(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ઑગસ્ટના રોજ તુલસીદાસજીની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)

‘રામચરિત-માનસ’ ગ્રંથની રચના કરનાર તથા સોળમી શતાબ્દીમાં જન્મેલ તુલસીદાસના નામથી ભાગ્યે જ કોઈ હિંદુ અપરિચિત હશે. તેમના જીવનપ્રસંગો અંગે ઘણી કિંવદંતી પ્રચલિત છે. તુલસીદાસના ગુરુ હતા નરહરિદાસ. નરહરિદાસ રામાનંદના શિષ્ય હતા. વિશિષ્ટાદ્વૈતવાદના પ્રવર્તક શ્રી રામાનુજાચાર્યની શિષ્ય-પરંપરામાં રામાનંદ પંચમપેઢીના હતા. તુલસીદાસે ગુરુના સહવાસમાં છ વર્ષ ગાળ્યાં હતાં. આ દિવ્ય સાંનિધ્યકાળે તેમણે શ્રીરામચંદ્ર ભગવાનના મહિમાનું વારંવાર શ્રવણ કર્યા કર્યું. વળી શેષ સનાતન સાથે રહીને વેદ, વેદાંત અને અન્ય શાસ્ત્રોનું પંદર વર્ષ સુધી અધ્યયન કર્યું.

કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. હનુમાન‌જીને મળી તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજીનાં દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાન‌જીએ કહ્યું, ‘તમને ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન આપશે.’

ચિત્રકૂટ પહોંચી રામઘાટપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રીરામનાં દર્શન થયાં. તુલસીદાસજી તેમને જોઈ મુગ્ધ થઈ ગયા, પરંતુ તેમને ઓળખી ન શક્યા. હનુમાન‌જીએ આવીને તેમને બધો ભેદ સમજાવ્યો ત્યારે તેઓ ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હનુમાન‌જીએ તેમને સાંત્વન આપ્યું અને કહ્યું કે પ્રાતઃકાલ ફરી દર્શન થશે.

સંવત ૧૬૦૭ની મૌની અમાસના બુધવારે તેમની સામે ભગવાન‌ શ્રીરામ પુનઃ પ્રકટ થયા. તેમણે બાળરૂપે તુલસીદાસજીને કહ્યું, ‘બાબા! અમને ચન્દન આપો.’ હનુમાનજીએ વિચાર્યું, કદાચ તેઓ આ વખતે પણ ભૂલ ન ખાઈ જાય, માટે તેમણે પોપટનું રૂપ ધારણ કરી આ દોહો કહ્યો:

ચિત્રકૂટ કે ઘાટ પર ભયિ સંતન કી ભીર.
તુલસીદાસ ચંદન ઘિસેં તિલક કરે રઘુબીર.

ભગવા‌ને પોતાના હાથથી ચંદન લઈ પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયા.

તુલસીદાસની કાવ્યાત્મક વિદ્વત્તા સૌ પ્રથમ સંસ્કૃત ભાષામાં સ્ફુરી હતી. તેમણે સંસ્કૃત પદ્યમાં રચના કરવાનો આરંભ તો કર્યો, પરંતુ રાત પડતાં તેઓને તેનું વિસ્મરણ થઈ જતું. આમ એક સપ્તાહ ચાલ્યું. આઠમા દિવસની રાતે શિવ-પાર્વતીએ સ્વપ્નમાં દર્શન આપીને તેમને અયોધ્યા જવાની તથા ત્યાં જઈને લોકબોલીમાં કાવ્યરચના કરવાની આજ્ઞા કરી. વળી આશીર્વાદ આપ્યા કે આ રચના સામવેદની જેમ કલ્યાણકારક નીવડશે. તુલસીદાસે સ્વપ્નાદેશ શિરે ચઢાવ્યો અને સંવત ૧૬૩૧માં રામનવમીના પાવન દિને રામચરિત-માનસની રચનાનો પ્રારંભ કર્યો. ત્યારે તુલસીદાસની ઉંમર ૨૭ વર્ષની હતી. બે વર્ષ, સાત માસ અને છવ્વીસ દિવસના ઉદ્યમ પશ્ચાત્‌ સંવત ૧૬૩૩માં માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષમાં મંગળવારના રોજ રામચરિત-માનસની રચના પૂર્ણ થઈ. આ દિવસ હતો શ્રીરામ-સીતાના વિવાહનો પવિત્ર દિન. આ ગ્રંથના પ્રથમ શ્રોતા હતા મિથિલાના પ્રસિદ્ધ સંત શ્રી રૂપારુણ સ્વામી. શ્રીરામ પ્રત્યે તેમનો રાજા જનક-પરક ભાવ હતો અને તેઓ શ્રીરામની પોતાના જમાઈરૂપે ઉપાસના કરતા હતા.

તુલસીદાસે આ કાવ્યનું પ્રથમ ગાન કાશીના શ્રીવિશ્વનાથ મંદિરમાં કર્યું હતું. રાત્રે આ ગ્રંથ શ્રી વિશ્વનાથના શ્રીવિગ્રહ નજીક રાખવામાં આવ્યો હતો. વિદ્વત્‌-સમાજની ઉપસ્થિતિમાં સવારે જોયું તો ગ્રંથ ઉપર ‘સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌’ લખેલું હતું અને ભગવાન શિવના હસ્તાક્ષર હતા. આ પ્રશંસાત્મક શબ્દ માત્ર લખાયા હતા એટલું જ નહીં, મંદિરની દીવાલોમાં ધ્વનિ-પ્રતિધ્વનિત થતો ઘોષ પણ આ શબ્દોનો જ હતો.

કાશી-નિવાસી તત્કાલીન સંસ્કૃત-પંડિતો તથા રૂઢિચુસ્તોની માન્યતા હતી કે દિવ્યલીલા તો દેવભાષા સંસ્કૃતમાં જ આલેખાવી-ગવાવી જોઈએ. અકલ્પનીય વિરોધ તથા સંઘર્ષકાળમાંથી પસાર થઈને અંતે રામચરિત-માનસ સર્વમાન્ય ગ્રંથ રૂપે સ્વીકૃત થયો.

રામચરિત-માનસનું માત્ર હિંદી સાહિત્યમાં જ નહીં, પરંતુ વિશ્વસાહિત્યમાં આગવું સ્થાન છે. સર્વાંગ સુંદર, ઉત્તમ કાવ્યનાં બધાં લક્ષણોથી યુક્ત, સાહિત્યના ષડ્‌-રસનું આસ્વાદન કરાવનાર આવો બીજો કોઈ ગ્રંથ અન્ય ભાષાઓમાં લખાયો હોય એવું જણાતું નથી. આ ગ્રંથમાં આદર્શ ગૃહસ્થજીવન, આદર્શ રાજધર્મ, આદર્શ કૌટુંબિક જીવન, આદર્શ પતિવ્રતા ધર્મ, આદર્શ ભ્રાતૃધર્મનું નિરૂપણ થયેલું છે. વળી તેમાં જ્ઞાન, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, સદાચારનો બોધ આપવામાં આવ્યો છે, જે આબાલવૃદ્ધ નર-નારી સૌને સ્પર્શે છે.

આ ગ્રંથરત્ન જેટલા રસપૂર્વક વંચાય છે, એટલા પ્રેમપૂર્વક બીજા કોઈ ગ્રંથનું વાંચન થતું હોય તેવું જાણવામાં આવતું નથી. વળી આમજનતામાં જ્ઞાન, ભક્તિ અને સદાચારનો ફેલાવો જેટલો આ ગ્રંથથી થયો છે, તેટલો કદાચ અન્ય કોઈ ગ્રંથથી નહીં થયો હોય.

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.