શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશામૃતમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વિવિધ પુરાણ-ઉપપુરાણ, રામાયણ, મહાભારત, દુર્ગાસપ્તશતી, ભક્તમાલ જેવા વિભિન્ન શાસ્ત્રગ્રંથો તથા તુલસીદાસ, કબીર, નાનક ઇત્યાદિ જેવા કથાપ્રસંગો જોવા મળે છે.
ઔપચારિક દૃષ્ટિએ નિરક્ષર હોવા છતાં ઠાકુર સર્વવિદ્ હતા. તેમણે કહ્યું છે કે જગદંબાએ વેદ-પુરાણમાં શું છે, તે સઘળું તેમને દેખાડી દીધું હતું. મહેન્દ્રનાથ ગુપ્ત અર્થાત્ માસ્ટર મહાશયે ઠાકુરના ઉપદેશોની નોંધ અમરગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં કરી છે. પોતાની સૌ પ્રથમ મુલાકાતમાં તેઓ દક્ષિણેશ્વર કાલીમંદિર સંકુલના ઓરડામાં જઈને ઠાકુરનાં દર્શન કરતી વખતે જે કંઈ જુએ-સાંભળે છે તેની નોંધમાં લખે છે: ‘મનમાં થયું કે જાણે સાક્ષાત્ શુકદેવજી શ્રીમદ્ ભાગવતની કથા કરી રહ્યા છે.’ આમ, શ્રીરામકૃષ્ણ કથામૃત એ શ્રીમદ્ ભાગવત સમાન છે.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ૩૦, જૂન, ૧૮૮૪ની નોંધમાં જોવા મળે છે કે ઠાકુરે પંડિત શશધરને ચર્ચા-વિવાદ વખતે પૂછ્યું હતું, ‘શું તમે શ્રીમદ્ ભાગવત વાંચ્યું નથી?’ અર્થાત્ શ્રીમદ્ ભાગવતમાં જે કંઈ સર્વ છે, તે સઘળું શ્રીરામકૃષ્ણના ઉપદેશમાં છે.
હવે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં સંકલિત અને શ્રીઠાકુરના શ્રીમુખેથી નિ:સૃત શ્રીમદ્ ભાગવત પુરાણ સંબંધિત જે કંઈ કથનોપકથન છે તે જોઈએ.
શુકદેવ સમાધિમાં હતા, નિર્વિકલ્પ સમાધિમાં, જડ સમાધિમાં. ભગવાને નારદજીને મોકલ્યા. કારણ કે પરીક્ષિતને શ્રીમદ્ ભાગવત સંભળાવવાનું હતું. નારદે જોયું તો શુકદેવ જડ પદાર્થની પેઠે બહારના ભાનરહિત બેઠેલા છે. એટલે વીણાની સાથે શ્રીહરિના રૂપનું ચાર શ્લોકમાં વર્ણન કરવાનું શરૂ કર્યું. પ્રથમ શ્લોક બોલતાં બોલતાં શુકદેવને રોમાંચ થયો; પછી અશ્રુ; અંતરમાં હૃદયની અંદર ચિન્મય રૂપનાં દર્શન કરવા લાગ્યા. જુઓ, જડ સમાધિ પછી પાછું રૂપ-દર્શન પણ થયું! શુકદેવ ઈશ્વર-કોટિ.
શુકદેવને સાધના કરીને જ્ઞાન-પ્રાપ્તિ કરવી પડી ન હતી. નારદજીને પણ શુકદેવના જેવું જ બ્રહ્મ-જ્ઞાન હતું. પરંતુ તેઓ ભક્તિ લઈને રહેતા હતા, લોકોપદેશ સારુ. પ્રહ્લાદ ક્યારેક સોઽહમ્ ભાવમાં રહેતા તો ક્યારેક દાસ-ભાવમાં યા સંતાન-ભાવમાં.
ધ્રુવની ભક્તિ સકામ હતી. તેણે રાજ્યપ્રાપ્તિને માટે તપસ્યા કરી હતી. પરંતુ પ્રહ્લાદની ભક્તિ હતી નિષ્કામ, અહેતુકી ભક્તિ.
હિરણ્યાક્ષનો વધ કરીને વરાહ-અવતાર પોતાનાં બચ્ચાં-કચ્ચાં લઈને પડ્યા’તા- આત્મવિસ્મૃતિ થઈ ગયેલ, અને બચ્ચાંને ધવરાવતા’તા. દેવતાઓએ મસલત કરીને શિવને મોકલી દીધા. શિવે પૂછ્યું, ‘તમે તમારું સ્વરૂપ વિસરી ગયા છો કેમ?’ એટલે વરાહ-અવતાર બોલ્યા કે, ‘હું અહીં આ બાળબચ્ચાં સાથે બહુ મજામાં છું. મારે વૈકુંઠમાં નથી આવવું!’ એટલે પછી શિવે પોતાનું ત્રિશૂળ મારીને વરાહ-શરીરને તોડી નાખ્યું. એટલે પછી વિષ્ણુ ખડખડાટ હસીને સ્વધામે ચાલ્યા ગયા.
શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે અવધૂતે ચોવીસ ગુરુઓમાંથી સમળીને પણ એક ગુરુ કરી હતી. એક જગ્યાએ માછીમારો માછલાં પકડતા હતા. એટલામાં એક સમળી આવીને ઝડપ મારીને એક માછલું ઉઠાવી ગઈ. પણ સમળી પાસે માછલું જોતાં જ તેની પાછળ હજારેક કાગડા પડ્યા અને કાં કાં કરીને ભારે ગરબડ મચાવી મૂકી. માછલું લઈને સમળી જે બાજુએ જાય, કાગડાઓ પણ તેની પાછળ પડીને તે જ બાજુએ જાય. દક્ષિણ બાજુએ સમળી ગઈ, તો કાગડા પણ એ જ બાજુએ ગયા. વળી ઉત્તર બાજુએ સમળી ગઈ તો કાગડાઓ પણ એ બાજુએ ગયા. એ પ્રમાણે પૂર્વ બાજુએ, પશ્ચિમ બાજુએ, એમ સમળી ચારે કોર ભમવા લાગી. છેવટે હેરાન થઈને ચક્કર મારતી મારતી ફરતી હતી એવામાં માછલું તેની ચાંચમાંથી પડી ગયું. એટલે કાગડાઓ સમળીને છોડીને માછલાની પાછળ ગયા. એટલે પછી સમળી નિશ્ચિંત થઈને એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠી. બેસીને વિચાર કરવા લાગી કે આ માછલાએ જ બધી ગરબડ ઊભી કરી હતી. હવે માછલું પાસે નથી એટલે હું નિશ્ચિંત થઈ.
અવધૂતે સમળીની પાસેથી એક ઉપદેશ લીધો કે જ્યાં સુધી પાસે માછલું હોય, એટલે વાસના હોય, ત્યાં સુધી જ કર્મ રહે. અને કર્મને અંગે વિચારો, ચિંતા અને અશાંતિ આવે. વાસના-ત્યાગ થતાં જ કર્મનો ક્ષય થાય અને શાંતિ મળે!
અવધૂતનો બીજો એક ગુરુ હતો મધમાખી. મધમાખી ખૂબ મહેનત કરીને કેટલાય દિવસો સુધી મધ એકઠું કરે. પણ એ મધ પોતાથી ખવાય નહિ. બીજો કોઈ આવીને મધપૂડો પાડીને ઉઠાવી જાય. મધમાખીની પાસેથી અવધૂત એ શીખ્યા કે સંચય કરવો નહિ. સાધુઓએ ઈશ્વર ઉપર સોળે સોળ આના આધાર રાખવો, તેમણે સંચય કરવો નહિ.
જુઓ ને પ્રહ્લાદને ‘ક’ લખતાં જ શ્રીકૃષ્ણનો ખ્યાલ આવતાં પ્રેમથી આંખમાંથી અશ્રુધારા!
નારદ વગેરે બ્રહ્મ-જ્ઞાનની પછી ભક્તિ લઈને રહ્યા હતા. એનું નામ વિજ્ઞાન.
નારદ, શુકદેવ વગેરેનું જ્ઞાન જાણે કે સારી જાતની હવાઈ… નારદ, શુકદેવ વગેરેમાં ઈશ્વર ઉપર પ્રેમ આવ્યો હતો. પ્રેમ એ સચ્ચિદાનંદને પકડવાની દોરી.
પરમહંસ બે પ્રકારના: જ્ઞાની પરમહંસ અને પ્રેમી પરમહંસ. જે જ્ઞાની તે સ્વાર્થી, પોતાનું થયું એટલે બસ. જે પ્રેમી, જેમ કે શુકદેવ વગેરે, તેઓ ઈશ્વરને પ્રાપ્ત કરે, તેમ પાછા લોકોને ઉપદેશ પણ આપે.
જય-વિજય નારાયણના દ્વારપાળ. તેમણે સનક સનાતન વગેરે ઋષિઓને અંદર જવાની મનાઈ કરેલી. એ અપરાધથી ત્રણ વાર આ સંસારમાં જન્મવું પડેલું. શ્રીદામ ગોલોકમાં વિરજાના દ્વારપાળ હતા. શ્રીમતી રાધિકા શ્રીકૃષ્ણને વિરજાને ત્યાંથી પકડવા સારુ તેને બારણે ગયાં હતાં, અને અંદર જવું હતું. શ્રીદામે તેમને અંદર જવા દીધાં ન હતાં. એટલે રાધિકાએ શ્રીદામને શાપ આપ્યો કે તું પૃથ્વી પર અસુર થઈને જન્મ લે. શ્રીદામેય સામો શાપ આપ્યો હતો!
કોઈ કોઈ કહે છે કે શુકદેવે બ્રહ્મ-સમુદ્રનાં દર્શન-સ્પર્શન માત્ર કર્યાં હતાં. અંદર ઊતરીને તેમણે ડૂબકી મારી ન હતી. એટલે પાછા આવીને આટલો ઉપદેશ આપ્યો હતો. કોઈ કોઈ કહે છે કે તે બ્રહ્મ-જ્ઞાન પછી પાછા આવ્યા હતા, લોકોને ઉપદેશ આપવા માટે. પરીક્ષિતને શ્રીમદ્ ભાગવત સંભળાવવાનું હતું, એ ઉપરાંત કેટલુંય લોકોપદેશનું કામ કરવાનું હતું. તેથી જ ઈશ્વરે તેમના અહંકારનો સંપૂર્ણ લય કરી નાખ્યો નહિ. ફક્ત વિદ્યાનો ‘અહંકાર’ રાખી દીધો હતો.
એક મત એવો છે કે શુકદેવે એ બ્રહ્મ-સમુદ્રનું એક બિંદુ માત્ર ચાખેલું. બ્રહ્મ-સમુદ્રના હિલ્લોળા, કલ્લોલનાં દર્શન, શ્રવણ કરેલાં; પરંતુ બ્રહ્મ-સમુદ્રમાં ડૂબકી મારેલી નહિ.
શુકદેવ બ્રહ્મ-જ્ઞાન સારુ જનક રાજાની પાસે ગયા હતા. જનકે કહ્યું કે ‘પહેલાં ગુરુ-દક્ષિણા આપો.’ શુકદેવ કહે કે ‘હજી ઉપદેશ આપ્યા વિના કેવી રીતે દક્ષિણા આપું?’ એટલે જનક હસતાં હસતાં બોલ્યા, ‘ઉપદેશ આપ્યા પછી તમને બ્રહ્મ-જ્ઞાન થઈ જાય તે પછી ગુરુ-શિષ્યનું ભેદ-જ્ઞાન થોડું રહેવાનું હતું? એટલે અગાઉથી દક્ષિણાની વાત કહી.
નંદરાય, શ્રીકૃષ્ણના પિતા કેટલા સરલ! માણસો કહે, અહા કેવો સ્વભાવ, બરાબર જાણે કે નંદ ઘોષ!
વૃંદાવનનો ભાવ બહુ મજાનો. નવીન યાત્રાળુ આવે એટલે વ્રજ-બાળકો બોલે ‘હરિ બોલો, ગાંઠડી ખોલો!’
ધોળી સમડીને શા માટે પ્રણામ કરવા? કંસે મારવા જતાં ભગવતી ધોળી સમડી થઈને ઊડી ગયાં હતાં. એટલે હજીયે ધોળી સમડીને જોતાં લોકો પ્રણામ કરે.
આ પ્રેમભક્તિમાં બે વસ્તુ છેઃ અહંતા અને મમતા. યશોદા ચિંતા કર્યા કરતાં કે હું નહિ સંભાળું તો ગોપાલને બીજું કોણ સંભાળશે? હું ન સંભાળું તો ગોપાલ માંદો પડી જાય. શ્રીકૃષ્ણને ભગવાન તરીકે યશોદા માનતાં નહિ. બીજી વસ્તુઃ મમતા, મારાપણાનું ભાન, ‘મારો ગોપાલ!’ ઉદ્ધવ બોલ્યા, ‘મા, તમારો શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે, તેઓ જગત-ચિંતામણિ છે, તેઓ સામાન્ય નથી.’ યશોદા બોલ્યાં, ‘અરે તમારો જગત-ચિંતામણિ નહિ, મારો ગોપાલ કેમ છે એ પૂછું છું! ચિંતામણિ નહિ, મારો ગોપાલ.’ ‘ગોપીઓની કેવી નિષ્ઠા! મથુરામાં દ્વારપાળને અનેક વિનંતી કરી કરીને સભામાં ગઈ. દ્વારપાળ તેમને શ્રીકૃષ્ણની પાસે લઈ ગયો. પરંતુ પાઘડી બાંધેલા શ્રીકૃષ્ણને જોઈને ગોપીઓ માથું નીચું કરી રહી. એક બીજીને બોલવા લાગી કે ‘આ પાઘડી બાંધેલો વળી કોણ? આની સાથે વાત કરીને છેવટે શું આપણે વ્યભિચારિણી થવું? આપણો પીતાંબરધારી મોહન, ચૂડા પહેરેલ એ પ્રાણવલ્લભ ક્યાં છે? જુઓ છો, એમની કેવી નિષ્ઠા? વૃંદાવનનો મનોભાવ જ જુદો. સાંભળ્યું છે કે દ્વારકા તરફના લોકો અર્જુનના શ્રીકૃષ્ણની પૂજા કરે, તેઓને રાધા ન જોઈએ.
એક મત એવો છે કે યશોદા વગેરે ગોપીઓ પૂર્વજન્મમાં નિરાકારવાદી હતી. તેથી તેમને તૃપ્તિ થયેલી નહિ. એટલા માટે વૃંદાવન-લીલામાં શ્રીકૃષ્ણની સાથે આનંદ! શ્રીકૃષ્ણે એક દિવસ કહ્યું કે ચાલો તમને નિત્ય-ધામનાં દર્શન કરાવું, આવો આપણે યમુનામાં સ્નાન કરવા જઈએ. જેવી તેઓએ ડૂબકી દીધી કે તરત જ ગો-લોકનાં દર્શન! ત્યાર પછી વળી અખંડ જ્યોતિ-દર્શન! એટલે પછી યશોદાએ કહ્યું કે ‘કૃષ્ણ!એ બધું જોવાની હવે ઇચ્છા નથી, હવે તો તારું એ મનુષ્ય-રૂપ જોવાની ઇચ્છા છે, તને ગોદમાં લેવો, તને ખવરાવવું વગેરે.’
કૃષ્ણ મથુરા ગયા પછી યશોદા શ્રીમતી રાધાની પાસે આવ્યાં હતાં. રાધાજી ધ્યાન-મગ્ન હતાં. થોડી વારે રાધાજી બોલ્યાં, ‘હું આદ્યશક્તિ છું, તમે મારી પાસેથી કંઈક વરદાન માગો.’ યશોદાજી બોલ્યાં, ‘વરદાન બીજું શું માગવું! છતાંય એટલું કરી આપો કે મન, વચન, કાયાથી શ્રીકૃષ્ણની જ સેવા કરી શકું, આ આંખોથી તેનાં ભક્ત-જનોનાં દર્શન થાય; આ મનમાં શ્રીકૃષ્ણનું જ ધ્યાન-ચિંતન થાય, અને વાણીથી શ્રીકૃષ્ણનું નામ-ગુણગાન થાય.
વાત્સલ્ય – જેમ કે યશોદાનો ભાવ. પત્નીમાંય કેટલોક હોય. સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવરાવે. છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે. યશોદા શ્રીકૃષ્ણને ખવરાવવા સારુ માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતાં.
અક્રૂરજી આવ્યા એટલે ગોપીઓએ રાધાજીને કહ્યું કે ‘રાધે! તારું સર્વસ્વ ધન હરી લેવા આવ્યા છે.
અક્રૂર શ્રીકૃષ્ણને રથમાં બેસાડીને મથુરા લઈ જાય છે. એ જોઈને ગોપીઓએ રથનાં પૈડાંને મજબૂત પકડી રાખ્યાં છે અને કોઈ રથનાં પૈડાંની આગળ સૂઈ ગઈ છે. તેઓ અક્રૂરનો વાંક કાઢે છે. શ્રીકૃષ્ણ પોતાની ઇચ્છાથી જાય છે એ તેઓ જાણતી નથી.
ગીત (૪) ધરો મા ધરો મા રથચક્ર, રથ શું ચક્રે ચાલે?
જે ચક્રના ચક્રી હરિ, જેના થકે જગત ચાલે,
શ્રીરામકૃષ્ણ (ભક્તોને): ગોપીઓનો શો સ્નેહ, કેવો પ્રેમ! શ્રીમતીએ પોતાને હાથે શ્રીકૃષ્ણનું ચિત્ર દોર્યું, પરંતુ પગ દોર્યા નહિ; પાછા એ મથુરા ચાલ્યા જાય તો!
શ્રીકૃષ્ણ ત્રિભંગ શા માટે? રાધાના પ્રેમથી. ‘જે બ્રહ્મ, તે જ કાલી, આદ્યશક્તિ; સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે તે. જે શ્રીકૃષ્ણ, એ જ કાલી.’
શ્રીકૃષ્ણ પ્રેમથી બંકિમ થયેલા હતા. શ્રીમતી રાધાના પ્રેમથી ત્રિભંગ થયા હતા. શ્રીકૃષ્ણ રૂપની વ્યાખ્યા કોઈ કોઈ કરે કે શ્રીરાધાના પ્રેમથી ત્રિભંગ! કાળા શા માટે ખબર છે? અને ચૌદ વેંત (સાડાત્રણ હાથ) જેટલું નાનું સ્વરૂપ શું કામ? જ્યાં સુધી ઈશ્વર દૂર હોય ત્યાં સુધી એ કાળું લાગે.
શ્રીકૃષ્ણ પુરુષ, શ્રીમતી રાધિકા એમની શક્તિ, આદ્યશક્તિ; પુરુષ અને પ્રકૃતિ. યુગલ-મૂર્તિનો અર્થ શો? પુરુષ અને પ્રકૃતિ અભિન્ન. એમનામાં ભેદ નથી. પુરુષ, પ્રકૃતિ ન હોય તો રહી શકે નહિ; પ્રકૃતિય પુરુષ ન હોય તો રહી શકે નહિ. એકનો ઉલ્લેખ કરતાં જ બીજાનો ઉલ્લેખ એની સાથે સાથે જ સમજી લેવાનો. જેમ કે અગ્નિ અને એની દાહકશક્તિ. દાહકશક્તિ સિવાયના અગ્નિનો વિચાર કરી શકાય નહિ. અગ્નિ વિના દાહકશક્તિનો વિચાર કરી શકાય નહિ. એટલા માટે યુગલ-મૂર્તિમાં શ્રીકૃષ્ણની દૃષ્ટિ શ્રીમતી તરફ, અને શ્રીમતીની દૃષ્ટિ શ્રીકૃષ્ણ તરફ. શ્રીમતીનો ગૌર વર્ણ, વિદ્યુત સમાન, એટલે શ્રીકૃષ્ણે પીતાંબર ધારણ કર્યું છે. શ્રીકૃષ્ણનો વર્ણ આસમાની વાદળ જેવો, એટલે શ્રીમતીએ આસમાની સાડી ઓઢી છે. અને શ્રીમતીએ નીલકાંત મણિ ધારણ કરીને શરીર સોહાવ્યું છે. શ્રીમતીના પગે નુપૂર, એટલે શ્રીકૃષ્ણેય નુપૂર ધારણ કર્યાં છે. અર્થાત્ પ્રકૃતિની સાથે પુરુષનો અંદર-બહાર સુમેળ.
રાધિકા વિશુદ્ધ સત્ત્વમય, પ્રેમમય! યોગમાયાની અંદર ત્રણેય ગુણો છે : સત્ત્વ, રજસ્ અને તમસ્. શ્રીમતીની અંદર વિશુદ્ધ સત્ત્વ વિના બીજું કંઈ નહિ. (માસ્ટરને) નરેન્દ્ર હવે શ્રીમતીને બહુ જ માને છે. એ કહે છે કે સચ્ચિદાનંદને ચાહતાં શીખવું હોય તો રાધિકા પાસેથી શીખી શકાય. સચ્ચિદાનંદે પોતે રસાસ્વાદન સારુ રાધિકાની ઉત્પત્તિ કરી છે. સચ્ચિદાનંદ શ્રીકૃષ્ણના શરીરમાંથી રાધા બહાર આવી છે. સચ્ચિદાનંદ શ્રીકૃષ્ણ જ ‘આધાર’, અને એ પોતે જ રાધિકારૂપે ‘આધેય.’ વૈષ્ણવોના ગ્રંથોમાં એવું કહ્યું છે કે રાધાએ જન્મ પછી આંખો ઉઘાડી ન હતી : હેતુ એવો કે આ આંખોએ બીજા કોને જોવો? રાધિકાને જોવા યશોદા જ્યારે શ્રીકૃષ્ણને તેડીને ગયાં ત્યારે શ્રીકૃષ્ણને જોવા રાધાએ આંખો ઉઘાડી. શ્રીકૃષ્ણે રમતમાં રાધાની આંખોએ હાથ અડકાડી દીધો.
નિત્ય-રાધાનાં નંદરાયજીએ દર્શન કર્યાં હતાં. પ્રેમ-રાધાએ વૃંદાવનમાં લીલા કરી હતી. કામ-રાધા ચંદ્રાવલી. એ કામ-રાધા, પછી પ્રેમ-રાધા; એથીયે આગળ જતાં નિત્ય-રાધા… એ નિત્ય-રાધાનું સ્વરૂપ, કે જ્યાં નેતિ નેતિ વિચાર બંધ થઈ જાય! નિત્ય રાધા-કૃષ્ણ અને લીલા રાધા-કૃષ્ણ. જેમ કે સૂર્ય અને તેનાં કિરણ. નિત્ય સૂર્ય-સ્વરૂપ અને લીલા કિરણ-સ્વરૂપ.
મેઘ જોઈને, વાદળી વસ્ત્ર જોઈને, ચિત્ર જોઈને શ્રીમતી રાધાને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થતું. તેઓ એ બધાંને જોઈને પાગલની પેઠે ‘ક્યાં છો શ્રીકૃષ્ણ?’ કહીને આકુળવ્યાકુળ થઈ જતાં.
શ્રીમતી રાધિકાને મહાભાવ થતો. સખીઓમાંથી કોઈ તેમને અડકવા જતી તો બીજી સખીઓ કહેતી કે ‘કૃષ્ણ-વિલાસના અંગને અડીશ નહિ. એના દેહમાં અત્યારે શ્રીકૃષ્ણ વિલાસ કરે છે.’
શ્રીમતી જેમ જેમ શ્રીકૃષ્ણ તરફ આગળ વધતાં, તેમ તેમ શ્રીકૃષ્ણના શરીરની સુગંધ અનુભવતાં.
આહા, ગોપીઓનો કેવો પ્રેમ! તમાલનું ઝાડ જોઈને એકદમ પ્રેમોન્માદ! શ્રીમતી રાધિકાનો એવો વિરહાગ્નિ કે આંખનું આંસુ એ અગ્નિની ઝાળથી જ સુકાઈ જતું, પાણી થતાં થતાંમાં વરાળ થઈને ઊડી જતું. ક્યારેક ક્યારેક તેમનો ભાવ કોઈ કળી શકતું નહિ.
ગોપીઓનેય બ્રહ્મ-જ્ઞાન હતું. પરંતુ તેઓ બ્રહ્મ-જ્ઞાનની અવસ્થામાં રહેવા ઇચ્છતી નહિ. તેઓ તો કોઈ વાત્સલ્ય-ભાવે, કોઈ સખ્ય-ભાવે, કોઈ મધુર-ભાવે, કોઈ દાસી-ભાવે, ઈશ્વરની સાથે મિલન કરવા ઇચ્છતી.
ગોપીઓની એવી નિષ્ઠા કે વૃંદાવનના પીતાંબરધારી, મયૂરપિચ્છધારી મનોમોહન ગોપાળકૃષ્ણ વિના તેમને બીજું કોઈ ગમતું જ નહિ. મથુરામાં જ્યારે રાજાનો પોશાક પહેરેલા, માથે પાઘડીવાળા શ્રીકૃષ્ણને જોયા ત્યારે તેમણે ઘૂમટો તાણ્યો, અને બોલી કે ‘આ વળી કોણ, આની સાથે બોલીને શું આપણે વ્યભિચારિણી થવું?’
રાસલીલાની વચ્ચેથી જ્યારે શ્રીકૃષ્ણ અંતર્ધાન થયા, ત્યારે ગોપીઓ સાવ ગાંડી જેવી થઈ ગઈ. વૃક્ષોને જોઈને કહે છે કે ‘તમે તપસ્વી લાગો છો, જરૂર શ્રીકૃષ્ણને જોયા છે; નહિતર નિશ્ચલ, સમાધિ-મગ્ન થઈ રહ્યાં છો કેમ કરીને?’ નવીન ઘાસ ઊગેલી પૃથ્વીને જોઈને કહે કે ‘હે પૃથ્વી, તેં જરૂર શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં છે; નહિતર તું રોમાંચિત થઈ રહી છો કેવી રીતે? જરૂર તેં શ્રીકૃષ્ણના સ્પર્શ-સુખનો આનંદ લીધો છે!’ વળી માધવી (લતા)ને જોઈને કહે છે કે ‘ઓ માધવી, મને માધવ આપ!’ ગોપીઓનો એવો પ્રેમોન્માદ! જ્યારે અક્રૂર આવ્યા અને શ્રીકૃષ્ણ, બલરામ મથુરા જવા માટે રથમાં ચડ્યા, ત્યારે ગોપીઓએ રથનાં પૈડાં પકડી લીધાં, આગળ જવા જ દે નહિ.
ગોપીઓની હતી પ્રેમ-ભક્તિ. પ્રેમ-ભક્તિમાં બે વસ્તુ હોય, અહંતા અને મમતા. હું શ્રીકૃષ્ણની સેવા ન કરું તો શ્રીકૃષ્ણની તબિયત બગડે, એવો ભાવ. એનું નામ અહંતા. એ ભાવમાં શ્રીકૃષ્ણ ઈશ્વર છે, એ જ્ઞાન રહે નહિ. બીજી છે મમતા, મારું મારું કરવું. ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યે એવી મમતા હતી કે કદાચ શ્રીકૃષ્ણનાં ચરણનાં તળિયાંને કંઈક ઈજા થઈ જાય તો? એ બીકથી તેમનાં સૂક્ષ્મ શરીર શ્રીકૃષ્ણનાં ચરણ તળે રહેતાં. યશોદા કહે કે તમારા ચિંતામણિ-કૃષ્ણને હું ઓળખતી નથી, મારો તો ગોપાલ! ગોપીઓ પણ કહે છે કે ‘ક્યાં છે મારા પ્રાણવલ્લભ, મારા હૃદયવલ્લભ?’ ઈશ્વરપણાનો ખ્યાલ નહિ.
ગોપીઓ કોણ હતી ખબર છે? રામચંદ્રે વનમાં ભ્રમણ કરતાં કરતાં, સાઠ હજાર ઋષિઓ બેઠા હતા તેમની સામે એક વાર સ્નેહભરી દૃષ્ટિ નાખી હતી. તેથી તેઓ રામચંદ્રને જોવા માટે આતુર થયા હતા. કોઈ કોઈ પુરાણમાં છે કે તેઓ જ ગોપીઓ!
શ્રીમતીનો મહાભાવ. ગોપીઓના પ્રેમમાં કશી કામના નહિ.
શ્રીદામ, સુદામ, વ્રજના ગોવાળિયાઓનો સખ્ય-ભાવ; યશોદાનો વાત્સલ્ય-ભાવ, ઈશ્વરમાં સંતાન-ભાવના; શ્રીમતી રાધિકાનો મધુર-ભાવ.
સખ્ય—મિત્રનો ભાવ. આવો, આવો, પાસે બેસો. શ્રીદામ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણને ક્યારેક એઠાં ફળ ખવરાવે છે, ક્યારેક તેની કાંધે ચડે છે.
શ્રીરામકૃષ્ણદેવે નરેનને કહ્યું હતું, ‘ગોપીઓને ન સ્વીકારો, પણ તેઓનો પ્રેમ તો જુઓ.’ વળી તેમણે લખ્યું હતું, ‘નરેન ઉપદેશ આપશે.’ એની પહેલાં લખ્યું હતું, ‘જય રાધે પ્રેમમયી!’
Your Content Goes Here




