આધુનિક માનવ શાંતિની શોધમાં છે, તણાવગ્રસ્ત છે, ચિંતાઓથી અને સમસ્યાઓથી ઘેરાયેલો છે, અને મહારાજા પરીક્ષિતની જેમ મૃત્યુના ભયથી ગ્રસ્ત છે. આવા સમયે શ્રીમદ્ ભાગવતનો સંદેશ તેના માટે આશીર્વાદસ્વરૂપ બની શકે છે.
શુકદેવજીએ મહારાજા પરીક્ષિતને શ્રીમદ્ ભાગવતકથા કહીને તેમને મુક્તિ અપાવી હતી તેવી જ રીતે આધુનિક માનવ શ્રીમદ્ ભાગવતકથાના શ્રવણ અથવા વાંચનથી પરમ શાંતિ મેળવી શકે છે. શ્રીમદ્ ભાગવતમાં શુકદેવજી મહારાજા પરીક્ષિતને કહે છે—
“હે મહારાજ, ભગવાનનાં નામકીર્તન જ યોગી, જ્ઞાની, કર્મયોગી, ભક્ત બધાનો સંસાર-ભય દૂર કરી શકે છે અને સાધક સકળ પ્રકારની સાધનાની ફળપ્રાપ્તિ કરી શકે. હું જ કેવળ આ વાત કહું છું તેમ નથી. અગાઉના આચાર્યોએ પરીક્ષા કરીને આવું વિધાન કર્યું છે. તેથી કહું છું મહારાજ! નજીકમાં મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે તમે વળી બીજી શી સાધના કરશો? પરમ સાધન ગોવિંદ-નામકીર્તન કરો અને તેમાં જ તમે મગ્ન થાઓ. તેમાં જ તમારું સર્વાર્થ સિદ્ધ થશે.”
પહેલાંના જમાનામાં ખટ્વાંગ નામના એક રાજાએ દેવતાઓનો પક્ષ અવલંબન કરીને અસુરોને યુદ્ધમાં હરાવ્યા હતા. દેવતાઓ ખુશ થઈને તેમને વરદાન દેવા ઇચ્છતા હતા.
ત્યારે રાજાએ કહ્યું: ‘વરદાન તો આપશો. પરંતુ પહેલાં કહો કે મારું હવે કેટલું આયુષ્ય છે?’ દેવતાઓએ કહ્યું: ‘રાજર્ષિ, હવે એક મુહૂર્તમાત્ર તમારું આયુષ્ય રહ્યું છે.’ આ વાત સાંભળીને રાજા ઝડપથી દેવતાઓ પાસેથી અતિદ્રુત રથ લઈ તેના પર સવાર થઈને પૃથ્વી પર શીઘ્ર આવ્યા અને શ્રીગોવિંદના શરણાગત થઈને કૃતકૃત્ય થયા.
પરીક્ષિતને દીક્ષા આપીને શુકદેવજી કહે છે:
“તમારી પાસે તો હજુ સાત દિવસનો સમય છે, આ સાત દિવસમાં તમે ભવપાર થવા માટેનો આધાર મેળવી લો. મૃત્યુને આવતું જોઈને શરીર-ઘર છોડીને કેવી રીતે ક્યાં જવું, એવા ભયથી ભાન ભૂલીને દિશાશૂન્ય ન બનશો. દેહ વગેરેથી અનાસક્ત થવા પ્રયત્ન કરવો એ જ સાચા બુદ્ધિમાનનું કામ છે. અનાસક્તિ રૂપી મહાઅસ્ત્ર દ્વારા જ સમસ્ત બંધન છેદી શકાય. ગૃહ જે મોહનું કારણ બને છે તેનો ત્યાગ કરીને પુણ્યતીર્થમાં જઈને ભગવાનમાં મન જોડવું જોઈએ. આ બધું તો તમે કરો જ છો. સર્વસ્વ ત્યાગ કરીને ગંગાતીરે પ્રાયોપવેશન કરીને તમે શ્રીભગવાનના શરણાગત થયા છો. તેથી તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પરમ પુરુષ શ્રીકૃષ્ણના એકાંત ભક્ત છો. હવે હું તમને શ્રીકૃષ્ણલીલા-વર્ણન પ્રધાન શ્રીમદ્ ભાગવતકથા કહીશ, કે જેને મેં મારા પિતા વ્યાસદેવ પાસેથી સાંભળી હતી. આ શ્રીમદ્ ભાગવતકથા સાંભળી ભગવાનનાં નામકીર્તન કરો, તેમની લીલાનું સ્મરણ કરો. તમે ભગવાનમાં ચિત્ત પરોવી અને ઈશ્વરમાં તલ્લીન થઈને ધન્ય થાઓ.”
પરીક્ષિતને લક્ષમાં રાખીને શુકદેવજી જાણે જગતના સમસ્ત લોકોને કહે છે: જીવન તો ક્ષણભંગુર, કમળનાં પાંદડાં પરનાં જલબિંદુ જેવું ચંચળ છે. વળી અનંત કાળની તુલનામાં એકસો વર્ષનું જીવન પણ બહુ નાનું કહેવાય. તેથી સમજી શકાય કે પ્રત્યેક માણસ મરણશીલ છે. મૃત્યુમુખી બધા જીવની સ્થિતિ પરીક્ષિત જેવી જ છે. તો પછી મનુષ્યે શું કરવું જોઈએ?
શુકદેવજી કહે છે: “ભગવાનના ચિંતનમાં જીવન વિતાવવું એ જ બુદ્ધિશાળીનું કામ છે.” શ્રીમદ્ ભાગવતમાં આ વાત જ વિશેષ રીતે કહેવામાં આવી છે.
આમ શુકદેવજીએ પરીક્ષિતને શ્રીમદ્ ભાગવતકથા કહેવાનો આરંભ કર્યો અને ક્રમશ: અષ્ટાંગયોગ, જ્ઞાન, કર્મ, ભક્તિ, વર્ણાશ્રમધર્મ, દેવતા અને રાજાઓની કીર્તિગાથા, ભક્તોનું અપૂર્વ જીવન, વિભિન્ન અવતારોની કથા, ખાસ કરીને શ્રીકૃષ્ણની મનોહર અપાર્થિવ લીલાની કથા વિસ્તારથી સાત દિવસ સુધી બોલ્યા – જેથી ભગવાનની વાતો સાંભળતાં સાંભળતાં પરીક્ષિત ભગવાનમય, શ્રીકૃષ્ણમય થઈ શકે.
જો કે પરીક્ષિત માટે શુકદેવજીએ શ્રીમદ્ ભાગવતકથા કહી હતી. તો પણ શ્રીમદ્ ભાગવત પ્રત્યેક મનુષ્યના જીવનની પરમ સંપત્તિ છે. કેટલાય લોકો શ્રીમદ્ ભાગવતમાંથી પ્રેરણા પામીને જીવનમાં શાંતિ અને આનંદ મેળવે છે, તેનો કોઈ પાર નથી. જે લોકો આ શ્રીમદ્ ભાગવતકથા સાંભળશે, ભગવાનનું નામકીર્તન કરશે, તે ધન્ય થશે. મૃત્યુભયથી મુક્ત થઈને ચિર શાંતિ પામશે.
Your Content Goes Here




