શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

ગુરુપૂર્ણિમા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે બુધવાર, તા. ૨૯ જુલાઇના રોજ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ.

કાર્યક્રમની શરૂઆત સવારે મંગલ આરતીથી થઈ, ત્યારબાદ વેદપાઠ અને સ્તોત્રપાઠનું આયોજન થયું. વિશેષ ષોડશોપચાર પૂજા તથા હોમ બાદ ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘ગુરુમહિમા’ વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે અનેક ભક્તોએ શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કર્યાં તથા લગભગ ૪૦૦૦ જેટલા ભક્તજનોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો.

સાંજે આશ્રમના શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણ નામ-સંકીર્તનનું ગાન થયું. સંધ્યા આરતી બાદ ભક્તિભર્યાં ભજનો દ્વારા કાર્યક્રમનું સમાપન થયું.

માતૃવંદના કાર્યક્રમ

૩૧ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન વિભાગ દ્વારા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોની માતાઓનાં ત્યાગ, પ્રેમ અને સમર્પણને વંદન કરવા ‘માતૃવંદના’ કાર્યક્રમનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

દીપ-પ્રાગટ્ય બાદ આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આશીર્વચન આપ્યા હતા. મુખ્ય અતિથિ શ્રી તુષાર ડી. સુમેરા (IAS), મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ; વિશેષ અતિથિ કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, ડૉ. સિદ્ધાર્થ દવે તથા જાણીતા શિક્ષણવિદ્ ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ માતૃત્વનો મહિમા, દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને સમાજની સંવેદનશીલ જવાબદારી અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા.

કાર્યક્રમ દરમિયાન સ્વામી વિજયેશાનંદજી દ્વારા ભજન, ડૉ. નિવૃત્તિ વ્યાસ અને અન્ય થેરાપિસ્ટોનું સમૂહગીત, પૂર્વ વિદ્યાર્થીઓ અને તેઓની માતાઓનું સન્માન, દિવ્યાંગ બાળકોના હૃદયસ્પર્શી વિડિયો, એક માતાના જીવનસંઘર્ષની રજૂઆત તેમજ માતાઓ અને થેરાપિસ્ટો દ્વારા આનંદમય ગરબાની રજૂઆત કરવામાં આવી હતી. અંતમાં આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.

કાર્યક્રમમાં ૫૦૦ થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમે ઉપસ્થિત સૌના હૃદયમાં દિવ્યાંગ સંતાનોની માતાઓ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંવેદનાની ભાવના વધુ દૃઢ બનાવી હતી.

‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન

માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે રવિવાર, તા. ૦૨-૦૮-૨૦૨૬ના રોજ શરૂ કરાયેલા ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનના વર્ચ્યુઅલ લોન્ચિંગના અવસરે રાજકોટ આશ્રમ દ્વારા ગુજરાતનાં વિવિધ ૬૦ સ્થળોએ વિશેષ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમોમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નશામુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી.

રાજકોટ આશ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજીના ચારિત્ર્ય નિર્માણ અને યુવા શક્તિના વિચારોમાં નશામુક્ત જીવનનો સંદેશ આંતરિક રીતે સમાયેલો છે. આ અભિયાન અંતર્ગત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

તેમાં મુખ્યત્વે એ.પી. પટેલ કન્યા છાત્રાલય, આત્મીય યુનિવર્સિટી, વિરાણી સાયન્સ કોલેજ, એસ.ઓ.એસ. સ્કૂલ, કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ, ફીનોલ ઇન્સ્ટિટ્યૂટ, કાઠી સમાજ બોય્‌ઝ હૉસ્ટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુરુકુલ નવયુગ હૉસ્ટેલ (મોરબી), વિવેકાનંદ વિદ્યાલય (ધાણેટી, કચ્છ), વિદ્યાદીપ યુનિવર્સિટી (કીમ, સૂરત), નચિકેતા ફાઉન્ડેશન (પાટણ) સહિત અનેક સ્થળોનો સમાવેશ થાય છે.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે રાજકોટના ડૉ. પૂજાબહેન કગથરા, પૂર્વીબહેન સોનેજી, પન્નાબહેન પંડ્યા તેમજ ધાણેટી, પાટણ, કચ્છ, કીમ, સૂરત અને અન્ય વિસ્તારોના અનેક સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિભિન્ન સ્થળોએ આયોજેલ કાર્યક્રમોમાં ઉપસ્થિત તમામ યુવા-યુવતીઓએ નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો અને સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા માટે સક્રિય ભૂમિકા નિભાવવાનો નિર્ધાર કર્યો.

પૂજનીય સ્વામી ગિરીશાનંદજી મહારાજ રાજકોટમાં

સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી ગિરીશાનંદજી મહારાજ બેલુર મઠથી ૬ ઑગસ્ટના રોજ રાજકોટમાં પધાર્યા. ૮ ઑગસ્ટના રોજ સાંજે ૬ વાગ્યે જાહેર પ્રવચન પણ આપ્યું હતું.

આ સમયે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આ સમારોહની સાક્ષી પૂરી તથા પૂજ્ય મહારાજશ્રીનાં દર્શન કર્યાં તેમજ સહુ ભક્તજનોને મીઠાઈ-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.

૧૫ ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે આશ્રમ પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં આશ્રમના સર્વે સંન્યાસીઓ તેમજ વિદ્યાર્થી-મંદિર અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધ્વજવંદન બાદ સામૂહિક રીતે સ્વામી વિવેકાનંદજીના ‘સ્વદેશમંત્ર’નો પાઠ કરવામાં આવ્યો હતો. ‘વિવેકાનંદ સર્વિસ કોર્પ્સ’ દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.