(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘પ્રભુ પરમેશ્વર જબ રક્ષા કરે’ હિન્દી પુસ્તકમાંથી શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)
એક મહાન ત્યાગી
શ્રીમત્ સ્વામી વિવેકાનંદના એક ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી અમેરિકાથી (ઈ. સ. ૧૯૨૧માં) ભારત પરત ફર્યા. ત્યાં તેઓ લગભગ વીસ વર્ષ સુધી સફળતાપૂર્વક વેદાંત-પ્રચારનું કાર્ય કરીને આવ્યા છે. કાશ્મીર-ભ્રમણ કરીને, જ્યારે તેઓ કનખલ-હરિદ્વાર પધાર્યા, એ સમયે પરિવ્રાજક સંન્યાસી ત્યાં જ ઉપસ્થિત હતો. રામકૃષ્ણ મિશન દ્વારા સંચાલિત સેવાશ્રમ-હૉસ્પિટલના અધ્યક્ષ સ્વામી કલ્યાણાનંદજીએ સંન્યાસીને સવાર-સાંજ સ્વામી અભેદાનંદજી સાથે રહેવાનું, એમની સાથે વાતચીત કરવાનું અને હરવા-ફરવાનું કામ સોંપ્યું હતું.
એક દિવસ વાતચીત કરતાં કરતાં શ્રીમત્ સ્વામી તોતાપુરીજીની વાત નીકળી. તેઓ પરમહંસ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસ-ગુરુ હતા અને એમનો જન્મ પંજાબમાં થયો હતો. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ હજુ સુધી યોગ્ય માહિતી મળી શકી નથી કે નાગા પરમહંસ તોતાપુરીજી કયા આશ્રમ કે અખાડાના હતા. સ્વામી અભેદાનંદજીએ સંન્યાસીને કહ્યું, ‘તું અહીંયાં છો, તો પ્રયત્ન કર, જો મળી જાય તો સારું રહેશે. લુધિયાણા જિલ્લામાં નાગા-સંપ્રદાયના ઘણા અખાડા હશે, જરા શોધખોળ કરી જુઓ. ભગિની નિવેદિતા (સ્વામી વિવેકાનંદજીનાં માનસ-પુત્રી મિસ નોબેલ)એ પણ એક વાર ઉલ્લેખ કર્યો હતો કે, ‘મને યાદ છે ત્યાં સુધી લુધિયાણાની આજુબાજુ જ ક્યાંક તે અખાડો હતો.’ સંન્યાસીએ આ વાત સાંભળી અને મોકો મળતાં જ આ કામ કરવાનો નિશ્ચય કરી લીધો.
સ્વામી અભેદાનંદજીના કલકત્તા ચાલ્યા ગયા પછી એ મોકો મળ્યો. કાશ્મીરથી અમરનાથ-દર્શન કરવા કેટલાય સંતો જઈ રહ્યા હતા, સંન્યાસીને પણ જવાની ઇચ્છા હતી, પરંતુ ત્યારે એના માટે જવું શક્ય ન હતું, એટલે પછીથી જવાનું વિચાર્યું. લુધિયાણા પાસે કિલા રાયપુર નામનો એક કસબો છે, જ્યાં એ સમયે એક વૃદ્ધ મહાત્મા—સ્વામી દેવપુરીજી નિવાસ કરતા હતા. કોઈએ કહ્યું કે કદાચ એમને તોતાપુરીજી અથવા એમના અખાડા બાબતે જાણ હોઈ શકે.
સંન્યાસી લુધિયાણા થઈને કિલા રાયપુર પહોંચ્યો અને પુરીજીના આશ્રમમાં ગયો. જતાંવેંત જ આશ્રમવાસી સંતોએ સ્વાગત કર્યું, પરંતુ એ સમયે પુરીજીની તબિયત નરમ હતી અને તેઓ કોઈને મળતા ન હતા, એટલે ૨-૪ દિવસ રોકાવા માટે કહ્યું. સંન્યાસી રોકાઈ ગયો, એથી બહુ લાભ થયો.
ત્યાં પુરીજીના એક નેપાળી શિષ્ય હતા, જે પહેલાં હૃષીકેશમાં શ્રદ્ધેય નેપાળી બાબાને ત્યાં રહેતા હતા અને તેઓ સંન્યાસીને ત્યાં મળી ચૂક્યા હતા. નેપાળી બાબા ઠંડીના દિવસોમાં દરરોજ સાંજના સમયે સાધુઓને ભિક્ષામાં ચાર રોટલી તથા શાક આપતા અને બહુ પ્રેમથી જમાડતા.
સ્વામી વિવેકાનંદજી જ્યારે ત્યાં તપસ્યા કરી રહ્યા હતા, એ સમયે પણ તેઓ ત્યાં હતા, એ કારણે તેઓ સ્વામીજીના શિષ્યો પર વિશેષ સ્નેહ-ભાવ રાખતા હતા. સંન્યાસી જ્યારે પણ સાંજે એમને ત્યાં ભિક્ષાટન કરવા માટે જતો, ત્યારે તેઓ બહુ પ્રેમપૂર્વક અલગ બેસાડીને ભરપેટ ભોજન કરાવતા. ત્યાં આ નેપાળી સાધુએ ઘણી વાર સંન્યાસીને ભોજન કરાવ્યું હતું (ત્યારે તેઓ સંન્યાસી બન્યા ન હતા). ત્યાંની વાતો યાદ અપાવીને તેઓ સંન્યાસી પ્રત્યે બહુ પ્રેમભાવ દેખાડવા લાગ્યા. રોજ સવારે તેઓ એક પ્યાલો ભરીને (બદામની) ભાંગ પિવડાવતા, સાંજે દૂધ આપતા, ભોજન સમયે બોલાવીને લઈ જતા અને જૂની વાતો સંભળાવીને આનંદ કરાવતા.
કદાચ ચોથા દિવસે કોઈએ ભાંગ ન આપી, એ નેપાળી સાધુ પણ દેખાયા નહીં. બે વાગ્યા છતાં કોઈએ ખાવા માટે ન બોલાવ્યો, શું થયું? ત્યાંના અન્ય સંતો પણ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા હતા, કોઈ પણ દેખાયું નહીં. સંન્યાસી પરેશાન હતો કે વાત શું છે?
લગભગ ત્રણ વાગે તે નેપાળી સાધુ દોડતાં દોડતાં આવ્યા અને કહ્યું, ‘શું સ્વામીજી, તમે કંઈ ખાધું કે નહીં? હું હાજર ન હતો, સૂર્યોદય પહેલાં જ એક ગામમાં અનાજ લેવા માટે ગયો હતો, કોઈએ ભાંગ તો નહીં આપી હોય! અને જે દરરોજ ગામમાંથી ભિક્ષા માગીને રોટલીઓ લાવે છે, તે બીમાર છે, એટલે આશ્રમમાં ન કોઈ રોટલી લઈ આવનાર હતો કે ન કોઈ કહેનાર હતું, કારણ કે અન્ય બે જણ પણ દૂર ગામમાં અનાજ લેવા માટે ગયા હતા.
‘દર વર્ષે ગામલોકો જે દાન આપે છે, તે લઈ આવવા માટે જવું પડે છે. અન્ય સંતોએ પણ તમને કંઈ કહ્યું નહીં હોય? અહીંયાં તો ભંડાર સદાય ખુલ્લો જ રહે છે; જે લોકો જાણે છે, તેઓ લોટ, દાળ, ઘી, તેલ—જે પણ જોઈએ, પોતાના હાથે લઈને ખાવાનું બનાવી લે છે.
‘હું તમને પહેલાં કહેવાનું ભૂલી ગયો, તેથી તમને તકલીફ પડી. ગુરુ મહારાજે અહીંયાં કોઈ વાતનો અભાવ નથી રાખ્યો. એટલે સંતો આવે, તો પણ અમારી જેમ જ રહે, જાય તો એમની ઇચ્છા; જ્યાં સુધી અનાજ છે, ત્યાં સુધી ખાઓ, ત્યાર બાદ પોતાની વ્યવસ્થા કરી લો. અમે ચાર જણા છીએ, અમે પણ પોતપોતાની ઇચ્છા અનુસાર કામ કરીએ છીએ, ગુરુ મહારાજ ક્યારેય એવું નથી કહેતા કે ‘તું આમ કર’ કે ‘તેમ ન કર’, આદેશ ફક્ત પવિત્ર જીવન જીવવા માટે હોય છે, બાકી બધા જેમ ઠીક લાગે, તેમ કરો, હળીમળીને રહો.
‘તમે આ જે મકાન જુઓ છો, બગીચો જુઓ છો—આ બધું શિષ્યોએ પોતાના હાથે બનાવ્યું છે. રૂપિયા આપીને મજૂર રાખવાની મનાઈ છે. પોતાની ઇચ્છાથી કોઈ સેવા કરે, તો મનાઈ નથી. જો તમે અહીંયાં રહેવા ઇચ્છતા હો, તો એક ઓરડી બનાવી શકો છો, પણ હા, પોતાની જાતમહેનતે, જો તમે શરૂઆત કરશો તો હું મદદ કરીશ. .. સારું, થોડી ભાંગ પી લો, આજે સાંજે રસોઈ મોડી બનશે.’…
એ દિવસે ભોજન મોડું મળ્યું. ત્યાર બાદ બધું નિયમિત થઈ ગયું—સવારે ભાંગ, બપોરે દાળ-રોટલી, ક્યારેક શાકભાજી વગેરે અને રાતે દૂધ.
પાંચમા દિવસે પુરીજી મહારાજ સાથે મુલાકાત થઈ. (ત્યાં એમ્પીથિએટર જેવું ચક્રાકાર ગોળ સભાગૃહ હતું, જેમાં દરવાજાની બાજુમાં લાઇનમાં ૨૩ પલંગ પડ્યા રહેતા, એના પર કોઈ પણ સંત આસન લગાવી શકે, કોઈને પૂછવાની જરૂર નથી. દરેક પલંગની બંને તરફ ખુલ્લાં દ્વાર અને વચ્ચે એટલી જગ્યા હતી કે લગભગ બસ્સો લોકો બેસી શકે, જે આખા ગામ માટે પૂરતી છે.)
એ દિવસે તેઓ ત્રણ વાગે પોતાના ઓરડામાંથી બહાર નીકળીને સભાગૃહમાં પધાર્યા અને યોગ-વાશિષ્ઠમાંથી કથા સંભળાવી. ત્યાં ‘યોગ-વાશિષ્ઠ’, ‘વિચાર-સાગર’ વગેરે વેદાંતિક ગ્રંથોનો જ પાઠ તથા ચર્ચા થતાં અને મોટા ભાગે પુરીજી પોતે જ પાઠ કરતા હતા. કુશળ-પ્રશ્ન પછી જ્યારે તેઓ જઈ રહ્યા હતા, ત્યારે એક પંજાબી બહેન આવી.
એણે આછી મલમલની ચાદર જેવી સાડી પહેરી હતી, બધાં અંગોના રંગ સહિત આખી આકૃતિ પણ દેખાતી હતી અને પગમાં ઊંચી એડીવાળી ચાખડીઓ પહેરી હતી. તે સુંદર યુવતી આવી અને હાથ જોડીને પ્રણામ કરીને ધ્રૂજતાં સ્વરે કહેવા લાગી,
જેનો ભાવાર્થ કંઈક આવો હતો — ‘તમે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ છો, તમારાં દર્શન બહુ ભાગ્યશાળીને જ થાય છે, દેવતાઓ પણ તમારાં દર્શન કરવા તરસે છે, તમારી કૃપાદૃષ્ટિ રહેવાથી સર્વે સિદ્ધિઓ મળે છે. પૂર્વજન્મમાં મેં કોણ જાણે કેટલાં પુણ્ય કર્યાં હશે કે આજે આપનાં દર્શન થયાં. આહા, ઉપરથી દેવગણ જોતા હશે, પિતૃઓને ઈર્ષ્યા થતી હશે! તમારા જેવા મહાત્માઓનો ચરણ-સ્પર્શ કરવાની મહેચ્છા કોને ન હોય!’ આટલું કહીને તે પહેરેલી ચાખડીએ જ ચરણ-સ્પર્શ કરવા માટે નીચે નમી. પુરીજી પાછળ ખસી ગયા અને એવું કહીને ચાલતા થયા કે, ‘ઘરે જઈને ગ્રંથ વાંચો, શાંતિ મળશે.’
સંન્યાસી તો પૌરાણિક યુગનું પુનરાવર્તન જોઈ રહ્યો હતો. ત્યાર બાદ પુરીજીએ સંન્યાસીને પોતાના ઓરડામાં બોલાવ્યો. તોતાપુરીજી વિશે પૂછતાં જાણવા મળ્યું કે એ બાબતે એમને કંઈ જ ખબર નથી. અન્ય બે-ચાર વાતો થઈ, એમણે થોડા દિવસ રોકાઈ જવા માટે વારંવાર સ્નેહપૂર્વક આગ્રહ કર્યો, કેમ કે અમરનાથ-યાત્રા શરૂ થવામાં હજુ વાર હતી.
રાતના દસ વાગે પેલા નેપાળી સંત સાથે એક અન્ય સંત પણ આવ્યા. પરિચય આપતાં ખબર પડી કે તેઓ પુરીજીના મુખ્ય શિષ્ય છે. તેઓ પૂર્વાશ્રમમાં ડૉક્ટર હતા. કાશ્મીર ગયા હતા. પુરીજી બહુ બીમાર છે, એ સાંભળીને ચાલ્યા આવ્યા, વગેરે.
સામાન્ય વાતચીત બાદ નેપાળીજીએ જણાવ્યું કે આવેલા સંત એક ખાસ વાત કરવા આવ્યા છે. સંન્યાસીએ સાંભળવાની સંમતિ દર્શાવી. એમની વાતનો સાર સંક્ષેપમાં આ પ્રમાણે હતો—‘ગુરુ મહારાજ વૃદ્ધ (૭૭-૭૮ વર્ષના) થઈ ગયા છે, અશક્ત પણ થઈ ગયા છે, શરીરનો કોઈ ભરોસો નથી.’ …
અમે સૌએ બહુ મહેનત કરીને આ આશ્રમ બનાવ્યો છે, પરંતુ આનો કોઈ પાકો દસ્તાવેજ નથી. તેઓ જ્યારે અહીંયાં આવ્યા હતા, ત્યારે બાગમાં રોકાયા હતા અને ત્યારે અહીંયાં ફક્ત ઘાસની એક નાનકડી ઝૂંપડી જ હતી. એના માલિક એક સંત-પ્રેમી જમીનદાર સરદારે બહુ પ્રેમપૂર્વક એમને એવું કહીને આમાં રાખ્યા હતા કે અહીંયાં જ ભોજન કરો અને રહો. બસ, ગુરુ મહારાજ રોકાઈ ગયા અને ત્યાર બાદ અમે બધા એક પછી એક આવી મળ્યા. ધીરે ધીરે આ આશ્રમ બની ગયો. સરદારજી અને ગુરુ મહારાજજી પણ હજુ જીવિત છે અને બંને વૃદ્ધ થઈ ગયા છે, તેઓ જીવે છે ત્યાં સુધીમાં દાન-પત્ર લખી આપે, તો આશ્રમ કાયદાની દૃષ્ટિએ પાકો થઈ જાય. … સરદારજીના પુત્રો તો બધા સારા છે, કોઈએ આજ સુધી કંઈ કહ્યું નથી, પરંતુ કોણ જાણે કોની બુદ્ધિ ક્યારે ફરી જાય, એટલે અમે લખાવી લેવા માગીએ છીએ. પણ ગુરુ મહારાજ બિલકુલ રાજી થતા નથી. કહે છે — ‘એક શબ્દ પર રોકાયો છું, એક શબ્દ પર ચાલ્યો જઈશ.’ … જો તમે સમજાવી શકો, તો મોટો ઉપકાર થશે.’
સંન્યાસીએ કહ્યું, ‘મને તો કોઈ ખાસ પરિચય નથી, પાંચ મિનિટના પરિચયમાં શું આવા ગંભીર વિષય પર ચર્ચા કરવાનો અધિકાર હોઈ શકે?’
તેમણે કહ્યું, ‘હું પહેલાં જ કહી ચૂક્યો છું કે રામકૃષ્ણ મિશનની જેમ જ આ આશ્રમમાં પણ કાયમ માટે એક સંસ્થા બનાવવાનો અમારો વિચાર છે, પરંતુ જ્યાં સુધી આ વાત નક્કી ન થઈ જાય, ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ ન થઈ શકે. ગુરુ મહારાજ તો માનતા જ નથી. તમને મળવા માટે અને આ બાબતે વાત કરવા માટે રાજી થયા છે, એટલે કાલે સમય નિશ્ચિત કરીને તમને લઈ જઈશ, કંઈક સમજાવજો, જેથી આ કામ થઈ જાય.’
સંન્યાસીએ કહ્યું, ‘પરંતુ, હું તો જઈને પોતાની મેળે આ વાત ઉખેળી શકું નહીં. તમે શરૂઆત કરજો, પછી એમની વાત સાંભળીને જો કંઈ કહેવા યોગ્ય હશે, તો કહીશ; નહીંતર ખોટું ન લગાડતા, ચૂપચાપ પ્રણામ કરીને ચાલ્યો જઈશ.’
સવારે લગભગ દસ વાગે તેઓ બોલાવવા આવ્યા અને સંન્યાસી પુરીજીને મળવા માટે એમના અંગત ઓરડામાં ગયો.
પંજાબી ઢબથી બનેલાં બધાં માટીનાં મકાનો સુંદર અને મજબૂત છે. રસોડાના આંગણામાંથી થઈને ભંડાર-ગૃહની ઉપર જવા માટે એક વાંસની સીડી રાખી હતી, એના પર ચઢ્યા પછી એક નાનકડો દરવાજો જોયો, તેમાંથી નીચે નમીને ગુફામાં પ્રવેશ કરવો પડે, એવો માર્ગ હતો. તેમાં બધાએ પ્રવેશ કર્યો. ઓરડો સ્વચ્છ, કોઈ ચીજવસ્તુ નહીં; ફક્ત એક ચટાઈ છે, જેના પર પુરીજી શયન પણ કરે છે; એક જ ધાબળો, જેનાથી પુરીજી બહાર નીકળે ત્યારે પોતાનું શરીર ઢાંકે છે અને જરૂર પડે તો ઓઢે પણ છે. માથું ટેકવવા માટે ફક્ત એક ઈંટ છે. બસ, આટલી જ વસ્તુઓ છે. ભોયતળિયું ચોખ્ખું, ગાર-માટીથી લીંપેલું છે.
અમે બધા જમીન પર બેઠા. મુખ્ય શિષ્ય ડૉક્ટરે વાત ઉખેળી. પુરીજીએ (સંન્યાસી તરફ જોઈને) કહ્યું, ‘હું કહી શકતો નથી. હું તો એક જ વચન સાંભળીને રહ્યો છું અને એક જ વચન સાંભળીને ચાલ્યો જઈશ. એમણે કહ્યું હતું—રહો, એટલે હું રહી ગયો, જો અત્યારે જ કહે કે—જાઓ, તો ચાલ્યો જઈશ.’
ડૉક્ટર — ‘અમે બધાએ આટલું બધું ઊભું કર્યું, જો અન્ય લોકો દ્વારા બનાવવામાં આવ્યું હોત, તો લાખો રૂપિયા ખર્ચાઈ જાત. અમારી બધી મહેનત વ્યર્થ જશે.’
પુરીજી — ‘પણ, તમે બનાવ્યું જ શા માટે? જો હવે એ લોકોને જોઈતું હોય, તો શું પરત ન આપવું જોઈએ?… તું ઉપાડીને અન્યત્ર લઈ જા!’
ડૉક્ટર — ‘પરંતુ મહારાજ, મકાન કઈ રીતે ઉપાડીને લઈ જઈએ? વળી, અમે આટલા બાગ-બગીચા પણ બનાવ્યા છે?’
પુરીજી — ‘એ કંઈ હું જાણતો નથી, હું તો એક જ વચન સાંભળીને રહ્યો છું અને એક જ વચન સાંભળીને ચાલ્યો જઈશ.’
હવે સંન્યાસીને મોકો મળ્યો. કહ્યું, ‘જો તમે એવો સંકલ્પ કરી લીધો હતો, તો જ્યારે આ લોકો આટલો પરિશ્રમ કરીને મકાન તથા બાગ-બગીચા બનાવી રહ્યા હતા, ત્યારે તમે એ બાબતે આ લોકોનું ધ્યાન કેમ ન દોર્યું? માફ કરજો, પરંતુ જો તમે એ વખતે જરા પણ ઇશારો કરી દીધો હોત, તો આ લોકો ક્યારેય આ બધું ન બનાવત.’
ડૉક્ટરે કહ્યું, ‘ચોક્કસ! જો અમને આ વાતની ખબર હોત, તો અમે શું કામ મહેનત કરત?’
પુરીજી શાંત બેસીને વિચારવા લાગ્યા.
સંન્યાસીએ કહ્યું, ‘તમારો સિદ્ધાંત અતિ ઉત્તમ છે અને એક મહાન ત્યાગીની મનોવૃત્તિ દર્શાવે છે. આવો અભિપ્રાય સાંભળીને મને બહુ આનંદ થયો. પરંતુ ક્ષમા કરશો, આ લોકોને એ જ વખતે રોકવા જોઈતા હતા, પણ તમે જરા ઇશારો સુધ્ધાં કેમ ન કર્યો? એથી…’
પુરીજી ગંભીર થઈને બોલ્યા, ‘એ દૃષ્ટિએ મેં વિચાર્યું જ ન હતું. વારુ, તમે હજુ ત્રણ દિવસ રોકાઈ જાઓ (સંન્યાસી લાહોર-રાવલપિંડી જવા ઇચ્છતો હતો), હું વિચારીને કહીશ.’
બીજે જ દિવસે બપોરે પુરીજીએ બોલાવ્યો અને બધા શિષ્યોની હાજરીમાં કહ્યું, ‘ભૂલ મારી છે, હું એનો સ્વીકાર કરું છું. મેં જો એ જ વખતે કહી દીધું હોત, તો આ લોકો ચેતી જાત, પણ હવે શું કરવું? હું મારો સિદ્ધાંત તો છોડી શકીશ નહીં.’
સંન્યાસીએ કહ્યું, ‘ના, ના, તમે તમારો સિદ્ધાંત છોડશો નહીં, પણ આ લોકોને એક વાર પ્રયત્ન કરવાની સંમતિ આપી દો.’
પુરીજી — ‘પણ માની લો કે સરદારજી કહી દે કે જાઓ, નથી લખવું. તો હું એ જ વખતે ચાલ્યો જઈશ.’
ડૉક્ટર — ‘અમને વિશ્વાસ છે કે સરદારજી એવું નહીં કરે. પરંતુ જો ઈશ્વરેચ્છાથી એવું કહી પણ દે, તો તમે તમારી ઇચ્છાનુસાર અવશ્ય કરજો. પણ અમે..’
પુરીજી — ‘બસ, હું આટલાથી જ સંતુષ્ટ છું, આગળ ચર્ચા કરવાની જરૂર નથી.’
અમે બધા નીચે આવી ગયા, ડૉક્ટર તથા અન્ય ગુરુભાઈઓ ખુશ થઈ ગયા. ત્રીજા દિવસે કામ પણ થઈ ગયું. ડૉક્ટરે જઈને સરદારજીને કહ્યું કે, ‘તમે બંને વૃદ્ધ થઈ ગયા છો. થોડું લખાણ કરી દેવું જરૂરી છે, જે તમારી દૃષ્ટિએ તો જરૂરી નથી. પરંતુ… વગેરે વગેરે.’ સરદારજીએ મુનીમને બોલાવીને હુકમ કર્યો—ચોપડામાં લખી લો—તે સ્વામી દેવપુરીજીની સેવામાં અર્પણ છે.
Your Content Goes Here




