શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સદ્‌ભાવના વૃદ્ધાશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ

12 જુલાઈ, 2026ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સદ્‌ભાવના વૃદ્ધાશ્રમ, વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર, રાજકોટ-જામનગર હાઈવે, પડધરી પાસે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ નેત્રયજ્ઞમાં કુલ 125 દર્દીઓની આંખોની નિઃશુલ્ક તપાસ કરીને આંખોના વિવિધ રોગોના નિદાન તેમજ સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમને વિશેષ સારવાર અથવા શસ્ત્રક્રિયાની જરૂરિયાત જણાઈ તેમને રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર ખાતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે 5 નિષ્ણાત તબીબો તથા 11 પેરામેડિકલ સ્ટાફે નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર ટીમે સુવ્યવસ્થિત આયોજન સાથે દર્દીઓની સેવા કરી હતી, જેના કારણે વૃદ્ધાશ્રમના રહેવાસીઓ તથા આસપાસના લાભાર્થીઓને ગુણવત્તાસભર નેત્રસેવાનો લાભ મળ્યો. રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર દ્વારા સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી આરોગ્ય-સેવાઓ પહોંચાડવાના હેતુથી સમયાંતરે આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.

રક્તદાન કેમ્પ

રામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટ દ્વારા AIIMS રાજકોટના સહયોગથી તા. 20 જૂન, 2026ના રોજ એક સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો તેમજ જરૂરતમંદ દર્દીઓને જીવનદાયી રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો.

આ પ્રસંગે AIIMS રાજકોટના ડો. સંજય ગુપ્તા (ડીન – એકેડેમિક્સ) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડો. સુમિત (ઇન્ચાર્જ, બ્લડ બેંક) વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કુલ 65 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવસેવાનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો.

AIIMS રાજકોટની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા તમામ દાતાઓ માટે જરૂરી પ્રાથમિક તપાસ, માર્ગદર્શન અને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

નેત્ર કેમ્પ

શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર દ્વારા રવિવાર, 5 જુલાઈ, 2026ના રોજ રાજકોટ જિલ્લાના ખામટા ગામ ખાતે નેત્રયજ્ઞનું સફળતાપૂર્વક આયોજન થયું. જેમાં 95 જેટલા દર્દીનારાયણોએ આંખની તપાસ તેમજ સારવાર કરાવી.

શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ

રાજકોટ આશ્રમ દ્વારા 16 જુલાઈના રોજ સાંજે 5.45 વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી અને મંદિર-પરિક્રમા કરવામાં આવી. રથયાત્રામાં લગભગ 800 જેટલા ભક્તજનો સહભાગી થયા.

વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ

સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય-ઘડતર, રાષ્ટ્રભક્તિ તેમજ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનાં શાશ્વત મૂલ્યોના સંદેશને યુવાનો સુધી પહોંચાડવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ સવારે 08:30 થી 11:30 વાગ્યા સુધી આશ્રમના વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યુ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર – V.I.V.E.C. હૉલ ખાતે મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મુખ્યત્વે સ્વામીજીઓ અને આશ્રમના ભક્તો-સ્વયંસેવકો દ્વારા યુવાનો માટે સ્વામી વિવેકાનંદના સંદેશ પર ચર્ચા-પ્રશ્નોત્તરી સત્રનો સમાવેશ થાય છે. તેમજ પ્રાર્થના, ધ્યાન, પ્રદર્શનની મુલાકાત, ઑડિયો-વિઝ્યુયલ વગેરેનો સમાવેશ થાય છે. આપની શાળા-કોલેજના વિધ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સહભાગી કરવા નીચે આપેલ સંપર્ક સૂત્રનો સંપર્ક કરશો. વધુ વિગતો તેમજ કાર્યક્રમનું સ્વરૂપ જાણવા માટે કૃપા કરીને અમારી V.I.V.E.C. ઑફિસ મો. 9104492080 નો સંપર્ક કરી શકો છો.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.