સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી

જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ સ્વામી વિવેકાનંદજી પોરબંદર તરફ રવાના થયા. પોરબંદર રેેલવે સ્ટેશન પર શહેરના દરોગા શ્રી રણછોડજીએ તેમનું સ્વાગત કર્યું અને તેમને શંકર પંડિતના રહેઠાણ પર લઈ ગયા. શંકર પંડિત ત્યારે રાજ્યના એડમિનિસ્ટ્રેટર નિમાયેલા હતા. ત્યાં પહોંચી સ્વામીજીને ખબર પડી કે શંકર પાંડુરંગ પંડિત એમના ઘરમાં નથી એટલે તેઓ નીચે સીડી પાસે બેસી ગયા. દીવાનજી આવ્યા ત્યારે તેમની સાથે હાથમાં હાથ રાખીને ઉપર લઈ ગયા. દરોગા નીચે રાહ જોતા બેઠા રહ્યા કારણ કે તેમને સૂચના દેવામાં આવી હતી કે સ્વામીજીની રહેઠાણની વ્યવસ્થા શહેરના શિવમંદિરમાં કરવામાં આવે અને તેમના માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. છેવટે ખબર આવ્યા કે સ્વામીજી તો દીવાનજીની સાથે રહેશે. એટલે તેમના માટે તૈયાર કરાવેલ ભોજન બ્રાહ્મણોમાં વહેંચી દેવામાં આવ્યું. બીજે દિવસે દરોગા સ્વામીજીને શહેર દેખાડવા લઈ ગયા ત્યારે તેઓ સમજ્યા કે સ્વામીજી ચીલાચાલુ પ્રકારના સંન્યાસી નહોતા. તેઓ રસિક પણ હતા. (અમદાવાદ. ૧૮ ઓક્ટો. ૧૯૯૧માં શ્રી પ્રભાકર વૈષ્ણવના લેખના આધારે.) એક મત પ્રમાણે સ્વામીજી દરોગા શ્રીરણછોડરાય વૈષ્ણવના ઘરે થોડા સમય માટે રોકાયા હતા.

સુદામાપુરીમાં સ્વામીજીએ સુદામા મંદિર જોયું, તેનાથી પ્રભાવિત પણ થયા પરંતુ તેનાથી વધુ પ્રભાવિત થયા શંકર પંડિતની વિશાળ લાઇબ્રેરીથી. સ્વામીજીના ગુરુભાઈ સ્વામી શિવાનંદજી – મહાપુરુષ મહારાજના કહેવા પ્રમાણે સ્વામીજી પોરબંદર બે વાર આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે તેમની લાઇબ્રેરીથી ખૂબ આકર્ષાયા હતા અને એટલે પંડિતજીએ તેમને નિમંત્રણ આપ્યું કે ગમે તેટલા દિવસ ત્યાં રોકાઈને લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે. આ લાઇબ્રેરીના આકર્ષણથી જ બીજી વાર પોરબંદર આવ્યા હતા. સ્વામીજી પોરબંદર બે વાર આવ્યા હતા તેની સાબિતી સ્વામીજીના અન્ય ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીની આત્મકથા (બંગાળી)માંથી મળે છે. તેમાં તેઓ લખે છે કે તેમના તીર્થભ્રમણ દરમિયાન તેઓ પોરબંદર ગયા ત્યારે બે દિવસ માટે તેઓ શંકર પાંડુરંગ પંડિતના મહેમાન બન્યા હતા. તેમણે અભેદાનંદજીને કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં એક અંગ્રેજી જાણતા બંગાળી સંન્યાસી સ્વામી સચ્ચિદાનંદ અમારે ત્યાં આવ્યા હતા. અભેદાનંદજી સમજી ગયા કે આ સચ્ચિદાનંદ એ જ તેમના ગુરુભાઈ નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ).

પોતાની બીજી મુલાકાત દરમિયાન સ્વામીજીએ પોરબંદરમાં ખાસ્સો સમય ગાળ્યો હતો. સ્વામી વિવેકાનંદજીનાં જૂનાં જીવનચરિત્રો પ્રમાણે અગિયાર મહિના તેઓ રહ્યા હતા. પણ આ વાત શક્ય નથી લાગતી કારણ કે સ્વામીજીનો ગુજરાતનો પૂરો પ્રવાસ આઠ મહિનામાં જ સમાપ્ત થયો હતો. સપ્ટેમ્બર, ’૯૧માં તેઓ અજમેર (રાજસ્થાન) હતા. અને મે ’૯૨માં તેઓ મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) હતા. શંકર પાંડુરંગની પુત્રી પંડિતા ક્ષમા રાવે સંસ્કૃતમાં ‘શંકર-જીવન-આખ્યાન’ લખ્યું છે, તેમાં તેઓ જણાવે છે કે, સ્વામી વિવેકાનંદ શંકર પાંડુરંગ પંડિત સાથે એક પરિવારના સદસ્યની જેમ જ ચાર માસ રહ્યા. (શ્લોક ૩૩-૪૮). આ વાત વધારે શક્ય લાગે છે. શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના ૧૧મા પરમાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીએ પણ સ્વામી વિવેકાનંદ પરના પોતાના બંગાળી પુસ્તકમાં એવું મંતવ્ય આપ્યું છે કે સ્વામીજી પોરબંદરમાં ૧૧ મહિના રહ્યા હતા એ વાત શક્ય લાગતી નથી, કદાચ અગિયાર સપ્તાહ હોઈ શકે. અસ્તુ.

રાવ બહાદુર શંકર પંડિતના (૧૮૪૦-૧૮૯૪) પૂર્વજો કોંકણના હતા. તેમનાં માતા અત્યંત ધર્મપરાયણ હતાં. એક સાધુએ તેમને આશીર્વાદ આપેલ – ‘અષ્ટપુત્રા પંચકન્યા ભવ,’ આ આશીર્વાદ ફળેલા. પિતા નારાયણ પંડિતે આઠમાંના એક પુત્ર શંકરને પોતાના સ્વર્ગસ્થ ભાઈ પાંડુરંગને દત્તક આપેલ જેેથી સ્વર્ગસ્થ આત્માને પિંડદાનાદિ મળતાં રહે.

૨૫ વર્ષની વયે ૧૮૬૫માં શંકરરાવે મુંબઈથી એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમ.એ.ની પરીક્ષા પાસ કરી અને ડેક્કન કૉલેજ, પૂનામાં પ્રોફેસર બન્યા. ૧૮૭૧માં સુરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે આવ્યા ત્યારે તેમણે કુસુંબે ગ્રામના લોકોને પૂર વખતે બચાવી એવી સહાય કરી કે ગ્રામવાસીઓએ ગામનું નામ બદલી ‘શંકર પેઠ’ રાખી દીધું. ૧૮૭૪માં બ્રિટિશ સરકારે તેમને ઓરિએન્ટલ ઇન્ટરનેશનલ કોંગ્રેસમાં ભાગ લેવા મોકલ્યા. ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ અનેક ભાષાઓના જાણકાર હોવાથી તેમની નિમણૂક મુંબઈ સરકારમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે થઈ.

૧૮૮૬માં તેમની નિમણૂક મુંબઈ હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે અને થોડા સમય પછી પોરબંદરમાં એડમિનિસ્ટ્રેટર તરીકે થઈ.

તેઓ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા અને કઠોર પરિશ્રમી હતા. પોતાના કાર્યમાં અત્યંત વ્યસ્ત રહીને પણ તેમણે ઘણું અધ્યયન અને લેખનકાર્ય કર્યું. તુકારામના અભંગોનું સંકલન તેમની દેખરેખ હેઠળ થયું. કાલિદાસના ‘રઘુવંશ’ અને ‘માલવિકાગ્નિમિત્ર’નું સંપાદન પણ તેમણે કર્યું. ઋગ્વેદના પ્રચાર માટે તેમણે ‘વેદાર્થયત્ન’ નામનું સામયિક શરૂ કર્યું હતું. ‘અથર્વવેદ’નું સંપાદનકાર્ય તેમણે અત્યંત વિદ્વત્તાથી કર્યું. અત્યંત કઠોર પરિશ્રમને કારણે ૧૮ માર્ચ ૧૮૯૪માં તેમનું નિધન મુંબઈમાં થઈ ગયું. (શ્રી શંકર પાંડુરંગ પંડિત વિશેની સામગ્રી રાજકોટના શ્રી ઉમાકાંત પંડિત દ્વારા ઉપલબ્ધ કરાવેલ શ્રી મનોહર કેશવલાલ પંડિતના લેખના આધારે આપવામાં આવી છે.)

શ્રી શંકર પંડિતની સંસ્કૃત રચનાઓની દેશ-વિદેશના ખ્યાતનામ વિદ્વાનોએ પ્રશંસા કરી હતી. તદ્ઉપરાંત સમગ્ર વિશ્વના પ્રસિદ્ધ વિચારકોએ પણ પ્રસંશા કરેલી. પ્રો. મૅકસ મૂલરે કહ્યું હતું કે, ‘મુંબઈના પ્રકાશક પ્રો. ભંડારકર અને શ્રી એસ. પી. પંડિત તથા અન્યો દ્વારા લખાયેલ સંસ્કૃત પુસ્તકોની આવૃત્તિને યુરોપના વિદ્વાનો દ્વારા પ્રકાશિત પુસ્તકોની સરખામણીનો કોઈ ભય રાખવાની જરૂર નથી.’ (રાવબહાદુર શંકર પાંડુરંગ યાંચે ચરિત્ર (મરાઠી) લેખક : શ્રી નિવાસ નારાયણ કર્ણાટકી પ્રકાશક : વ્હી. પ્રભા આણિ કંપની, ગિરગાંવ, મુંબઈ-૪.પૃ. ૨૯.)

આ સિવાય પણ, તેઓ મહાન સુધારક હતા. તેમણે ખેડૂતો માટે સિંચાઈની સુવિધા કરેલી, સમગ્ર પોરબંદર રાજ્ય-ક્ષેત્રમાં તાર કચેરી શરૂ કરાવેલી, પોતે કન્યા કેળવણીના દૃઢ પુરસ્કર્તા હોવાથી કન્યાઓ માટેની શાળાઓ શરૂ કરાવેલી, ગ્રામ્ય વિસ્તારોમાં ચિકિત્સાલયો ખોલ્યાં હતાં, અને જનકલ્યાણનાં અનેક કાર્યો સિદ્ધ કર્યાં હતાં.

પોરબંદરના આ વસવાટ દરમિયાન સ્વામીજી અત્યંત બેચેન હતા. તેમને લાગવા માંડ્યું હતું કે તેમના ગુરુદેવના શબ્દો સાચા હતા અને તેમના પોતાનામાં સમસ્ત જગતમાં ક્રાંતિ લઈ આવવાની શક્તિ હતી. ભારતના આધ્યાત્મિક નવજાગરણની વાત તેમના મનમાં હંમેશાં રમતી. જેટલા મહારાજાઓ અને દીવાનોના સંસર્ગમાં તેઓ આવ્યા તે બધાને તેમણે પોતાનો સંદેશ આપ્યો કે નવેસરથી બધું કરવાનો હવે સમય પાકી ગયો છે. જેમ જેમ તેઓ મહાન વેદોનું અધ્યયન ઊંડાણથી કરતા ગયા તેમ તેમ તેમને ખાતરી થતી ગઈ કે ભારત જ ખરેખર બધા ધર્મોની માતા છે, આધ્યાત્મિકતાની ખાણ છે અને સભ્યતાનું પારણું છે. સ્વામીજીને પંડિતજીએ વિદેશ જવાનું કરેલું સૂચન ગમ્યું કારણ કે તેમને પણ લાગ્યું કે વિદેશી સભ્યતાને ભારતનું ખરું મૂલ્ય ત્યારે જ સમજાશે જ્યારે તેઓ પાશ્ચાત્ય દેશોમાં જઈ સનાતન ધર્મના મહિમાનો પ્રચાર કરે.

આમ શંકર પાંડુરંગ પંડિત સાથેનો સ્વામીજીનો સંપર્ક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક રહ્યો. દીર્ઘકાળ સુધી બે વિદ્વાનો ઉદાત્ત વિચારોની આપ લે કરતા રહ્યા. વેદોનું અધ્યયન અને ભાષાંતર થયું. દેશ-વિદેશની સત્યતાની ચર્ચા થઈ. અને સ્વામીજીના ભાવિ મહાન પ્રચાર કાર્યની યોજનાના પાયા પણ અહીં પોરબંદરમાં જ નખાયા.

આ વિદ્વાન પંડિત સાથે સ્વામીજીની મૈત્રી જામે એમાં શંકા નહીં. સ્વામીજીએ ખૂબ ઉદારતાથી પંડિતજીને વેદોના અનુવાદના મહાન કાર્યમાં સહાયતા કરી. સંસ્કૃત ભાષા પરનું સ્વામીજીનું પ્રભુત્વ, એમની તેજસ્વી મેધા તથા બહુશ્રુતતાને લઈને વેદના કૂટ મંત્રોના અર્થ બેસાડવાની સ્વામીજીની શક્તિ અને તેમનું વેદાંતનું હસ્તામલકવત્ જ્ઞાન જોઈ પંડિતજી મુગ્ધ કેમ ન બને?

સ્વામીજીએ પોતે પણ પંડિતજીના સહવાસમાં જે વિશેષ સમય ગાળ્યો હતો તેનો પૂરો લાભ ઉઠાવ્યો. પાતંજલ મહાભાષ્યનો અભ્યાસ પૂરો કર્યો. પંડિતજી દેશની પરિસ્થિતિથી વાકેફગાર હતા. એટલે તેમણે સ્વામીજીને કહ્યું: ‘સ્વામીજી, અહીં તમે વિશેષ કંઈ કરી શકો તેમ લાગતું નથી. લોકો તમારી કદર નહીં કરી શકે. તમે પશ્ચિમના દેશોમાં પ્રવાસ કરો. વાવાઝોડાની જેમ તમે પશ્ચિમને વશ કરી શકશો. પછી ભારત તમારાં ચરણમાં આળોટશે.’ પંડિતજીએ તેમને ફ્રેંચ ભાષા શીખવાનું સૂચન પણ કર્યું. સ્વામીજીએ આ સૂચન સ્વીકાર્યું. તેમણે ફ્રેંચ ભાષામાં એક પત્ર પોતાના ગુરુભાઈઓને કલકત્તા લખી મોકલ્યો. પહેલાં તો તેઓ કંઈ સમજી શક્યા નહીં. પાછળથી તેઓને ખબર પડી કે આ તો તેમના પ્રિય ‘નરેન્દ્રનાથ’નો ફ્રેંચમાં પત્ર હતો.

પોરબંદર ખાતેના તેમના લાંબા રોકાણ દરમિયાન પંડિત શંકર પાંડુરંગ અને તેમના પરિવારજનો સાથે સ્વામીજી ઘણા જ આત્મીય બની ગયા હતા. પંડિતજી સાથે ઘોડા પર બેસીને સ્વામીજી રાજ્યનાં દૂરનાં ગામડાંમાં જતા.

શંકર પંડિતનાં પુત્રી પંડિતા ક્ષમા રાવે પોતાના પિતા વિશે સંસ્કૃતમાં પુસ્તક લખ્યું છે – ‘શંકર જીવન આખ્યાનમ્’. તેમાં તેઓ જણાવે છે કે સ્વામી વિવેકાનંદ શંકર પાંડુરંગ પંડિત સાથે એક પરિવારના સદસ્યની જેમ ભોજેશ્વર બંગલામાં ચાર માસ રહ્યા હતા. આ પુસ્તકમાં સ્વામીજીને બાળકો કેટલાં પ્રિય હતાં તેનું સુંદર વર્ણન મળે છે. શંકર પંડિતના બે પુત્રો માધવ અને વામન તેમજ ત્રણ પુત્રીઓ તારા, ક્ષમા અને ભદ્રા સાથે સ્વામીજીની મિત્રતા થઈ ગઈ. સ્વામીજી એક નાના બાળકની જેમ તેઓની સાથે રમતા. એક દિવસ સ્વામીજીએ સમુદ્રતટે બે કુમારોને પાણીમાં તરી રહેલા જોયા. તેઓની સાથે એમને તરવાનું શીખવનાર શિક્ષક પણ હતા. થોડે દૂર એક ધાત્રી કુશળતાથી રેતીનું મંદિર બનાવી રહી હતી અને એ જોઈને ત્રણ બાલિકાઓ ખૂબ ખુશ થઈ રહી હતી. રેતીના બનાવેલા આ રમકડા-મંદિરની ચારેબાજુ આ બાલિકાઓ આનંદથી તાળીઓ પાડીને મધુર ગીતો ગાતી નાચવા માંડી. તેમનાં આ અસ્પષ્ટ છતાં મધુર ઉત્તમ ગીતો સાંભળીને સ્વામીજી પણ આ ક્રીડાગીતના નૃત્યમાં ભળીને નાચવા લાગ્યા. આથી બાળાઓ ખૂબ ખુશ થઈ ગઈ અને તરત જ તેમને પોતાની રમતમાં ભાગીદાર બનાવી દીધા.

સ્વામીજી તરવાની કળામાં અત્યંત નિપુણ હતા. માટે શંકર પંડિતના બંને પુત્રોને તેમણે તરવાની કળાનાં રહસ્યો શીખવ્યાં. સ્વામીજી પાકશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા, એટલે શંકર પંડિતનાં ધર્મપત્ની ઉષાદેવીને વિવિધ શાક અને મસાલાઓની વિશેની કુશળતા શીખવી.

આનંદમય સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદજી કહેતા : ‘જો તમે હંમેશાં આનંદમાં રહો અને હસતા રહો, તો કોઈ પણ પ્રાર્થનાની તુલનામાં ઈશ્વરની વધુ નજીક પહોંચી જશો.’ તેઓ એમ પણ કહેતા, ‘આપણે ઉત્સાહી અને આનંદી થવું જોઈએ. ઉદાસીન ચહેરાઓ કંઈ ધર્મનું નિર્માણ કરી શકે નહીં. ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે એ સર્વોત્તમ છે.’

સ્વામીજીના સંપર્કમાં આવતી ઘણી વ્યક્તિઓને તેમણે રમૂજપૂર્વક હુલામણાં નામ આપેલાં, જેમ કે ‘હરમોહન’ને ‘હારમોનિયમ’, ‘ગંગાધર’ને ‘ગેંજીસ’, ‘હરિપ્રસન્ન’ને ‘અલાહાબાદ કા બિશપ’, જ્યોર્જ હેઈલ અને એમની પત્નીને અનુક્રમે ‘ફાધર પોપ’ અને ‘મધર ચર્ચ’, જાપાની પંડિત ‘ઓકાકુરા’ને ‘અક્રૂર કાકા’ વગેરે.

ભારતમાં અથવા વિદેશમાં અનેક વાર તેઓ રમૂજ કરતા, વ્યંગ કરતા અને ખડખડાટ હસી પડતા. વિદેશના લોકોને નવાઈ લાગતી. તેઓની ધારણા પ્રમાણે ધર્મોપદેશકોએ ગંભીર રહેવું આવશ્યક હતું.

એક વાર એક મહિલાએ સ્વામીજીને કહ્યું: ‘સ્વામીજી, તમારે તો ગંભીર રહેવું જોઈએ, તમે તો ધર્મોપદેશક છો.’ હાજર જવાબી સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો : ‘અવશ્ય મેડમ, હું પણ ક્યારેક ગંભીર બની જાઉં છું, પણ જ્યારે મને પેટમાં દુ:ખે છે ત્યારે.’

સ્વામીજીના આ વિનોદપ્રિય સ્વભાવની સુંદર ઝલક પોરબંદરમાં બનેલી એક ઘટનામાં જોવા મળે છે. સ્વામીજી ત્યારે પોરબંદરમાં શંકર પાંડુરંગ પંડિતની સાથે ભોજેશ્વર બંગલામાં નિવાસ કરી રહ્યા હતા. પંડિતજીના બે પુત્રો માધવ અને વામન સરકારી શાળામાં અભ્યાસ કરતા. તેમની મિત્રતા રેવાશંકર અનુપરામ દવે સાથે થઈ, જેઓ ત્યારે લગભગ ૧૭ વર્ષની ઉંમરના હતા. તેમનો જન્મ તા. ૯-૧૨-૧૮૭૫ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમણે દોઢ વર્ષની વયે માતાનું સુખ ગુમાવ્યું અને ૧૩ વર્ષની વયે પિતાની છત્રછાયા પણ ગુમાવી. પણ તેમના સગા કાકા શ્રી લજ્જારામ જયશંકર દવેએ તેમનો ઉછેર કરી ઘણી હૂંફ આપી. પિતૃપક્ષે કાકા અને માતૃપક્ષે મામા શ્રી લીલારામ અંબારામ દવે તેમજ રાજવૈદ્ય શ્રી નારાયણ ગોવર્ધન શર્મા, શ્રી કેશવજી ઘેલા વાયડા તથા શ્રી કલ્યાણજી દેવચંદ પાસેથી તેઓ અનેક વિદ્યામાં પારંગત થયેલા. આ બધા વડીલોએ તેમનું જીવન-ઘડતર કર્યું હતું. તેમણે રાજ્ય આચાર્ય તરીકે ફરજ બજાવેલી. એ સમયના વિદ્યા-વાચસ્પતિ શ્રી જાદવજી ત્રિકમજી આચાર્ય તેમના પરમ મિત્ર હતા. ઈ.સ. ૧૯૬૦માં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ મહારાજ તરફથી તેમને ‘શતપથ માર્તંડ’ની ઉપાધિ પ્રાપ્ત થયેલી. ૧૯૭૬-૭૭માં ગુજરાતના તત્કાલીન માનનીય રાજ્યપાલ કે. કે. વિશ્વનાથનના વરદ હસ્તે તેમને ‘યજુર્વેદપ્રવીણ’ તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ શતાયુ થયા હતા. તેમની ઉંમર જ્યારે લગભગ ૯૮ વર્ષની હતી ત્યારે તેમણે રામકૃષ્ણ મઠ-મિશનના તત્કાલીન પરમાધ્યક્ષને (જેઓ ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા) આ રમૂજી પ્રસંગ પોતે જ કહી સંભળાવ્યો હતો.

શાળાના આચાર્ય શાસ્ત્રી હરિહરભાઈ કાળીદાસની સૂચનાથી રેવાશંકર દવે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્વામીજી પાસે વેદોનો પાઠ કરવા જતા. સ્વામીજી એક પાટ પર બેસતા, સામે ચાર વિદ્યાર્થીઓ વહેલી સવારે આવી ચાર આસનો પર બેસી વારાફરતી ચારેય વેદોના શ્લોકો સંભળાવતા. સ્વામીજી આંખો બંધ કરી ધ્યાનસ્થ અવસ્થામાં સાંભળતા. સૌથી પહેલાં ઋગ્વેદ, પછી યજુર્વેદ, પછી અથર્વવેદ અને છેલ્લે સામવેદની કંડિકાઓ સાંભળતા. રેવાશંકર દવે યજુર્વેદની કંડિકાઓ રજૂ કરતા. ક્યારેક પંચતંત્ર અને ઈસપની નીતિ કથામાંથી પણ શ્લોકો સંભળાવતા. સ્વામીજી મોટે ભાગે હિંદીમાં વાતચીત કરતા પણ ક્યારેક સંસ્કૃત અથવા બંગાળી શબ્દો એમાં ભળી જતા.

એક વાર ગોવિંદ નામના વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું : ‘ક્યાં સુધી ભણ્યા છો?’ ગોવિંદે કહ્યું : ‘મેં વારાણસીમાં સામવેદનો અભ્યાસ કર્યો છે અને છ મંત્રોનો (શાસ્ત્રોનો) પણ અભ્યાસ કર્યો છે.’ સ્વામીજીએ પૂછ્યું : ‘આગળ અભ્યાસ કેમ ન કર્યો, પાછા કેમ આવતા રહ્યા?’ ગોવિંદે કહ્યું : ‘મને ‘કારેલું’ થઈ ગયું એટલે પાછો આવતો રહ્યો.’ ‘કારેલું’ શબ્દ સાંભળીને સ્વામીજી ખડખડાટ હસવા લાગ્યા. ‘કોલેરા’ રોગને આમ ‘કારેલું’ (શાકનું નામ) કહેવાથી સ્વામીજી હસવાનું ખાળી નહોતા શક્યા.

આમ સ્વામીજી વિનોદપ્રિય હતા અને સદાય યુવાનોના મિત્ર હતા. સ્વામીજી ૨૭ વર્ષના હતા ત્યારે ૧૭-૧૮ વર્ષના યુવાનો સાથે તેમની મિત્રતા થઈ હતી. એ તેમના આનંદમય સ્વભાવની તેમજ યુવાનો સાથેની મિત્રતાની શાખ પૂરે છે.

મિશનનું વિઝન

ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા પોરબંદરમાં રહેતા હતા એટલે આ નગરી સુદામાપુરી તરીકે પણ ઓળખાય છે. શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામીજીએ પ્રાચીન સુદામા મંદિરનાં દર્શન કર્યા પછી તેઓએ પોરબંદરના મહારાજાને તેમનો પરિચય કરાવ્યો. મહારાજા તુરત જ સ્વામીજીની તેજસ્વિતાને ઓળખી ગયા અને તેમને મહેલમાં પોતાની સાથે રહેવા આવવા વિનંતી કરી. એક મત પ્રમાણે સ્વામીજી મહારાજાની સાથે મહેલમાં ૨૧ દિવસ રહ્યા હતા.

મહારાણા વિકમાતજીનો જન્મ સવંત ૧૮૭૫માં થયેલો. સાત વર્ષની બાળ વયે તેમનો રાજ્યાભિષેક સંવત ૧૮૮૨માં થયેલો. તેમનાં માતા મહારાણી શ્રી રૂપાળીબા સાહેબ તે વખતે રાજતંત્ર ચલાવતાં. નેકદિલ મહારાણા વિકમાતજી પ્રજાવત્સલ અને વિદ્યાપ્રિય હતા. સાચું કહી દે તો અપરાધીને પણ ક્ષમા કરતા. તેમને હિન્દી ભાષા સારી ફાવતી હતી. ધાર્મિક સ્વભાવના હોવાથી પ્રાણીઓનો શિકાર કરતા નહિ. રાતે સૂતી વખતે પણ એક-બે નાનાં હથિયાર કમરમાં રાખતા. ગ્રામદેવતા શ્રી કેદારેશ્વર મહાદેવ, ભોજેશ્વર મહાદેવ અને છાયા ગામે પોતાનાં કુળદેવી વિંજવાસા (વિંધ્યવાસિની)નાં દર્શને નિત્ય બે વાર જતા. પોતાને ગાયન વિદ્યાનો શોખ હતો તેથી સારા ગવૈયાઓની કદર કરતા. તેમનો પુસ્તક ભંડાર ઘણો જ સમૃદ્ધ હતો. વનસ્પતિ-દવાઓને માનતા તેથી તેમને જડ્ડીબુટીઓ પ્રત્યે પ્રેમભાવ હતો. ચોવીસ અવતારોનું હસ્તલિખિત પુસ્તક પણ તેમણે જાળવી રાખેલું. તેમને ચાર દિવસ જૂની ખાટી છાશ રાત્રિ ભોજનમાં ઘણી પસંદ હતી. તેમનું અવસાન સંવત ૧૯૫૬ ચૈત્ર વદી પાંચમના રોજ થયું હતું.

સ્વામીજી જ્યારે પોરબંદર હતા ત્યારે એક મજેદાર ઘટના ઘટી. સ્વામીજીના ગુરુભાઈ સ્વામી ત્રિગુણાતીતાનંદજી તીર્થભ્રમણ કરતાં કરતાં પોરબંદર આવી પહોંચ્યા અને અન્ય સાધુઓની સાથે હાટકેશ્વર શિવમંદિરે રહેવા લાગ્યા. બધા સંન્યાસીઓ હિંગળાજ તીર્થનાં દર્શન કરવા માગતા હતા. પણ મુસાફરી અત્યંત કઠિન અને લાંબી હોવાથી તેઓએ કરાંચી સુધી સ્ટીમરમાં અને પછી ત્યાંથી હિંગળાજ ઊંટ પર બેસીને જવાનું વિચાર્યું પણ તેઓની પાસે પૈસા નહોતા. શું કરવું એની વિમાસણમાં પડ્યા હતા ત્યાં એક સાધુએ કહ્યું, ‘પોરબંદરના મહારાજાની સાથે એક વિદ્વાન પરમહંસ મહાત્મા નિવાસ કરી રહ્યા છે. તેઓ અંગ્રેજી સારું જાણે છે. સ્વામી ત્રિગુણાતીતાનંદ ત્યાં જાય અને તેમને મળે. કદાચ એ મહાત્મા મહારાજાને કહીને આપણને ખર્ચની વ્યવસ્થા કરાવી દે.’ ત્રિગુણાતીતાનંદજી ટોળાના આગેવાનરૂપે મહેલ તરફ જવા રવાના થયા. સ્વામીજી ત્યારે મહેલની છત પર લટાર મારી રહ્યા હતા. તેમણે સાધુઓને થોડે દૂરથી એ તરફ આવતા જોયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજીને આ ટોળામાં જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. પણ મોં પર ઉપેક્ષાના ભાવ સાથે તેઓ તેમને મળવા નીચે ગયા. સ્વામી ત્રિગુણાતીતાનંદજી આમ અચાનક પોતાના પ્રિય નેતાને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. પણ સ્વામીજીએ પોતાનો પીછો કરવા બદલ ઠપકો આપ્યો. સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ બચાવ કરતાં કહ્યું કે ‘મને લગીરેય અણસાર નહોતો કે આપ અહીં હશો અને હું તો ફક્ત હિંગળાજ જવા માટેનો ખર્ચ માગવા જ આવ્યો છું.’ સ્વામીજીએ પહેલાં તો તેમને સહાય કરવાનો ઇન્કાર કર્યો અને કહ્યું, ‘સંન્યાસીઓએ પૈસા ન માગવા જોઈએ અને આપમેળે જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ.’ સ્વામી ત્રિગુણાતીતાનંદજી ઉદાસ બનીને પાછા ફરી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ તેમને પાછા બોલાવ્યા. પોતાના પ્રિય ગુરુભાઈને આવી રીતે જાકારો કેમ આપી શકે? તેઓને જરૂરી સહાય આપી. આ પછી બંનેએ એકબીજા સાથે આનંદમાં થોડો સમય ગાળ્યો. વાતચીતના પ્રસંગમાં સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતાનંદજીને (જેમનું પૂર્વાશ્રમનું નામ સારદાપ્રસન્ન હતું) કહ્યું, ‘સારદા, મારા વિશે ગુરુદેવ જે કાંઈ કહેતા તે હવે હું થોડું થોડું સમજવા માંડ્યો છું. ખરેખર, હવે મને લાગે છે કે મારામાં એવી શક્તિ છે કે સમસ્ત જગતમાં ઊથલપાથલ મચાવી શકું.’

થોડી વાર પછી ત્રિગુણાતીતાનંદજી મહારાજે સ્વામીજી પાસેથી રજા લીધી. બીજે દિવસે પ્રાત: સમયે પોટલી બાંધી તેઓ અન્યત્ર ગમન કરવાનો સંકલ્પ કરી રહ્યા હતા. એટલામાં જ હાટકેશ્વરના મંદિરમાં સ્વામીજી પોતે તેની સામે આવીને ઊભા રહ્યા અને બળપૂર્વક તેમની પોટલી ઉપાડી લઈ તેમને પોતાની સાથે લઈ ગયા. ત્યાં દરબારગઢમાં બે દિવસ તેમને રાખ્યા.

તાજેતરમાં સ્વામીજીના પોરબંદરના નિવાસ વિશેની કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે. સ્વામીજી જ્યારે પોરબંદરમાં મહારાજા વિકમાતજી સાથે દરબારગઢમાં રહેતા ત્યારે મહારાજા તેમને રાજ્યની વિક્ટોરિયા ગાડીમાં પોરબંદરની આસપાસનાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાનો અને મંદિરોની મુલાકાત માટે મોકલતા. આ ગાડી ચલાવનાર શ્રી વીરમભાઇ લુંધાભાઈ મોઢવાડિયાએ પોતાના પુત્ર શ્રી સવદાસભાઈને સ્વામીજી વિશેની જે વાતો કરેલી તે બધી તેમણે એક જૂની નોટબુકમાં લખી રાખેલી, જેથી ભવિષ્યની પેઢીને કામ આવે. એક વાર તેમના પુત્ર શ્રી જીવાભાઈને આકસ્મિકરૂપે એક ચોપડીના કવરમાંથી આ નાનકડી નોટબુક પ્રાપ્ત થઈ, જેમાં લખ્યા પ્રમાણે સ્વામીજી પોરબંદરમાં શીતળા ચોક પાસે આવેલ મહેલમાં (દરબારગઢમાં) ૨૧ દિવસો રહ્યા હતા. દરબારગઢની પાછળના શીતળા ચોકમાં સ્વામીજી દરરોજ સાંજના ધાર્મિક પ્રવચન કરતા, તે સાંભળવા ૫૦ – ૧૦૦ માણસો ભેગા થતા, રાજ્યના માણસો તેમજ રાણીમા પણ સાંભળવા આવતાં.

૧૮ ઑક્ટોબર, ૧૮૯૧ના રોજ રાજા વિકમાતજીએ તેમને પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું અને બરડા ડુંગરની બે લાકડીઓ (ગેડિયા) ભેટ આપી હતી. તેમાંની એક લાકડી સ્વામીજીએ પોરબંદર જતી વખતે શ્રી વિરમભાઈ લુંધાભાઈને ભેટ આપી હતી. આ લાકડી તાજેતરના તેમના પૌત્ર શ્રી જીવાભાઈ મોઢવાડિયાએ રામકૃષ્ણ મિશન, પોરબંદરને ભેટ આપી છે, જે ભોજેશ્વર બંગલામાં સચવાયેલી છે. મહારાજાએ તેમને વિક્ટોરિયા ગાડીમાં બેસાડીને સન્માનપૂર્વક અનેક તીર્થસ્થાનોની યાત્રા કરાવી. ઘોડાગાડી હંકારનાર મેર વિરમ લુંધાના કથનાનુસાર સ્વામીજી વીંઝા ભગતના મંદિરે (મૂળ દ્વારકા), હર્ષદમાતાના મંદિરે, બીલેશ્વર મંદિરે, શિંગાડાના મઠે ગયા હતા. આ સિવાય રાણાવાવ, વડવાળા, કંડોરણા, દેગામ, બગવદર, ખાંભોદર, ઓડદર, ગોસા, છાયા, ગરેજ અને છેક માધવપુર સુધી ગયા હતા. ખીમેશ્વર મહાદેવના મંદિરે તેઓ કુછડી થઈ કાચા માર્ગે ગયા હતા.

૧ર ઑક્ટોબર, ૧૮૯૧, દશેરાને દિવસે સ્વામીજી પોરબંદર હતા. ખીજડી પૂજન અને દશેરાની સવારી જોઈ સ્વામીજી આભા બની ગયા હતા અને કહ્યું હતું કે આવું મેં ક્યારેય જોયું નથી. દશેરાના ઉત્સવ વખતે રાજા દ્વારા સમસ્ત પ્રજાને મીઠાઈ વહેંચવામાં આવી હતી, આ બધું જોઈને સ્વામીજી પ્રસન્ન થયા હતા.

શ્રી જીવાભાઈ મોઢવાડિયાના પિતાશ્રી સવદાસે પોતાના પિતાશ્રી પાસેથી સ્વામી વિવેકાનંદજી (સ્વામી સચ્ચિદાનંદજી) વિશેની જે વાતો એક નોટબુકમાં લખી રાખી હતી તેની પુષ્ટિ પોરબંદરના શ્રી લંકેશ્વર મંદિરમાં સચવાયેલા જૂના ચોપડાઓમાં તેમજ પોરબંદરના રાજ્યકાર્ય-સૂચિ-રજિસ્ટરનાં પાનાંમાં તેમજ પોરબંદરની મામલતદારની કચેરીના દસ્તાવેજોમાં મળે છે. થોડાં વર્ષો પૂર્વે પોરબંદરના દફતરખાનામાં આગ લાગી હતી, જેમાં અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો નાશ પામ્યા હતા. પોરબંદરનું રાજ્યકાર્ય-સૂચિનું રજિસ્ટર પણ નાશ પામ્યું હતું. તેનાં થોડાં અર્ધબળેલાં પાનાં શ્રી જીવાભાઈ મોઢવાડિયાને આકસ્મિકરૂપે પ્રાપ્ત થયેલાં, તેમાં સ્વામી વિવેકાનંદજીના પોરબંદર નિવાસની મહત્ત્વપૂર્ણ વાતો મળે છે. આ પાનાંમાં નીચેની વિગતો મળે છે :

તા. : ૧-૧૦-૧૮૯૧

પોર રાજના રાણા વીકમાતજી…. દરબારગઢ શીતલામાં મહારાજા ધરમ ચર્ચા કરવા માટે સવારે દશથી અગિયાર પ્રજા વચ્ચે રહેલા હતા.

– રાજ આચાર્યશ્રી

તા. ૫-૧૦-૧૮૯૧ના રોજ પોર રાજ્યમાં રાજ મહેમાન શ્રી સચીદાનંદજી મહારાજ પધારેલ. તેઓશ્રી પોર દરબારગઢના મેદાનમાં પોરની પ્રજા વચ્ચે ધરમનું ગીનાન આપતા હતા ત્થા પ્રજા રાજી થઈ હતી.

– પોર મુનીમ તથા રાજગોર ત્થા આચાર્યશ્રીની હાજરીમાં મહારાણા વીકમાતજીના ઘોડાગાડી હંકારનાર વીરમ લુધા મેરે શ્રી સચીદાનંદ મહારાજને પોરમાં ફેરવેલા.

તા. ૧૨ ત્થા ૧૩-૧૦-૧૮૯૧ના રોજ પોરબંદરના દસેરા રાજ્ય સવારીમાં સ્વામી સચીદાનંદ પોરબંદરની પરજા વચ્ચે રાજા વીકમાતજીની રાજસવારીમાં રાજાની સાથે બગીમાં બેઠેલા – શ્રી આચાર્ય ત્થા રાજગોર.. પોર મહારાજાએ શ્રી સ્વામી સચીદાનંદજીને એક દંડ.. ત્થા પોતાના હસ્તકથી પાઘડી પહેરાવી હતી..

તા. ૧૮-૧૦-૧૮૯૧ – રાજ મુનીમજી ત્થા…..ના હસ્તક

તા. ૨૦-૧૦-૧૮૯૧ના રોજ સ્વામી સચીદાનંદજી પોરના લંકેશ્વર મંદિરે દર્શન કરવા ગયેલા. રાજ્યપૂજારી શ્રી કાનગીરી મહંતે મઠમાં બેસીને ધર્મ ચર્ચા કરેલી હતી.

પોરબંદરમાં નિવાસ કરતી વખતે સ્વામીજીએ દરબારગઢની પાસે આવેલ હવેલીની મુલાકાત લીધી હતી અને અન્નકોટનો ઉત્સવ જોયો હતો, એવી બાતમી હવેલીના પૂજારી શ્રી અજય વૃજલાલ ઠાકરે આપી છે. તેમના કથનાનુસાર સ્વામીજી તા. ર-૧૧-૧૮૯૧ના રોજ સોમવાર કારતક સુદ એકમ એટલે નવા વર્ષને દિવસે હવેલીમાં અન્નકોટનો ઉત્સવ હતો ત્યારે દર્શન બંધ થવાના ૧પ મિનિટ પહેલાં પંડિત શંકર પાંડુરંગ સાથે મહારાણાની બગીમાં બેસીને આવેલા. અન્નકોટનાં દર્શન કરી સુખડીનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો, તત્કાલીન મુખિયાજી પાસેથી અન્નકોટનો મહિમા, સેવાપૂજાની વિગતો વગેરે સાંભળી હતી. જે પાટ પર સ્વામીજી બેઠા હતા, તે રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં સાચવીને રાખેલ છે.

મહારાજા વિકમાતજી સાથે સ્વામીજીને માયા બંધાઈ ગઈ હતી, વિશેષ તો બન્ને સંગીતના અજબ પ્રેમી અને પૂજારી હતા, તેમ છતાં બધી માયા ખંખેરીને સુદામાપુરીમાં સુદામા મંદિરનાં દર્શન કરીને સ્વામીજી દ્વારકા રવાના થયા હતા.

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.