(શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.)
શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના ફાગણ માસની શુક્લા પૂર્ણિમાના દિવસે સિંહલગ્નમાં બંગાળના નવદ્વીપ નામના સ્થળે થયો હતો. શ્રીચૈતન્યદેવ ચોવીસ વર્ષની વયપર્યંત ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા. તેઓએ આચરણની પવિત્રતા પર ખૂબ ભાર મૂક્યો હતો. તેમણે ન્યાયશાસ્ત્ર વિષયક અપૂર્વ ગ્રંથ લખ્યો હતો, જે જોઈને તેમના મિત્રને અતિશય ઈર્ષ્યા ઊપજી. કારણ કે એ મિત્રને લાગ્યું કે શ્રીચૈતન્યનો ગ્રંથ પ્રકાશિત થશે તો પોતાના ગ્રંથનો આદર ઘટી જશે. આમ થતું જોઈને શ્રીચૈતન્યદેવે પોતાના અદ્ભુત ગ્રંથને ગંગાજીમાં પધરાવી દીધો.
પ્રથમ પત્નીના મૃત્યુ બાદ તેમણે વિષ્ણુપ્રિયા સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ સંબંધ દેહાતીત હતો. તેમના જીવનમાં અનેક અદ્ભુત અલૌકિક ઘટનાઓ ઘટી હતી, જે તેમના ઈશ્વરત્વને પ્રગટ કરે છે. એક વાર તેમણે શિષ્ય શ્રીઅદ્વૈતપ્રભુને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. વળી નિત્યાનંદને શંખ, ચક્ર, ગદા, પદ્મ, શાર્ઙ્ગ ધનુષ તથા મુરલીધારી ષડ્ભુજ નારાયણરૂપે દર્શન આપ્યાં હતાં. તેમનાં માતા શચિદેવીએ શ્રીચૈતન્યદેવને તેમના શિષ્ય નિત્યાનંદ સાથે શ્રીકૃષ્ણ-બલરામરૂપે નજરે નિહાળ્યા હતા. ગોદાવરીતટે રાય રામાનંદે શ્રીચૈતન્યદેવને રસરાજ (શ્રીકૃષ્ણ) અને મહાભાવ (શ્રીરાધિકાજી)ના યુગલરૂપે નીરખ્યા હતા.
તેમના મુખ્ય અનુયાયીઓ હતા—શ્રીનિત્યાનંદ, શ્રીઅદ્વૈત, રાય રામાનંદ, શ્રીરૂપ ગોસ્વામી, શ્રીસનાતન ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ, શ્રીજીવ ગોસ્વામી, ગોપાલ ભટ્ટ, રઘુનાથ દાસ, હરિદાસ સાધુ, નરહરિ સરકાર ઠાકુર. શ્રીનિત્યાનંદે શ્રીચૈતન્યદેવને ભગવન્નામ અને ભગવદ્ભક્તિના પ્રચારમાં અત્યંત સહાય કરી હતી. શ્રીઅદ્વૈતપ્રભુ શ્રીચૈતન્યદેવથી ૩૫ વર્ષ મોટા હતા. તેમની અદ્વિતીય ભક્તિના પ્રભાવથી શ્રીચૈતન્યદેવનો આવિર્ભાવ થયો હતો. ભગવન્નામ છોડીને કલમા પઢવા માટે મુસલમાન કાજીએ હરિદાસ પર કોરડા મારીને જુલમ ગુજાર્યો હતો. હરિદાસનો દેહાંત થયો ત્યારે શ્રીચૈતન્યદેવે પોતાના હાથે તેમનો અગ્નિસંસ્કાર કર્યો હતો. રઘુનાથ દાસના ઇલાકાની આવક વર્ષે ૧૨ લાખ રૂપિયા હતી, જેનો ત્યાગ કરી તેઓ આજીવન કઠોર તપસ્યારત આદર્શ સાધુ બન્યા હતા. રૂપ સનાતને ગૌડીય વૈષ્ણવ સિદ્ધાંતના અનેક ગ્રંથ લખ્યા હતા. જીવ ગોસ્વામીએ શ્રીચૈતન્યદેવના દાર્શનિક સિદ્ધાંતોનું સુપેરે નિરૂપણ કર્યું હતું.
રૂપ સનાતન, રઘુનાથ ભટ્ટ, ગોપાલ ભટ્ટ, રઘુનાથ દાસ વગેરે શ્રીચૈતન્યના રાધાભાવના ઉપાસક હતા, પરંતુ નરહરિ તેમના રસરાજ અર્થાત્ શ્રીકૃષ્ણરૂપના ઉપાસક હતા. આમ, શ્રીચૈતન્યદેવના ઉપાસકોના બે સંપ્રદાય બન્યા હતા.
Your Content Goes Here




