શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી
શ્રીમંદિરમાં ૪ સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. સવારે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ તથા વિષ્ણુસહસ્રનામ પાઠનું આયોજન થયું હતું. સંધ્યા આરતી પછી પૂજા, શ્યામનામ સંકીર્તન તથા ભક્તિભર્યાં ભજનો હતાં. ૬૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત અષ્ટમીના બીજા દિવસે સંધ્યા આરતી પછી ભગવાન શ્રીકૃષ્ણના જીવન-સંદેશ વિશે પ્રવચન થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા “વિશ્વ બંધુત્વ દિવસ”ની ઉજવણીના ભાગરૂપે યુવા સંમેલનનું આયોજન
સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મમહાસભામાં આપેલ ઐતિહાસિક ભાષણની ૧૩૩મી જયંતી નિમિત્તે ૧૧ સપ્ટેમ્બરના રોજ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
મુખ્ય અતિથિ તરીકે રાજકોટ સ્થિત જ્યોતિ સી. એન. સી. ઓટોમેશન લિમિટેડના ચેરમેન શ્રી પરાક્રમસિંહજી જાડેજાએ ઉપસ્થિત રહી યુવાઓને સંબોધિત કર્યા હતા. વળી ફાલ્કન પંપ્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી જગદીશભાઈ કોટડીયા પણ હાજર રહ્યા હતા.
આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત વક્તવ્યમાં આજના ઐતિહાસિક દિવસની ભૂમિકા પ્રસ્તુત કરી તેમજ શ્રીરામકૃષ્ણ આશ્રમ અને રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપી.
મુખ્ય અતિથિ તરીકે પધારેલા શ્રી પરાક્રમસિંહજી જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, ફૂટબોલની રમતથી શારીરીક સબળતા આવશે જે તમને ગીતા સમજવામાં વધુ સહાયરૂપ થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ભારતને “વિકસિત ભારત” બનાવવા યુવાઓમાં ઓછામાં ઓછી એક સ્કીલ (આવડત-કૌશલ્ય) હોવી અતિ આવશ્યક છે.
શ્રી જગદીશભાઈ કોટડીયાએ યુવાઓને માર્ગદર્શન આપ્યું કે, ‘No Pain, No Gain અર્થાત્ પીડા વગર કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી અને જ્યાં વિસર્જન છે ત્યાં જ સર્જન છે. ઈશ્વરીય મહાસત્તા સૌને સમાન શક્તિ આપે છે તેનો ખર્ચ ક્યાં, કેમ અને કેટલો કરવો તેનો નિર્ણય સ્વયંનો જ રહેશે અને જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો પોતાની જાતને શાબાશી આપવાનું શરૂ કરો.’
સંમેલનમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાઓના મનને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા તથા યુવાઓને એકાગ્રતા વધારવા અમૂલ્ય સૂત્રો પણ જણાવ્યાં.
સંમેલનમાં ૫૦૦થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સહુ યુવાનોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં.
યુવા સંમેલનનું આયોજન
14 સપ્ટેમ્બરના રોજ મોદી સ્કૂલ અને શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કૉલેજના સંયુક્ત ઉપક્રમે એન.સી.સી. અને એન.એસ.એસ.ના કેડેટ્સ માટે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી નૂપુર જૈન, રિટાયર્ડ સ્ક્વોડ્રન લીડર, ભારતીય વાયુસેના ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના દેશપ્રેમના આદર્શોને પ્રકાશિત કરતાં જણાવ્યું કે, કુ. મેક્લાઉડે સ્વામી વિવેકાનંદને પૂછ્યું, ‘હું શું સેવા કરી શકું?’ સ્વામીજીએ કહ્યું કે, ‘ભારતને પ્રેમ કરો.’
સંમેલનના મુખ્ય અતિથિ શ્રીમતી નૂપુર જૈને જણાવ્યું કે, ‘એરક્રાફ્ટની કોકપિટને ખબર નથી કે તેને ચલાવનાર સ્ત્રી છે કે પુરુષ.’ આમ કહી યુવાઓને સંદેશ આપ્યો કે સ્ત્રી–પુરુષ વચ્ચે ભેદભાવ રાખવો યોગ્ય નથી. સિવિલ સર્વિસ આપણને ટીમવર્ક તથા નેતૃત્વ શીખવે છે. જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો અનેક માર્ગો ખુદ પ્રગટ થતા હોય છે. તેમણે એન.સી.સી. યુનિફોર્મને દેશસેવાની પ્રેરણા આપતું વસ્ત્ર ગણાવ્યું અને જણાવ્યું કે તે જ યુનિફોર્મ યુવાઓને દેશસેવાના અવસર પણ આપે છે.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વક્તવ્યમાં ભારતની ગુલામીના સમયમાં ક્રાંતિકારીઓએ સ્વામી વિવેકાનંદની પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી દેશની આઝાદી માટે ઝળહળતું બલિદાન આપ્યું હતું તેમ કહી યુવાઓને પ્રેરણા આપી.
આ પ્રસંગે મોદી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રશ્મિકાંત પંડ્યા, કણસાગરા કોલેજના એન.સી.સી. ઓફિસર શ્રી યશવંતભાઈ ગોસ્વામી, એસ.એલ.એમ. ફાઇનાન્સ કંપનીના ફાઉન્ડર શ્રી સંજયભાઈ મહેતા તથા કો-ફાઉન્ડર શ્રીમતી હીનાબેન મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં એકંદરે ૪૦૦થી વધુ કેડેટ્સ હાજર રહ્યા હતા. અંતે સૌ કેડેટ્સને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો સેટ ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
Your Content Goes Here




