શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં શ્રીરાધારાણીની કૃપાનો અનુભવ કર્યો હતો અને સચ્ચિદાનંદ ઘનવિગ્રહ ભગવાન શ્રીકૃષ્ણનું પૂર્ણદર્શન પ્રાપ્ત કર્યું હતું. દર્શન પછી તે મૂર્તિ તેમના શ્રીઅંગમાં વિલીન થઈ ગઈ. શ્રીરામકૃષ્ણદેવ પોતાના શ્રીમુખેથી કહેતા: “તે સમયે હું શ્રીકૃષ્ણના ચિંતનમાં એટલો તન્મય રહેતો હતો કે ક્યારેક પોતાને શ્રીકૃષ્ણ કહું અને ક્યારેક આબ્રહ્મસ્તંબપર્યંત સર્વને શ્રીકૃષ્ણવિગ્રહ માનીને દર્શન કરું.”

સ્વામી સારદાનંદ કહે છે કે મધુરભાવની સાધના દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના મનમાં એક વાસનાનો ઉદય થયો હતો. તેઓ વિચારતા કે જેમ વ્રજની ગોપીઓએ સ્ત્રી-શરીર ધારણ કરીને પ્રેમ દ્વારા સચ્ચિદાનંદ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા હતા, તેમ તેમને પણ ઇચ્છા થતી કે જો તેઓ પણ સ્ત્રી-શરીર લઈને જન્મ્યા હોત તો ગોપીઓની માફક શ્રીકૃષ્ણનું નામ-ગાન કરતાં ધન્ય બની જાત. તેથી તેઓ કલ્પના કરતા કે જો ભવિષ્યમાં ફરી જન્મ લેવો પડે તો બ્રાહ્મણ કુટુંબની દીર્ઘકેશી વિધવા તરીકે જન્મ લે અને શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઈને પણ પતિરૂપે ન જાણે. રહેવા માટે નાની કુટિયા હોય, સાદો ભાત અને વસ્ત્રોની વ્યવસ્થા પૂરતી મળતી રહે, સાથે એક ગાય પણ હોય, જેના દૂધમાંથી માખણ બનાવી પોતાના હાથે શ્રીકૃષ્ણ ભગવાનને ભોગ ચઢાવી શકે અને તેમને ખવડાવવાના બહાને તેમના માટે વ્યાકુળ થઈ રડી શકે. ત્યારે શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થઈ ગોપાલવેશમાં અચાનક તેમની પાસે આવી પહોંચશે. આ રીતે શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવમાં પૂર્ણ સિદ્ધ થયા હતા.

એક વખત શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિજ્ઞાનાનંદને કહ્યું હતું: “શ્રીકૃષ્ણના અવતારકાળમાં હું જ ગ્વાલબાળકો અને ગોપીઓ સાથે વૃંદાવનમાં ક્રીડા કરતો હતો.”

સ્વામી અંબિકાનંદના પિતા શ્રી નવગોપાલે પણ શ્રીરામકૃષ્ણદેવમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોયું હતું. તેમના ઘરે શ્રીમદ્‌ ભાગવતકથા સાંભળતાં શ્રીરામકૃષ્ણદેવ એટલા વિભોર થઈ ગયા કે શ્રીકૃષ્ણ ભગવાનની જેમ વાંસળી વગાડવાની મુદ્રામાં ઊભા રહી ગયા. તે સમયે ત્યાં કીર્તન પણ ચાલી રહ્યું હતું. એ જ ધૂનમાં તેઓ તલ્લીન બની ગયા. તેમના ગળામાં માળા પહેરાવવામાં આવી. માળા પહેરી તેઓ સમાધિમાં લીન થઈ ગયા. નવગોપાલજીને લાગ્યું કે શ્રીરામકૃષ્ણદેવનું મુખમંડળ દિવ્ય પ્રકાશથી ઝગમગી રહ્યું છે. તેમણે તેને પોતાની આંખોનો ભ્રમ માનીને વારંવાર આંખો ચોળવા લાગ્યા, પરંતુ વારંવાર તેમને એ જ પ્રકાશ દેખાતો રહ્યો.

નવગોપાલજીની પત્ની નિસ્તારિણીદેવી કહે છે: “એક વખત તેમણે શ્રીરામકૃષ્ણને શ્રીકૃષ્ણનું ચિત્ર બતાવીને કહ્યું હતું— ‘મને ખૂબ ઇચ્છા થાય છે કે હું પોતાની આંખોથી ભગવાન શ્રીકૃષ્ણની એક ઝલક જોઉં.’” આ સાંભળીને શ્રીરામકૃષ્ણદેવ સમાધિમગ્ન થઈ ગયા. તે સમયે તે ભક્ત-મહિલાને એવું લાગ્યું કે જાણે તેઓ શ્રીરામકૃષ્ણદેવની અંદર ભગવાન શ્રીકૃષ્ણને જ નિહાળી રહ્યાં છે.

જેમણે શ્રીરામકૃષ્ણદેવને પોતાનાં ચર્મચક્ષુઓથી નથી જોયા એવા આપણા જેવા લોકો માટે પણ, તેમની અહેતુકી કૃપા સતત વરસતી રહે છે. કારણ કે તેમના આશીર્વાદ ચિરકાલીન છે— “તમારા સૌનું ચૈતન્ય જાગૃત થાઓ.” આપણું ચૈતન્ય તો એમાં જ છે કે આપણે સર્વ મનુષ્યોમાં ઈશ્વરનું જ દર્શન કરી શકીએ. એટલે કે ‘શિવજ્ઞાનથી જીવસેવા’— એ જ આપણા જીવનનું મૂળ ધ્યેય બની રહે. ખરેખર, “ગુરુકૃપાહિ કેવલમ્।”

Total Views: 7

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.