(ઈ.સ. ૧૮૬૨ની શ્રાવણી પૂર્ણિમાના પાવન દિને જન્મેલ સ્વામી નિરંજનાનંદની જન્મતિથિ ૨૮ ઑગસ્ટના રોજ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
અનંત ઉજ્જ્વળ આધ્યાત્મિક ભાવરાશિના ઘનીભૂત શ્રીવિગ્રહ એવા શ્રીરામકૃષ્ણના અંતરંગ સંન્યાસી-શિષ્યોનાં જીવન આગવી મૌલિક વિશિષ્ટતા ધરાવે છે. આ અંતરંગ શિષ્યોમાંના કેટલાક તો ‘ઈશ્વરકોટિ’ હતા. કોઈ શ્રીકૃષ્ણનો બાળસખા, તો વળી કોઈ અર્જુનનો અંશધારી, કોઈ તો શ્રીરાધારાણીના અંશરૂપ, કોઈ કોઈ તો ઈશુના શિષ્યમંડળ માંહેના.
આવા એક શ્રીરામચંદ્રજીના અંશથી અવતરેલા ઈશ્વરકોટિ શિષ્ય હતા સ્વામી નિરંજનાનંદ.
એમનો બાંધો ખૂબ જ સૌષ્ઠવપૂર્ણ હતો. વ્યાયામ વગેરેને કારણે એમનું શરીર કદાવર, સુડોળ અને પૂરી ઊંચાઈવાળું હતું. એ ઉપરાંત એમનો સ્વભાવ પણ નિર્ભીક અને વીરતાભર્યો હતો.
ભગવાન શ્રીરામની જેમ વીર તથા નિર્ભીક સ્વામી નિરંજનાનંદનું બાળપણનું નામ નિત્યનિરંજન હતું. શ્રીરામચંદ્રની જેમ તેઓને બાળવયે તીર-કામઠાં અને અસ્ત્રશસ્ત્ર લઈને રમવાનું અતિ પ્રિય હતું. દેહ પણ કદાવર અને સૌષ્ઠવપૂર્ણ, જાણે કે બાળરામ.
વૈરાગ્યનો સંચાર થતાં જ નિરંજન માટે આધ્યાત્મિક રાજ્યનાં દ્વારો તુરત જ ખૂલી ગયાં. લોકોના મુખે શ્રીરામકૃષ્ણના અદ્ભુત ભગવત્પ્રેમ અને મનોહારી ઉપદેશો વિશે સાંભળીને તેઓ એમનાં દર્શન માટે ઉત્સુક બની ગયા. તેઓ તુરત જ પોતાના કેટલાક પ્રેતાત્મવાદી મિત્રોની સાથે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને મળવા આવી પહોંચ્યા.
અઢાર વર્ષની વયે ઠાકુર સાથે દક્ષિણેશ્વરમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. ઠાકુર તેમના પ્રત્યે અગાધ અને અપાર સ્નેહ ધરાવતા હતા. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ઠાકુર એમના પ્રત્યે કેવા સ્નેહપરાયણ હતા તેના અનેક ઉલ્લેખ જોવા મળે છે.
નિરંજન જ્યારે દક્ષિણેશ્વરમાં આવ્યા, ત્યારે શ્રીરામકૃષ્ણ ભક્તોથી વીંટળાઈને બેઠા હતા. સંધ્યા સમયે બધા ચાલ્યા ગયા, ત્યારે તેઓ નિરંજનની પાસે આવીને બેઠા અને તેમણે તેમનો પરિચય પૂછ્યો. વાતો ધીમે ધીમે ઘનિષ્ઠ બનતી ગઈ. જાણે નિરંજન સાથે એમને કેટલાય વખતથી પરિચય હતો! વાતચીતના પ્રસંગમાં એમણે નિરંજનને કહ્યું, ‘જો નિરંજન, ભૂત-ભૂત કરતાં તું પોતે ભૂત જ બની જઈશ અને ભગવાન ભગવાન કરવાથી ભગવાન બની જઈશ કહે, આમાં ક્યું સારું છે?’ નિરંજને જવાબ આપ્યો, ‘ત્યારે તો ભગવાન બનવું જ સારું છે.’ આ રીતે એ દિવસે ઠાકુરે નિરંજનને પ્રેતાત્મવાદીઓનો સંગ છોડી દેવા કહ્યું અને એ બાબતમાં નિરંજન પણ સંમત થઈ ગયા.
શ્રીરામકૃષ્ણનો નિરંજન પ્રત્યે જેવો અગાધ સ્નેહ હતો તેવી જ સ્વામી નિરંજનાનંદને શ્રીમા શારદાદેવી પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી.
જીવનના મધ્યાહ્ન કાળે કરુણાંતિકાની વિષમતામાં દુ:ખ અને શોકથી આહત ગિરીશચંદ્ર ઘોષ થોડોક કાળ એકદમ વિભ્રાંત બની ગયા હતા. આવી દુ:ખપૂર્ણ વિયોગ-અવસ્થામાં ગિરીશચંદ્રના દુ:ખિત મનને સ્વામી નિરંજનાનંદે રામબાણ ઔષધિરૂપે માતૃદર્શન કરાવ્યું. સ્વામી નિરંજનાનંદે ગિરીશચંદ્રને કહ્યું હતું, ‘કેમ, શ્રીમા તો છે. ઠાકુર અને શ્રીમામાં શું કોઈ ભેદ છે? તમે લક્ષ્મી વિનાના નારાયણ, પાર્વતી વિનાના શિવ, સીતા વિનાના રામ અને રાધા કે રુક્મિણી વિનાના શ્રીકૃષ્ણની કલ્પના કરી શકો છો?’ આવું સાંભળીને ગિરીશચંદ્રે કહ્યું, ‘તમે શું કહો છો? ઠાકુર અને શ્રીમા એક અને અભિન્ન છે?’
સ્વામી નિરંજનાનંદે જવાબ આપ્યો હતો, “વારુ, તમે માનો છો કે શ્રીરામકૃષ્ણ અવતાર છે, મનુષ્યના રૂપમાં સ્વયં ઈશ્વર. શું તમે માનો છો કે ઠાકુરે પોતાની દિવ્યલીલાનાં આધ્યાત્મિક સંગિની તરીકે સામાન્ય નારી (જીવ)નો સ્વીકાર કર્યો? તમે ઠાકુરના જ શબ્દો યાદ કરો, ‘બ્રહ્મ અને શક્તિ એક અને અભિન્ન છે—જો કે અભિવ્યક્તિમાં તે બે રૂપે દેખાય છે.’ શ્રીમા શક્તિ છે, પૂર્ણ બ્રહ્મ શ્રીરામકૃષ્ણની શક્તિ.”
ગિરીશચંદ્રે પછીના દિવસોમાં અવારનવાર કહ્યું કે સ્વામી નિરંજનાનંદે તેમના દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી દીધું હતું કે સ્વયં જગદંબાએ માનવજાતની મુક્તિ કાજે શ્રીમા શારદાદેવીરૂપે અવતાર ગ્રહણ કર્યો છે.
સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી સ્વામી નિરંજનાનંદ પણ વધુ દિવસ આ પૃથ્વી પર રહ્યા નહીં. તેમણે હરિદ્વાર જવાનો નિર્ધાર કર્યો. યાત્રાએ જતાં પૂર્વે શ્રીમા પ્રત્યેની તેમની ભક્તિ શતશતરૂપે ઊછળવા લાગી. તેઓ શ્રીમાના હસ્તે રાંધેલું ભોજન ગ્રહણ કરતા, માના હસ્તે આહાર લેતા—આ બધાં કાર્યો માટે શ્રીમાની પ્રતીક્ષા કરતા. અંતિમ વિદાય લેતી વખતે તેઓ શ્રીમાનાં શ્રીચરણોમાં અસહાય પુત્રની જેમ આળોટતા અધીરતાપૂર્વક આક્રંદ કરવા લાગ્યા. કેવી હતી એ કરુણ ક્ષમાયાચના અને કેવી અદ્ભુત હતી હૃદયદ્રાવક પ્રાર્થના!
સ્વામી નિરંજનાનંદ હરિદ્વાર જઈને પુણ્યસલિલા ભાગીરથીના તટે વૈરાગ્યપૂર્ણ અસંગ-એકાકી તપસ્યાપૂર્ણ જીવન વિતાવવા લાગ્યા. માયારહિત, બંધનવિહીન, નિત્યનિરંજને દુન્યવી સંબંધોથી વિમુક્ત થઈને ૯ મે, ૧૯૦૪ના રોજ જગદંબાની ગોદમાં હંમેશ માટે નેત્રો મીંચી દીધાં અને ચિરસમાધિમાં લીન થઈ ગયા.
Your Content Goes Here




