(૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે આ લેખ પ્રસ્તુત છે.)

સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચંદ્ર હતું. તેમનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૯૬૬માં મંગળવારે થયો હતો.

તેઓ આકંઠ વેદાંતી હતા. ઠાકુરે તેમને એક વાર કહ્યું હતું, ‘એકાંગી ન બનતો. મને એકાંગીપણું પસંદ નથી.’ આવા પ્રકાંડ વેદાંતીએ અમેરિકામાં સતત પચીસ વર્ષ વેદાંત-પ્રસાર કર્યો હતો. આમ છતાં તેમના અંતઃકરણમાં ભક્તિની સરવાણી અખંડ વહેતી રહી હતી અને તેમનામાં ઠાકુર અને શ્રીમા પ્રતિ અગાધ ઇષ્ટ-ભક્તિ નિરંતર વિલસતી હતી. આ અંગેના કેટલાક પ્રસંગ જોઈએ.

ઘણાં વર્ષ બાદ તેઓ અમેરિકાથી ભારત પાછા ફરી રહ્યા હતા. તેમણે જાણ્યું કે આગબોટે ગંગાનદીના પ્રવાહમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમનામાં ગંગા-પ્રેમ ઊમટ્યો. ઠાકુરને ગંગા પ્રત્યે અગાધ પ્રેમ હતો અને શ્રીમાને પણ. પોતાના ઇષ્ટની જેમ સ્વામીમાં ગંગા-પ્રેમ જાગતાં તેમણે આગબોટમાં જ ગમે તેમ કરીને ગંગા-સ્નાન કરી લીધું.

તેઓ લાંબા સમય બાદ બેલુર મઠ પધાર્યા હતા. ભોજન કરવા બેઠા ત્યારે તેમની થાળીમાં અન્ય ખાદ્યસામગ્રી સાથે ઠાકુરનો નૈવેદ્ય-પ્રસાદ મૂક્યો હતો. તેને લઈને સૌ પ્રથમ પોતાના મસ્તકે સ્પર્શ કરાવ્યો અને તેને આરોગ્યા બાદ જ ભોજન-પ્રારંભ કર્યો. અહા, કેવી ઇષ્ટ-ભક્તિ!

તેઓ આવ્યા કે તરત જ તેમણે બંગાળી ભાષામાં જ વાતચીત શરૂ કરી. અમેરિકામાં સુદીર્ઘ પચીસ વર્ષ ગાળીને આવેલા એટલે બંગાળી ભાષામાં બોલતાં જોઈને એક ભક્તે પૂછ્યું, “મહારાજ, બંગાળી ભાષામાં બોલતી વખતે શું તમને લગારેય મુશ્કેલી પડતી નથી?” મહારાજે સસ્મિત પ્રત્યુત્તર વાળ્યો, “ગુરુદેવે (શ્રીરામકૃષ્ણદેવે) જે ભાષામાં વાતો કરી છે તે અમારા માટે દિવ્ય ભાષા છે. અરે, વિદેશમાં નિવાસ કરતી વખતે પણ હું બંગાળીમાં વિચાર-મંથન કરતો હતો.” જોયુંને, પોતાના ઇષ્ટ પ્રત્યે કેવો અનુરાગ!

સ્વામી અભેદાનંદને અમેરિકામાં કોઈ પૂછતું કે તમારી ઉંમર કેટલી, ત્યારે તેઓ કહેતા કે ૩૦-૩૨ વર્ષ. આશ્ચર્યચકિત બનેલા શ્રોતાને તેઓ કહેતા કે ‘મેં મારી ઉંમર જન્મથી ગણી નથી પરંતુ હું શ્રીઠાકુરને મળ્યો (૧૮૮૩-૮૪) અને તેમણે મને તેમના દિવ્ય પ્રેમપાશમાં આજીવન બદ્ધ કરી દીધો તે દિવસથી હું મારી ઉંમર ગણું છું!’ કેવો ઇષ્ટપ્રેમ!

અમેરિકામાં અભેદાનંદજીને કોઈ પૂછતું કે શું તેમને ઈશ્વરદર્શન થયાં છે, તો તેઓ કહેતા કે ‘અવશ્ય.’ છતાંય શંકાશીલ વ્યક્તિ પૂછતી કે શું તે સાચું છે, ત્યારે તેઓ દૃઢતાપૂર્વક જવાબ આપતા, ‘મને નિશ્ચિતપણે ઈશ્વરદર્શન થયાં છે. હું ઠાકુરને મળ્યો છું. મારે હવે પછી શું પ્રાપ્ત કરવાનું રહ્યું?’

સ્વામી અભેદાનંદજીના આ જવાબમાં નિહિત તેમનાં ઇષ્ટ પ્રત્યેનાં શ્રદ્ધા-ભક્તિ જોઈને આપણે અભિભૂત થાય વિના રહેતા નથી.

ઠાકુર પ્રત્યે જે ઇષ્ટ-નિષ્ઠા હતી, તેનાથીય વિશેષ નિષ્ઠા તેમને શ્રીમા પ્રત્યે હતી. શ્રીમાની દિવ્યતાને સમજવા માટે જન-સાધારણને ખૂબ સમય લાગ્યો હતો. શ્રીમાના લીલાસંવરણ પછી ત્રીસ વર્ષે તેમનું જીવનચરિત્ર પ્રકાશિત થયું હતું પરંતુ સ્વામી અભેદાનંદજીએ તો શ્રીમાના જીવનકાળ દરમિયાન જ તેમને સંબોધીને બે ઉત્કૃષ્ટ સંસ્કૃત-રચના કરી હતી. એક છે શ્રીમા વિષયક ધ્યાનમંત્ર—

ध्योयेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्‌।

તેનું અંતિમ ચરણ છે—

जानकीराधिकारूपधारिणीं सर्वमंगलाम्।
चिन्मयीं वरदां नित्यां सारदां मोक्षदायिनीम्।।

આ ધ્યાન-મંત્રમાં શ્રીમાના દેહ-સ્વરૂપ તથા દિવ્ય તત્ત્વનું સાંગોપાંગ વર્ણન છે—જે છબીની સર્વત્ર પૂજા થાય છે તે સ્વરૂપનું. તેમણે રચેલ અન્ય કૃતિ છે—श्री सारदादेवी स्तोत्रम्‌। આ સ્તોત્ર સર્વત્ર ગવાય છે. સ્તોત્રની પંક્તિ છે—

प्रकृतिं परमां अभयां वरदां
नररूपधरां जनतापहराम्।।

આ સ્તોત્ર અભેદાનંદજીએ ૨૧ વર્ષની વયે રચ્યું હતું અને શ્રીમાને ગાઈ સંભળાવ્યું હતું. આ સ્તોત્ર સંભાળીને શ્રીમાએ અભેદાનંદજીને જપમાળા આપીને આશીર્વાદ આપતાં કહ્યું હતું, “તારા જીહ્વાગ્રે સરસ્વતી દેવી વસો.”

આ આશીર્વાદના બળે સ્વામી અભેદાનંદજીએ અમેરિકામાં સતત પચીસ વર્ષ વેદાંત-પ્રચાર કર્યો અને અનેક વ્યાખ્યાનો આપ્યાં. આના આધારે નિમ્નલિખિત પુસ્તકો તૈયાર થયાં :

  • The Great Saviours of the World
  • How to be a Yogi
  • Human affection and Divine Love
  • Reincarnation, Universal Religion and Vedanta
  • Doctrine of Karma, Spiritual Unfoldment
  • Divine Heritage of Man
  • Self Knowledge
  • Yoga Psychology
  • Mystery of Death

કાશીપુર ઉદ્યાનગૃહના નિવાસકાળે ઠાકુરે યુવાન શિષ્યોને માધુકરી લઈ આવવાનું કહ્યું. નરેન્દ્રનાથ, નિરંજન અને કાલીપ્રસાદ ભિક્ષા માટે સૌ પ્રથમ શ્રીમા પાસે ગયા. શ્રીમા ત્યારે ત્યાં નિવાસ કરતાં હતાં. જુઓ તેમનો શ્રીમા પ્રત્યેનો દેવી-ભાવ! શ્રીમાને અન્નપૂર્ણાદેવી ગણીને ગાયું—

अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ।
ज्ञानविज्ञान सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती।।

સ્વામી અભેદાનંદજીને શ્રીમાની દિવ્યતાનો એવો અગાધ પ્રભાવ હૃદયસ્થ થયો હતો કે પછીના કાળમાં તેઓ ભક્તોને જણાવતા કે તેમણે શ્રીમાનાં વિવિધ સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી—

“જ્યારે તમે શ્રીમાની દુર્ગા કે કાલી રૂપે પૂજા કરો ત્યારે તેમને તુલસીપત્ર નિવેદિત કરશો નહિ. પણ તેમને બિલ્વપત્ર, જાસુદપુષ્પ અને લાલ ચંદન વગેરે અર્પિત કરવાં. જો તમે શ્રીમાની પૂજા નારાયણી, લક્ષ્મી, રાધા કે સીતાના રૂપે કરતા હો તો તુલસીપત્ર અને સફેદ ચંદન નિવેદિત કરવાં, આમ સ્વામી અભેદાનંદની દૃષ્ટિએ શ્રીમા અનંતરૂપિણી, અનંત નામધારિણી હતાં.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા ઉત્તર ભારતનાં વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ ગયાં ત્યારે સ્વામી અભેદાનંદજી તેમની સાથે હતા. આ યાત્રા દરમિયાન શ્રીમાને જે ગહન આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી તેના તેઓ સાક્ષી હતા. તેથી શ્રીમા વિષયક પ્રમાણભૂત સંસ્મરણોનું વર્ણન સ્વામી અભેદાનંદજીનાં પુસ્તકમાં જોવા મળે છે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.