સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે સ્થળોની મુલાકાત લઈ તેઓ નડિયાદ પહોંચ્યા અને જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના પરિવારજનો સાથે બે-ત્રણ દિવસ રહ્યા અને ત્યાંથી તેઓ વડોદરા આવ્યા. આ તેમનો ગુજરાત પ્રવાસનો અંતિમ પડાવ હતો. ત્યાંથી ત્રણ-ચાર દિવસ રોકાઈને તેઓ ૨૬મી એપ્રિલ, ૧૮૯૨ના રોજ મુંબઈ જવા રવાના થયા.

વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈ મહેતા (૧૮૪૪-૧૯૦૦)

વડોદરાના ત્યારના દીવાન શ્રી મણિલાલ જશભાઈ જૂનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના બાળગોઠિયા હતા. સ્વામીજી તેમના પરનો પરિચય પત્ર લઈ નડિયાદથી વડોદરા આવ્યા. અહીં તેઓ તેમની સાથે ‘દિલારામ’ બંગલામાં રહ્યા.

શ્રી મણિભાઈ જશભાઈને ઈ.સ. ૧૮૭૦માં જૂનાગઢના નવાબ સાહેબે રાજ્યના મુખ્ય ન્યાયાધીશના પદ પર આરૂઢ કર્યા હતા, ત્યારે તેમણે ન્યાયના ક્ષેત્રમાં અને પોલીસ વિભાગમાં અનેક સુધારાઓ દાખલ કર્યા હતા. ઈ.સ. ૧૮૭૫માં વડોદરામાં જાહેર દરબારમાં તેમને ‘રાવ બહાદુર’નું ટાઈટલ આપવામાં આવ્યું હતું અને એ સાથે એક મેડલ તેમજ એક સોનેરી ઘડિયાળ પણ આપવામાં આવી હતી. મે, ૧૮૭૬માં કચ્છના મહારાવ પ્રાગમલજીની ઉત્કટ ઇચ્છાને માન આપી તેઓ કચ્છના દીવાનપદે આરૂઢ થયા હતા, ત્યારે તેમણે શિક્ષણના ક્ષેત્રમાં, સેનિટેશનના ક્ષેત્રમાં, રેવન્યુ વિભાગમાં અને અન્ય વિભાગોમાં અનેક સુધારાઓ લાવીને ખૂબ પ્રશંસા મેળવી હતી. ઈ.સ. ૧૮૮૪-૮૫માં જ્યારે તેઓ કચ્છના દીવાન હતા ત્યારે ભારત સરકાર તરફથી તેમને દીવાન બહાદુરનું ટાઈટલ તેમજ એક મેડલ અને રૂપિયા ૭૫,૦૦૦ (પંચોતેર હજાર)ની ભેટ મળી હતી.

તેમને દીવાનરૂપે મેળવવા માટે જાણે કે રાજ્યોમાં હરિફાઈ થતી. તે વખતના સૌથી મોટા રાજ્યના વડોદરાના દીવાન રૂપે તેમની નિમણૂક વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે મે, ૧૮૯૦માં કરી ત્યાર પછી અહીં પણ તેમણે અનેક સુધારાઓ દાખલ કર્યા હતા. તેઓ એક કુશળ વહીવટદારરૂપે સાફલ્યને વર્યા હતા, તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક રચનાઓનું સર્જન કરી વિશેષ પ્રશંસાના પાત્ર બન્યા હતા. વડોદરામાં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરવામાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ વડોદરામાં ૧૮૯૦થી ૧૮૯૫ સુધી દીવાનપદે હતા. આ દરમિયાન બરોડા સ્ટેટમાં ૪૪૪ શાળાઓ વધીને ૧૩૮૨ થઈ ગઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા ૪૪,૦૩૪થી વધીને ૯૦,૮૦૨ થઈ ગઈ. શિક્ષણના ક્ષેત્રમાં તેમનું કચ્છ અને બરોડા સ્ટેટમાં અદ્‌ભુત પ્રદાન હતું.

આવી કુશળ વહીવટદાર, ગુણવાન, ચરિત્રવાન, પવિત્ર મહાન વ્યક્તિ સાથે સ્વામી વિવેકાનંદજીની મિત્રતા થઈ જાય એ સ્વાભાવિક છે. દીવાન બહાદુર મણિભાઈ જશભાઈ ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા દિલારામ બંગલામાં રહેતા હતા. સ્વામીજીને તેમણે પોતાની સાથે જ રાખ્યા અને તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો.

સ્વામીજીએ વડોદરાથી જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના લખેલ પત્ર પરથી લાગે છે કે તેઓ માત્ર થોડા દિવસો વડોદરા રોકાઈને મુંબઈ જવા માટે રવાના થયા. આ પત્રમાં અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી પણ આપણને મળે છે. તેમણે લખ્યું:

‘નડિયાદ સ્ટેશને પહોંચ્યા પછી આપના ઘરને શોધવામાં મને કોઈ મુશ્કેલી નહોતી પડી. અને આપના ભાઈઓ તો તેવા જ છે જેવા હોવા જોઈએ – આપના જ ભાઈઓ – પ્રભુના આપના પર અને આપના પરિવાર પર વિશેષ આશીર્વાદ વરસો. મેં આવો ઉમદા પરિવાર મારા સમસ્ત ભ્રમણમાં ક્યાંય જોયો નથી. આપના મિત્ર મણિભાઈએ (વડોદરામાં) મને બધી સવલતો પૂરી પાડી છે. પણ જ્યાં સુધી તેની સાથેના મેળાપનો પ્રશ્ન છે – મેં તેમને ફક્ત બે વાર જોયા છે. એક વાર એક મિનિટ માટે અને બીજી વાર દશ મિનિટ માટે, જ્યારે તેમણે અહીંની શિક્ષણ પદ્ધતિ વિશે વાતચીત કરી. અલબત્ત, મેં અહીંની લાયબ્રેરી અને રવિ વર્માનાં ચિત્રો જોયાં છે અને એ જ અહીં જોવા યોગ્ય છે એટલે આજે સાંજે હું મુંબઈ જવા માટે રવાના થાઉં છું.’

તા.ક.માં સ્વામીજી ઉમેરે છે : ‘નડિયાદમાં હું શ્રી મણિલાલ નભુભાઈને મળ્યો. તેઓ બહુ વિદ્વાન અને ધાર્મિક સદ્‌ગૃહસ્થ છે. તેમની સાથે મને મજા આવી.’

સ્વામી વિવેકાનંદ અને સર સયાજી રાવ ગાયકવાડ

સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તામાં. આ જ વર્ષે ઠીક બે મહિના પછી ૧૧મી માર્ચ, ૧૮૬૩ના રોજ વડોદરાથી લગભગ ૩૦૦ માઈલ દૂર એક નાના ગામમાં (કવલણમાં) જન્મ થયો એક સાધારણ ખેડૂત કાશીરાવ ગાયકવાડના પરિવારમાં એક બાળકનો, જેનું નામ રાખવામાં આવ્યું ગોપાળરાવ. ૧૨ વર્ષની ઉંમરે તેને બીજાં બે બાળકો સાથે વડોદરા લાવવામાં આવ્યો, કારણ કે મહારાજા ખંડેરાવના મૃત્યુ પછી મહારાણી જમનાબાઈ ત્રણમાંથી એકને દત્તક લેવા માગતાં હતાં, વડોદરાના મહારાજાના ઉત્તરાધિકારી બનાવવા. એ વાત સુપ્રસિદ્ધ છે કે ત્રણમાંથી માત્ર ગોપાળરાવે જ “તમને શા માટે અહીં લાવવામાં આવ્યા છે, જાણો છો?” આ પ્રશ્નનો નીડરતાપૂર્વક ઉત્તર આપ્યો હતો – ‘રાજ કરવા’. અને તેને રાજગાદી પર આસીન કરવામાં આવ્યો ઈ.સ. ૧૮૭૫માં. ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ સાધારણ દેખાતો બાળક અસાધારણ નેતૃત્વ, કુશળતા અને સુશાસનનો પરિચય આપશે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ના નામથી ઇતિહાસમાં અમર થઈ જશે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ. આપણી બધી સમસ્યાઓનું એક માત્ર સમાધાન છે – શિક્ષણ.’ આપણે આજે ભારતની સ્વાધીનતાનાં ૭૯ વર્ષો પછી પણ ‘સર્વશિક્ષણ અભિયાન’નો અમલ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ અને વિશ્વમાં સૌથી વધુ નિરક્ષર વ્યક્તિઓવાળા દેશ તરીકેનું કલંક ભૂંસવામાં અસમર્થ થઈ રહ્યા છીએ ત્યારે જાણીને આશ્ચર્ય થાય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં ફરજિયાત અને નિ:શુલ્ક કેળવણીનો સફળ પ્રયોગ વર્ષો અગાઉ કરી લીધો હતો. એ જમાનામાં એવું હિંમતપૂર્વક પગલું લીધું હતું કે જે વાલીઓ તેમનાં બાળકોને નિ:શુલ્ક શાળામાં ભણવા ન મોકલે તેમને દંડ દેવો પડતો! એ જમાનામાં તેમણે દરેક ગામડામાં પુસ્તકાલયનો પ્રારંભ કર્યો. કન્યા કેળવણી અને પ્રૌઢ શિક્ષણ માટે તેમણે અથાક પ્રયત્નો કર્યા. દરેક ક્ષેત્રમાં તેમણે અદ્‌ભુત પ્રગતિ સાધી, એટલા બધા સુધારાઓ તેમણે દાખલ કર્યા કે લોર્ડ ચેમ્સફર્ડને કહેવું પડ્યું, ‘પ્રગતિના કે ઉન્નતિના નવા પથને પ્રમાણવામાં અને એને અમલમાં મૂકવાની બાબતમાં વડોદરા રાજ્યે જે કર્યું છે તેના નિરીક્ષણ પરથી એટલો ખ્યાલ આવે છે કે બ્રિટિશ ઇન્ડિયામાંથી આપણે ઘણું બધું શીખવાનું છે.’

ઈ.સ. ૧૮૮૭માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુરોપની યાત્રા કરી ત્યારે બ્રિટનનાં મહારાણીએ તેમને જી.સી.એસ.આઈ.ની પદવીથી નવાજ્યા હતા. ૧૮૯૭માં પ્રકાશિત ગ્રંથ ‘ધ રિપ્રેઝન્ટેટિવ મેન ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી’માં જોન હ્યુસ્ટન પ્રસ્તાવનામાં લખે છે, ‘પશ્ચિમ પ્રેસિડેન્સીના શાસકોમાં સૌથી મોખરે છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને એ વાત કહેવી પડે કે સંપૂર્ણ અંગ્રેજ પ્રજા ખરેખર એમના માટે ગૌરવ અનુભવે છે.’

સ્વામી વિવેકાનંદજીએ ભારતવાસીઓને, વિશેષ કરીને દેશના શાસકોને માતૃભૂમિ પ્રત્યે દેશભક્તિની ભાવના કેળવવાનું અને ભારતવાસીરૂપે ગૌરવ અનુભવવાનું આહ્વાન કર્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દેશભક્તિની ભાવનાથી રંગાયેલા હતા. તેઓ આડકતરી રીતે કેટલાય ક્રાંતિકારીઓને અને સ્વાધીનતા આંદોલનકારીઓને સહાય કરતા, તેમ છતાં બ્રિટિશ સરકાર પાસેથી પોતાની વફાદારીનું સર્ટિફિકેટ મેળવી શક્યા હતા, તે તેમની ગજબની કુનેહનું પરિણામ છે.

ઈ.સ. ૧૯૧૧માં વાઈસરોયે જ્યોર્જ પંચમના સન્માન માટે એક ભવ્ય દરબારનું આયોજન કર્યું ત્યારે બધા મહારાજાઓની સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડને પણ નિમંત્રણ મળ્યું હતું. તેઓ ગયા પણ સાદા પોશાકમાં, રાજાને નમન કરી પાછળ કદમ રાખવાને બદલે પીઠ દેખાડી પાછા ફર્યા. બ્રિટિશ ઓફિસરો આ અપમાનથી ધૂંઆપૂંઆ થઈ ગયા. પાછળથી તેઓએ મહારાજા સયાજીરાવ પાસેથી ભલે લેખિત માફીપત્ર મેળવ્યો પણ જે નુકસાન થવાનું હતું તે તો થઈ જ ગયું હતું!

લોર્ડ કર્ઝનની વાઈસરોયની ટર્મ પૂરી થઈ ગઈ, એ પછી તેઓ ઇંગ્લેન્ડ જવા રવાના થયા ત્યારે કેટલાય મહારાજાઓ તેમને વિદાય દેવા મુંબઈ સુધી ગયા, પણ મહારાજા સયાજીરાવ ન ગયા. એટલું જ નહીં, તેમણે ટીખળપૂર્વક એક તાર મોકલ્યો, ‘શુભયાત્રા, આશા રાખું છું કે ભારતને તમારા જેવો (ખરાબ) વાઈસરોય હવે ન મળે.’

આવા હિંમતવાન, દેશભક્તિની ભાવનાથી રંગાયેલા સર્વગુણસંપન્ન, અત્યંત કુશળ એવા મહારાજા વિશે જાણીને સ્વામી વિવેકાનંદજી કેટલા પ્રસન્ન થયા હશે તેની કલ્પના જ કરવી રહી.

સ્વામી વિવેકાનંદજીએ ત્રિવેન્દ્રમમાં પ્રિન્સ માર્તંડ વર્માને કહ્યું હતું કે તેઓ જેટલા હિંદુ રાજાઓને મળ્યા હતા તેમાં વડોદરાના મહારાજા ગાયકવાડની ક્ષમતા, દેશપ્રેમ, ઉત્સાહ અને દૂરદર્શિતાથી સૌથી વધારે પ્રભાવિત થયા હતા. (Reminiscences of Swami Vivekananda, pp.૨૩૦, Pub. Advaita Ashrama, Kolkata)

ઉચ્ચ શિક્ષણ વિભાગ, મહારાષ્ટ્ર શાસન દ્વારા ઈ.સ. ૨૦૨૪માં મરાઠીમાં પ્રકાશિત ડૉ. રાજેન્દ્ર મગર દ્વારા લિખિત ‘મહારાજા સયાજીરાવ કાલપટ’ પ્રમાણે મહારાજા ૩૦ માર્ચથી ૧ મે સુધી લોનાવાલા ગયા હતા. આ પરથી એમ લાગે છે કે કદાચ સ્વામીજી સયાજીરાવ ગાયકવાડને વડોદરામાં નહિ પણ અન્ય કોઈ સ્થળે મળ્યા હશે.

પછીથી સ્વામી વિવેકાનંદજીના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદજીને ઈ.સ. ૧૯૦૧માં દિલ્હીમાં સર સયાજીરાવ મળ્યા ત્યારે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમનો સ્વામી વિવેકાનંદજી અને શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેનો આદરભાવ વધી ગયો. તેમણે સ્વામી વિવેકાનંદજીને વેદાંતના પ્રચાર માટે વડોદરા આવવા માટે ભાવભીનું નિમંત્રણ આપ્યું. સ્વામીજીએ સ્વામી સ્વરૂપાનંદજી પાસેથી આ વાત જાણી તેમને તા. ૧૫ મે, ૧૯૦૧ના પત્રમાં લખ્યું: ‘પ્રિય સ્વરૂપ, નૈનિતાલથી તમારો લખેલ પત્ર ખરેખર ખૂબ જ ઉત્સાહપૂર્વક છે…. જો વડોદરાના મહારાજાને મળવાથી ખરેખર કંઈક શુભફળ મળવાની શક્યતા હોય તો હું વડોદરા આવવા તૈયાર છું.’ ત્યારે સ્વામીજી તાજેતરમાં જ બાંગ્લાદેશ અને આસામની યાત્રા કરી કલકત્તા પાછા ફર્યા હતા અને અત્યંત થાકેલા હતા. તેમનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું. તેમ છતાં તેમણે વડોદરા આવવાની તૈયારી બતાવી હતી તે એ વાતનું પ્રમાણ છે કે સ્વામીજી પણ વડોદરાના મહારાજા પ્રત્યે સ્નેહ અને સન્માનની લાગણી ધરાવતા હતા. જો કે તેઓ વડોદરા ન આવી શક્યા કારણ કે તેમનું સ્વાસ્થ્ય કથળી ગયું અને ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ તેમણે મહાસમાધિ લીધી.

મહારાજા પોતાના દીવાનો કે બીજા અધિકારીઓની પસંદગી બહુ કુનેહથી કરતા, તેઓ ઘણો પ્રવાસ કરતા અને વિદેશી કેળવણીની ગુણવત્તાની પ્રશંસા પણ કરતા. ૧૮૯૨ના ડિસેમ્બરમાં મહારાજા લંડન ગયા હતા. આ પ્રસંગે મહારાજા અને મહારાણીનું મહારાણી વિક્ટોરિયાએ વિંડસરમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આઈ.સી.એસ.ની પરીક્ષામાં ૧૧મા ક્રમે રહીને સફળ થનાર શ્રી અરવિંદ ઘોષ (મહર્ષિ અરવિંદ)ને ઘોડેસવારીની પરીક્ષામાં નિષ્ફળ જતાં તેમને નોકરીમાં લેવામાં ન આવ્યા, એ હકીકત સાંભળીને મહારાજાએ એમને તરત જ બરોડા સિવિલ સર્વિસમાં રાખી લીધા. પાછળથી શ્રી અરવિંદ અને એમના ભાઈ બારિન ક્રાંતિકારીઓની રાષ્ટ્રિય ચળવળમાં જોડાયા. બ્રિટિશ સરકાર પ્રથમથી જ મહારાજાને શંકાની નજરે જોતી હતી. એમાં આને લીધે વધારો થયો. મહારાજાને આ સ્વતંત્રતાવીરો પ્રત્યે સહાનુભૂતિ રાખનાર વ્યક્તિ તરીકે લોકો ગણતા. પોતાના શાણપણથી તેઓ આ સૂડી વચ્ચે સોપારી જેવી અવસ્થામાંથી સલામત માર્ગ શોધી કાઢતા. આ જ શાણપણથી એમણે રાષ્ટ્રિય ભાવનાના રંગે રંગાયેલા અને નિવૃત્ત આઈ.સી.એસ. અધિકારી શ્રી રમેશચંદ્ર દત્તને દીવાન તરીકે નિમ્યા હતા.

સ્વામી વિવેકાનંદજીની મહાસમાધિ પછી ૨૦ ઓક્ટોબર, ૧૯૦૨ના રોજ ભગિની નિવેદિતા મહારાષ્ટ્રના નાગપુર, વર્ધા અને અમરાવતીમાં પોતાનાં પ્રેરક વ્યાખ્યાનો આપીને વડોદરાના મહારાજાને મળ્યાં હતાં અને દેશની સમસ્યાઓ વિશે ઘણી ચર્ચા કરી હતી. તેઓ અહીં અરવિંદ ઘોષને પણ મળ્યાં હતાં. વડોદરામાં એમણે ત્રણ દિવસ સુધી વિવિધ સ્થળે વ્યાખ્યાનો આપ્યાં હતાં.

મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૨૭થી વધુ દેશોનો પ્રવાસ કરીને વડોદરાના સર્વાંગી વિકાસ માટે પશ્ચિમી દેશોના શ્રેષ્ઠ મોડલ્સને અમલી બનાવ્યા. તા. ૬ ફેબ્રુઆરી, ૧૯૩૯ના રોજ તેમનું નિધન થયું, પણ તેમણે કરેલાં અગણિત વિકાસ કાર્યોને લીધે તેઓ અમર થઈ ગયા. વડોદરા રાજ્યના નવનિર્માતા અને ગુજરાતમાં અર્વાચીન સાંસ્કૃતિક નવોત્થાનના આદ્યસર્જક તથા સામાજિક, રાજકીય અને રાષ્ટ્રિય ચેતનાના અગ્રેસર તરીકે ભારતીય ઇતિહાસમાં તેમનું સ્થાન ચિરસ્મરણીય છે.

મહારાણી ચિમનાબાઈ દ્વિતીય (૧૮૭૨–૧૯૫૮)

સ્વામી વિવેકાનંદજીએ મિસ મેક્લાઉડને બેલુર મઠથી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૧ના રોજ પત્રમાં લખ્યું હતું, ‘મને આશા છે કે તમે વડોદરા જશો અને મહારાણીને મળશો.’ આ પરથી લાગે છે કે તેઓ મહારાણી સાહેબાથી પણ પ્રભાવિત થયા હતા.

મહારાણી સાહેબા ઓગસ્ટ, ૧૯૨૨માં કાશ્મીરમાં હતાં ત્યારે ત્યાં તેમની મુલાકાત સ્વામી વિવેકાનંદજીના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી મહારાજ સાથે થઈ હતી. તેમને તેઓ અગાઉથી ઓળખતાં હતાં, કારણ કે જ્યારે તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે ૧૯૦૬માં અમેરિકા ગયાં હતાં ત્યારે તેઓએ વેદાંત સોસાયટી ઓફ ન્યુ યોર્કની મુલાકાત લીધી હતી. એ વખતે સ્વામી અભેદાનંદજીએ બંનેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

મહારાણી સાહેબા કાશ્મીરમાં કાશ્મીરના મહારાજાના ‘સ્ટેટ ગેસ્ટ’ રૂપે તેમના ચશ્મશાહી બગીચામાં રહેતાં હતાં. તેમણે સ્વામી અભેદાનંદજીને મળવા આવવા માટે કાર મોકલાવી. મુલાકાત દરમિયાન તેમણે સ્વામી અભેદાનંદજી મહારાજને વડોદરા આવીને કન્યાશાળાનો પ્રારંભ કરવાની વિનંતી કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ એ માટે આર્થિક સહાય કરશે. આમ, મહારાણી સાહેબા શિક્ષણ અને અધ્યાત્મને સમર્પિત હતાં.

૨૩ ઓગસ્ટ, ૧૮૭૨ના રોજ દેવાસ (સીનિયર)ના શ્રીમંત સરદાર બાજીરાવ અમૃતરાવ ઘાટગે સરજેરાવની પુત્રી તરીકે ગજરાબાઈ ઘાટગેનો જન્મ થયો હતો. ૧૮૮૫માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય સાથે લગ્ન થયા પછી તેમનું નામ ચિમનાબાઈ દ્વિતીય રાખવામાં આવ્યું.

તેમણે અનેક સંસ્થાઓ અને સંગઠનોની સ્થાપના કરી. તેમાં મુખ્યત્વે સયાજી બાગ ખાતે મહારાણી ચિમનાબાઈ લેડીઝ ક્લબ (૧૯૧૨), મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ (૧૯૧૧), મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વ્યાવસાયિક તાલીમ આપતું મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (૧૯૧૪) અને ચિમનાબાઈ મહિલા પાઠશાળાનો સમાવેશ થાય છે, જે પછીથી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પરિવર્તિત થઈ. આ સંસ્થાઓ આજ સુધી કાર્યરત છે અને તેમાંની કેટલીક હાલના રાજપરિવારના સભ્યો દ્વારા સંચાલિત થાય છે.

મહિલાઓની ઉન્નતિમાં તેમના અગત્યના યોગદાનને કારણે ૧૯૨૭માં તેમને સર્વાનુમતે ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સનાં પ્રથમ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં.

તેમના પતિની પ્રગતિશીલ વિચારધારા અને સમર્થન સાથે, ૧૯૧૪માં ન્યાય મંદિર ખાતે તેઓ પર્દાપ્રથાનો ત્યાગ કરીને જાહેરમાં ઉપસ્થિત રહ્યાં, જે વડોદરામાં પર્દાપ્રથાના અંતનું પ્રતીક બન્યું. તેઓ મહારાજા સાથે એક જ સોફા પર બેઠાં, જે સ્ત્રી-પુરુષ સમાનતાનું પ્રતીક હતું.

મહારાજા સયાજીરાવ તૃતીયે પોતાના લેખમાં (The Nineteenth Century જર્નલમાં) લખ્યું છે કે રાજ્યની પ્રજાને સ્ત્રીઓનું શિક્ષણ અને ઉન્નતિ માટે પ્રોત્સાહિત કરવાની પ્રેરણા તેમને મહારાણીના પ્રભાવથી જ મળી હતી.

તેમને નીચેનાં પદકો પ્રાપ્ત થયાં હતાં:

o  જ્યોર્જ V સિલ્વર જ્યુબિલી પદક (૧૯૩૫)

o  જ્યોર્જ VI કોરોનેશન પદક (૧૯૩૭)

o  બરોડા ગોલ્ડન જ્યુબિલી પદક (૧૯૨૬)

o  ડાયમંડ જ્યુબિલી પદક (૧૯૩૬)

o  એક્સેશન પદક (૧૯૩૯)

મહારાણી ચિમનાબાઈ દ્વિતીયે બરોડા રાજ્યમાં મહિલાઓની સ્થિતિ ઉન્નત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની દૃષ્ટિ અને અવિરત પ્રયત્નોએ સમાજ પર લાંબા સમય સુધી રહે તેવી ગાઢ અસર કરી અને સમુદાયમાં એક અવિસ્મરણીય વારસો આપ્યો.

લાયબ્રેરી

સ્વામી વિવકાનંદજીએ ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના પત્રમાં લખ્યું હતું કે એમણે વડોદરામાં લાયબ્રેરી અને રવિ વર્માનાં ચિત્રોનું પ્રદર્શન જોયાં હતાં. આ લાયબ્રેરી આજે પણ હયાત છે, એટલું જ નહીં, જે બિલ્ડિંગ સ્વામીજીએ જોઈ હતી તે પણ હયાત છે. આ લાયબ્રેરીનું વર્તમાન નામ ‘શ્રી જયસિંહ રાવ સાર્વજનિક વાંચનાલય’ છે અને વડોદરાના રાવપુરામાં કોઠી કચેરીની સામે અવસ્થિત છે. તેનો પ્રારંભ ૧ માર્ચ, ૧૮૭૭ના શુભ દિવસે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના વરદ હસ્તે થયો હતો, તેનું નામ ‘સ્ટેટ લાયબ્રેરી’ રાખવામાં આવ્યું હતું. તે વખતના વર્નાક્યુલર કોલેજ ઓફ સાયન્સના મકાનમાં બે રૂમ આ વાંચનાલય માટે ફાળવવામાં આવ્યા હતા. ૧૮૮૨માં વર્તમાન મકાન બાંધવામાં આવ્યું હતું. ત્યારથી લાયબ્રેરી અહીં જ અવસ્થિત છે. ૧૯૨૨માં ગાયકવાડ સરકાર તરફથી સેન્ટ્રલ લાયબ્રેરીનો પ્રારંભ થયો. આ પછી ૯ માર્ચ, ૧૯૨૪ના રોજ આ લાયબ્રેરીનું નામ ‘શ્રી જયસિંહ રાવ સાર્વજનિક વાંચનાલય’ રાખવામાં આવ્યું.

રાજા રવિ વર્મા (૧૮૪૮ – ૧૯૦૬)

સ્વામી વિવેકાનંદજી જ્યારે વડોદરામાં નિવાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે રવિ વર્માનાં ચિત્રો જોયાં હતાં. ૧૮૯૨માં રવિ વર્માનાં ચિત્રો લક્ષ્મીવિલાસ પેલેસમાં કોઈ એક સ્થળે રાખવામાં આવ્યાં હતાં. ૧૯૬૧માં એ ચિત્રો લક્ષ્મીવિલાસ પેલેસના ફતેસિંહ મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યાં. વર્તમાનમાં પણ ત્યાં જ જોઈ શકાય છે.

ત્રિવેન્દ્રમથી ૧૯૬૪માં તેમના વિશે પ્રકાશિત થયેલ પુસ્તકમાં ડૉ. માર્તંડ વર્માના કથનાનુસાર સ્વામી વિવેકાનંદજી શિકાગો માટે ૩૧ મે, ૧૮૯૩ના રોજ પ્રસ્થાન કરતાં પહેલાં મુંબઈમાં તેમનો સ્ટુડિયો જોવા ગયા હતા. આ વર્ણન પ્રમાણે સ્વામીજીએ રાજાના નિવાસસ્થાને ભોજનનું આમંત્રણ પણ સ્વીકાર્યું હતું. રવિ વર્માનો રસોઇયો ચેતુ અયન જીવનના અંત સુધી ગર્વથી કહેતો હતો કે ‘આ જ બે હાથથી બનાવેલું ભોજન મેં સ્વામીજીને પીરસ્યું હતું.’

રાજા રવિ વર્મા નો જન્મ ૨૯ એપ્રિલ ૧૮૪૮ના રોજ કિલીમનોર, કેરળમાં થયો હતો. તેઓ ત્રાવણકોરના રાજવી પરિવારના સભ્ય હતા અને નાની ઉંમરથી જ ચિત્રકલામાં રસ દાખવ્યો હતો. રવિ વર્માને રામા સ્વામી નાયડુ અને થિયોડોર જેન્સન જેવા ગુરુઓ પાસેથી ચિત્રકલાની તાલીમ મળી. તેમણે યુરોપીયન ચિત્રકલા શૈલીને ભારતીય વિષયો સાથે જોડીને એક નવી શૈલી રચી.

૧૮૭૩માં વિયેના પ્રદર્શનમાં અને ૧૮૯૩માં શિકાગો વર્લ્ડ્સ કોલંબિયન એક્સપોઝિશનમાં તેમનાં ચિત્રોને પુરસ્કાર મળ્યા. તેમનાં ચિત્રો હિંદુ દેવી-દેવતાઓ, ઐતિહાસિક અને પૌરાણિક વિષયો પર આધારિત હતાં. રાજા રવિ વર્માએ મુંબઈ અને લોનાવાલામાં લિથોગ્રાફિક પ્રેસ સ્થાપીને પોતાનાં ચિત્રોના ઓલિઓગ્રાફ્સ બનાવ્યા, જેનાથી સામાન્ય લોકો સુધી તેમની કલા પહોંચી. રાજા રવિ વર્માને ચિત્રકલાના પિતામહ ગણવામાં આવે છે. તેમની કલા ભારતીય સંસ્કૃતિ પર ઊંડી અસર મૂકી ગઈ. ૨ ઓક્ટોબર, ૧૯૦૬ના રોજ તેમનું અવસાન થયું.

લક્ષ્મીવિલાસ મહેલ

લક્ષ્મીવિલાસ મહેલ, વડોદરા એ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો એક ઐતિહાસિક મહેલ છે, જેની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ૧૮૯૦માં કરી હતી. આ મહેલનું નિર્માણ બ્રિટિશ આર્કિટેક્ટ ચાર્લ્સ મન્ટ દ્વારા ઇન્ડો-સારાસેનિક શૈલીમાં કરવામાં આવ્યું હતું.

૫૦૦ એકરના કેમ્પસમાં અવસ્થિત આ મહેલ બકિંગહામ પેલેસ કરતાં મોટો છે. મહેલમાં ૧૭૦ ઓરડાઓ છે, જેમાં દરબાર હૉલ, હાથી હૉલ, અને અન્ય ઘણા ઓરડાઓનો સમાવેશ થાય છે. મહેલની બહારની બાજુએ સોનેરી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સોનેરી ચમકે છે. મહેલમાં વેનેશિયન મોઝેઇક ફ્લોર, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ, અને અન્ય ઘણી કળાકૃતિઓનો સમાવેશ થાય છે.

મહેલનું નિર્માણ ૧૮૭૮માં શરૂ થયું હતું અને ૧૮૯૦માં ૧,૮૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે પૂર્ણ થયું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ મહેલને પરિવારનું નિવાસસ્થાન બનાવ્યો હતો. વર્તમાનમાં પણ એ ગાયકવાડ પરિવારનું નિવાસસ્થાન છે. આ ઉપરાંત ત્યાં મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ, બરોડા ગોલ્ફ ક્લબ, મોતીબાગ, ક્રિકેટ ગ્રાઉન્ડ, દરબાર હૉલ, પ્રતાપ શસ્ત્રાગાર વગેરે દર્શનીય છે.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.