(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘પ્રભુ પરમેશ્વર જબ રક્ષા કરે’ હિન્દી પુસ્તકમાંથી શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

જ્યારે સંન્યાસી કાશ્મીરમાં શ્રી અમરનાથજીનાં દર્શન કરવાની ઇચ્છાથી રાવલપિંડી પહોંચ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે પાસે દસ આના જ બચ્યા છે. તેથી સંન્યાસીએ પગપાળા જ જવાનું વિચાર્યું. ત્યારે તે રાવલપિંડીના રામબાગમાં રોકાયો હતો. એક દિવસ ત્યાં કેટલાક અમરનાથ-યાત્રી આવી પહોંચ્યા અને ભંડારો કર્યો. સંન્યાસીને પણ આમંત્રણ મળ્યું.

ભોજન કરતી વખતે ભગત હરિશા હજારાજીએ સંન્યાસીને પૂછ્યું, ‘કેમ, અમરનાથ-દર્શન કરવા નથી જવું?’

સંન્યાસી — ‘જવું તો છે, પણ ચાલીને જવાનો વિચાર છે. એથી સંપૂર્ણ કાશ્મીર-ભૂમિનો પ્રવાસ પણ થઈ જશે.’ (સંન્યાસીએ પાસે પૈસા ન હોવાની વાત જણાવી નહીં.)

ભગતજીએ સહયાત્રીઓને પૂછ્યું, ‘સાચી વાત! સત્‌ વચન! કેમ, આપણે પણ પગપાળા જઈએ, તો કેવું રહેશે?’ (હરિશાહજી ઉંમરમાં સૌથી મોટા, સમજો કે ૭૧-૭૨ વર્ષના જવાન. શરીર બહુ મજબૂત, ૬ ફૂટ ઊંચાઈ, વિશાળકાય અને જોર એટલું કે ૩-૪ યુવાનોને પછાડી દે. એમનો કાશ્મીરી ધાબળા, અનાજ વગેરેનો લાખો રૂપિયાનો વેપાર હતો અને પોતે ઉદાર દાતા પણ હતા.)

કોઈકએ કહ્યું, ‘અરે, એટલે દૂર (શ્રીનગર ૨૦૦ માઈલ) ચાલીને જવામાં તો ઘણો સમય લાગશે અને તબિયત પણ બગડી શકે છે, એટલે શ્રીનગર સુધી બસમાં જવું જ સારું રહેશે, મહાત્માજી પણ આપણી સાથે ચાલે!’

પણ ભગતજીએ જોર દઈને કહ્યું, ‘આવો મોકો વારંવાર ઓછો મળશે? સંતે બરોબર કહ્યું, ચાલો, આપણે બધા ચાલીને જઈએ.’

એક અન્ય ભગતજી (જેઓ બાદમાં ઈ.સ. ૧૯૨૩ પછી સંન્યાસ લઈને હરિદ્વાર નિરંકારી અખાડાના મહંત પણ બન્યા હતા અને તેઓ એ યાત્રામાં આખા સંઘના વ્યવસ્થાપક હતા)એ કહ્યું કે, ‘પગપાળા જવું જ સારું રહેશે, સત્સંગ પણ થતો રહેશે અને ગામ-દર્શન કરતાં કરતાં જવામાં બહુ આનંદ આવશે. પહેલાંના વખતમાં લોકો પગપાળા જ તીર્થભ્રમણ કરતા હતા અને એથી બહુ લાભ પ્રાપ્ત કરતા; તેને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ થતી અને કેટલાય નવા લોકો સાથે મિત્રતા પણ બંધાઈ જતી… હા, કોઈ બીમાર પડી જાય અને જો નબળાઈને કારણે ચાલી શકે નહીં, તો એને બસ કે મોટરમાં બેસાડી દઈશું અથવા ખચ્ચર પર બેસાડી દઈશું. ચાલો, બધા પગપાળા જ યાત્રા કરીએ. મહાત્માજી તો આપણી સાથે જ આવશે, કેમ?’

સંન્યાસી — ‘હા, હું પણ તમારી સાથે જ આવીશ, પણ પરત ફરતી વખતે પણ ચાલીને જ આવવું છે ને?’

ભગત હરિશાજી — ‘હા, અત્યારે જ પાછા ફરવાનું પણ નક્કી કરી લો, જેઓ ન આવી શકે અથવા ન આવવા માગતા હોય, તેઓ બસ કે મોટરથી પાછા આવી શકશે.’

બસ, બધા રાજી થઈ ગયા. ત્રીજા દિવસે બધા તક્ષશિલા જોઈને પછી એબટાબાદ તરફ ચાલ્યા. ત્યાંથી પગપાળા યાત્રા શરૂ કરી.

એબટાબાદથી ટોળકી ચક્કર મારતી મારતી શ્રીનગર-રાવલપિંડીના મુખ્ય માર્ગને જોડતા ડૂમેલ પુલ પહોંચી. એ દિવસે ઉતારાની જગ્યાએ પહોંચવા માટે ૧૫-૧૬ માઈલ ચાલવાનું હતું. કોણ જાણે કેમ, સંન્યાસીને સવારથી જ લાગતું હતું કે આજે અંતિમ દિવસ છે, એટલે કોઈ સાથે વાતચીત કરવાનું મન ન હતું થતું અને તે ચૂપચાપ અંતર્મુખી બનીને ચાલતો હતો. પણ ભગત હરિશાજી, જેઓ દરરોજ સાથે જ ચાલતા હતા અને રાતે પાસે જ પથારી લગાવીને સૂઈ જતા, એમણે સાથે ચાલવાની ઇચ્છા દર્શાવી. ચાલતાં ચાલતાં કંઈને કંઈ વાતચીત કરવાનો એમનો સ્વભાવ હતો. એ દિવસે પણ એ પ્રમાણે કહેવા લાગ્યા, તો સંન્યાસીએ કહ્યું, ‘આજે એકલા જ ચાલવાની ઇચ્છા છે, વાતચીત કરવાની ઇચ્છા નથી થતી, એટલે તમે બધા આગળ ચાલો, હું પાછળ પાછળ ચાલતો રહીશ.’

ભગતજીને લાગ્યું કે કદાચ કોઈ વાતે નારાજ થઈ ગયા હશે, એટલે આવું કહી રહ્યા છે અને ટોળકીનો સાથ છોડીને ચાલ્યા જવાનો ઇરાદો હશે. તેથી એમણે કહ્યું, ‘તો તમે આગળ ચાલો, અમે તમારી પાછળ પાછળ ચાલીશું.’ સંન્યાસી એ વાત માનીને આગળ ચાલવા લાગ્યો.. રસ્તામાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો, બધા ભીંજાઈ ગયા, કેમ કે રસ્તામાં ક્યાંય પણ ઊભા રહેવાનું યોગ્ય સ્થાન ન હતું. સવારે લગભગ નવ-દસ વાગે ટોળકી એક એવી જગ્યા પર પહોંચી, જ્યાં રસ્તાની ઉપર તેમજ નીચે બંને બાજુ પહાડ હતો. નીચે નદી સુધી આશરે અડધો માઈલ ભયંકર સીધો ઢાળ હતો, ઉપર પણ ઊંચી ચટ્ટાનો અને ક્યાંક માટીનો ઢાળ પર્વતની ટોચ સુધી હતો.

વરસાદ હવે ધીમો પડી ગયો હતો, પણ ઉપરથી પહાડ અચાનક ધડધડ કરતો ધસવા લાગ્યો—કીચડ, માટી, ઢેફાં-પથ્થર વગેેરે પ્રચંડ વેગે સંન્યાસી ઉપર પડવા લાગ્યાં. સંન્યાસી મનોમન સમજી ગયો કે કદાચ એટલે સવારથી જ એવું લાગી રહ્યું હતું કે આજે અંતિમ દિવસ છે. તેથી તે એક જ જગ્યાએ શાંત થઈને ઊભો રહી ગયો અને મૃત્યુની પ્રતીક્ષામાં ઇષ્ટ-સ્મરણ કરવા લાગ્યો. પરંતુ એની આજુબાજુ ચારે બાજુથી કીચડ-માટી, ઢેફાં-પથ્થર આવીને પડ્યાં અને રસ્તા વચ્ચે એટલો ઊંચો ઢગલો ખડકાઈ ગયો કે સંન્યાસીને કોઈ જોઈ શકતું ન હતું.

પરંતુ એના શરીર પર એક કાંકરો સુધ્ધાં પડ્યો નહીં. ફક્ત નીચેથી કાદવના છાંટાં ઊડવાથી કપડાં ગંદાં થયાં હતાં. ૫-૭ મિનિટ સુધી આ બધું પડવાનું ચાલુ રહ્યું. જ્યારે બંધ થયું, ત્યારે સામેથી એક શીખ ડ્રાઇવરે પથ્થરનો ટેકો લઈને ઉપર ચઢી સંન્યાસીને જોયો અને પોતાની પાઘડીનો છેડો ફેંકીને ઢગલાની પેલે પાર ઊતરવામાં મદદ કરી. સંઘના બધા લોકો વિચારતા હતા કે સંન્યાસી એની નીચે દબાઈને મૃત્યુ પામ્યો છે અને ‘હાય, હાય’ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે જોયું કે તે સહીસલામત છે, ત્યારે કહેવા લાગ્યા, ‘આ બાજુ આવી જાઓ, આ બાજુ.’ સંન્યાસીએ કહ્યું, ‘પાછળ નહીં, આગળ જ ડગલાં માંડીશ.’ કોણે કૃપા કરીને રક્ષણ કર્યું? જય ભગવાન!

ઉત્તરકાશી

પરિવ્રાજક સંન્યાસી ઉત્તરાખંડમાં ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહ્યો હતો. વરસાદ શરૂ થઈ ગયો હતો, પહાડી નદીઓ ઊછળતી-કૂદતી તીવ્ર વેગે વહી રહી હતી. પુલ ન હોવાને કારણે કોઈ કોઈ સ્થાને પાર ઊતરવું જોખમકારક હતું અને સડક ઉપર પણ ઢેફાં-પથ્થરોને કારણે ઊતરવામાં સાવચેતી રાખવી જરૂરી હતી. એવા જ એક સ્થાને સંન્યાસી મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. ગામ નદીની પેલે પાર હતું, સામે જ દેખાતું હતું, પરંતુ હાલમાં જ વરસાદ પડ્યો હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ ઘણો વધુ હતો. છ ફૂટથી પણ વધુ ઊંચા એક નારાયણ થોડી વાર પહેલાં જ પેલી પાર ઊતરીને ત્યાં ઊભા ઊભા જોઈ રહ્યા હતા. દૂબળા-પાતળા સંન્યાસી માટે પાર ઊતરવાની હિંમત કરવી, એટલે જાણે મોતને ભેટવા જેવી વાત હતી, પરંતુ બીજો કોઈ ઉપાય પણ ન હતો, આ તરફ એવો કોઈ આશ્રય ન હતો, જ્યાં રાત વિતાવી શકાય.

એક ભોટિયો (ભુતાનવાસી) અનાજના કોથળા પાથરી અને ઊનની ચાદર ઢાંકીને નાનકડો આશરો બનાવીને પડ્યો હતો. આ કોથળા પણ ઊનના હોય છે અને એટલા મજબૂત કે અંદર એક ટીપુંય પાણી જઈ શકે નહીં. સંન્યાસીએ એને પૂછ્યું, ‘પાણી ઓછું ક્યાં છે?’ એણે એ જ સ્થળ બતાવ્યું, જ્યાંથી પેલા ઊંચા નારાયણ પાર ઊતર્યા હતા. સંન્યાસી ઇષ્ટ-સ્મરણ કરતાં કરતાં એ તરફ જ ગયો, હાથમાં પાંચ ફૂટનો પહાડી દંડો હતો, એક નાનકડી ઝોળી હતી, જેમાં ગીતા, ચાકુ, દીવાસળીની પેટી, મીણબત્તી વગેરે ચીજવસ્તુઓ અને હાથમાં એક કમંડળ હતું. વળી, એક ધાબળો અને ખભા પર બે જોડી કપડાં, બસ આટલી જ વસ્તુઓ હતી. સંન્યાસી પાણીમાં સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યો, કેમ કે પથ્થર પરથી પગ લપસી જવાનો ભય હતો. દંડાના આધારે જ પાર કરી રહ્યો હતો કે એટલી વારમાં ભયંકર તીવ્ર પ્રવાહમાં જઈ પડ્યો. પ્રવાહની સામે ફક્ત એક દંડાનો ટેકો હતો, એના જ આધારે ઊભો હતો, પણ એક ખાડો પડ્યો, જ્યાં એ દંડાને ટેકવી શક્યો નહીં અને બસ, તરત જ પ્રવાહમાં ખેંચાઈ ગયો, પળવારમાં પાણીની અંદર ધસી ગયો અને એટલી વારમાં એક મોટા પથ્થર પર દંડો ભટકાયો અને સંન્યાસીને પાર ઉતારીને ઊભો કરી દીધો.

સંન્યાસીના મોઢામાં થોડું પણ પાણી ગયું ન હતું, કંઈ વાગ્યું પણ ન હતું, સીધો ઊભો થઈને કિનારે પહોંચી ગયો. બધું પલળી ગયું હતું, પણ કંઈ નુકસાન ન થયું. અરે, હાથમાં કમંડળ પણ એમ જ પકડેલું રહ્યું. એ લાંબા નારાયણ અને એક પહાડી મદદ કરવા માટે કિનારા પર આંટા મારતા હતા, પણ ત્યાંથી ગંગા નજીકમાં હતી અને નદીનો પ્રવાહ ભયંકર હતો. ખરેખર તો, નીચે પાણીમાં ઊતરવાનો પ્રયાસ કરવો જોખમી હતું, પરંતુ ક્ષણભર માટે મનમાં સાહસ કરવાનો વિચાર આવી ગયો! બચાવનાર કોણ હતા? જય ભગવાન!

બ્રહ્મપુત્રાને કિનારે

મૈમનસિંહ પૂર્વ બંગાળનું એક મોટું શહેર છે. ઢાકાથી નાનું હોવા છતાં ધનિકો, મોટા મોટા જમીનદારોનું નિવાસસ્થાન હોવાને કારણે બહુ ઐશ્વર્યપૂર્ણ છે.. ત્યારે હજુ પરિવ્રાજકે સંન્યાસ-આશ્રમમાં પ્રવેશ કર્યો ન હતો, એ બાજુ મૈમનસિંહમાં પરિવારના એક મોટા ભાઈ નોકરી કરતા હતા. શાળાની ઉનાળાની રજાઓમાં તે એ બાજુ ફરવા તથા હવાફેર કરવા માટે ગયો હતો.

બ્રહ્મપુત્રા નદી પર વસેલું શહેર સુંદર અને આકર્ષક લાગતું હતું. દૂર ગારો પર્વતનું દૃશ્ય અત્યંત મનોહર હતું. થોડા દિવસ આમ-તેમ ફર્યા પછી દરરોજ સાંજે ઘરથી એકાદ માઈલ દૂર બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલા સ્મશાનમાં પણ ફરવા જતો હતો. સાવ એકાંત સ્થળ, ત્યાં શાંત ચિત્તે ધ્યાન-ચિંતન કરવાનો બહુ આનંદ આવતો. તેથી ત્યાં એકલો જ જતો. …. એક દિવસ સંધ્યા પહેલાં બ્રહ્મપુત્રામાં સ્નાન કરવાના ઇરાદે સ્મશાનના કાચા ઘાટ પર જેવો જ ઊતર્યો કે પાણીના વમળમાં ફસાયો અને એક ખાડામાં જઈને પડ્યો (એ સમયે પહાડ પર વરસાદ પડવાથી બ્રહ્મપુત્રા નદીમાં ઊભરો આવ્યો હતો). બચવાનો ઉપાય આપમેળે જ હાથમાં લાગી ગયો. એક મજબૂત થડવાળું ઝાડ, જેનો અડધાથી વધારે ભાગ તો પાણીમાં પડી ગયો હતો અને તણાઈ જવાની તૈયારીમાં જ હતું, એ ઝાડ હાથમાં આવી ગયું, જેના આધારે તે ઉપર આવી શક્યો. ઊભા થઈને જોયું તો નદીનો પ્રવાહ એ ઝાડને તાણી ગયો. ત્યાં બચાવનાર કોણ હતું? જય ભગવાન!

આબુ પર્વત ઉપર

સંન્યાસી એક વખત આબુ પર્વત પર અર્બુદા-દેવી (અદ્ધર-દેવી)ના સ્થાનની નીચે બજ્જૂમાં આવેલી હનુમાન-ગુફામાં રોકાયેલો હતો. એ સમયે પણ તે દૈવી કૃપાથી જ વીંછીના ડંખથી બચી ગયો હતો. લગભગ દરરોજ રાતે તે એક-બે વીંછીને ચીપિયાથી પકડતો. ગુફામાં જમીન પર ચટાઈ પાથરીને સૂવાનો રિવાજ હતો. રાતે માથા પાસે એક તેલનો દીવો રાખેલો રહેતો, એટલે જરૂર પડે ત્યારે તેને જલદીથી સળગાવી શકાય, એટલે — ‘અરે! ઊઠ, વીંછી,’ એવો સ્પષ્ટ અવાજ સાંભળીને તરત જ ઊઠી જતો અને દીવો કરીને જોતો કે વીંછી ડંખ મારવા ઊંચો થઈને ઊભો છે. આ પ્રમાણે ત્રણ મહિના સુધી રક્ષણ કર્યું. એ કોની કૃપા હતી? જય ભગવાન!

ડીસામાં

પરિવ્રાજક સંન્યાસી વર્ષોથી ઉત્તર ગુજરાતના ડીસા શહેરમાં જાય છે. ત્યાંના ધાર્મિક સજ્જન લોકો પ્રેમભાવ રાખે છે, જેથી વધારે જવાનું બને છે. … એક વાર ત્યાં શિયાળેના સંન્યાસી-આશ્રમમાં રોકાયો હતો. પ્રાતઃકર્મ માટે બહાર મેદાનમાં જવું પડતું, એટલે હંમેશાં સવારે ચાર-સાડા ચાર વાગ્યાની આસપાસ નીકળતો હતો. એક રાતે ઘડિયાળ બંધ પડી ગઈ હતી. થોડી ઊંઘ લઈને સંન્યાસી ઊઠ્યો, ત્યારે ચાંદનીના પ્રકાશને કારણે એને લાગ્યું કે સવાર પડી ગઈ છે અને આશ્રમની બહાર નીકળી પડ્યો. સામેના રેતાળ નાળામાં ઘણા બધા કૂતરા બે દળમાં વહેંચાઈને ઝઘડી રહ્યા હતા, સંન્યાસીને જોતાવેંત જ પોતાનો ઝઘડો છોડીને એ બધાએ (૧૦-૧૨ હશે) આવીને ઘેરી લીધો અને હુમલો કરવાની તૈયારીમાં જ હતા, એટલી વારમાં એક લાલ રંગની અને ખાસ્સી એવી મોટી કૂતરી પૂંછડી પટપટાવતાં આવીને છાતી પર પગ રાખીને ઊભી રહી. એનું મોઢું તો ગળા સુધી આવી ગયું હતું, પણ મૈત્રીભાવ દેખાડીને પૂંછડી પટપટાવીને પ્રેમ વ્યક્ત કરવા લાગી. અન્ય કૂતરાઓ આ જોઈને અને કદાચ એમ સમજીને દૂર ચાલ્યા ગયા કે આ કોઈ પરિચિત ગ્રામવાસી છે. ત્યાર બાદ સંન્યાસીએ તેને પુચકારીને કહ્યું, ‘હવે છોડી દે, હવે છોડી દે.’ એમ કહેતાં કહેતાં ધીરેથી છાતી પરથી પગ હટાવી લીધા. પરંતુ સંન્યાસીએ એ કૂતરીને ક્યારેય જોઈ ન હતી, કૂતરીએ કદાચ જોયેલો હશે. પરંતુ એ વખતે જો તે કૂતરી આ રીતે પોતાનો પરિચય અને પ્રેમ વ્યક્ત ન કરત, તો એ વાતમાં કોઈ શંકા નથી કે કૂતરા ચોક્કસ ફાડી ખાત.

સંન્યાસી જ્યારે પરત આવ્યો, ત્યારે એ સમયે જાગી રહેલી એક પાડોશણ સ્ત્રીએ પૂછ્યું, ‘તમે રાતના બાર વાગે ક્યાં ગયા હતા?’ અને ત્યારે ખ્યાલ આવ્યો કે અડધી રાતનો સમય હતો.  એ અજ્ઞાત કૂતરીને આ રીતે પોતાપણાનો ભાવ વ્યક્ત કરવાની પ્રેરણા કોણે આપી હતી? જય ભગવાન!

Total Views: 37

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.