આવીને એ જતી રહી
કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ દિવ્ય પુત્રીના માનમાં આજે પણ ચૈત્ર માસમાં દર વરસે ત્યાં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે.
રણજિતરાય દેશના એ ભાગનો જમીનદાર હતો. તપસ્યાની શક્તિ વડે એણે જગદમ્બાને પોતાની પુત્રી તરીકે પ્રાપ્ત કર્યાં હતાં. એ પોતાની પુત્રીને ખૂબ ચાહતો અને એ પણ પિતાને એટલું જ ચાહતી કે પિતાની દૃષ્ટિથી દૂર એ ભાગ્યે જ જતી. એક વાર રણજિતરાય પોતાની જમીનદારીના કામમાં વ્યસ્ત હતો. એ ખૂબ કાર્યરત હતા. બાળક સ્વભાવ પ્રમાણે દીકરી એને પૂછાપૂછ કરતી હતી : ‘બાપુજી, આ શું છે? પેલું શું છે?’ મીઠાં વચનો વડે પોતાના કાર્યમાં ખલેલ ન પાડવા રણજિતરાયે એને સમજાવવા પ્રયાસ કર્યો અને કહ્યું : ‘બેટા, મને એકલો છોડ. મારે ઘણું કામ બાકી છે.’ પણ પુત્રી ત્યાંથી ન ગઈ. આખરે, અન્યમનસ્ક બાપે કહ્યું : ‘આઘી જા અહીંથી!’ આ નિમિત્ત મળતાં એણે ઘર છોડ્યું. માર્ગે શંખની વિવિધ વસ્તુઓ વેચનારો એને મળ્યો. એની પાસેથી એણે બે બંગડી ખરીદી. પેલાએ કિંમત કહી ત્યારે એ કન્યા બોલી. ‘મારે ઘેરથી, અમુક પેટીમાંથી તને એ મળી જશે.’ પછી એ અદૃશ્ય થઈ ગઈ. ફરી કોઈએ એને જોઈ નહીં. દરમિયાન પેલો ફેરિયો એના ઘરે પહોંચ્યો અને એણે કંકણના પૈસા માગ્યા. એ છોકરી ઘરમાં ન દેખાતાં, કુટુંબીજનો એની શોધમાં દોડાદોડી કરવા લાગ્યા. એણે કહ્યા પ્રમાણે પેટીમાંથી પૈસા મળ્યા. રણજિતરાય આક્રંદ કરવા લાગ્યા. ‘અમને કશુંક તળાવમાં દેખાયું છે’, એમ ગામલોકોએ કહેતાં એમનું આક્રંદ વધી ગયું. સૌ તળાવે દોડી ગયાં તો ત્યાં, પાણીની ઉપર શંખની બંગડી ધારણ કરેલો એક હાથ તેમને દેખાયો. એ હલનચલન કરતો હતો. એક ક્ષણમાં એ પણ અદૃશ્ય થઈ ગયો. આજે પણ એ ઉત્સવ પ્રસંગે લોકો જગદંબા તરીકે એનું પૂજન કરે છે.
તપને કારણે કરીને કોઈ માનવી પરમેશ્વરને પુત્ર તરીકે પ્રાપ્ત કરે. કોઈ વાર મનુષ્ય રૂપે તો કોઈ વાર બીજાં દિવ્ય રૂપોમાં ઈશ્વર પ્રગટ થાય છે.
★ ★ ★ ★ ★
ભગવાન ભક્તને વશ
કાલીમંદિરની સામે મને કેટલાક શિખોએ કહ્યું, ‘ઈશ્વર કરુણામય છે.’ મેં કહ્યું, ‘એ કોની ઉપર કરુણામય છે?’ ‘અરે મહાશય, આપણી સૌ ઉપર’, શિખો બોલ્યા. મેં કહ્યું, ‘આપણે એનાં સંતાનો છીએ. પોતાના સંતાનો પર કરુણા તે શું કંઈ વિશેષ છે? એક બાપે પોતાનાં સંતાનોની કાળજી લેવી જ જોઈએ કે, એ બાળકોને પડોશીઓ ઉછેરે એવી આશા તમે રાખો છો? ‘ઈશ્વર કરુણામય છે’ એમ કહેનાર શું કહી સમજશે નહીં કે, આપણે ઈશ્વરનાં સંતાનો છીએ ને, બીજા કોઈનાં નહીં?’
તો શું આપણે ઈશ્વરને કરુણામય ન કહેવો? જરૂર કહેવો, પણ આપણે સાધના કરીએ ત્યાં સુધી. ઈશ્વર સાક્ષાત્કાર કર્યા પછી આપણને એ આપણો પિતા કે આપણી માતા જ લાગે છે. એ સાક્ષાત્કાર ન થયો હોય ત્યાં લગી, આપણને લાગે કે, બીજા કોઈકનાં સંતાનો જેવાં આપણે એનાથી ખૂબ દૂર છીએ.
સાધનાકાળ દરમિયાન, ઈશ્વરના સર્વ ગુણોનું વર્ણન કરવું જોઈએ. એક દિવસ હાજરાએ નરેન્દ્રને કહ્યું, ‘ઈશ્વર અનંત છે. એનું ઐશ્વર્ય અનંત છે. તારાં કેળાં મીઠાઈનો- પ્રસાદ શું એ સ્વીકારશે અને તારું ગીત એ સાંભળશે? આ તારો ભૂલ ભરેલો ખ્યાલ છે.’ એટલે મેં હાજરાને કહ્યું, ‘બદમાશ, આ છોકરાઓને તું આમ શીખવીશ તો, એમનું શું થશે?’ ભક્તિ છોડીને માણસ જીવી શી રીતે શકે? ઈશ્વરનું ઐશ્વર્ય અનંત છે, બેશક છતાંય, એ પોતાના ભક્તોને વશ છે. કોઈ પૈસાદાર આદમીનો દરવાન, એનો શેઠ પોતાના મિત્રો સાથે દીવાનખાનામાં બેઠો છે ત્યાં આવે અને દરવાજાને અડીને ઊભો રહે. એના હાથમાં કપડામાં વીંટળેલું કશુંક છે. એ ખૂબ અચકાય છે. એનો શેઠએને કહે છે, ‘વારુ, દરવાન, શું છે આ તારા હાથમાં?’ ખૂબ શરમાઈને એ દરવાન કપડા નીચેથી સીતાફળ કાઢી કહે છે’, શેઠ, આપ આ ખાઓ તેવી મરજી મને થઈ છે.’ ચાકરની નિષ્ઠાથી શેઠ ખુશ થયા છે. ખૂબ પ્રેમપૂર્વક એ સીતાફળનો સ્વીકાર કરે છે અને, બોલે છે, ‘વાહ! આ મજાનું સીતાફળ છે. તને એ ક્યાંથી મળ્યું? એને પ્રાપ્ત કરવા માટે તારે ખૂબ જહેમત ઉઠાવવી પડી હશે.’
ભગવાન એના ભક્તોને વશ. રાજા દુર્યોધને કૃષ્ણનું ખૂબ ધ્યાન રાખ્યા પછી કહ્યું, ‘અહીં ભોજન લેવા કૃપા કરો.’ પરંતુ પ્રભુ તો વિદૂરની કુટિરે ગયા. પ્રભુને ભક્તો પ્રિય હતા. એણે વિદૂરને ત્યાં ભાજીને ભાત ખાધાં જાણે એ અમૃત ન હોય.
★ ★ ★ ★ ★
જેવા ગુરુ તેવા ચેલા
આદિ બ્રાહ્મ સમાજના આચાર્યને મેં જોયા છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે તેમ મારા જાણવામાં આવ્યું છે. એને મોટાં મોટાં છોકરાંઓ છે. ને આવા લોકો ગુરુ બને છે.’ ‘ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું માયા છે’, એમ તેઓ કહે તો પણ, કોણ તેમની વાત માનશે? એના ચેલા કોણ થશે તે તમે બરાબર સમજી શકો છો.
જેવા ગુરુ તેવા જ ચેલા. કોઈ સંન્યાસી મનથી કામિનીકાંચનનો ત્યાગ કરે પણ, બાહ્ય રીતે એમની સંગાથે જ રહેતો હોય તો, એ સાચો ગુરુ બની શકે નહીં. એ ખાનગીમાં ગોળ ખાય છે તેમ લોકો ખાનગીમાં કહેવાના.
સિંથીના મહેન્દ્ર કવિરાજે એક વાર રામલાલને પાંચ રૂપિયા આપ્યા, મને એની જાણ નહીં. રામલાલે મને પૈસાની વાત કહી ત્યારે મેં એને પૂછ્યું, ‘પૈસા કોને માટે અપાયા છે?’ ‘આપને માટે’, એણે કહ્યું, મને પ્રથમ થયું કે દૂધના દેવાના પૈસા બાકી છે ને હું એમાંથી આપી દઈશ. પણ તમે માનશો? પણ જ્યાં ઊંઘ આવી ને પીડા સાથે હું જાગી ગયો. રામલાલ પાસે જઈ મેં ફરી પૂછ્યું, ‘પૈસા તારાં કાકી માટે તો નથી આપ્યા ને?’ ‘ના,’ રામલાલ બોલ્યો. એટલે મેં એને કહ્યું, ‘તું હમણાં ને હમણાં જ જા ને એ પૈસા પાછા આપી આવ.’ રામલાલે બીજે દિવસે એ પાછા આપી દીધા.
★ ★ ★ ★ ★
તમારા પોતાના ધર્મને જ વળગી રહો
એક વાર એક માણસ કૂવો ખોદાવવા માગતો હતો. ‘આ સ્થળે ખોદો’, એ સલાહ એને કોઈએ આપતાં એણે ત્યાં કૂવો ગળાવવાનું શરૂ કર્યું. પણ પંદર હાથ ખોદાવ્યા છતાં ત્યાં સરવાણી ન ફૂટી એટલે, એ નાસીપાસ થઈ ગયો. એટલામાં ત્યાં બીજો એક માણસ આવ્યો અને એના મુર્ખાઈ ભરેલો પ્રયત્ન પ્રત્યે હસીને, પોતે જેને ઉત્તમ જગ્યા માનતો હતો ને બીજી જગ્યાઓ ખોદાવવા કહ્યું. એટલે પેલા માણસે તેમ કર્યું અને એ બીજે સ્થળે ખોદકામ કરાવ્યું. આ વખતે એ વીસ હાથ ઊંડે સુધી ગયો તોય પાણી ન ફૂટ્યું. કોઈ ત્રીજા માણસે એને ત્રીજી જગ્યા સૂચવી. એ ત્યાં ગયો અને એણે સ્થળ પસંદ કર્યું. ત્રીસ હાથ સુધી એ ખોદતો જ ગયો પણ, ખૂબ નિરાશ થઈને એ કૂવો ગળાવવાનું છોડી દેવા તૈયાર થયો ત્યાં એક માણસ આવ્યો અને બોલ્યો : ‘બેટા, તેં ખૂબ જહેમત ઉઠાવી છે પણ, ખોટી દોરવણીને કારણે એ બધી વૃથા ગઈ છે. સારું, કૃપા કરી મારી સાથે ચાલ અને હું તને એવું ઠેકાણું બતાવીશ કે જમીનને તારી તિકમ અડશે તેવો પાણીનો ધોધ ફૂટશે.’ આ ખૂબ લલચામણી બાબત હતી અને પેલો માણસ એને અનુસર્યો. એ ખોદવા લાગ્યો અને દર પળે પાણીના ધોધની રાહ એ જોતો જ રહ્યો. વીસ હાથ એણે ખોદી નાખ્યું પણ હાય! પાણીની સરવાણી ફૂટી જ નહીં. ત્યાર સુધીમાં એણે કુલ પંચ્ચાશી હાથ ખોદાઈ કરી હતી. પણ ધીરજ અને ખંતથી એ એનાથી અર્ધી ઊંડાઈ સુધી એક જ સ્થળે મંડ્યો રહ્યો હોત તો, એ અવશ્ય સફળ થયો હોત.
એ જ રીતે જે લોકો પોતાના ધર્મને વળગી રહેતા નથી અને એક પછી એક જુદા જુદા ધર્મો પાછળ દોડે છે તેઓ, વૃદ્ધ થતાં નાસ્તિક બની જાય છે ને ધર્મથી સાવ વિમુખ બની જાય છે.
—————————-
****
ગહન અને સઘન ચિંતન-મનનની શક્તિ વિશેના પોતાના ગુરુદેવના વિચારોને સુસ્પષ્ટ રીતે સમજાવતાં શ્રીરામકૃષ્ણના શિષ્ય સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘સર્વોત્કૃષ્ટ માનવો.. શાંત (હોય છે). તેઓ.. વિચારની શક્તિને જાણે છે; તેમને એટલી પાકી ખાતરી હોય છે કે ભલે તેઓ એક ગહનગુફામાં કે બંધ બારણે રહે અને માત્ર પાંચ સાચા વિચારોનું ચિંતન કરે અને પછી મૃત્યુ પામે તો પણ એમના પાંચ વિચારો એમના મરણોત્તર જીવન પછી પણ જીવંત રહેશે.’ ગાંધીજીએ વૈજ્ઞાનિક નિયમોની યથાર્થતા સાથે આ જ સત્યને આ રીતે સ્પષ્ટ કર્યું છે: ‘વિચારો બે પ્રકારના હોય છે – નિષ્ક્રિય અને સક્રિય. નિષ્ક્રિય વિચારો તો અસંખ્ય હોઈ શકે.. પણ એની કોઈ ગણના નથી.. પરંતુ પોતાના અસ્તિત્વની અવિભાજિત દૃઢતા કે શક્તિથી પરિપુષ્ટ થયેલ અને ભીતરમાંથી ઉદ્ભવતો એક નિર્મળ પવિત્ર અને સક્રિય વિચાર એક અદ્ભુત સંચાલનશક્તિ બની રહે છે.’ (૯, પ્યારેલાલ – પૃ.૧૦૦)
અમેરિકાના પ્રવાસમાંથી પાછા ફરીને સ્વામી વિવેકાનંદે ભારતના લોકોને જે સંદેશ આપ્યો તેમાં સ્વાવલંબન, રાષ્ટ્રિય એકતા, સામાન્ય જનસમૂહની ઉન્નતિ, સ્ત્રીઓની પરિસ્થિતિમાં ઉન્નતિ સાથેની ક્રાંતિ અને સંગઠનની આવશ્યકતા તેમજ ઉપનિષદના સુદીર્ઘ કાળથી ભુલાયેલાં પ્રાચીન સત્યોનો ચોમેર પ્રચાર-પ્રસાર મુખ્ય હતાં. અને આનાથી ભારતના પ્રજાજનો પોતાની શક્તિને ઓળખે, અનુભવે અને એમનાં અજ્ઞાનતા અને ગરીબાઈને દૂર કરે. આ સદ્હેતુ માટે સંકુચિત મનવાળી ચિલાચાલુ પ્રણાલીઓમાંથી બહાર આવે અને વ્યક્તિગત મોક્ષની આકાંક્ષાને ત્યજીને ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ – ત્યાગ અને સેવાના આદર્શને વરેલા લોકો બહાર આવે, એ આવશ્યક છે. એક માત્ર એના દ્વારા જ ભારતનું પુનર્જાગરણ થઈ શકશે. સ્વામીજીએ ધર્મને સ્વદેશ ભક્તિ અને માનવ પ્રત્યેની કરુણાભાવની માનવતાનો મુખ્ય સંવાહક બનાવ્યો. એમણે આપેલાં સંભાષણોનો સારસંક્ષેપ આ છે – ભારતે પોતાના આત્માને એટલે કે પ્રાણતત્ત્વ અને આદર્શોને વળગી રહેવું જોઈએ. આ પ્રાણતત્ત્વની જાગૃતિમાં જ રાષ્ટ્રની મહાનતા સમાયેલી છે. ભારતના રાષ્ટ્રિય જીવનનો આત્મા ધર્મ હતો. એટલે જ સામાજિક સુધારણાઓ, રાજનીતિ અને કેળવણી – આ બધાંએ ધર્મભાવનાનો પ્રાણ પૂરવામાં અને તેને ગતિશીલ બનાવવામાં પોતાની બધી શક્તિઓ કામે લગાડી દેવી જોઈએ. જો તેઓ બધા ઉચ્ચતર આધ્યાત્મિક જીવન પ્રત્યે એકનિષ્ઠ થયા હોય તો જ તેઓ રાષ્ટ્રને ઉપયોગી નીવડશે. પશ્ચિમની રીતે ભૌતિક ઉન્નતિઓ, સત્તા અને શક્તિની પાછળ પડીને ભારત જો પોતાના આધ્યાત્મિક આદર્શને વીસરી જશે તો ભારત વિલીન થઈ જશે. ‘બધાં પરમસત્યોનો એક સાર છે કે ‘તમે’ અને ‘હું’ માત્ર ભ્રાતાઓ જ નથી પરંતુ ‘તમે’ અને ‘હું’ વાસ્તવિક રીતે એક જ છીએ.’ વેદાંતમાં મૂર્તિમંત થયેલ સમગ્ર વિશ્વની આ આધ્યાત્મિક એકતાના ભવ્ય અને શાશ્વત આદર્શનો વારસદાર હોવા માટે ભારત ગર્વ અનુભવતો હતો. સર્વ પ્રથમ આ આદર્શની અનુભૂતિ કરીને તેને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવાનો ભારતનો ગરિમાપૂર્વકનું વિશેષાધિકાર પૂર્ણ કર્તવ્ય બની જવું જોઈએ. વેદાંતના ઉપદેશને તમે આટલું બધું મહત્ત્વ કેમ આપો છો, એવો પ્રશ્ન પૂછાતાં તેમણે ઉત્તરમાં કહ્યું હતું કે ભારત ‘નિર્બળ માનવપ્રાણી, માંદલાઓનો’ દેશ બની ગયો હતો. એના પ્રજાજનોને આજે માનવ આત્માની ભીતર રહેલ દિવ્યતાના વેદાંતના સંદેશ પર આધારિત સામર્થ્યના ધર્મની વધારે જરૂર હતી.
‘૩૩ કરોડ લોકોનો આ દેશ છેલ્લાં ૧૦૦૦ વર્ષથી ગમે તે અને દરેકેદરેક ગણ્યાગાંઠ્યા વિદેશીઓના શાસન હેઠળ કેવી રીતે રહ્યો?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો અને તેનો ઉત્તર આપતાં કહ્યું: ‘કારણ કે તેઓમાં (એ વિદેશીઓમાં) આત્મશ્રદ્ધા હતી અને આપણામાં એ આત્મશ્રદ્ધા ન હતી.’
***
સ્વામીજીએ કહ્યું છે: ‘એક માનવી કદાચ કોઈ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો ન હોય, પોતાના સમગ્ર જીવનમાં એક વખત પણ એણે ઈશ્વરને પ્રાર્થના પણ ન કરી હોય છતાં પણ પોતાનાં સત્કાર્યોના સામર્થ્યથી તે એક એવી કક્ષાએ પહોંચે છે કે જ્યાં તે પોતાનું જીવન અને સર્વ કંઈ એમને (સામાન્ય જનો) માટે સમર્પી દેવા તૈયાર છે. એવો એ માનવ એવા ચરમબિંદુએ પહોંચ્યો છે કે ત્યાં પહોંચવામાં એક ધર્મભાવનાવાળો માણસ પોતાની પ્રાર્થનાઓ અને એક તત્ત્વજ્ઞ પોતાના જ્ઞાનથી પહોંચે છે.’ ઈશ્વરને પ્રત્યક્ષ જોવાનો સાચો માર્ગ માનવમાં પ્રભુને જોવામાં રહેલો છે. પોતાનો ભૂતકાળ ભલેને ગમે તેટલો ભવ્ય હોય તો પણ તેના પર તે નિર્ભર ન રહી શકે. આજના વર્તમાનના સંદર્ભમાં પ્રજાએ પોતાના ભવ્ય ભૂતકાળને પણ પ્રમાણવો પડે. પોતાની મુક્તિને માટે જ ઝંખના સેવતા સાધકના સ્વાર્થી પ્રલોભનને સ્વામીજીએ ઉધડો લીધો હતો. બીજાની મુક્તિને પણ દરેક સાધકે ઝંખવી જોઈએ. ‘ચાલો આપણે ગામડે ગામડે જઈએ અને ગરીબોની સેવામાં આપણી જાતને અર્પણ કરી દઈએ. ચારિત્ર્યના બળથી આધ્યાત્મિકતા અને તપોમય જીવનના પ્રભાવથી ચાલો આપણે અમીરોને સામાન્ય જનસમૂહ પ્રત્યેનાં એમનાં કર્તવ્યોની વાત એમને ગળે ઉતારીએ…’ સમૃદ્ધિની – સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે ભારતની પ્રજાના એક અંગ પર ઉદ્ભવેલી મગજના રક્તાવરોધને કારણે જન્મેલ લકવા જેવી પરિસ્થિતિ વિશે પણ એમણે કહ્યું છે. એમણે અમીરોને ‘ભારતની કરોડરજ્જુ જેવા અને જેમના પરસેવાથી સૌને માટે અનાજ ઉત્પન્ન થાય છે તેવા હીણભાગી અને અતિવિનમ્ર ગરીબોની’ યાદ અપાવી હતી. એ વખતે હજારોની સંખ્યામાં અસ્પૃશ્ય લોકો હતા. ‘જ્યાં સુધી એમનો ઉદ્ધાર નહિ થાય ત્યાં સુધી મહાન મા ભારતી ક્યારેય જાગ્રત નહિ થાય.’ રોમાં રોલાંના શબ્દોમાં કહીએ તો: ‘દિવ્ય-પ્રભા-વલયથી આવૃત્ત સેવાભાવથી તેઓ અભીભૂત હતા અને તે સેવાને એમણે ધર્મનું શ્રેષ્ઠ અંગ બનાવી દીધું.’
સ્વામીજીએ ઉપદેશ આપતાં કહ્યું છે: ‘પૂજાના સાચા ભાવે જો સેવા થાય તો તે આધ્યાત્મિક ઉન્નતિનું શ્રેષ્ઠ પરિણામદાયી સાધન છે… મરતા માનવના જીવનને બચાવવા તમારા જીવનનું બલિદાન આપવાથી આરંભ કરો. આ જ છે ધર્મનું સારભૂત તત્ત્વ.’ એક પંડિતે ફરિયાદ કરી કે સ્વામીજી એમની સાથે ધર્મની ચર્ચા કરવાનો સમય કાઢી શક્યા નથી. એ પંડિત ૧૮૯૯ની મહામારીના કાળ દરમિયાન એમને મળવા આવ્યા ત્યારે એમને સ્વામીજીએ કહ્યું: ‘જ્યાં સુધી મારા દેશમાં એક કૂતરો પણ અન્ન વિના ટળવળતો હશે ત્યાં સુધી મારો સમગ્ર ધર્મ એનું પેટ ભરવામાં જ રહેશે.’ એક ગૃહસ્થ ભક્ત અવારનવાર ભારતમાં એકતા અને સમભાવ સ્થાપવામાં આડે આવતી મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરતાં સ્વામીજીએ એમને આમ કહીને ઠપકો આપ્યો: ‘તમારે તમારા કર્મના ફળની અપેક્ષા રાખવી જોઈએ ખરી… બીજા પ્રત્યેના પ્રેમ માટે તમે તમારું જીવન અર્પી ન શકો?’ થોડીવાર થોભીને ફરીથી એ ભક્તને કહ્યું: ‘આટલી બધી તપશ્ચર્યા પછી મને આવી અનુભૂતિ થઈ છે કે સર્વોત્તમ સત્ય આ જ છે – તે (ઈશ્વર) સર્વમાં રહેલ છે. તેઓ (જીવ) બધા એમનાં વિવિધ રૂપો છે. બીજા કોઈ ઈશ્વરની શોધ કરવાની નથી. જે બધા જીવોની સેવા કરે છે તે ઈશ્વરની જ પૂજા કરે છે.’
અસહકાર આંદોલન વખતે મહાત્મા ગાંધીજીએ એક વખત આવી ઘોષણા કરતાં કહ્યું હતું : ‘આપની સમક્ષ પુનરોચ્ચાર કરતાં હું જરાય શોક અનુભવતો નથી કે આ એક ધર્મયુદ્ધ છે. આપની સમક્ષ પુનરોચ્ચાર કરતાં હું જરાય શોક અનુભવતો નથી કે આ એક રાજકીય દૃષ્ટિકોણને ઉત્ક્રાંત કરવાનો પ્રયત્ન છે, આ એક આપણી રાજનીતિને ઉત્ક્રાંત કરવાનો પણ પ્રયત્ન છે.’ એમની આ ઉદ્ઘોષણાએ અધૂરી અને અનિષ્ઠ માહિતીવાળી સમાલોચના પણ જાગી ઊઠી. અને એ સમયે સુદીર્ઘકાળ સુધી આ સમાલોચનાના પડઘા પડતા જ રહ્યા. ધર્મનો અર્થ એમના મતે કોઈ સાંપ્રદાયિકતાવાળો ધર્મ ન હતો પણ એમને મતે ધર્મ વૈશ્વિક અને આધ્યાત્મિક અપેક્ષાવાળો હતો. આવો ધર્મ ભારતના તત્ત્વવિચારજગતમાં પહેલેથી જ મક્કમ બનીને બેસી ગયો હતો. સ્વામી વિવેકાનંદનું એક અગત્યનું પ્રદાન ધર્મની વૈશ્વિક્તાનું પુન:સ્થાપન. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ સાચો ધર્મ વાસ્તવિક રીતે ‘આત્માનું સાર્વભૌમિકત્ત્વ’ ને પ્રમાણિત કરે છે. ભવિષ્યના ધર્મના આદર્શોએ આ વિશ્વમાં જે કંઈ સારું અને મહાન અને જેની પાસે ભાવિ વિકાસનો અનંત વ્યાપ છે એવા બધા આદર્શો અને વિચારોને સ્વીકારવા છે.’ જ્યાં સુધી આત્માની સાર્વભૌમિકતાની સંકલ્પના સાકાર નહિ થાય ત્યાં સુધી ધર્મ એના પૂર્ણ રૂપે અનુભવાવાનો નથી.
જ્યાં સુધી ધર્મ ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં હતો કે પુરોહિતોના દેહમાં હતો ત્યાં સુધી તે ધર્મ ‘માત્ર મંદિરોમાં, ગિરિજાઘરોમાં, ગ્રંથોમાં, ક્રિયાકાંડોમાં’ જીવ્યો. પરંતુ જ્યારે ધર્મ પોતાની આધ્યાત્મિકતા અને સાર્વભૌમિકતાની અનુભૂતિ કરતો થયો કે થશે ત્યારે તે સાચો અને જીવંત બનવાનો. આવી અનુભૂતિથી તે ધર્મ ‘આપણાં પ્રાણપ્રકૃતિમાં આવી જશે, આપણી પળેપળમાં જીવંત બની જશે અને સમાજના રોમેરોમે પ્રવેશી જશે તેમજ પહેલાં હતો તેના કરતાં પણ વધારે સારા પ્રમાણમાં ચોક્કસપણે વધુ શક્તિશાળી અને કલ્યાણકારી બની રહેશે.’
‘એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ – સત્ય તો એક જ છે પરંતુ વિદ્વાનો એને જુદા જુદા નામે ઓળખે છે’ વેદાંતની આ ભવ્ય શોધનાને ઇતિહાસે નીરખી છે. આ સત્યે ‘પ્રાચીન આર્યોના વિવિધ દેવીદેવતાઓની માન્યતાનો’ અંત લાવી દીધો છે. એ બધા દેવીદેવતાઓનું અસ્તિત્વ તો રહ્યું ખરું… પણ એ બધા એક પરમસત્નાં અસંખ્ય રૂપ કે એમના વિવિધ રૂપે થતા સાક્ષાત્કારો છે. આ જ પ્રણાલી રાષ્ટ્રના જીવનરક્તમાં પ્રવેશીને ભારતને એક દેશ બનાવ્યો. મુસ્લિમ સમ્રાટોએ હિંદુ મંદિરોના કાયમી નિભાવની વ્યવસ્થા કરી આપી અને જ્યાં હિંદુઓએ મસ્જિદો અને ગિરિજાઘરો એ લોકોના ધર્મ માટે બંધાવ્યાં પણ એમનો (એ વિદેશીઓનો) હેતુ તો હિંદુત્વને ચોક્કસપણે ફેંકી દેવાનો હતો! ભારતના રાજનીતિપથમાં પણ સંમિશ્રિત થઈને થોડાં વર્ષો પછી રાષ્ટ્રિય પુન:જાગરણનું એક શક્તિશાળી અને પ્રભાવક તેમજ આવશ્યક તત્ત્વ વેદાંતના ઉપર્યુક્ત સત્યે પૂરું પાડ્યું. વિવિધ ધર્મોને આ ‘એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ’ના આદર્શે-ફિલસૂફીએ સમાનતાના આધાર પર એક મિલનભૂમિ રચી દીધી. સાથે ને સાથે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા ભાવિ વિશ્વના પરિવર્તનોનો સામનો કરવા ભારતને માટે અત્યંત આવશ્યક આત્મશ્રદ્ધા આપતી વિજ્ઞાન અને ધર્મના મિલનસ્થાનની આધારભૂમિ પણ રચી દીધી. તદુપરાંત વેદાંતે પોતાની સાર્વભૌતિક સત્તા પછી અદ્વૈતતા, સર્વવ્યાપકતા, તર્કસંગતતા, આશાવાદિતાથી લોકશાહી, સમાજવાદ, સ્વતંત્રતા, સમાનતા અને ભ્રાતૃભાવનાના આધ્યાત્મિકીકરણને એક નૈતિક આધારશીલા પૂરી પાડી છે. આના પર ભવિષ્યનો સમાજ આધારિત છે અને ગાંધીજીએ વિશ્વમાં ભારતના આ પ્રકારના વિશિષ્ટ મિશનની કલ્પના કરી હતી. (પ્યારેલાલ – પૃ.૯૮)
ભારતના ૩૩ કરોડ લોકોને તેમની સદીઓ જૂની નિષ્ક્રિયતામાંથી જાગૃત કરવા એમના સમયકાળને કારણે ઘર ઘાલીને બેઠેલા પૂર્વગ્રહો અને કુરિવાજોને દૂર કરવા, આ પ્રજાને સંગઠિત, એક સૂત્રી રાષ્ટ્રિય મુક્તિ માટેના પ્રયાસોમાં એમને જકડી રાખવા, ઉદ્દેશ્ય સાથેનું ચાલક બળની અને કામ કરતાં કરે તેવાં સાધનોની આવશ્યકતા છે; આ બધાં તત્ત્વો અત્યારે ભારતીય નેતાઓમાં વધારે જાણીતા છે તેનાં કરતાં જુદાં છે. આ બધાંમાં શ્રીરામકૃષ્ણની અનુભૂતિઓએ અને સ્વામી વિવેકાનંદનું સૂત્રીકરણ કે સિદ્ધાંતના સુસ્પષ્ટ નિરુપણે નવા ગતિશીલતાના બળ માટે આધારભૂમિ પૂરી પાડી છે. (પ્યારેલાલ – પૃ.૯૯)
Your Content Goes Here




