આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ સમય છે. જે ચિંતન અને વિભાવના તેમણે પ્રસ્તુત કર્યાં હતાં તે અત્યારે વિશેષ પ્રાસંગિક છે. આ માટે હું એક-બે ઉદાહરણો ટાંકીશ.
આપણા બંધારણમાં જોગવાઈ કરાઈ હોવા છતાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની સિદ્ધિ હાંસલ કરાઈ ન હતી. અને ભારત સરકાર આ બાબતે ગંભીરપણે વિચારી રહી હતી. આ માટે ભારત સરકારે એક અભ્યાસજૂથ વિદેશ મોકલ્યું હતું અને તત્પશ્ચાત્ તે જૂથે આપણી વર્તમાન શિક્ષણપદ્ધતિમાં કઈ ક્ષતિઓ છે તેનો અહેવાલ તૈયાર કર્યો હતો.
તેઓએ જે તારણો કાઢ્યાં હતાં, તેના આધારે આ નવી યોજના તૈયાર થઈ હતી. અહેવાલમાં જણાવાયું હતું કે ખાસ તો સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણમાં સફળતા મેળવી શકાઈ ન હતી, તેનું કારણ એ હતું કે ગ્રામ્ય બાળકો આર્થિક રીતે દરિદ્ર પરિવારોમાંથી આવતાં હોવાથી તેઓને આર્થિક ઉપાર્જન માટે અન્યત્ર જવું પડતું અને તેથી શાળામાં આવતાં ન હતાં. તેથી આ નવી શિક્ષણપદ્ધતિની પરિકલ્પના કરાઈ છે, જેમાં શિક્ષણ આમજનતાના દ્વાર પર જશે અને જે બાળકો શાળાએ જતાં નથી તેમના ગૃહદ્વારે જશે.
આવાં બાળકો જ્યાં પણ કામ કરતાં હશે ત્યાં તેમને શિક્ષણ અપાશે. ‘Education for all—સર્વજન શિક્ષણ’ અંગે વિવિધ રાષ્ટ્રોએ અધિવેશન યોજ્યાં હતાં અને તેમાં સૌએ એ જ વિચાર પ્રગટ કર્યો કે શિક્ષણે આમજનતા પાસે જવું. જો આમજનતા શિક્ષણ મેળવવા શિક્ષણસંસ્થામાં આવી શકતી ન હોય તો શિક્ષણે આમજનતા સન્મુખ જવું જ જોઈએ. અહેવાલનો આ નિષ્કર્ષ હતો. આશ્ચર્યની વાત છે કે આ જ વાત સ્વામી વિવેકાનંદજીએ આજથી ૧૩૧ વર્ષ પહેલાં કરી હતી. સ્વામી વિવેકાનંદે ૧૮૯૪માં જુનાગઢના દીવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈને પત્રમાં લખ્યું છે:
‘ધારી લઈએ કે આપણે દરેક ગામડામાં મફત શિક્ષણ આપતી નિશાળો ઉઘાડી શકીએ; તોપણ ગરીબ વિદ્યાર્થીઓ તમારી શાળાઓમાં આવવાને બદલે રોજી કમાવા, ખેતી કરવા જ જશે. આપણી પાસે નથી પૈસા, તેમજ કેળવણી લેવા આવવાની આપણે તેમને ફરજ પાડી શકીએ એમ પણ નથી. આમ પ્રશ્ન તદ્દન આશા વિનાનો દેખાય છે. પણ આ અશક્ય દેખાતા પ્રશ્નને શક્ય બનાવવાનો માર્ગ મેં શોધ્યો છે, તે આ છે. જો પર્વત પ્રેમજી પાસે ન જાય તો પ્રેમજીએ પર્વત પાસે જવું. જો ગરીબો ભણવા ન આવી શકે તો આપણે તે ગરીબ લોકો પાસે તેમના ખેતરમાં, કારખાનામાં અને દરેક સ્થળે ભણતર પહોંચાડવું જોઈએ.’
NCERT દ્વારા તૈયાર કરાયેલ CAPE કાર્યક્રમ મૂળભૂત રીતે આ વિચારધારાના આધારે પરિકલ્પિત થયેલો છે.
હું જ્યારે રાંચીમાં હતો ત્યારે થોડાં વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રિય વિકાસ સંસ્થાનના એક ઉચ્ચ પદાધિકારી મારી સાથે વાતચીત કરી રહ્યા હતા. ગ્રામ્યવિકાસ અર્થે રાંચીના એક ગામને વર્લ્ડ બેંકે લાખો રૂપિયા આપ્યા હતા. બે વર્ષ પછી પ્રકલ્પ પૂર્ણ થતાં પરિણામ એ આવ્યું હતું કે ગામનો કંઈ જ વિકાસ થયો ન હતો, સિવાય કે બે વ્યક્તિએ લાભ મેળવી લીધો હતો. એક હતા શાહુકાર કે જેમણે બે માળનું મકાન બનાવી લીધું હતું. બીજા હતા દારૂની દુકાનના માલિક, કે જેમણે આ પ્રકલ્પમાંથી અઢળક નાણાં મેળવ્યાં હતાં અને આ પ્રકલ્પના થોડાક મધ્યસ્થીઓને તેનો લાભ મળ્યો હતો. આર્થિક રીતે જણાવું તો ગામ લોકોનું અધ:પતન થયું હતું. વર્લ્ડ બેંકના પ્રકલ્પ માટે આવેલાં નાણાંની લૂંટ માટે પરસ્પર વેરઝેર ઊભાં થયાં હતાં અને કોર્ટ કેસ ચાલવા માંડ્યા હતા. આંતરરાષ્ટ્રિય વિકાસ સંસ્થાનના એ ઉચ્ચ પદાધિકારીએ પૂછ્યું, ‘સ્વામીજી, આવું કેમ બન્યું?’ મેં સ્વામી વિવેકાનંદનો પત્ર બતાવ્યો. તેમાં સ્વામીજી લખે છે કે જ્યાં સુધી ગ્રામવાસીઓને આત્મનિર્ભર બનવાનું શીખવવામાં નહીં આવે, ત્યાં સુધી વિશ્વભરની સંપત્તિ જો એક જ ગામમાં અપાય તોપણ તે નાનકડા ગામ માટે પૂરતી નથી.
સ્વામી વિવેકાનંદના વિચારોનું અધ્યયન કરવાનો, તે વિચારોને સમજવાનો, તેનું અમલીકરણ કરવાનો તથા પરિણામોની તુલના કરવાનો સમય હવે પાકી ગયો છે. વર્તમાન સંજોગોમાં તેમના વિચારોનો અમલ કરવાનો પ્રયાસ કરીએ અને તત્પશ્ચાત્ તેનો પ્રસાર કરીએ. આના અમલીકરણ માટે ક્યાંક એકાદ ‘મોડેલ’ તૈયાર કરીએ, આમ આપણે સાવધ કે અસાવધપણે કેટલાક વિચારોનું અમલીકરણ કરી શકીએ.
સ્વામી વિવેકાનંદની ગ્રામ્યવિકાસ અંગેની સમગ્ર ફિલસૂફી તથા તત્સંબંધિત વિચારોના યોજનાબદ્ધ અમલના નિરૂપણની પ્રક્રિયા આરંભ પામશે અને વિશાળ વ્યાપમાં તેનો ફેલાવો થશે. આપણે સમગ્ર વિશ્વના પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ તેમ નથી, પરંતુ આપણે પ્રાયોગિક ધોરણે ‘મોડેલ’નું નિર્માણ કરી શકીએ છીએ.
વળી રામકૃષ્ણ મિશન દ્વારા દિવ્યાયન (રાંચી), નરેન્દ્રપુર (કોલકાતા) કે છત્તીસગઢના બસ્તર જિલ્લાના અબુઝમાઢમાં જે પ્રકલ્પો હાથ ધરાયા છે અને તેનાં જે પરિણામો આવ્યાં છે, તેનો બહોળો ફેલાવો કરી શકીએ છીએ. આપણે લોકો સમક્ષ આ વિચારો પ્રગટ કરી શકીએ કે જેથી બીજાઓ પણ તેનું અમલીકરણ કરીને વ્યાપ વધારતા જાય. આપણા પ્રકલ્પમાં બીજા લોકોને પોતાના પ્રયોગો ઉમેરવા દો અને સ્વામી વિવેકાનંદના વિચારોના અમલ દ્વારા સ્વામીજીનું સ્વપ્ન સાકાર થવા દો. સ્વામી વિવેકાનંદ સામાન્ય ગ્રામ્યવિકાસ કે તેનો માત્ર આર્થિક વિકાસ જોવા માગતા ન હતા પરંતુ પૂર્ણ સંકલિત ગ્રામવિકાસ થાય તેવું ઇચ્છતા હતા. તેઓ ઇચ્છતા હતા પૂર્ણ માનવવિકાસ; ગામડાંનો આર્થિક ક્ષેત્રે જ વિકાસ નહીં, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને અંતે આધ્યાત્મિક સ્તરે વિકાસ. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ભારતમાં સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું કાર્ય છે નિમ્નસ્તરના લોકોમાં શિક્ષણ અને આધ્યાત્મિકતાના પ્રસારનું.’
આ છે અગ્રિમ મહત્ત્વ ધરાવતું કાર્ય. પરંતુ પછીના વાક્યમાં સ્વામીજી કહે છે કે જ્યાં સુધી લોકોને સાધારણ ભોજન પૂરું પાડવામાં નહીં આવે, ત્યાં સુધી આધ્યાત્મિકતાનો કોઈ અર્થ નથી. લોકોને સામાન્ય ભોજન પૂરું પાડવું તે આપણી પ્રાથમિક ફરજ છે. તેથી અન્ન અને આધ્યાત્મિકતાની આવશ્યકતા—તે બે સાથે સાથે ચાલવાં જોઈએ. જો આપણે આધ્યાત્મિક શિક્ષણ નહીં આપીએ તો આપણે પૂર્ણ વિકાસના પાસાની ઉપેક્ષા કરીએ છીએ. આર્થિક વિકાસ સહિતના સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસની આપણને ખાસ જરૂરિયાત છે, કારણ કે આમજનતાનો ઘણો ભાગ ગરીબીની રેખા હેઠળ જીવે છે. જો આપણે સર્વાંગી વિકાસ સિદ્ધ નહીં કરીએ તો શું થશે? જેવું પાશ્ચાત્ય દેશોમાં થાય તેવું થશે.
મૂળભૂત ભારતીય વિભાવના હતી—અભ્યુદય અને નિ:શ્રેયસ. બંનેની જરૂરિયાત છે. અભ્યુદય અર્થાત્ ભૌતિક સમૃદ્ધિ આવશ્યક છે, પરંતુ નિ:શ્રેયસ વિના નહીં એટલે કે આધ્યાત્મિક સંપત્તિ પણ અભ્યુદય જેટલી જ આવશ્યક છે. એ છે સ્વામી વિવેકાનંદનો ગ્રામ્યવિકાસ અંગેનો અભિગમ. ગ્રામ્યવિકાસ અંગેની સ્વામી વિવેકાનંદની વિભાવનાને અન્ય દેશોની દૃષ્ટિએ મૂલવવાની નથી. આપણે સ્વામી વિવેકાનંદના વિચારોનો વ્યાપક પ્રસાર કરવાનો છે.
આ ઉમદા કાર્ય કરવાનું સ્વામી વિવેકાનંદ આપણને સૌને સામર્થ્ય આપે તેવી તેમને મારી અંત:કરણપૂર્વકની પ્રાર્થના.
Your Content Goes Here




