથી પૂજા થાય છે, ત્યાર બાદ ફળ-મિષ્ટાન્નનો ભોગ તથા અંતે અન્નભોગ!”
આશાવાણી સાંભળીને સ્વામી અખંડાનંદ ફૂલના છોડ રોપવામાં વ્યસ્ત થઈ ગયા. પછી ફળફળાદિનાં વૃક્ષો રોપ્યાં અને અંતે અનાજની ખેતી શરૂ થઈ, આવું થયું એટલે સ્વામીને અનુભૂતિ થઈ કે “પોતે યંત્ર છે, ઠાકુર યંત્રી થઈને બધું પરિચાલિત કરી રહ્યા છે.” અંતઃકરણમાં આવું જ્ઞાન ઉદિત થતાં આશ્રમનું પ્રત્યેક નાનું-મોટું કાર્ય પણ સંપન્ન થયા કરતું હતું.
આશ્રમનાં બાળકોના રહેવા-ખાવાની વ્યવસ્થાની સાથે સાથે સાધારણ શિક્ષણ, શિલ્પ, ધર્મશિક્ષણ, ઇત્યાદિની વ્યવસ્થા થવા લાગી. વળી ધર્માર્થ ચિકિત્સાલય, સ્ત્રીવિદ્યાલય વગેરેની સ્થાપના સાથે આશ્રમમાં ધીમે ધીમે વિવિધ કાર્યો મૂર્તિમંત થવા લાગ્યાં. ૧૯૨૮ના અન્નપૂર્ણા-પૂજાના દિવસે આશ્રમના પ્રાંગણમાં દેવમંદિરનું પ્રતિષ્ઠા-કાર્ય પણ થયું. આગળ જતાં ગૌશાળા, વિદ્યાલય, દાતવ્ય ચિકિત્સાલય પણ ઉમેરાયાં. પ્રૌઢ વિદ્યાર્થીઓ માટે આશ્રમમાં રાત્રિશાળા પણ શરૂ થઈ. રાત્રિ-વિદ્યાલયમાં ત્રણ કલાક અને દિવસે ચાલતા વિદ્યાલયમાં ચાર કલાક શિક્ષણ અપાતું. દરરોજ સંધ્યા સમયે વ્યાયામ તથા રમતગમત યોજાતાં. સ્વામી અખંડાનંદ દેશી રમતોના પક્ષપાતી હતા. પ્રારંભના કાળમાં તેઓ પોતે પણ રમતોમાં ભાગ લેતા પરંતુ પછીથી તેઓ મધ્યસ્થી તરીકે ભાગ લેતા. ૧૨ જુલાઈ, ૧૯૦૩ના રોજ આશ્રમમાં ‘વિવેકાનંદ સમિતિ’ની સ્થાપના કરી. તેના શુભારંભના દિવસે સ્વામીજીની પુણ્યસ્મૃતિમાં બાળકો તથા યુવકોને સંરક્ષણ નિમિત્તે દેશી શસ્ત્રવિદ્યા તથા વ્યાયામનું શિક્ષણ અપાવા લાગ્યું.
સારગાછિ આશ્રમની પ્રવૃત્તિઓનું ઉત્તરોત્તર વિસ્તૃતીકરણ સમયના વહેણની સાથે અવિરત થતું રહ્યું, જેનું પરિણામ હાલ દેખાઈ રહ્યું છે.
Your Content Goes Here




