(૧૦ ઑગસ્ટના પાવન દિને સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)

૧૩ જુલાઈ, ૧૮૬૩ (અષાઢી કૃષ્ણપક્ષની તેરસે)ના રોજ જન્મેલ શશીભૂષણ પશ્ચાત્‌વર્તી કાળમાં સ્વામી રામકૃષ્ણાનંદજી તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમનું સંન્યાસ નામ જ સૂચવે છે કે તે કેવા ગુરુભક્ત હતા!

૧૮૮૩ના ઓક્ટોબરમાં શ્રીરામકૃષ્ણદેવ સાથે દક્ષિણેશ્વરમાં થયેલી સૌ પ્રથમ મુલાકાતથી જ શશીનું મન જિતાઈ ગયું હતું. દક્ષિણેશ્વરની વારંવારની મુલાકાતોથી તેઓ શ્રીરામકૃષ્ણના સ્નેહપાત્ર બન્યા હતા અને શશીએ ઠાકુરની સેવાને પોતાનું જીવનવ્રત માની લીધું હતું.

ગળાના કેન્સરની સારવાર નિમિત્તે ઠાકુર દક્ષિણેશ્વરથી શ્યામપુકુર સ્થળાંતરિત થયા. ત્યારે તેમની સેવાનો ભાર નવયુવકોએ સંભાળી લીધો હતો. શશીભૂષણે ત્યારે ગુરુની સેવામાં મનપ્રાણપૂર્વક ઝંપલાવ્યું અને ઘેર જવાનું પણ બંધ કરી દીધું. તેઓ બી.એ.ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા એટલે એક વૃદ્ધ પાડોશીએ શશીને કહ્યું, ‘પરીક્ષા આપ્યા પછી ગુરુસેવા કરોને!’ શશીએ સણસણતો પ્રત્યુત્તર આપ્યો, ‘જો હું એની પહેલાં જ મરી જાઉં તો? શું તમે ખાતરીપૂર્વક એમ કહી શકો છો કે ત્યાં સુધી મારું મૃત્યુ નહીં થાય?’

આ સેવા-સંકલ્પનું બીજ પછીથી મહાન વૃક્ષ બનીને ઉત્કૃષ્ટ ગુરુભક્તિરૂપે નવપલ્લવિત થયું હતું. શ્યામપુકુરના નિવાસ દરમિયાન ઠાકુરને જમરૂખ ખાવાની ઇચ્છા થઈ. શિયાળો ચાલતો હતો અને આ ૠતુમાં એ ફળ મળવાં દુષ્કર! સેવા-તત્પર શશીને ભાળ મળી કે અમુક બગીચામાં જમરૂખ છે. અવિલંબ તેઓ જમરૂખ લઈ આવ્યા. કમોસમનાં ફળ જોઈને ઠાકુરે સાશ્ચર્ય પૂછ્યું, ‘અરે, આ ૠતુમાં જમરૂખ ક્યાંથી મળ્યાં?’ બીજે ક્યાંથી મળે અને કોણ લઈ આવે? સત્ય-સંકલ્પ ગુરુના મુખમાંથી નિ:સૃત શબ્દો સમર્પિત સેવક માટે વિફળ કેવી રીતે હોય! આ સમયગાળામાં શશી ગુરુસેવામાં એવા વ્યસ્ત થઈ જતા કે ભોજન કરવાનુંય ભૂલી જાય. ઠાકુર વારંવાર કહ્યા કરતા, ‘જા, નાહી-ખાઈ આવ. અત્યારે મને સારું છે. હમણાં મને કંઈ જરૂર નહીં પડે. જઈને જમી આવ.’ ઘણી વખત એમ પણ બનતું કે શશીને સતત પંખો નાખતા જોઈને ઠાકુર એમના હાથમાંથી પંખો ઝૂંટવી લેતા. ઠાકુરની અંતિમ બીમારી વખતે શશી એક વાર સાંજની વેળાએ સાત માઈલ દોડીને ડૉક્ટરને બોલાવવા ગયા અને ડૉક્ટર ત્યાં ન મળતાં, વધુ એક માઈલ દોડીને ડૉક્ટરને રસ્તામાંથી પકડીને પરાણે કાશીપુર ખેંચી લાવ્યા.

આવી અનન્ય ગુરુભક્તિ જોઈને સ્વામી વિવેકાનંદે જે નામ પોતે લેવા ઇચ્છ્યું હતું તે સંન્યાસ-નામ શશીને આપ્યું—સ્વામી રામકૃષ્ણાનંદ. વરાહનગરમાં આવ્યા બાદ સૌ ગુરુભાઈઓ તીવ્ર વૈરાગ્યની પ્રેરણાથી તેમજ તીર્થાટનની ઇચ્છાથી અહીં-તહીં ચાલ્યા જતા—એકમાત્ર સ્વામી રામકૃષ્ણાનંદ જ ગુરુસેવામાં ત્યાં સુસ્થિર રહ્યા હતા. તેમની ગુરુનિષ્ઠા જોઈને એક વખત સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘શશી કેવી રીતે સ્થળને જીવતું-જાગતું રાખીને બેઠો છે! એની દૃઢ નિષ્ઠા મહાન આધારરૂપ છે.’

તેમને ઠાકુર પ્રત્યે કેવો અડગ વિશ્વાસ હતો! તેઓ મદ્રાસ મઠમાં હતા ત્યારે જો કોઈ પૂછી બેસે કે મઠ કેવી રીતે ચાલે છે, તો તેઓ કહેતા, ‘ઠાકુર બધું જ મોકલી આપે છે.’ વળી તેઓ એમ પણ કહેતા, ‘જો બીજાની મદદ વગર કામ ન ચાલી શકે તેમ હોય તો ભગવાન પાસેથી જ મદદ માગવી જોઈએ.’

વરાહનગર મઠ હોય કે મદ્રાસ મઠ, ઠાકુર-સેવાની તમામ જવાબદારી તેમણે જ સ્વીકારી હતી. તેઓ ઠાકુર-સેવામાં લગારેય ત્રુટિ ચલાવી લેતા નહીં, તેમની ઠાકુર-પૂજા જોવા જેવી હતી. તેઓ ઠાકુરને જીવંત અને નિરંતર વિદ્યમાન સમજીને તેમની સેવાપૂજા કરતા હતા.

સન ૧૮૯૭ના માર્ચના અંતે તેઓ મદ્રાસ પહોંચ્યા. ત્યાં પહોંચીને તરત જ તેમણે ઠાકુર-પૂજા કરવાનો પ્રારંભ કરી દીધો. ઠાકુર-પૂજાનો ભાવ પ્રગટ કરતાં તેમણે એક વાર કાવ્યની પંક્તિ ટાંકતાં કહ્યું હતું, ‘પૂજા-ઉપાસના સઘળું તો છે દેખાડવા માટે, એ બહાને હું તેમને પોકારું છું.’

તેમની ગુરુભક્તિ અને અહંનાશની પરાકાષ્ઠા તો તેમના આ શબ્દોમાં છે, ‘આ દેહ તો એક યંત્રમાત્ર છે અને વળી પાછું તે અચેતન પણ છે. વળી યંત્ર તો યંત્રી માટે છે. યંત્રીને હટાવી દેવાથી એનું રહેવું કે ન રહેવું બેઉ સરખું જ છે. ધારો કે એક કલમ કહે કે મેં સેંકડો પત્રો લખ્યા છે, તો શું ખરેખર એણે એ કર્યું છે? ના, એણે તો કંઈ જ લખ્યું નથી. લખ્યું તો છે એ વ્યક્તિએ કે જેણે તેને ચલાવી હતી!’

સિસ્ટર દેવમાતા સ્વામી રામકૃષ્ણાનંદ વિશેનાં સંસ્મરણોમાં લખે છે: ‘તેમનું આવવું-જવું, ખાવું-નિદ્રાધીન થવું, તેમનું કાર્ય અને ઉપદેશ, તેમની સમગ્ર જીવનચર્યા ગુરુદેવની ઇચ્છામય હતી. તેમના જીવનમાં અહંકાર કે સ્વાર્થવૃત્તિને લગારેય સ્થાન ન હતું. તેમની દૃષ્ટિએ આધ્યાત્મિકતા એટલે અહં-શૂન્યતા. તેમને અનેક નિષ્ઠાવાન અનુયાયીઓ હતા પરંતુ તેમણે તેઓને કદાપિ પોતાના શિષ્યરૂપે ગણ્યા ન હતા.’

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.