अपि कीटपतङ्गाद्या: पशवोऽथ सरीसृपा:।
विमुक्ता: पापिन: सर्वे द्वारकाया: प्रभावत:॥
किं पुनर्मानवा नित्यं द्वारकायां वसन्ति ये।
या गति: सर्वजन्तूनां द्वारकापुरवासिनाम्‌।
सा गतिर्दुर्लभा नूनं मुनीनामूर्ध्वरेतसाम्‌॥

(સ્કંદપુરાણ)

“દ્વારકાના પ્રભાવથી જીવજંતુ, પશુ-પક્ષી, તથા સર્પ વગેરે યોનિમાં રહેલાં સર્વકોઈ પાપી પણ મુક્ત થઈ જાય છે, તો પછી નિત્ય દ્વારકામાં રહેતા તથા ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં ઉત્સાહપૂર્વક રત રહેતા લોકો વિશે કહેવાનું શું? દ્વારકામાં રહેનારાં બધાં પ્રાણીઓ જે ગતિ પ્રાપ્ત કરે છે, તે ઊર્ધ્વરેતા મુનિઓને પણ દુર્લભ છે.”

द्वारकावासिनं दृष्टवा स्पृष्ट्वा चैव विशेषतः।
महापापविनिर्मुक्ताः स्वर्गलोके वसंति ते॥
पंसवो द्वारकाया वै वायुना समुदीरिताः।
पापिनां मुक्तिदाः प्रोक्ताः किं पुनर्द्वारकाभुवि॥

 “દ્વારકાવાસીનાં દર્શન અને સ્પર્શ કરવાથી પણ મનુષ્ય મોટાં મોટાં પાપથી મુક્ત થઈને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરે છે. વાયુ દ્વારા ઉડાવાયેલી દ્વારકાની રજ પાપીઓને મુક્તિ આપનારી કહેવામાં આવી છે. તો પછી સાક્ષાત્‌ દ્વારકાની તો વાત જ શું?”

દ્વારકા-માહાત્મ્ય અનુસાર દ્વારકા અંતર્ગત ગોમતી નદી, ચક્રતીર્થ, રુક્મિણી હृદ, વિષ્ણુપાદોદ્‌ભવ તીર્થ, ગોપી સરોવર, ચંદ્ર સરોવર, બ્રહ્મ કુંડ, પંચનદ તીર્થ, સિદ્ધેશ્વર લિંગ, ઋષિ તીર્થ, શંખોદ્ધાર તીર્થ, વરુણ સરોવર, ઇન્દ્ર સરોવર, ઇત્યાદિ આવે છે. પરંતુ આમાંથી ઘણાં બધાં તીર્થ ઘોર કલિયુગને કારણે સમુદ્રમાં વિલીન થઈ ગયાં છે.

દ્વારકાધામની ગણના સાત પુરીમાં થાય છે સાત પુરી છે—કાશી, કાંચી, માયાપુરી (હરિદ્વાર), અયોધ્યા, દ્વારાવતી (દ્વારકા), મથુરા અને અવન્તિકા પુરી (ઉજ્જૈન). દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની હતી. ભારતવર્ષમાં તીર્થયાત્રાનાં ચાર ધામ છે— શ્રીબદરીનાથ, શ્રીદ્વારકા, શ્રીજગન્નાથ અને શ્રીરામેશ્વર. આ ચાર ધામ પૈકીનું એક ધામ છે દ્વારકા. દ્વારકા બધાં ક્ષેત્રો તથા તીર્થોમાં ઉત્તમ ગણાય છે.

પુરાતત્ત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ પુરાણું છે. એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે ઈ.સ. પૂર્વે ૧૪૦૦ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી.

ભગવાન શ્રીકૃષ્ણે વિશ્વકર્મા દ્વારા સમુદ્ર (કુશસ્થલી દ્વીપ)માં દ્વારકાપુરી બનાવડાવી અને મથુરાથી સૌ યાદવોને અહીં લઈ આવ્યા. શ્રીકૃષ્ણના લીલાસંવરણ પછી દ્વારકા જલમગ્ન થઈ ગઈ, માત્ર શ્રીકૃષ્ણનું નિજ-ભવન ડૂબ્યું નહીં. વજ્રનાભે ત્યાં શ્રીરણછોડરાયના મંદિરની સ્થાપના કરી.

મંદિરમાં મુખ્ય પીઠ પર શ્રીરણછોડરાયની શ્યામવર્ણ ચતુર્ભુજ મૂર્તિ છે. મંદિર ઉપર ચોથા માળે અંબાજીની મૂર્તિ છે. મંદિર પર ધ્વજ ફરકે છે. ધજા ચઢાવતી વખતે મહોત્સવ થાય છે. મંદિર સાત મજલાનું છે. તેની ચારેય તરફ દ્વાર છે. પરિક્રમા પથ બે દીવાલોની મધ્યમાં છે.

મંદિર ગોમતીના તટ પર આવેલું છે. ગોમતી કોઈ નદી નથી. દ્વારકામાં પશ્ચિમ-દક્ષિણ એક વિશાળ જળ-સંગ્રહ છે, જેમાં સમુદ્રનું જળ સર્વદા ભરાયેલું રહે છે. તેને ગોમતી કહે છે. આને કારણે આ દ્વારકાને ગોમતી દ્વારકા કહે છે. ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા વિશાળ દ્વારકાપુરીના અંશ છે. આ નગરી પ્રાચીન દ્વારકાના સ્થાન પર જ વસેલી છે. અહીં અત્યારે પણ પ્રાચીન દ્વારકાનાં અનેક ચિહ્ન રેતીની નીચેથી ક્યારેક મળી આવે છે. શ્રીરણછોડરાયના મંદિરની પૂર્વમાં જગદ્‌ગુરુ શંકરાચાર્યનો શારદામઠ છે.

શ્રીરણછોડરાયજી દ્વારકાધીશ છે. ડાકોરના અનન્ય ભક્ત શ્રી વિજયસિંહ બોડાણા અને તેમનાં ધર્મપત્ની ગંગાબાઈ વર્ષમાં બે વખત હાથમાં તુલસીનો છોડ લઈને દ્વારકા જતાં. એ જ તુલસીદલ દ્વારકામાં શ્રીવિગ્રહને ચઢાવતાં હતાં. તેમની ૭૨ વર્ષની ઉંમર પર્યંત આ ક્રમ ચાલ્યો. જ્યારે ભક્તમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે ભગવાને કહ્યું, “હવે તમારે આવવાની જરૂર નથી, હું સ્વયં તમારે ત્યાં આવીશ.”

શ્રીકૃષ્ણના આદેશથી બોડાણા બળદગાડું લઈ દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણ ગાડામાં બિરાજ્યા. આ રીતે સંવત ૧૨૧૨ની કારતક પૂર્ણિમાના રોજ રણછોડરાયજી ડાકોર પધાર્યા. બોડાણાએ સૌ પ્રથમ મૂર્તિ ગોમતીમાં સંતાડી દીધી. દ્વારકાના પુજારીઓ મૂર્તિ ત્યાં ન જોતાં ડાકોર આવ્યા, પરંતુ ત્યાં લોભમાં ખેંચાઈને મૂર્તિના ભારોભાર સોનું લઈને પાછા જવા રાજી થયા. મૂર્તિનું વજન કરવામાં આવ્યું, બોડાણાની પત્નીના નાકની નથણી અને એક તુલસીપત્રના વજન જેટલી મૂર્તિ થઈ ગઈ. પેલી બાજુ પૂજારીઓને પ્રભુએ સ્વપ્નમાં આદેશ આપ્યો, “હવે પાછા વળી જાઓ, ત્યાં દ્વારકામાં છ મહિના પછી શ્રીવર્ધિની નામની વાવમાં મારી મૂર્તિ નીકળશે.” અત્યારે દ્વારકામાં વાવમાંથી કાઢેલી મૂર્તિ સ્થાપિત થયેલી છે.

આ મંદિર જગતમંદિર તરીકે પણ ઓળખાય છે. તે ૬૦ થી ૭૨ થાંભલાઓ પર અને અદ્‌ભુત કોતરણી સાથેનું મુખ્ય મંદિર સામાન્ય રીતે પાંચ માળનું (અથવા કેટલાક ગ્રંથો અને માન્યતાઓમાં સાત માળનું પણ ઉલ્લેખ મળે છે) છે. મંદિરના શિખર પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો સાથેની (બાવન ગજની) ધ્વજા લહેરાવવામાં આવે છે. ધ્વજા, ત્રિકોણાકાર આકારની હોય છે. જે દિવસમાં ઘણી વખત બદલવામાં આવે છે.  આ ધ્વજા પર સૂર્ય અને ચંદ્ર દોરવામાં આવેલા હોય જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે.

ગર્ભગૃહમાં દેવતા દ્વારકાધીશ છે, જે વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપ તરીકે જાણીતા છે. મુખ્ય વેદીની ડાબી બાજુના ઓરડામાં કૃષ્ણના મોટા ભાઈ બલરામ છે. જમણી તરફની ઓરડીમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને પૌત્ર અનિરુદ્ધ છે. મધ્યસ્થ મંદિરની આજુબાજુની દેરીઓમાં રાધા, રુક્મિણી, જાંબવતી, સત્યભામા, લક્ષ્મી, માતા દેવકી, માધવરાવજી-રુક્મિણીનું જુગલ સ્વરૂપ એવી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ છે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.