(10 સપ્ટેમ્બરના રોજ ઉજવાનાર સ્વામી અદ્વૈતાનંદજી મહારાજની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદનું પૂર્વાશ્રમનું નામ ગોપાલચંદ્ર ઘોષ હતું. એમની જન્મતિથિ ચોક્કસપણે જાણવા મળતી નથી. તેઓ શ્રીરામકૃષ્ણના 16 સંન્યાસીઓમાં સૌથી વયસ્ક હતા. એટલું જ નહીં, તે શ્રીરામકૃષ્ણ કરતાં પણ મોટી ઉંમરના હતા. તેમની વયસ્કતાને કારણે જ દક્ષિણેશ્વરના નિવાસકાળે નોબતખાનામાં રહેતાં શ્રીમા શારદાદેવીને ગૃહોપયોગી સામગ્રી બજારમાંથી ખરીદી લઈ આવવા શ્રીરામકૃષ્ણદેવે સ્વામી અદ્વૈતાનંદને નિયુક્ત કર્યા હતા.
1898ના ગાળા દરમિયાન બેલુર મઠ માટે ખરીદાયેલી જમીન પર બાંધકામ થતું હતું. આ જમીનમાં પહેલાં હોડીઓ તથા વહાણોનું સમારકામ થતું હોવાથી તે જમીન સમથળ ન હતી. હવે ત્યાં મકાનો કેવી રીતે બાંધવાં? સ્વામી અદ્વૈતાનંદનું કર્મજીવન ત્યારથી શરૂ થયું. શ્રીરામકૃષ્ણ-ભાવપ્રચારનો પાયો માનીને તપસ્યારૂપે સ્વામી અદ્વૈતાનંદજીએ જમીનને સમથળ બનાવવાનું કાર્ય હાથ ધર્યું. બપોરના ભોજન સમયે રસોડે જવામાં સમય બગડતો તેથી તેઓ કાર્યસ્થળે જ ભોજન કરી લેતા. તેમના એકનિષ્ઠ પરિશ્રમના સુદૃઢ પાયા પર જ રામકૃષ્ણ સંઘનો પ્રથમ સ્થાયી મઠ બંધાયો.
મઠનું બાંધકામ પૂર્ણ થતાં સ્વામીનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું, ઉદ્યાન. મઠને જરૂરી ફળફળાદિ, પુષ્પ તથા શાકભાજી ઉગાડવાનું તેમણે શરૂ કર્યું. તેમને વાતરોગ થયો હોવા છતાં તેઓ પરિશ્રમપૂર્વક બાગકામ કરતા અને નવા આવેલા બ્રહ્મચારીઓ પાસે કામ લેતા. પરિણામે મઠની ફળ, પુષ્પ તથા શાકભાજીની જરૂરિયાત સંતોષાઈ અને ક્યારેક તો શ્રીમા માટે ઉદ્બોધન ભવનમાં પણ કેટલોક જથ્થો મોકલવામાં આવતો. આ જોઈ-જાણીને શ્રીમા અત્યધિક આનંદમાં આવી જતાં. સ્વામી અદ્વૈતાનંદની સુસંગઠિતતા, નિયમબદ્ધતા અને સુઘડતાને લઈને મઠનો ઉદ્યાન ફળ-ફૂલથી લચી પડતો.
તેઓ બધાં જ કાર્યોમાં જાણે ઘડિયાળના કાંટે ચાલતા. આટલું જ નહીં, સ્વામી પ્રેમાનંદ ઠાકુર-પૂજા વખતે હાજર ન હોય ત્યારે સ્વામી અદ્વૈતાનંદ અત્યંત નિષ્ઠાપૂર્વક પૂજા પણ કરતા.
જીવનના અંતિમ કાળમાં તેઓ પેટની બીમારીથી પીડાતા હતા ત્યારે તેમણે ઠાકુરને આર્તસ્વરે પ્રાર્થના કરી હતી, ‘પ્રભુ, મને આ પીડામાંથી મુક્ત કરો.’ ઠાકુરે તેમની આ પ્રાર્થના સાંભળી અને તેઓએ વયોવૃદ્ધ ઉંમરે 28 ડિસેમ્બર, 1909ના રોજ મંગળવારે સ્વધામગમન કર્યું.
Your Content Goes Here




