શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

‘નરરૂપી નારાયણ’ની સેવા: શારીરિક-માનસિક દિવ્યાંગો અને નિરાધારોનું કરાયું ભાવપૂજન

રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતો એક અત્યંત હૃદયસ્પર્શી ‘નારાયણ સેવા’ કાર્યક્રમ તા. 21 ડિસેમ્બરના રોજ શ્રીમા શારદાદેવીની જન્મતિથિના ઉપલક્ષમાં યોજાયો હતો. સમાજના ઉપેક્ષિત અને જરૂરિયાતમંદ બાંધવોમાં ઈશ્વરનું રૂપ જોઈને તેમની ભાવપૂર્વક સેવા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અંતેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા; જેમાં વૃદ્ધો, પ્રજ્ઞાચક્ષુ, મૂક-બધિર, માનસિક દિવ્યાંગો અને નિરાધાર ભાઈ-બહેનોનો સમાવેશ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મંદિર-દર્શનથી કરવામાં આવી હતી. તમામ લાભાર્થીઓનું મંગલ તિલક અને પુષ્પ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આશ્રમના શાંત અને પવિત્ર વાતાવરણમાં જ્યારે હરિનામ સંકીર્તન અને ભજનોની સરવાણી વહી, ત્યારે ઉપસ્થિત લાભાર્થીઓએ પણ તેમાં ઉત્સાહપૂર્વક સૂર પુરાવીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

પૂજનીય સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તેમજ સમર્પિત સ્વયંસેવકો દ્વારા તમામ ‘નરરૂપી નારાયણ’ને આદરપૂર્વક આસન ગ્રહણ કરાવીને ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. ઠંડીને ધ્યાનમાં રાખીને, સાધુઓના વરદ હસ્તે દરેક લાભાર્થીને ગરમ શાલ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માત્ર ભોજન-વિતરણ ન રહેતાં, આત્મીય મિલન અને સાચી ઈશ્વરપૂજા સમાન બની રહ્યો હતો. સ્વામી વિવેકાનંદ દ્વારા ઉદ્ઘોષિત ‘દરિદ્ર-નારાયણ’ની સેવાનું અહીં જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં 1900થી વધુ નરરૂપી નારાયણોએ ભોજન-પ્રસાદ અને સેવાનો લાભ લીધો હતો.

કલ્પતરુ દિવસની ઉજવણી

ગુરુવાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કલ્પતરુ દિવસ નિમિત્તે આશ્રમ શ્રીમંદિરમાં સવારે ૬:૦૦ થી સાંજે ૬:૦૦ સુધી જપયજ્ઞ યોજાયો. બપોરે ભજનગાન અને કલ્પતરુ ઘટના અંગેનું વાંચન કરવામાં આવ્યું. સંધ્યા આરતી પછી આ દિવસના મહત્ત્વ વિશે પ્રવચન યોજાયું.

૧૪મી રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ: ગુજરાતના ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા.

છેલ્લાં ૧૪ વર્ષથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા તેમજ ચરિત્ર-નિર્માણ થાય એ હેતુથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે રાજ્ય કક્ષાએ સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવે છે. આ વર્ષે રાજ્યના ૩૩ જિલ્લાની ૭૭૪ શાળાઓમાંથી ૫૭,૦૮૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં રાજ્ય સ્તરે તથા જિલ્લા સ્તરે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતાઓને પુરસ્કૃત કરવા માટે તા. ૪ જાન્યુઆરીના રોજ પુરસ્કાર-વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દાહોદ જિલ્લાના સર રણજિતસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થી વ્રજસિંહ ઠાકોરે પ્રથમ ક્રમાંક, અમદાવાદની જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલની ક્રિશા સોનકુસરે દ્વિતીય ક્રમાંક અને ડાંગ જિલ્લાની કન્યા સાક્ષરતા નિવાસી શાળાની વિદ્યાર્થિની સમરતીબેન ગાયકવાડ તથા મહેસાણાની શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થી પ્રિયમ શાહે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો તથા જિલ્લા સ્તરે ૧૦૨ વિદ્યાર્થોએ ૧ થી ૩ ક્રમાંક પ્રાપ્ત કર્યો, જેમાંથી ઉપસ્થિત વિદ્યાર્થીઓને સમારંભમાં પુરસ્કૃત કરાયા.

વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે મુખ્ય અતિથિરૂપે ગુજરાત રાજ્યના ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા તથા રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા અને રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ વિશેષ અતિથિરૂપે ઉપસ્થિત રહ્યાં.
શ્રી ત્રિકમભાઈએ ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ ફક્ત એક પુરસ્કાર વિતરણ સમારંભ જ નથી પરંતુ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વંચાવીને ભારતને વિશ્વગુરુ બનાવવાનો એક યજ્ઞ છે. તેમણે વિવેકાનંદનાં પુસ્તકોના વાંચન દ્વારા ચરિત્ર-નિર્માણ અને તે થકી રાષ્ટ્ર-નિર્માણ કરવાની શીખ આપી હતી. ઉપસ્થિત વિશેષ અતિથિશ્રીઓએ પણ સહુ વિજેતા તથા સહભાગી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાની પ્રેરણા આપી હતી.

માનનીય મુખ્ય અતિથિ તેમજ આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાળા સ્તરે પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને જિલ્લાનાં નિયત કેન્દ્રો પર પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમમાં દિવ્યાંગ પ્રોફેસર
શ્રી ઉત્તમ મારૂ, કે જેઓએ નાની વયમાં શારીરિક ખોડ-ખાંપણોની મર્યાદાઓને ઓળંગીને GPSCની પરીક્ષા પાસ કરવા ઉપરાંત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે, તેઓએ પણ ઉપસ્થિત યુવાનોને ઉપનિષદનો મંત્ર ‘યુવા સ્યાત્ સાધુ…..’ સમજાવીને પ્રેરણા આપી હતી.

વિશેષમાં જે શાળાઓએ ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા, તે શાળાઓના આચાર્યોને પણ આ સમારંભમાં બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન આ સ્પર્ધામાં પોતાનું યોગદાન આપનાર તમામ જિલ્લા કોઓર્ડિનેટર્સ તથા સ્વયં-સેવકોને પણ બિરદાવવામાં આવ્યા હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આવનારાં વર્ષોમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને વધુ અને વધુ સંખ્યામાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું.

સ્વામી વિવેકાનંદની ૧૬૪મી જન્મતિથિની ભવ્ય ઉજવણી : ૧૭૦૦થી વધુ ભક્તોએ લીધો પ્રસાદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે શનિવાર, ૧૦ જાન્યુઆરીના રોજ યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદનો તિથિ અનુસાર ૧૬૪મો જન્મોત્સવ અત્યંત ભક્તિભાવ અને ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. દિવસની શરૂઆત મંગલ આરતીથી કરવામાં આવી હતી, ત્યારબાદ વૈદિક પાઠ અને સ્તોત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી.

ત્યાર બાદ મંદિરમાં હોમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને શ્રદ્ધાપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી. આ પાવન અવસરે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિષય પર વિશેષ પ્રવચન યોજાયું હતું. સાંજે પણ શ્રીશિવનામ સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું તથા સંધ્યા આરતી બાદ સ્વામીજીનાં ભજનોથી વાતાવરણ ભાવમય બન્યું. આ નિમિત્તે  લગભગ ૧૭૦૦ જેટલા ભક્તોને ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ

આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું. આ સેવાયજ્ઞમાં ૩૧ ઉદાર હૃદયી દાતાઓએ રક્તદાન આપ્યું. આ રક્ત પી.ડી.યુ. સિવિલ હૉસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનરક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.

રાજકોટના રાજમાર્ગો પર રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવાનો માટે ભવ્ય શોભાયાત્રા

તા. ૧૨ જાન્યુઆરી એટલે ભારતીય ચેતનાના સ્તંભ એવા સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ. આ દિવસે ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ના નાદ સાથે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું.

આશ્રમ-પરિસરથી સવારે ૮:૩૦ કલાકે રાજકોટના માનનીય પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર (IPS) તથા ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ (IAS) દ્વારા ઝંડી ફરકાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિની સંગમ-યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા નવ ભવ્ય રથોએ નગરજનોનાં મન મોહી લીધાં હતાં. સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીની દિવ્ય પ્રતિમાઓથી સુશોભિત રથોની સાથે વિવિધ શાળાઓએ હૃદયસ્પર્શી થીમ રજૂ કરી હતી, જેમાં સિસ્ટર નિવેદિતા સ્કૂલે ‘સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદ’ના આદર્શો જીવંત કર્યા હતા, તો મા આનંદમયી અને રાધાબાઈ સ્કૂલે ‘ભારતના દેશભક્તો’ની થીમ દ્વારા વીર સપૂતોની યાદ અપાવી હતી. ન્યૂ ઈરા સ્કૂલે ‘શિવજ્ઞાને જીવસેવા’, ધોળકિયા સ્કૂલે ‘સ્વામી વિવેકાનંદ’, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલે ‘રામ-દરબાર’ પ્રસ્તુત કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં દર્શન કરાવ્યાં હતાં. શ્રીરામકૃષ્ણ આશ્રમના વિવિધ પ્રકલ્પોનાં બાળકોએ દેવી-દેવતાઓનાં મનોહર સ્વરૂપ ધારણ કરી યાત્રાની શોભામાં વૃદ્ધિ કરી હતી.

સિંહાર સ્કૂલે અને હરિવંદના કૉલેજે ભારત સરકારના પ્રયાસોને ધ્યાનમાં લઈને ‘નશામુક્તિ’ અને ‘વ્યસનમુક્તિ’ની થીમ પ્રસ્તુત કરીને યુવાનોને સ્વચ્છ, સ્વસ્થ અને સદાચારી જીવન જીવવા માટે પ્રતિબદ્ધ કર્યા હતા.

આ ભવ્ય શોભાયાત્રામાં એન.સી.સી. ની બહેનો, કણસાગરા કૉલેજ, મહાત્મા ગાંધી સ્કૂલ, પંચશીલ સ્કૂલ, જી.ટી.શેઠ હાઈસ્કૂલ, ગવર્મેન્ટ પોલિટેક્નિક કૉલેજ, કોટક સ્કૂલ, જી.ટી. શેઠ હાઈસ્કૂલ તથા એ.વી.પી.ટી.ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં.

યાત્રાના અગ્રભાગે લહેરાતો ધ્વજ અને સાધુ-સંતોની મંગલ ઉપસ્થિતિએ સમગ્ર માહોલને પવિત્ર બનાવી દીધો હતો. સાથે સાથે મેડિકલ વાન, સાફ-સફાઈની વાન તથા અન્ય સહાયક ગાડીઓની વ્યવસ્થાએ યાત્રાને સુઘડ બનાવી હતી.

ડૉ. યાજ્ઞિક રોડથી શરૂ થયેલી આ નગરપરિક્રમા વિવિધ માર્ગો પર ભ્રમણ કરી પુનઃ આશ્રમ ખાતે પરત ફરી હતી, જ્યાં એક સંક્ષિપ્ત કાર્યક્રમમાં આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવાનોને સ્વામી વિવેકાનંદનો સંદેશ પાઠવ્યો. પ્રત્યેક યુવાને પ્રસાદ અને સ્વામી વિવેકાનંદજીના પુસ્તકની ભેટ સાથે ઘરે પરત ફરતી વખતે એક નવો સંકલ્પ લીધો હતો. આ શોભાયાત્રા માત્ર રથોનું ભ્રમણ નહીં, પણ રાજકોટના યુવાધન માટે વિચારક્રાંતિની મંગલ શરૂઆત બની રહી હતી.

જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ

‘શીતકાળ રાહત કાર્ય’ અંતર્ગત દ્વારકા અને રાજકોટ જિલ્લાનાં અંતરિયાળ ગામડાંના ૩૫૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.