સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું તમારી વચ્ચે મારા એક એવા ગુરુભાઈને મોકલીશ જે બ્રાહ્મણસુલભ ગુણોનો મૂર્તિમાન વિગ્રહ છે. તેઓ એક આદર્શ બ્રહ્મજ્ઞ છે. માનવજીવનમાં ઉચ્ચતમ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય છે, એ તમે એમને જોઈને સમજી શકશો.’ આ હતા સ્વામીજીના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ. તેમનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩; પોષ સુદ ૧૪, શનિવારના શુભ દિને થયો હતો.
સાચે જ, સ્વામી તુરીયાનંદે અમેરિકામાં એક આદર્શ સંન્યાસીનું જીવન પ્રસ્તુત કરીને સ્વામીજીના અસંખ્ય અનુરાગીઓમાં આધ્યાત્મિક પ્રેરણાનો સંચાર કર્યો હતો. સ્વામી તુરીયાનંદના અમેરિકા નિવાસકાળના એકાદ બે પ્રસંગ જોઈએ.
તેઓ એક વખત કેલિફોર્નિયામાં એક ભક્તગૃહે અતિથિ હતા. ગૃહસ્વામિની જ્યારે રાંધણકાર્યમાં વ્યસ્ત રહેતાં ત્યારે સ્વામી રસોડામાં જઈને વાર્તા કહેતા. તેમણે એક સિંહની વાર્તા કહી, જે શિકારીની જાળમાં ફસાઈ ગયો હતો. જાળમાં પડીને સિંહ અસહાય બની ગયો. ક્યાંકથી એક ઉંદર આવી ચડ્યો અને એક એક કરીને ઉંદરે જાળની બધી દોરીઓ કાપી નાખી. સિંહ અવિલંબ જાળમાંથી મુક્ત થઈ ગયો. સ્વામી તુરીયાનંદે વાર્તાનો ઉપસંહાર કરતાં કહ્યું, ‘મન આ રીતે એક એક કરીને સંસારનાં બધાં બંધન કાપીને આત્માને મુક્ત કરે છે.’
સ્વામી તુરીયાનંદે કેલિફોર્નિયાના પર્વતીય વિસ્તારમાં શાંતિ આશ્રમની સ્થાપના કરી હતી. અહીં આશ્રમમાં નેલી નામની ઘોડી હતી. તે ઘોડી સ્વાધીનતાપૂર્વક ચરતી અને ફરતી. જરૂર પડ્યે તેને બાંધી રાખવામાં આવતી. પરંતુ તેને પકડીને બાંધવાનું કાર્ય અતિ દુષ્કર હતું. પકડવાનો પ્રયાસ કરાય એટલે ૧૬૦ એકરની ભૂમિમાં દોડવા માંડતી. એક દિવસ જ્યારે તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે સૌ કોઈ એવા દોડ્યા કે પરસેવે રેબઝેબ થઈ ગયા. અંતે ઘોડી પાછળ દોડી દોડીને પાછા આવી રહ્યા હતા ત્યારે તે સૌની દૃષ્ટિ પ્રતીક્ષારત સ્વામી તુરીયાનંદ પર પડી. ત્યારે તેમાંની એક વ્યક્તિએ કહ્યું, ‘સ્વામી, ઘોડી મુક્ત થવા માગે છે. પરંતુ અમે તેના ગળે દોરડું બાંધી દીધું છે. હવે તે માયાબદ્ધ છે.’ માયા શબ્દના અભિનવ ઉપયોગથી સ્વામી અત્યંત આનંદિત થયા. ખૂબ હસતાં હસતાં એમણે કહ્યું, ‘તમે બરાબર કહો છો, આપણે ઘોડીને તો માયાબદ્ધ કરી દીધી છે, પરંતુ સ્વયં માયામુક્ત થવા માગીએ છીએ. સાવધાન! ક્યાંક તમારી દશા ઘોડી જેવી ન થઈ જાય! માયાનું બંધન તોડીને મુક્ત થઈ જાઓ.’
આવું હતું સ્વામીજીએ કહી બતાવેલ બ્રહ્મજ્ઞ પુરુષનું જીવનદર્શન અને લોકશિક્ષણ.
Your Content Goes Here




