શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આવતીકાલના ઘડવૈયા પોતાનાથી નેતૃત્વની શરૂઆત કરે:
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે 23 સપ્ટેમ્બર, 2026ના રોજ એલ. આર. શાહ હોમિયોપેથી કૉલેજ અને બી. એચ. ગાર્ડી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના MBA વિભાગના વિદ્યાર્થીઓ માટે ‘આવતીકાલના ઘડવૈયા: યુવાનો પોતાની જાતથી નેતૃત્વની શરૂઆત કેવી રીતે કરી શકે?’ એ વિષય પર પ્રેરણાદાયી સત્ર યોજાયું હતું. સત્રના મુખ્ય વક્તા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાનોને આત્મશિસ્ત, ચારિત્ર્ય ઘડતર, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારી કેળવી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડૉ. અનુપ દાસ, ડૉ. વિમલ પટેલ અને MBA વિભાગના વડા ડૉ. નિલેશ અંકલેશ્વરિયા ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ 6 ઓક્ટોબર 2026
વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના મા સારદા સેરેબ્રલ પાલ્સી પુનર્વસન વિભાગ દ્વારા ન્યુરો-ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં બાળકોના “વાલીઓ માટે વિશેષ માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનું આયોજન તા. 6 ઓક્ટોબર, 2026ના રોજ બપોરે 2:00થી 4:00 વાગ્યા દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ દિવ્યાંગ તથા ન્યુરો-ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં બાળકોનાં આરોગ્ય, વિકાસ, સારવાર, પુનર્વસન અને તેમના સર્વાંગી વિકાસ અંગે વાલીઓને નિષ્ણાત તબીબો અને નિષ્ણાતો દ્વારા વ્યવહારુ માર્ગદર્શન આપવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ઇનચાર્જ સ્વામી વિજયેશાનંદજી મહારાજના પ્રારંભિક ઉદ્બોધન અને પરિચયથી થઈ હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ મહત્ત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપ્યું.
ડૉ. ઝલક ઉપાધ્યાય, પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજિસ્ટે ન્યુરો-ડેવલપમેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં બાળકોમાં ગ્રોથ અને હાઈટ સંબંધિત સમસ્યાઓ તથા તેની સારવાર અંગે સમજ આપી.
ડૉ. રોહન પારવાણી, પીડિયાટ્રિક ઓર્થોપેડિકે હિપ અને સ્પાઇન સ્ક્રિનિંગના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું. ડૉ. ઐશ્વર્યા રાઠોડ, પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટે કોમન વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ અને તેની સારવાર અંગે માહિતી આપી.
જ્યારે ડૉ. ભદ્રાયુ વછરાજાની, સાઇકો કાઉન્સેલર, લાઇફ લોંગ ટીચર, એકેડેમિક રાઇટર અને સોશિયલ કમ્યુનિકેટરે વિશેષ બાળકોની કિશોરાવસ્થાની જરૂરિયાતો અને તેમાં વાલીઓની ભૂમિકા અંગે સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું.
ત્યાર બાદ ડૉ. પૂજા કગથરા, પીડિયાટ્રિક ડાયટિશિયન દ્વારા દિવ્યાંગ બાળકોમાં ન્યુટ્રિશનલ એસેસમેન્ટ અને ગ્રોથ મોનિટરિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ડૉ. નિવૃત્તિ વ્યાસ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા “ફિઝિયોથેરપી – લાઇફ સ્પાન અપ્રોચ” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું. સેમિનારમાં સોશિયલ એક્ટિવિસ્ટ અને પિતા ભાસ્કરભાઈ પારેખે દિવ્યાંગજનો માટેની સરકારની વિવિધ નીતિઓ અંગે વાલીઓને ઉપયોગી માહિતી આપી.
અંતે પ્રશ્નોત્તરી સત્રમાં ઉપસ્થિત વાલીઓએ પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને સૂચન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
આ સેમિનાર દ્વારા ૩૦૦ વાલીઓને પોતાના બાળકોની વિશિષ્ટ જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા, સમયસર નિદાન તથા સારવાર તરફ આગળ વધવા અને બાળકના સમગ્ર જીવનકાળ દરમિયાન જરૂરી પુનર્વસન તથા સહાય અંગે માર્ગદર્શન મળ્યું. કાર્યક્રમ વાલીઓ માટે જ્ઞાનવર્ધક, ઉપયોગી અને સંવેદનશીલ માર્ગદર્શન પૂરું પાડનાર રહ્યો.
“સર્વાંગીણ આરોગ્ય શિબિર” 26 સપ્ટેમ્બરે યોજાઈ
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા “સર્વાંગીણ આરોગ્ય શિબિર”નું આયોજન શ્રી રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 250 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સ્વામી વિજયેશાનંદજીના સ્વાગત પ્રવચનથી થયો હતો. ત્યારબાદ ડૉ. સ્વામી દયાદીપાનંદજી, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, શ્રી રામકૃષ્ણ હૉસ્પિટલ, મુંબઈ દ્વારા આરોગ્ય પરામર્શ તથા માર્ગદર્શન અપાયું હતું. તેમની સાથે આવેલા ડૉ સુનિતા ચવન, ડૉ સાગર પાટીલે પણ દર્દીઓને વ્યક્તિગત તપાસ કરી અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને આરોગ્યપ્રદ કાઢાનું વિતરણ થયું હતું. તેમજ “સ્વસ્થ જીવન માટે સારા અભ્યાસ” અને “સર્વાંગીણ આરોગ્ય” વિષય પર વ્યાખ્યાન તથા પ્રસ્તુતિ યોજાઈ હતી. કાર્યક્રમના અંતે સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ઉપસ્થિત સૌ માટે આરોગ્યપ્રદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર દ્વારા યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ સાથે સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટના રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરમાં ચાર અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરના નિર્માણનો શુભારંભ.
12 ઑક્ટોબર, પવિત્ર નવરાત્રિના બીજા દિવસે રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરમાં ચાર અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરના નિર્માણકાર્યનો પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજીના હસ્તે શિલાન્યાસ થયો હતો. આ પહેલ સંસ્થાની આધુનિક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી નેત્ર-સારવારની સેવાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
કાર્યક્રમમાં આશ્રમના સ્વામીજીઓ, શ્રી કિશોરલાલ શાહ, બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ, નેત્રરોગના નિષ્ણાત સર્જનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવી સુવિધાઓમાં આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર ટેક્નોલોજી સાથે લાગુ પડતા NABH ધોરણોને અનુરૂપ ગુણવત્તા, સ્વચ્છતા અને દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વ્યવસ્થાઓ વિકસાવવાનું આયોજન છે.
વિવેકાનંદ આઈ કેર વિભાગ દ્વારા સમાજના તમામ વર્ગોને, કોઈ પણ ભેદભાવ વિના શ્રેષ્ઠ નેત્ર-સારવાર ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નો કરવામાં આવે છે.
વિવેકાનંદ આઈ કેર વિભાગમાં દરરોજ 1,000થી વધુ દર્દીઓ નેત્રરોગની તપાસ, સારવાર અને નિષ્ણાત પરામર્શ માટે આવે છે. અહીં દરરોજ 50થી વધુ મોતિયાના ઓપરેશન ઉપરાંત અન્ય વિવિધ નેત્રરોગ સંબંધિત જટિલ અને જરૂરી શસ્ત્રક્રિયાઓ પણ કરવામાં આવે છે. આ વ્યાપક આરોગ્ય સેવાઓ સાત પૂર્ણકાલીન વરિષ્ઠ નેત્રરોગ સર્જનોની સમર્પિત ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ચાર નવા અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરના નિર્માણથી વિભાગની શસ્ત્રક્રિયા ક્ષમતામાં વધારો થશે અને દર્દીઓને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત નેત્ર-સારવાર પૂરી પાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ રાજકોટ અને આસપાસના વિસ્તારો ઉપરાંત દૂરદૂરથી આવતા દર્દીઓ માટે પણ આધુનિક નેત્ર- સારવારની સુવિધાઓને વધુ સુલભ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન સાબિત થશે.
મેડિકલ સેન્ટર, રાજકોટ સેવાભાવ, કરુણા અને માનવકલ્યાણના આદર્શોને અનુસરીને સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
Your Content Goes Here




