નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ – વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને દેખાવે ભવ્ય લાગતા. ગમે તેમ હોય પણ તેઓ પ્રેતાત્મવાદી મંડળના ગાઢ સંપર્કમાં આવ્યા. પ્રેત-આવાહનના માધ્યમરૂપે એ લોકો નિરંજનનો ઉપયોગ કરતા. શ્રીરામકૃષ્ણદેવની મહાન આધ્યાત્મિક શક્તિ વિશે સાંભળીને એક દિવસ નિરંજન દક્ષિણેશ્વર આવ્યા. પોતાની પહેલી જ મુલાકાતમાં શ્રીઠાકુરે એમને કહ્યું: ‘બેટા, તું ભૂતપ્રેત વિશે વિચારીશ, તો તું ભૂતપ્રેત જ બનીશ! પણ જો તું પ્રભુ વિશે ચિંતન કરીશ, તો તારું જીવન દિવ્યજીવન બની જશે. બોલ એ બેમાંથી તને શું પસંદ છે?’ અને આ શબ્દોએ નિરંજનને એક પ્રેતાત્મવાદીના પથમાંથી અધ્યાત્મના પથે વાળ્યા. જો કે તેઓ નિખાલસ અને ખુલ્લાં મનહૃદયવાળા હતા, છતાં તેઓ અવારનવાર પ્રમાણભાન ભૂલીને અત્યંત ગુસ્સે પણ થઈ જતા. શ્રીરામકૃષ્ણે તેની આ નિર્બળતાને દૂર કરવાના કાર્યમાં સહાય કરવા વિશેષ કાળજી લીધી હતી. નિરંજને શ્રીઠાકુરના બીજા થોડા અંતરંગ શિષ્યોની જેમ પોતાના ગુરુદેવની છેલ્લી માંદગી વખતે દિવસરાત સેવાચાકરી કરી હતી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમણે પોતાના બીજા ગુરુબંધુઓ સાથે સંન્યાસ લીધો અને સ્વામી નિરંજનાનંદ બન્યા. શ્રીરામકૃષ્ણદેવના મોટા ભાગના અસ્થિઓને એકઠા કરવામાં તેમણે મુખ્યભાગ ભજવ્યો હતો. પાછળથી સ્વામી વિવેકાનંદે સ્થાપેલા નવા મઠમાં એ અસ્થિકુંજને પ્રસ્થાપિત કરવામાં આવ્યો. શ્રી શ્રીમા શારદાદેવી પ્રત્યે પણ એમને ઊંડી શ્રદ્ધાભક્તિ હતી. હૃદયથી કોમળ હોવા છતાં તેઓ ક્યારેક પોતાના ચહેરા પર ભયંકર કરડાકી પણ દેખાડતા. ૯ મે, ૧૯૦૪ ના રોજ તેઓ મહાસમાધિ પામ્યા.
* * *
નિરંજનને શ્રીરામકૃષ્ણદેવે પ્રથમ મુલાકાત વખતે આ પ્રશ્ન પૂછ્યો હતો: ‘ભૂત ભૂત કરતાં તું પોતે જ ભૂત બની જઈશ અને ભગવાન ભગવાન કરવાથી ભગવાન બની જઈશ. કહે, આમાંથી કયું સારું છે?’ નિરંજને જવાબ આપ્યો: ‘ત્યારે તો ભગવાન બનવું જ સારું છે.’ શ્રીરામકૃષ્ણના પ્રથમ દર્શન વિશે લાટુ મહારાજે (સ્વામી અદ્ભુતાનંદે) આમ કહ્યું હતું: ‘નિરંજન ભાઈ જ્યારે પહેલીવાર દક્ષિણેશ્વર આવ્યા હતા ત્યારે ઠાકુરે એમને કહ્યું હતું: જો તું સંસારી માણસો પર નવાણું ઉપકાર કરે અને તેમનું એક જ નુકશાન કરે, તો તે લોકો તને માફ નહિ કરે; પરંતુ જો તું ભગવાનના નવાણું અપરાધ કરે અને ફક્ત એક જ કામ એમની પસંદગીનું કરે તો તેઓ તારા તમામ અપરાધોને ક્ષમા કરી દેશે. મનુષ્યનો પ્રેમ અને ભગવાનનો પ્રેમ, એ બંને વચ્ચે આટલો તફાવત જાણજે.’ બે ત્રણ દિવસ પછી સંધ્યાકાળે તેઓ દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરનાં ચરણકમળમાં પહોંચી ગયા. શ્રીઠાકુરે એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા લાગ્યા : ‘અરે! નિરંજન, દિવસો જો વીતી રહ્યા છે રે! તું ભગવત્પ્રાપ્તિ ક્યારે કરીશ? દિવસો તો વીતતા જાય છે. ભગવત્પ્રાપ્તિ વગર સઘળું વ્યર્થ બની જશે. બોલ, તું ક્યારે એને પ્રાપ્ત કરીશ? ક્યારે એનાં ચરણકમળમાં મન પરોવીશ? હું તો આ વિચારીને વ્યગ્ર બની ગયો છું.’ .. બલરામભવનમાં શ્રીઠાકુરે એક દિવસ ભાવાવેશમાં કહ્યું હતું: ‘અલખ નિરંજન!.. નિરંજન, આવ બેટા, ક્યારે તને જમાડીને જન્મ સફળ કરું? દેહ ધારણ કરીને માનવ સ્વરૂપે તું મારા માટે આવ્યો છે.’ પાછું એ જ દિવસે બીજે વખતે કહે છે : ‘જુઓને, નિરંજન કોઈ વસ્તુમાં આસક્ત નથી. પોતે રૂપિયા ખર્ચીને ગરીબોને દવાખાને લઈ જાય છે.’ કાશીપુરમાં એમણે આવો અનુપમ સ્નેહ પ્રગટ કરતાં કહ્યું હતું: ‘તું મારો બાપ છે, હું તારા ખોળામાં બેસીશ.’
Your Content Goes Here




