જૌહરકી ગતિ જૌહરી જાને

પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં શ્રીહરબિલાસ શારદા અને પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા સાથે બે અઠવાડિયાં ગાળ્યા પછી તેઓ અમદાવાદ ભણી વળ્યા. જૂના જમાનામાં કર્ણાવતી તરીકે ઓળખાતું અમદાવાદ ગુજરાતના સુલતાનોનું પાટનગર હતું અને દેશનાં સુંદરમાં સુંદર શહેરોમાં તેની ગણના હતી.

મીરાંબાઈનું એક સુપ્રસિદ્ધ ભજન છે, ‘હે રી મૈં તો પ્રેમદીવાની મેરા દરદ ના જાને કોઈ.. ઘાયલ કી ગતિ ઘાયલ જાને ઓર ન જાને કોઈ… જૌહર કી ગતિ જૌહરી જાને ઓર ન જાને કોઈ.’ ખરેખર હીરાનું મૂલ્ય તો એક હીરાનો વેપારી જ પારખી શકે. મનુષ્યમાં રહેલા હીરને પારખી જનારા એક નિષ્ણાત વિદ્વાન હતા અમદાવાદના સબજજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી. એક દિવસ તેઓ ટ્રેનમાં અમદાવાદના જૂના રેલવે સ્ટેશન પર ઊતર્યા ત્યારે દરવાજો મિનારા પાસે હતો. સામે જ પટાંગણમાં એક વિશાળ વટવૃક્ષ હતું. નજીકમાં શ્રીમંત ઉતારુઓને લઈ જવા માટે ઘોડાગાડીઓ ઊભી રહેતી. લાલશંકર ત્રવાડીએ ઘોડાગાડી લીધી ત્યારે જ તેમની નજર વડની નીચે બેઠેલા એક યુવાન સાધુ પર પડી. કાંતિવાન મુખ, પ્રતિભાસંપન્ન પાણીદાર આંખો, ભગવાં વસ્ત્રોમાં અને પીઠ પર લંબાતા સાફામાં શોભતી દેહયષ્ટિ જોઈને તરત જ તેઓ પારખી ગયા કે આ કોઈ સાધારણ સાધુ નથી. પાસે જઈ નમસ્કાર કર્યા અને થોડી વાતચીત કરી અને જાણી ગયા કે આ સાધુ તો અંગ્રેજી ભાષા પર અદ્‌ભુત પ્રભુત્વ ધરાવે છે. વેદો-ઉપનિષદો વિશેનું તેમનું જ્ઞાન પણ તેમને સ્પર્શી ગયું. તેમણે પૂછ્યું : ‘ક્યાં ઊતર્યા છો?’ સ્વામી વિવેકાનંદજીએ જવાબ આપ્યો: ‘ક્યાંય નહીં. સંન્યાસીઓ માટે આકાશ અને ધરતી જેવાં બીજાં સ્વજન છે ખરાં?’ લાલશંકરજીએ અનુરોધ કર્યો, ‘તો ચાલો મારે ત્યાં. મારા જ મહેમાન બનો. મારાં એવાં નસીબ ક્યાંથી કે તમારા જેવા વિદ્વાન સાધુ મારે આંગણે પધારે?’

લાલશંકરજીએ સ્વામીજીને ઘોડાગાડીમાં બેસાડ્યા અને પોતાને ઘરે (અમૃતલાલ પોળ) ખાડિયાની તેમની હવેલીમાં લઈ ગયા અને ત્યાં જ ઉતારો આપ્યો. તેમની મહેમાનગતિમાં કોઈ કચાશ નહોતી પણ સ્વામીજી ધ્યાનપરાયણ મહાત્મા હતા. ખાડિયાની પોળનો કોલાહલ તેમને માફક ન આવ્યો એટલે લાલશંકરજી તેમને નીરવ શાંત વાતાવરણમાં એલિસબ્રીજની પાસેના પોતાના બંગલામાં લઈ ગયા. 1891માં એ વિસ્તાર તો સાવ સૂમસામ હતો. ટાઉનહૉલની પાછળ આવેલા એ મકાનમાં સ્વામીજી જેટલા દિવસો રહ્યા તેટલા દિવસો સુધી અંબાલાલ સાકરલાલ, મહિપતરામ નીલકંઠ વગેરે અનેક નગરશ્રેષ્ઠીઓની અને વિદ્વાનોની અવરજવર રહી, કેટકેટલાય વિષયો પર સ્વામીજીની અનૌપચારિક વાતચીતો થઈ. બે જાહેર વ્યાખ્યાનો સ્વામીજીએ આપ્યાં. કામેશ્વરના મંદિરમાં તેમણે વ્યાખ્યાન આપ્યું. જ્ઞાનનું વિતરણ સ્વામીજી છૂટા હાથે કરતા હતા. (સંદર્ભ: નીરુ દેસાઈનો લેખ, ગુજરાત સમાચાર)

લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી ખરેખર અનન્ય મહાપુરુષ હતા. આત્મપુરુષાર્થ વડે એક સામાન્ય ગણિતશિક્ષકમાંથી ન્યાયાધીશપદે પહોંચનાર, ત્યક્તા-અનાથ બાળકો માટે સૌ પ્રથમ બાલાશ્રમ સ્થાપનાર, સ્ત્રીશિક્ષણ સહિત સમાજ-સુધારનાં કાર્ય કરનાર, ગુજરાતમાં અસ્પૃશ્યોદ્ધારનો પ્રારંભ કરનાર હિંમતવાન સમાજસુધારક અને વ્યવહારદક્ષ ગરવા ગુજરાતી લાલશંકરજીને ‘દેવમુનસફ’ એવું બિરુદ કેવી રીતે મળ્યું તેની માહિતી સુપ્રસિદ્ધ ઇતિહાસકાર અશોક ઠાકોરે આપેલ છે. (સંદર્ભ : કુમાર, જૂન, 1979)

અમદાવાદ નજીક કલોલ પાસેના નારદીપુર નામના ગામડામાં 23 ઑગસ્ટ 1845ના રોજ પોતાના મોસાળમાં જન્મેલ લાલશંકર બાળપણમાં મોસાળમાં જ રહેતા હતા કારણ કે નાની ઉંમરમાં જ માતા માનકોર અવસાન પામેલ. પિતા અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા, તેઓ પ્રાથમિક શિક્ષણ આપવા માટે લાલશંકરને અમદાવાદ લઈ આવ્યા અને ગોરપદામાં જોતરવા મંડ્યા. લાલશંકરે વધુ અભ્યાસના પોતાના નિર્ણયને વળગી રહેવાનો નિર્ધાર કરી પત્નીસહ ઘર છોડ્યું ત્યારે નોર્મલ સ્કૂલમાંથી મળતી માસિક પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ સિવાય અન્ય કોઈ આર્થિક આધાર નહોતો. સ્વામી વિવેકાનંદના જીવનની જેમ જ એમનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું. 1871માં અમદાવાદની સ્મોલ કોઝિઝ કોર્ટમાં નાજરની જગ્યા ખાલી પડી ત્યારે તેઓ ત્યાં જોડાયા, પછી 1873માં ખૂબ પરિશ્રમ કરી મુનસફ (સબ જજ)ની પરીક્ષા પાસ કરી અને પંઢરપુરમાં સબ જજ તરીકે તેઓ નિમાયા; ત્યાંથી ધંધુકા, ઘોઘા, વીરમગામ, સોલાપુર, અહમદનગર, નાસિક એમ વિવિધ સ્થળે ઉત્તરોત્તર બઢતી પામતા 1891માં અમદાવાદમાં જે કોર્ટમાં પોતે નાજર તરીકે દાખલ થયેલા તે જ સ્મોલ કોઝિઝ કોર્ટના જજના ઊંચામાં ઊંચા હોદ્દે 800 રૂપિયાના પગારથી આવ્યા અને 1903ના 13મી મેના રોજ 400 રૂપિયાના પેન્શન પર નિવૃત્તિ લીધી. ઇ.સ. 1912માં તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધી ઉપરોક્ત બધાં સ્થળોએ સેવાનાં કેટકેટલાંય કાર્યો કર્યાં તેનું વર્ણન અહીં કરવું શક્ય નથી.

લાલશંકરજી પંઢરપુરમાં હતા ત્યારે એક દિવસ ચંદ્રભાગા નદીના કિનારે ફરતાં એમના પગ સાથે કંઈક અથડાયું. નીચા નમીને જોતાં એ કોઈ તરતનું જન્મેલું બાળક જણાયું. જન્મ આપીને કોઈ અભાગી સ્ત્રીએ તેને ત્યજી દીધું હશે. તરત તેઓ એ બાળકને ઊંચકી લઈ પોતાના ઘેર લઈ ગયા અને પત્ની દિવાળીબહેનને સોંપ્યું. પણ આ રીતે ત્યજી દેવાતાં કે મારી નખાતાં બાળકોના વિચારે એમનું અંતર દુ:ખથી વલોવાઈ ગયું. આ સમસ્યાના નિવારણ માટે તેમણે કાયમી અને વ્યવહારુ ઉપાયરૂપે એક બાલાશ્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો. કઠોર પરિશ્રમ કરી તેમણે જે બાલાશ્રમની સ્થાપના કરી તે આજે તો વિશાળ સંસ્થામાં પરિણમ્યો છે. પંઢરપુરથી લાલશંકરજીની બદલી 1881માં થઈ ત્યારે પ્રજાએ એમને આંસુભરી વિદાય આપવા સાથે એમની અનન્ય સેવા બદલ એમને ‘દેવ-મુનસફ’નું અભિધાન આપી એમનું બહુમાન કરેલું અને એમણે સ્થાપેલ બાલાશ્રમના શતાબ્દીવર્ષે પાસેના જાહેરમાર્ગને દેવમુનસફ લાલશંકર ઉમિયાશંકર પથ નામ આપી એમને અંજલિ આપી હતી.

શ્રી લાલશંકર (1845-1912) કૈસર હિન્દ, રાવબહાદુર જેવાં વિશિષ્ટ સન્માનો મેળવેલાં અને સામાજિક સેવાઓ માટે સરકાર દ્વારા ‘ઉચ્ચ લાક્ષણિકતાનું પ્રમાણપત્ર’ વિભૂષિત એવા નાગરિક હતા. ગુજરાતમાં કન્યા કેળવણીની શરૂઆત કરાવનારાઓમાં તેઓ એક હતા. તેમણે અસ્પૃશ્યોને ઊંચે લાવવાનું કામ કરેલું. અમદાવાદની ભાગ્યે જ એવી કોઈ સંસ્થા હતી કે જેની સાથે તેઓ જોડાયેલા ન હોય. સ્વામી વિવેકાનંદજીએ કહેલું: ‘હું એને જ મહાત્મા કહું છું, જેનું હૃદય ગરીબો માટે દ્રવે છે.’ આવા મહાત્મા સબ જજ અન્ય એક મહાત્માની મહાનતાને પારખીને પોતાના અતિથિ બનાવે એમાં નવાઈ શી?

ઈ.સ. 1891માં સ્વામીજી અમદાવાદમાં પધાર્યા ત્યારે સ્વામીજીનું હૃદય દેશની નારીઓની દયનીય સ્થિતિથી વ્યથિત હતું. તેમની સગી બહેનને આત્મહત્યા કરવી પડી હતી, એવી તત્કાલીન સામાજિક સ્થિતિ ત્યારે સર્જાઈ હતી. આવે સમયે એમની મુલાકાત નારી શિક્ષણ અને નારી ઉત્થાનના હિમાયતી અને એ કાર્યને સમર્પિત એવા લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી સાથે થઈ ત્યારે તેમને થયેલા આનંદની કલ્પના જ કરવી રહી. લાલશંકરને સ્ત્રી-શિક્ષણનું કાર્ય તો સૌથી વધુ પ્રિય હતું. એ માટેની એમની ધગશ એટલી તીવ્ર હતી કે અમદાવાદની રા.બ. મગનભાઈ કરમચંદની કન્યાશાળામાં વધુ અભ્યાસ માટેની યોજનામાં મોટી ઉંમરની બાળાઓ દાખલ થવા માટે આનાકાની કરવા લાગી અને એ યોજના પડી ભાંગવાનો ભય ઊભો થયો ત્યારે લાલશંકરે પોતાની નિરક્ષર પત્નીને આધેડ ઉંમરે એ શાળાના વર્ગમાં ભણવા મોકલ્યાં હતાં, એટલા માટે કે મોટી વયની સ્ત્રીઓને શાળામાં ભણતી જોઈ બીજી મોટી બાળાઓ વિના સંકોચે તેમાં આવવા પ્રેરાય.

અમદાવાદમાં સ્વામીજીએ કેટલાક જૈન વિદ્વાનો સાથે વાર્તાલાપ કરી પોતાના જૈન ધર્મ અંગેના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આ પહેલાં તેમણે વેદોનો, કુરાનનો, બૌદ્ધ ધર્મગ્રંથોનો, બાઈબલનો ઊંડો અભ્યાસ કર્યો હતો. બોધગયાની યાત્રા કરી, તેમણે બૌદ્ધ ધર્મ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી, અનેક ખ્રિસ્તી વિદ્વાનો સાથે ચર્ચા કરી હતી. પોતાના ગુરુ રામકૃષ્ણદેવના ઓરડામાં મહાવીર તીર્થંકરની મૂર્તિને અનેકવાર ભાવપૂર્વક નિહાળી હતી, (આજે પણ એ મૂર્તિ કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરમાં સાચવીને રાખવામાં આવેલ છે.) પણ જૈન ધર્મ વિશે ઊંડાણથી અધ્યયન એમણે કર્યું ન હતું. અહીં અમદાવાદમાં અનેક જૈન વિદ્વાનોના સંપર્કમાં આવવાથી એમની જૈન ધર્મ વિશેની અહોભાવના વધુ પુષ્ટ થઈ. કદાચ આ જ કારણસર પછીથી અમેરિકામાં તેમની સારી એવી મૈત્રી શિકાગો વિશ્વધર્મ પરિષદના જૈન પ્રતિનિધિ વીરચંદ ગાંધી સાથે થઈ. કહેવત છે – ‘A friend in need is a friend indeed’ ‘આપત્તિ વખતે મદદરૂપ નીવડે એ જ ખરો મિત્ર છે.’ આ કહેવત અનુસાર બંને એકબીજાને મદદરૂપ રહ્યા હતા. જ્યારે સ્વામીજી પર ખ્રિસ્તી મિશનરીઓએ ખોટા આક્ષેપો મૂકીને તેમને બદનામ કરવાના પ્રયત્નો કર્યા ત્યારે કેટલાક હિંદુ નેતાઓ પણ ઇર્ષ્યાવશ એમાં જોડાયા, ત્યારે અમેરિકામાં માત્ર વીરચંદ ગાંધી એનો સખત વિરોધ નોંધાવી સ્વામીજીની વહારે આવ્યા હતા. એવી જ રીતે જ્યારે વીરચંદ ગાંધીને સમુદ્રયાત્રા કરવા બદલ તેમના જ જ્ઞાતિજનો તેમને જ્ઞાતિ બહાર કાઢી મૂકવાની પેરવી કરતા હતા ત્યારે સ્વામીજી તેમના પ્રત્યે સહાનુભૂતિ બતાવી તેમની વહારે આવ્યા હતા. આ મિત્રતાની પૃષ્ઠભૂમિ કદાચ અમદાવાદ હશે, કારણ કે અહીં જ સ્વામીજીને જૈન ધર્મ વિશે ઊંડાણથી જાણવાની સોનેરી તક મળી હતી.

શ્રીલાલશંકર અને સ્વામીજી વચ્ચે શિક્ષણ અને સામાજિક સેવાઓને લગતી મહત્ત્વની સમસ્યાઓની ચર્ચા પણ સત્સંગ દરમિયાન થઈ. અમદાવાદમાં સ્વામી વિવેકાનંદજીએ ઘણાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જૈનમંદિરોની અને મસ્જિદોની કલા સમૃદ્ધિથી તેઓ પ્રભાવિત થયા.

આમ થોડા દિવસો ગાળી સ્વામીજીએ વઢવાણ તરફ પ્રયાણ કર્યું. (‘ઈન્ડિયન એક્સપ્રેસ’ (21-4-1984)માં પ્રગટ થયેલ શ્રી એન. રાધાકૃષ્ણનના લેખના આધારે.)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.