કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે. તેમાં મુખ્ય છે – નરેન્દ્રનાથ, જેમને સંસાર આજે સ્વામી વિવેકાનંદના નામે જાણે છે. આ જ બગીચામાં શ્રીરામકૃષ્ણદેવે પોતાના નશ્વર દેહનો ત્યાગ ૧૬ ઑગસ્ટ, ૧૮૮૬ના દિવસે કર્યો હતો. તેમની મહાસમાધિના બે દિવસો પહેલાંની વાત. શ્રીરામકૃષ્ણદેવની પથારી પાસે નરેન્દ્રનાથ ઊભા છે. અચાનક એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો, ‘લોકો તો શ્રીરામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આવી અવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, ‘હું ઈશ્વરનો અવતાર છું’ તો જ હું એમને માનીશ.’ નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રીરામકૃષ્ણ એના તરફ ફર્યા અને પૂર્ણશક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા, ‘અરે નરેન! તને હજી ખાતરી થતી નથી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણરૂપે આ દેહમાં વિરાજે છે; અને એ પણ તારી વેદાંત-દૃષ્ટિથી નહિ!’ નરેન્દ્રનાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા.
ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કોલકાતાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની મા’ના નામથી ઓળખે છે.) એક દિવસ રાત્રે ત્રણેક વાગ્યે જપમાં બેઠેલાં છે. જપ પૂરા થતાં ઇષ્ટદેવતાને જપ સમર્પણ કરતાં પહેલાં તેમણે પ્રાણાયામની શરૂઆત કરી અને તે વખતે જોયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની ડાબી બાજુમાં બેઠેલા છે અને તેમનો હાથ મૂઠી વાળેલો હોય એવો દેખાય છે! દર્શન એટલાં સ્પષ્ટ, જીવંત હતાં કે અઘોરમણિદેવી વિચારવા લાગી કે ‘આ ટાણે એઓ અહીં ક્યાંથી આવ્યા?’ આ દર્શનની વાત કરતાં તેમણે કહ્યું હતું ઃ ‘હું તો અવાક્ બનીને એમને જોઉં છું અને આવો વિચાર કરું છું. આ બાજુ ગોપાલ (શ્રીરામકૃષ્ણદેવને તેઓ ‘ગોપાલ’ કહેતા) બેઠો બેઠો મરક મરક હસે છે! ત્યાર પછી હિંમત ભેગી કરીને ડાબે હાથે જેવો ગોપાલનો (શ્રીરામકૃષ્ણનો) ડાબો હાથ પકડવા જાઉં છું, તેવી એ મૂર્તિ ક્યાંય જતી રહી અને એની અંદરથી એક દસ મહિનાનો ખરેખરો ગોપાલ, (હાથ વડે બતાવીને) આવડો મોટો બાળક બહાર નીકળીને ભાંખોડિયા ભરતો એક હાથ ઊંચો કરીને મારા મોઢા સામું જોઈને (શું તો એ રૂપ અને શું એ નજર!) બોલ્યો, ‘મા, માખણ દેને!’ હું તો જોઈ-સાંભળી સાવ હેબતાઈ જ ગઈ, એવો તો અજબનો કાંડ! ચીસ પાડીને રડી ઊઠી… રડતાં રડતાં બોલી, ‘બેટા, હું તો દુઃખણી કંગાળ, હું તને શું ખવરાવું? માખણ-ખીર ક્યાંંથી લાવું, બેટા!’ પણ એ અદ્ભુત ગોપાલ કંઈ તે સાંભળે? કેવળ ‘ખાવા દે’ બોલ્યા કરે. શું કરું, રડતાં રડતાં ઊભી થઈને શીકેથી સૂકો નાળિયેરનો લાડુ ઉતારીને હાથમાં દીધો અને બોલી, ‘બેટા, ગોપાલ, મેં તને આવી તુચ્છ ચીજ ખાવાને દીધી એટલે તું મને એવું ખાવાનું ના દઈશ.’ ત્યારબાદ એ દિવસે જપ પછી કરે કોણ? ગોપાલ આવીને ખોળામાં બેસે, માળા તાણી લે, કાંધે ચડે, આખી ઓરડીમાં ઘમ્મર ઘમ્મર ફરે! જેવી સવાર પડી કે ગાંડાની જેમ દોડતી દોડતી દક્ષિણેશ્વર જવા લાગી. ગોપાલ પણ કેડે ચડીને સાથે ચાલ્યો ખભે માથું ઢાળીને.’
આવી રીતે ભાવપ્રેમે ઉન્મત્ત બનીને ‘ગોપાલની મા’ બીજે દિવસે સવારે કામારહાટીથી ચાલતાં ચાલતાં લગભગ સાત વાગે દક્ષિણેશ્વર પહોંચ્યાં. શ્રીરામકૃષ્ણ ત્યારે પોતાના ઓરડામાં નાની પાટ ઉપર બેઠેલા હતા. ગોપાલની માને જોઈને તેમને પણ ભાવાવેશ થઈ ગયો અને તેમના ખોળે ચડી બેઠા! ગોપાલની માની આંખોમાંથી દડદડ કરતાં આંસુ વહી જવા લાગ્યાં અને જે ખીર-મલાઈ-માખણ લાવેલાં તેને શ્રીરામકૃષ્ણના મોંમાં મૂકીને ખવડાવવા લાગ્યાં. આ એક અદ્ભુત ઘટના હતી. સામાન્ય રીતે તો શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓનો સ્પર્શ પણ સહન કરી શકતા નહિ. અલબત્ત, તેમનાં ગુરુ ભૈરવી બ્રાહ્મણીને ક્યારેક ક્યારેક જશોદાનો ભાવાવેશ થતો ત્યારે તેઓ ગોપાલભાવે એમના ખોળે ચઢીને બેસતા. આ દિવસથી અઘોરમણિદેવી ખરેખરાં ‘ગોપાલની મા’ બની ગયાં અને શ્રીરામકૃષ્ણ પણ એમને એ નામે બોલાવવા લાગ્યા!
આમ લગભગ બે મહિના સુધી અઘોરમણિદેવીએ ગોપાલરૂપી શ્રીકૃષ્ણને દિવસરાત છાતીએ-પીઠે વળગાડીને એકસંગે વાસ કરેલો!
વારંવાર શ્રીરામકૃષ્ણના દેહમાંથી બાલગોપાલ નીકળવાથી અને એમાં સમાઈ જવાથી અઘોરમણિદેવી સમજી ગયેલાં કે ગોપાલનાં દર્શન, તેનાં તોફાનો આ બધા શ્રીરામકૃષ્ણદેવના જ ખેલ છે. શ્રીરામકૃષ્ણદેવ જ બની ગયા એમને માટે ‘નવીન નીરદ શ્યામ નીલેન્દીવર લોચન’ ગોપાલ રૂપ શ્રીકૃષ્ણ!
શ્રીરામકૃષ્ણદેવને તંત્રવિદ્યામાં પારંગત કરનાર ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર મંદિરથી બે માઈલ દૂર આવેલ દેવમંડલઘાટમાં રહેતાં. એક વાર વાત્સલ્યભાવના આવેશમાં તેઓ હાથમાં માખણ લઈ દિવ્ય પ્રેમાશ્રુ વહાવતાં ‘ગોપાલ’ ‘ગોપાલ’ પોકારવા લાગ્યાં. આ તરફ એ જ વખતે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવને ભૈરવી બ્રાહ્મણીને મળવાની અદમ્ય ઇચ્છા થઈ. તેઓ દેવમંડલઘાટ સુધી બે માઈલ દોડતા ગયા. જાણે કે એક બાળક પોતાની માતાને મળવા દોડી રહ્યું હોય! અને ત્યાં પહોંચી ભૈરવી બ્રાહ્મણીની પાસે બેસીને તેમના હાથેથી માખણ ખાવા લાગ્યા. આમ ભૈરવી બ્રાહ્મણી પણ શ્રીરામકૃષ્ણને બાળગોપાલ રૂપે જોતાં.
શ્રીરામકૃષ્ણની બાળલીલા હતી- જાણે કે શ્રીકૃષ્ણની બાળલીલાનું પુનરાવર્તન. બાળક ગદાધર કામારપુકુર ગામમાં બધાંનો લાડીલો હતો. ગામનાં આબાલ-વૃદ્ધ-વનિતા તમામની જોડે એ ભળી ગયેલો. ભાગવત વગેરે પુરાણકથાનું વાચન કે ધર્મતત્ત્વોની ભક્તિપૂર્ણ આલોચના કરવામાં ગામમાં એનો જોટો નહોતો. કીર્તનવેળાની એના જેવી ભાવની ઉન્મત્તતા, એની જેમ ભજનની કડીઓ કે નવા નવા ભાવપૂર્ણ ઊથલા દેવાની શક્તિ અને એના જેવો મધુર કંઠ અને રમણીય નૃત્ય બીજા કોઈનામાં જોવા મળતાં નહિ. વિદૂષકવેડા કરવામાં, સ્ત્રી-પુરુષોના તમામ હાવભાવોની નકલ ઉતારવામાં અને પ્રસંગને અનુરૂપ નિતનવાં ટૂચકા અને ગાયનો જોડીને સહુનાં દિલ બહેલાવવામાં પણ એની બરાબરી કોઈ કરી શકતું નહિ. આ બધાને કારણે બધા ગામવાસીઓ તેના ઉપર બહુ વહાલ રાખતા. શ્રીકૃષ્ણની જેમ જ નટખટ ગદાધર નિશાળેથી મિત્રોની સાથે માણેકરાજાના આંબાવાડિયામાં જઈ શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણલીલાના નાટ્યાભિનયથી સમસ્ત આંબાવાડિયું ગજવી દેતા.
ગદાધરની દેવભક્તિ, તેના જન્મ સમયે તેનાં માતાપિતાને થયેલાં અદ્ભુત સ્વપ્નો અને દિવ્ય દર્શનો, ગદાધરની મધુર લીલા આ બધાથી કામારપુકુરની સ્ત્રીઓના હૃદયમાં તેના પ્રત્યે અપૂર્વ ભક્તિ અને પ્રીતિ ઊપજેલી. ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી ધર્મદાસ લાહાની પુત્રી પ્રસન્નમયી અને બીજી મોટી ઉંમરની મહિલાઓ બાળક ગદાધરની અંદર બાળગોપાલનો દિવ્ય પ્રકાશ અનુભવીને તેના ઉપર પુત્રથીયે અધિક પ્રેમ રાખતી અને એમનાથી નાની વયની સ્ત્રીઓએ તેને શ્રીકૃષ્ણના અંશભૂત ગણીને તેવી શ્રદ્ધા રાખીને એની સાથે સખ્ય ભાવે સંબંધ બાંધેલો.
કામારપુકુરના શ્રી સીતાનાથ પાઈનના પરિવારની અને વણિક શેરીની બીજી સહુ નારીઓને તો ગદાધરનું એટલું ઘેલું લાગી ગયું હતું કે થોડાક દિવસો ગદાધર જો તેમને ઘરે ન આવ્યો હોય તો કોઈકને તેને તેડવા મોકલતાં. સીતાનાથ પાઈનના ઘરમાં કથાપાઠ કરતાં કે ભજનકીર્તન કરતાં ગદાધરને ક્યારેક ભાવસમાધિ થઈ જતી. આ જોઈને તેમની ગદાધર પ્રત્યે ભક્તિ ઓર વધી જતી. આવા એક પ્રસંગે ઘણી સ્ત્રીઓએ ગદાધરને શ્રીકૃષ્ણની જીવતી જાગતી મૂર્તિ ગણીને પૂજા કરેલી અને અભિનય કરવામાં મદદરૂપ થશે એમ વિચારીને એને માટે એક સોનાની મુરલી અને જુદાં જુદાં સ્ત્રીપુરુષ પાત્રોની વેશભૂષા પણ તૈયાર કરાવી દીધેલી.
એક વાર શ્રીરામકૃષ્ણદેવે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક)ને પૂછ્યું ઃ ‘વારુ, આ જે માણસો આટલા બધા આકર્ષાઈને અહીં આવે છે, તે એનો અર્થ શો?’ શ્રી મહેન્દ્રનાથે જવાબ આપ્યો ઃ ‘મને તો વ્રજની લીલાનો ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણ જ્યારે ગોવાળિયા અને વાછરડાંઓ રૂપે પોતે થયા, ત્યારે ગોવાળિયાઓ ઉપર ગોપીઓને, અને વાછરડાંઓ ઉપર ગાયોને વધુ આકર્ષણ થવા લાગ્યું.’ શ્રીરામકૃષ્ણે જાણે કે આનું સમર્થન કરતાં કહ્યું, ‘એ ઈશ્વરીય આકર્ષણ. એ શું ખબર છે? મા એ પ્રમાણે નજરબંધી લગાડી દે, અને આકર્ષણ થાય.’
બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ગિરીશ ઘોષની દૃઢ શ્રદ્ધા હતી કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર જ અવતર્યા છે. એક વાર તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું ઃ ‘આપનાં બધાં કાર્યાે શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ યશોદાની પાસે ઢોંગ કરતા.’ શ્રીરામકૃષ્ણદેવે જાણે આ વાતનું સમર્થન કરતાં કહ્યું ઃ ‘હા, શ્રીકૃષ્ણ તો અવતાર. નરલીલામાં એમ થાય. આ બાજુ ગોવર્ધન ગિરિ ધારણ કર્યાે હતો અને નંદરાયની પાસે દેખાડે છે કે પાટલો ઉપાડીને લઈ જતાં મહેનત પડે છે!’
શ્રીરામકૃષ્ણદેવ તેમના અંતરંગ પાર્ષદ રાખાલ (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ)ને શ્રીકૃષ્ણના સખારૂપે ગણાવતા. શ્રીરામકૃષ્ણે દિવ્યદર્શનમાં જોયું હતું કે ગંગાની ઉપર એક કમળ પર બાળ-ગોપાળ મૂર્તિ પોતાના મિત્ર રાખાલનો હાથ પકડી નૃત્ય કરી રહી છે. આ પછી રાખાલની સાથે પહેલી વાર ભેટ થતાં જ શ્રીરામકૃષ્ણ ઓળખી ગયા કે તે જ રાખાલ. શ્રીરામકૃષ્ણની ભવિષ્યવાણી હતી, ‘વ્રજના રાખાલના જીવનનો અંત વ્રજની ભાવાનુભૂતિમાં થશે.’ ખરેખર સ્વામી બ્રહ્માનંદજીનું મન તેમની મહાસમાધિના બે દિવસ પહેલાં એક અપરિચિત જગતમાં ચાલ્યું ગયું અને તેઓ કહેવા લાગ્યા, ‘રામકૃષ્ણના કૃષ્ણ જોઈએ! ૐ વિષ્ણુ, ૐ વિષ્ણુ, ૐ વિષ્ણુ, કૃષ્ણ! આવ્યા છો ને? આપણા આ કૃષ્ણ કપટના કૃષ્ણ નહીં, આ ગોપોના કૃષ્ણ છે- કમલના કૃષ્ણ છે! હું વ્રજનો રાખાલ (ગોપ) છું. મને ઝાંઝર પહેરાવો. હું કૃષ્ણનો હાથ પકડીને નાચીશ…’ દિવ્ય દર્શન પછી સ્વામી બ્રહ્માનંદજી ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા. ધ્યાનમાં જ બીજો દિવસ પણ પસાર થઈ ગયો અને પછીના દિવસે એ ધ્યાન મહાધ્યાનમાં-મહાસમાધિમાં લીન થયું.
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી શિવાનંદજી મહારાજ જ્યારે ઉટાકામંડ ગયા હતા ત્યારે મુંબઈના એક મુસ્લિમ ડાૅક્ટર સપરિવાર તેમને મળવા ગયા. ડાૅક્ટરની પત્નીએ તેમને ભક્તિપૂર્વક પ્રણામ કરીને અંતઃકરણની ઘણી વાતો કરી. તેઓ બાલ્યાવસ્થાથી જ શ્રીકૃષ્ણનાં ભક્ત હતાં. શ્રીકૃષ્ણને તેઓ બાલગોપાલભાવે ભજતાં અને વચ્ચે વચ્ચે એમનાં દર્શન પણ તેમને થતાં હતાં. ત્યાર પછી શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર અને ઉપદેશાદિ વાંચી તેમના પ્રત્યે અત્યંત ભક્તિ ઊપજી હતી. તેમની ધારણા હતી કે તેમના ઇષ્ટદેવ જ શ્રીરામકૃષ્ણ રૂપે જગતમાં અવતર્યા છે. આમ ગોપાલની માના અને ભૈરવી બ્રાહ્મણીના ‘ગોપાલ’ એવા શ્રીરામકૃષ્ણને કેટલીય વ્યક્તિઓએ શ્રીરામકૃષ્ણને પોતાના ઇષ્ટ શ્રીકૃષ્ણરૂપે જોયા છે અને કોણ જાણે આજે પણ જોઈ રહ્યા છે!
શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણ સાધના
માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે તેઓ છ માસ સુધી સ્ત્રીનો વેશ ધારણ કરીને રહ્યા હતા. આ પ્રમાણે સ્ત્રીનાં વસ્ત્રાભૂષણો પહેરીને શ્રીહરિપ્રેમ નિમગ્ન વ્રજગોપિકાઓના ભાવમાં એટલા બધા મગ્ન થઈ રહેતા કે પોતે પુરુષ હોવાનું ભાન તદ્દન અદૃશ્ય થઈ જતું – દરેક વિચાર ચેષ્ટા અને વાણીમાં સ્ત્રી જેવા બની ગયા હતા. આ વેશમાં તેમને ઓળખી કાઢવા તેમના નિત્ય પરિચિત સંબંધીઓને પણ મુશ્કેલ લાગતું. શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામ કહેતા, ‘દક્ષિણેશ્વરમાં મામા હંમેશાં સવારે પુષ્પચયન કરતા ત્યારે મેં ધ્યાન દઈને જોયું છે કે સ્ત્રીની માફક તેમનો ડાબો પગ દરેક પગલે આપોઆપ પ્રથમ ઊપડતો.’ ભૈરવી બ્રાહ્મણી કહેતાં કે ‘ઠાકુર એ પ્રમાણે ફૂલ એકઠાં કરતા ત્યારે મને વખતો વખત ભ્રમ થતો કે સાક્ષાત્ શ્રીમતી રાધારાણી છે.’ ફૂલ એકઠાં કરીને તેની સુંદર માળા ગૂંથી શ્રીરામકૃષ્ણ શ્રીરાધાગોવિંદને પહેરાવતા. શ્રી જગદંબાને પહેરાવીને વ્રજગોપિકાઓની માફક શ્રીકૃષ્ણને સ્વામી તરીકે પ્રાપ્ત કરવા માટે કરુણામયી શ્રીકાત્યાયનીને આતુરતાથી પ્રાર્થના કરતા.
શ્રીકૃષ્ણના વિરહના પ્રબળ પ્રભાવે એ કાળમાં તેમના શરીરનાં રુંવાડાંનાં છિદ્રોમાંથી લોહી ટપકતું, શરીરની યાતનાને લીધે ઇન્દ્રિયો તદ્દન બંધ પડી ગઈ હોવાથી દેહ મડદાની માફક જડ અને બેભાન પડી રહેતો. સ્ત્રી હોવાની ભાવના કરતાં કરતાં તેઓ તે ભાવનામાં એટલા બધા તન્મય થઈ ગયા હતા, કે આ સાધના દરમિયાન સ્વપ્નમાં કે ભૂલથી પણ કોઈ દિવસ પોતાને પુરુષ તરીકે માનતા નહિ અને સ્ત્રી-શરીરની માફક તમામ કાર્યાેમાં તેમનું શરીર અને ઇન્દ્રિયો સહજભાવે પ્રવૃત્ત થતાં, ત્યાં સુધી કે શરીરમાં સ્વાધિષ્ઠાન ચક્ર છે તે જગ્યાએ રુંવાડાનાં છિદ્રોમાંથી તેમને આ વખતે દર માસે નિયમિત સમયે ટીપું ટીપું લોહી નીકળતું અને સ્ત્રી-શરીરની માફક દરેક મહિને ઉપરાઉપરી ત્રણ દિવસ સુધી આ પ્રમાણે થતું!
શ્રીમતી રાધારાણીની કૃપા સિવાય શ્રીકૃષ્ણદર્શન અશક્ય સમજીને શ્રીરામકૃષ્ણ તે સમયે એકાગ્રચિત્તે તેમની ઉપાસનામાં પ્રવૃત્ત થયા હતા, પરિણામે થોડા વખતમાં જ તેઓ શ્રીમતી રાધારાણીનાં દર્શનનો લાભ મેળવી કૃતાર્થ થયા હતા. બીજાં દેવદેવીઓનાં દર્શન વખતે તેમને જેમ અનુભવ થયો હતો તે પ્રમાણે આ દર્શન વખતે પણ તે મૂર્તિ એમના અંગમાં મળી ગઈ. તેઓ કહેતા, ‘શ્રીકૃષ્ણ-પ્રેમમાં સર્વસ્વ હારી બેઠેલી એ નિરૂપમ પવિત્ર ઉજ્જ્વળ મૂર્તિનાં મહિમા અને માધુર્યનું વર્ણન કરવું અશક્ય છે. શ્રીમતીના અંગની કાંતિ નાગકેસરના ફૂલના કેસરતાંતણા જેવી ગૌરવર્ણની દીઠેલી.’
આ દર્શન પછી શ્રીમતી રાધારાણીની માફક તેમનામાં પણ મધુરભાવની પરાકાષ્ઠામાંથી ઉત્પન્ન થતા મહાભાવનાં સર્વ લક્ષણો દેખાઈ આવ્યાં. આ પ્રેમના પ્રભાવે થોડા વખત પછી સચ્ચિદાનંદ ઘનવિગ્રહ ભગવાન શ્રીકૃષ્ણના પુણ્ય દર્શનનો લાભ તેમને મળ્યો હતો. તેમણે જોયેલી તે મૂર્તિ બીજી બધી મૂર્તિની માફક તેમના શ્રીઅંગમાં સમાઈ ગઈ હતી.
આ દર્શન પછી શ્રીરામકૃષ્ણ શ્રીકૃષ્ણચિંતનમાં સંપૂર્ણ રીતે તન્મય બની પોતે તેનાથી ભિન્ન હોવાનું ભાન ભૂલી જઈ, કોઈ વખત પોતે ભગવાન શ્રીકૃષ્ણ હોવાનો અનુભવ કરતા તો વળી કોઈ વખત ‘આબ્રહ્મસ્તંભપર્યન્ત’ને શ્રીકૃષ્ણ સ્વરૂપે જોતા. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે બાગમાંથી એક ફૂલ લાવીને હર્ષથી સ્વામી શારદાનંદજીને કહ્યું હતું, ‘ત્યારે (મધુરભાવની સાધનાકાળે) જે કૃષ્ણમૂર્તિ દેખતો તેના અંગનો આવો જ રંગ હતો.’
શ્રીરામકૃષ્ણની વૃંદાવનની તીર્થયાત્રા
શ્રીરામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે કાશી, પ્રયાગ, વૃંદાવન વગેરે સ્થાનોની તીર્થયાત્રામાં ગયા હતા. વૃંદાવનમાં બાંકેબિહારીની મૂર્તિનાં દર્શન કરી તેમને અદ્ભુત ભાવાવેશ થયેલો, સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવાને દોડી પડેલા! સંધ્યાકાળે ગાયોનું ધણ લઈને જમુના પાર કરીને વગડેથી પાછા ફરી રહેલા બાળગોવાળોને જોતાં જોતાં તેમની અંદર મોરપિચ્છધારી નવનીરદશ્યામ ગોપાલકૃષ્ણનાં દર્શન પ્રાપ્ત થતાં, તેઓ પ્રેમવિભોર થઈ ઊઠેલા.
નિધુવન, ગોવર્ધન વગેરે વ્રજનાં કેટલાંક સ્થાનોએ પણ દર્શન કરવાને તેઓ ગયેલા. આ બધાં સ્થાનો તેમને વૃંદાવન કરતાં વધારે સરસ લાગેલાં અને વ્રજેશ્વરી શ્રીરાધા તથા શ્રીકૃષ્ણનાં વિવિધ ભાવે દર્શન કરીને એ બધાં સ્થળોએ પણ એમનામાં ગાઢ પ્રેમ જાગ્રત થઈ ઊઠેલો.
વ્રજની નૈસર્ગિક શોભા, સાધુ તપસ્વીઓનું નિરંતર ઈશ્વરચિંતનમાં મગ્ન રહેવું, સખી વ્રજવાસીઓનું કપટરહિત વર્તન અને નિધુવનમાં સિદ્ધપ્રેમિકા વૃદ્ધા તપસ્વિની ગંગામાતાનાં દર્શન પામીને તો તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે એમને થતું કે તેઓ વ્રજ છોડીને હવે બીજે ક્યાંય જશે નહિ, અહીં જ બાકીનું જીવન વિતાવી કાઢશે. પણ છેવટે પોતાની માતા (ચંદ્રામણિદેવી)ના કષ્ટનો ખ્યાલ કરીને તેમણે પોતાનો વિચાર બદલ્યો હતો.
વૃંદાવનની તીર્થયાત્રાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું, ‘હું વૃંદાવન ગયો હતો મથુરબાબુની સાથે. જ્યાં મથુરાનો ધ્રુવઘાટ જોયો ત્યાં એની મેળે જ આપોઆપ દર્શન થયાં કે વસુદેવ કૃષ્ણને લઈને યમુના પાર કરી રહ્યા છે.’
‘વળી સંધ્યા વખતે યમુનાની રેતીમાં ફરી રહ્યા છીએ. રેતી ઉપર નાનાં નાનાં ઘાસનાં ઝૂપડાં, મોટાં બોરડીનાં ઝાડ. જોયું તો ગોરજ વખતે ગાયો ગોચરમાંથી પાછી આવી રહી છે, ચાલતી ચાલતી યમુના પાર ઊતરી રહી છે.
તેમની પાછળ જ કેટલાક ગોવાળિયા ગાયોને લઈને યમુના પાર ઊતરી રહ્યા છે. જેવું એ બધું જોયું કે તરત જ ‘કૃષ્ણ ક્યાં?’ એમ બોલતોકને હું બેહોશ થઈ પડ્યો!’
‘શ્યામકુંડ, રાધાકુંડ વગેરેનાં દર્શન કરવાની મને ઇચ્છા થઈ હતી. મથુરબાબુએ પાલખી કરી આપીને મને રવાના કર્યાે. રસ્તો ઘણોય લાંબો હતો, એટલે પૂરી, જલેબી વગેરે ખાવાનુંય પાલખીની અંદર સાથે આપેલું, ખેતરમાં થઈને પસાર થતાં મનમાં એવું લાગીને રોવા લાગ્યો કે, ‘અરે! કૃષ્ણ રે! આ બધાં સ્થાનો રહ્યાં છે. પરંતુ તમે નથી! અરે! આ એ જ ખેતરો કે જ્યાં તમે ગાયો ચરાવતા!’ અદ્ભુત હતી શ્રીરામકૃષ્ણની વૃંદાવન પ્રત્યેની ભક્તિ! ત્યાંની પવિત્ર રજ લાવીને તેમણે દક્ષિણેશ્વરમાં પંચવટી તળે નાખી હતી.
શ્રીરામકૃષ્ણ અને વૃંદાવનલીલા
વૃંદાવનલીલાની વાત કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ ઉત્સાહમાં આવી જતા. જ્યારે જોતા કે એમની પાસે આવતા અંગ્રેજી ભણેલા યુવાનોને વૃંદાવનલીલાની વાત રુચતી નથી, ત્યારે કહેતા કે ‘તમે લોકો એ લીલામાં રહેલી શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રીમતીના મનની તાલાવેલીને જ ફક્ત જુઓ અને પકડોને. એ જાતનું મનનું ખેંચાણ ઈશ્વર તરફ થાય ત્યારે તેને મેળવી શકાય. જરા જુઓ તો ખરા, ગોપીઓ પોતાનાં પતિ, પુત્ર, કુળ-શીલ, માન-અપમાન, લજ્જા-ઘૃણા, લોકભય, સમાજભય બધું છોડીને શ્રીગોવિંદને માટે કેટલી હદે પાગલ થઈ ગયેલી! એ પ્રમાણે કરી શકાય ત્યારે ભગવાન-લાભ થાય!’
સ્વામી વિવેકાનંદ એક વાર શ્રીરામકૃષ્ણની પાસે રાધાકૃષ્ણની વૃંદાવનલીલાની ઐતિહાસિકતા સંબંધે શંકા ઉઠાવીને એ બધી ખોટી વાતો છે એમ પુરવાર કરવાના પ્રયાસો કરવા લાગેલા. તે જોઈને શ્રીરામકૃષ્ણે એમને કહ્યું કે, ‘અચ્છા, માની લીધું કે શ્રીમતી રાધિકા નામની કોઈ વ્યક્તિ કોઈ દિવસ હતી નહિ, કોઈક પ્રેમિક સાધકે રાધાનું પાત્ર કલ્પેલું છે. પરંતુ એ પાત્રની કલ્પના કરતી વખતે પણ એ સાધકને શ્રીરાધાના ભાવે એકદમ તન્મય થઈ જવું પડેલું એ વાતને માનીશને! એમ થતાં તો એ સાધક જ એ વખતે પોતાને ભૂલી જઈને રાધા બની ગયેલો અને વૃંદાવનલીલાનો અભિનય એ રીતે સ્થૂળભાવે પણ થયેલો, એ વાત સાબિત થાય છે!’
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં કેટલાય પ્રસંગો મળે છે, જ્યારે શ્રીરામકૃષ્ણ શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિથી ભાવાવેશમાં કૃષ્ણના નામનો ઉચ્ચાર કરતાં કરતાં સમાધિમાં ચાલ્યા જાય છે, અથવા કીર્તનમાં મસ્ત થઈ જાય છે. ભાગવતપાઠ સાંભળતી વખતે, કે હરિકીર્તન કરતાં કરતાં, કે રથયાત્રા કે દોલયાત્રાના ઉત્સવમાં ભાગ લેતી વખતે શ્રીરામકૃષ્ણ આમ શ્રીકૃષ્ણ-ભક્તિના પૂરમાં તણાઈ જતા, ક્યારેક અક્રૂર, ક્યારેક ગોપી, ક્યારેક રાધા અથવા ક્યારેક યશોદાના ભાવનું આરોપણ પોતાનામાં કરતા અથવા તો ક્યારેક તો પોતાને શ્રીકૃષ્ણ માનતા!
એક વાર કોલકાતાના ‘મેદાન’ પાસે એક ઝાડ તળે એક યુરોપિયન છોકરાને ત્રિભંગ ઊભેલો જોઈને તેમને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થયું હતું.
એક વાર દક્ષિણેશ્વરમાં ‘કુઠી’ બંગલાની સામે અર્જુનના રથમાં બેઠેલા શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. આમ કેટલીય વાર તેમને સ્વપ્નમાં અથવા ભાવાવેશમાં શ્રીકૃષ્ણનાં દર્શન થતાં. અદ્ભુત હતી શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણભક્તિ!
રાસલીલા કરતી વખતે શ્રીકૃષ્ણ જ્યારે અંતર્ધાન થઈ ગયા ત્યારે ગોપિકાઓએ શ્રીકૃષ્ણને રીઝવવા સ્તુતિ કરતાં કહ્યું હતું –
तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्।
श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जनाः।।
શ્રીરામકૃષ્ણની વાણી પણ શ્રીકૃષ્ણની વાણીની જેમ અમૃતમય હતી એટલે જ કદાચ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત, શ્રી ‘મ’એ આ પુસ્તકના મંગલાચરણમાં ઉપરનો શ્લોક મૂક્યો!
ગીતાનો સંદેશ
ગીતાના મુખ્ય સંદેશ વિષે શ્રીરામકૃષ્ણ કહેતા કે દસ વાર ‘ગીતા ગીતા’ ઉચ્ચારવાથી ‘તાગી તાગી’ થઈ જાય. ત્યાગ એ જ ગીતાનો મુખ્ય સંદેશ. શ્રીરામકૃષ્ણનું જીવન જાણે કે ગીતાના આ મુખ્ય સંદેશની વ્યાખ્યારૂપ હતું, તેઓ ત્યાગીઓના બાદશાહ હતા. કામ, કાંચન, કીર્તિ એ સર્વસ્વના આવા અદ્ભુત ત્યાગનું ઉદાહરણ ધર્મજગતના ઇતિહાસમાં ક્યાંય જડતું નથી.
Your Content Goes Here




