ગિરનારમાં તપસ્યા અને જૂનાગઢ-દર્શન
સ્વામી વિવેકાનંદજી અજમેરથી અમદાવાદ આવ્યા અને ત્યાંથી લીંબડી થઈ ભાવનગર પહોંચ્યા.ભાવનગર-શિહોરથી રેલ્વે દ્વારા જેતલસર આવ્યા અને ત્યાંથી જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢના સુપ્રસિદ્ધ દીવાન શ્રીહરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીને જૂનાગઢમાં આવકાર્યા. તેઓ સ્વામીજીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે દરરોજ પોતાના અધિકારીઓ સાથે તેમના નિવાસ સ્થાને મળવા આવતા અને મોડી રાત સુધી અધ્યાત્મ તેમજ દેશની સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરતા.
દસ પર્વતોનો સમૂહ એવો ગિરનાર જેની ગોરખનાથ ટૂંક (લગભગ 3600 ફૂટ) સહુથી ઊંચી છે, તે બૌદ્ધો, જૈનો અને હિન્દુઓ માટે પવિત્ર તીર્થધામ છે. અહીં ગાઝીપુરના પવહારીબાબાને યોગનાં રહસ્યોની દીક્ષા મળી હતી એટલે સ્વામીજીને માટે આ ગિરનારનું વિશેષ આકર્ષણ હોય જ તે સમજી શકાય. ગિરનાર પર્વત અનેક શૃંગોથી શોભાયમાન છે. કોઈ કોઈનું માનવું છે કે હિમાલયથી પણ વધુ પ્રાચીન છે. હજારો વર્ષોથી કેટકેટલાય તપસ્વીઓએ, સંતોએ આ પર્વતની ગુફાઓમાં તપ કર્યું છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ અને જૈન આદિ સર્વ ધર્મના લોકો આ પર્વત પર શ્રદ્ધા ધરાવે છે કારણ કે બધા જ ધર્મોનાં પ્રાચીન મંદિરો, દેરાસરો, મસ્જિદો, સમાધિસ્થાનો, ખંડેરો વગેરે અહીં આવેલાં છે.
પર્વતો પર ચાલવાનો અભ્યાસ સ્વામીજીને પ્રથમથી જ હતો માટે ઉત્સાહપૂર્વક તેઓ ગિરનાર પર્વત પર આરોહણ કરવા લાગ્યા. લગભગ 2370 ફૂટ ઊંચે આસપાસ દીવાલથી ઘેરાયેલું એક સ્થાન છે, એમાં કિલ્લાની જેમ દુર્ભેદ્ય 16 જૈન મંદિરો છે. સ્વામીજીએ આ સ્થળે આવી મંદિરોની અદ્ભુત કારીગીરી નિહાળી. મણિરત્ન વિભૂષિત તીર્થંકરોની મૂર્તિઓ જોઈ સ્વામીજી ત્યાં જ થોભી ગયા. ત્યાર પછી સર્વ પ્રાચીન મહાત્માઓને મનોમન ગાઢ ભક્તિપૂર્વક પ્રણામ કરી પુન: પર્વત પર આરોહણ કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદજી છેવટે ગિરનારના ઉચ્ચતમ શિખર પર પહોંચી ગયા. ગિરનાર પર્વત પર આરોહણ કરી સ્વામીજીને એટલો અદ્ભુત આનંદ થયો કે એક નિર્જન ગુફા શોધી તપસ્યામાં લીન થઈ ગયા.
સ્વામીજી જ્યારે ગિરનારમાં તપસ્યારત હતા ત્યારે જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ તેમની કેવી સારસંભાળ રાખી હતી તેનો ખ્યાલ સ્વામીજીએ ગિરનારથી તેમને લખેલ પત્ર પરથી આવે છે: ‘મારા સ્વાસ્થ્ય અને મારી સગવડ વિશે કુશળ સમાચાર પૂછાવીને આપે કૃપા કરી, આ તો આપના પિતૃહૃદયનો પરિચય આપે છે. હું અહીં મજામાં છું. થોડા જ દિવસોમાં આપને મળવાની આશા રાખું છું. નીચે ઊતરતી વખતે મારે કોઈ વાહનની આવશ્યકતા નથી. ઉતરાણ બહુ ખરાબ હોય છે અને ચઢાણ તો સૌથી વધારે દુષ્કર હોય છે. સંસારમાં બધી વસ્તુઓ માટે આ જ નિયમ લાગુ પડે છે. મારી હાર્દિક કૃતજ્ઞતા સાથે, આપનો વિશ્વાસુ, વિવેકાનંદ.’
ગિરનારમાં સિંહનાં દર્શન કરીને તેઓ પ્રભાવિત થયા હશે, કારણ કે પાછળથી તેમણે જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ પર પત્ર લખીને તેમને વિનંતી કરી હતી કે તેઓ તેમના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ માટે જો સિંહનાં બચ્ચાં હોય તો એમાંનું એક મોકલી આપે. એના બદલામાં રાજપુતાનાનાં કેટલાંક જાનવરોને મોકલવાની પણ તૈયારી બતાવી હતી. આ પત્ર તેમણે ખેતડીથી 28 એપ્રિલ, 1893ના રોજ લખ્યો હતો.
ઇતિહાસમાં વિશેષ રસ ધરાવતા સ્વામીજીને જૂનાગઢમાં જોવા લાયક ઘણાં ઐતિહાસિક સ્થળો મળી ગયાં. અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, મુચકુંદની ગુફા, નરસિંહ મહેતાનો ચોરો વગેરે સ્થળોની મુલાકાત લઈને એમને કેટલો આનંદ થયો હશે એની તો કલ્પના જ કરવી રહી. ઉપરકોટ નામનો જૂનો કિલ્લો છે. પ્રાચીન કૂવા, ખાપરા-ખોડિયાની ગુફાઓ જોઈને સ્વામીજી અભિભૂત થઈ જાય એમાં નવાઈ શી? કારણ કે આ ગુફાઓ લગભગ 1500 વર્ષો જૂની છે, અહીં બૌદ્ધ મઠો હતા, જ્યાં ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ’ના મંત્રોથી વાતાવરણ ગૂંજી ઊઠતું.
પરાધીન ભારતના ગ્લેડસ્ટન
શ્રીહરિદાસ દેસાઈનો જન્મ નડિયાદમાં 29 જુલાઈ 1840ના રોજ થયો હતો. પિતા વિહારીદાસ અજાભાઈ દેસાઈ ‘ભાઉસાહેબ’ તરીકે ઓળખાતા.
શ્રીહરિદાસ દેસાઈ 25 વર્ષો સુધી દેશી રાજ્યો સાથેના સંપર્કમાં હતા. તે અરસામાં ચાર દેશી રાજ્યોને (વઢવાણ, વાંકાનેર, ઈડર અને જૂનાગઢ) સધ્ધર સ્થિતિમાં મૂકી, ત્યાંની પ્રજાને જે સંતોષ આપ્યો તે પરથી તેમની મુત્સદૃીગીરી અને વહીવટી કુશળતાનો ખ્યાલ આવે છે.
બ્રિટિશ રાજ્યમાં પણ તેમનાં કૌશલ્યને કારણે માનપાન પામેલા હોવાથી 1874માં ફિનાન્સ કમિટીમાં સભ્યપદે તથા ત્યારબાદ 1893માં રોયલ ઓપિયમ કમિશનના તેઓ એક સભ્ય તરીકે પણ નિમાયા હતા.
સપ્ટેમ્બર 1883માં હરિદાસ દેસાઈ જૂનાગઢના દીવાન તરીકે નિમાયા. તે પહેલાં મૈયા જાતિના મુસલમાન ગરાસદારો પર રાજ્યે એવો ત્રાસ ગુજાર્યો હતો કે મૈયાઓએ ન છૂટકે બહારવટાં ખેડ્યાં હતાં. પહેલાંના દીવાને તેમની સાથે કોઈ પણ સમજૂતિ કર્યા વગર તેમની સામે પોલીસ દ્વારા આડેઘડ ગોળીબાર કરાવીને 85 મૈયાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પણ જ્યારે હરિદાસ દેસાઈ દીવાન બન્યા ત્યારે તેમણે મૈયાઓના અસલ ચોપડા તપાસીને તેમને પોતાની અસલ જમીન ખેડાણ માટે સુપરત કરી હતી. મૈયા ગરાસદારો અને ખેડૂતો આજે પણ હરિદાસને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. હરિદાસ દેસાઈએ મૈયાઓનાં દિલ તો જીતી લીધાં પણ મકરાણી બહારવટિયા ઘણા ક્રૂર અને માથાભારે સાબિત થયા. તેમનો સરદાર કાદર બદ ઉર્ફે કાદુ મકરાણી કુખ્યાત લુટારા તરીકે આજે પણ જાણીતો છે. કાદુ મકરાણી અને તેના સાગરિતો નિર્દોષ પ્રજાજનોને લૂંટી લેતા, ખૂન કરતા તેમજ તેમનાં નાકકાન કાપી નાખતા. હરિદાસ દેસાઈએ એવો તો સજ્જડ પોલીસ બંદોબસ્ત કર્યો કે કાદુ મકરાણી અને તેના સાગરિતો કરાંચી થઈને છેક મકરાણ તરફ દોડવા લાગ્યા; પણ પોલીસે તેને પકડી પાડ્યા. કાદુ મકરાણીને જૂન 1887માં કરાંચીમાં ફાંસી આપવામાં આવી. એના સાગરિતોને જૂનાગઢમાં ફાંસી આપવામાં આવી. હવે પ્રજાએ રાહતનો દમ લીધો. બહારવટિયાઓના નાશથી જૂનાગઢના નવાબ બહાદુરખાન એવા તો ખૂશ થયા કે તેમણે હરિદાસ દેસાઈ માટે સરકાર તરફથી એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું. પણ નિ:સ્વાર્થ હૃદયના દીવાનજીએ જાહેરમાં જવાબ આપ્યો : ‘મને ઈનામ શેનું? મેં તો રાજ્ય પ્રત્યેની ફરજ અદા કરી છે.’
નવાબ સાહેબે નાણાં લેવા માટે ઘણો જ આગ્રહ કર્યો એટલે પછી હરિદાસે વચલો માર્ગ કાઢી તે રકમ વ્યાજે મૂકવાનું અને તેનું જે વ્યાજ આવે તે એ શરતે લેવાનું ઠરાવ્યું કે વ્યાજના જેટલી રકમ પોતાના પગારમાંથી દર મહિને કપાય અને આમ બંનેનું મન સચવાય. 1888ના જુલાઈ માસમાં નવાબ સાહેબે હરિદાસને 5 હજાર રૂપિયાની બક્ષિસ સાથે સિરપાવ અને 1 લાખ રૂપિયાનું વ્યાજ-બક્ષિસરૂપે આપવા દરબાર ભર્યો. હરિદાસજીના અવસાન પછી નવાબસાહેબ રસુલખાનજીએ એ સરકારી લોન પાછી લઈ તેમને વંશ પરંપરા સુધી રૂ. 400નું પેન્શન બાંધી આપ્યું. ભારતની સ્વાધીનતા સુધી આ પેન્શન વંશજોને મળતું હતું.
લગભગ દસ વર્ષ હરિદાસ જૂનાગઢમાં રહ્યા, તેમાં તેમણે અનેક સેવા કાર્યો કર્યાં. લગભગ રૂપિયા 40 લાખના ખર્ચે જૂનાગઢથી પ્રભાસ તીર્થ તેમજ જેતલસરથી જૂનાગઢ સુધીની રેલ્વેની વ્યવસ્થા કરેલી. ગિરનાર ઉપર ચઢવા માટે 3 લાખની લોટરી કાઢીને પગથિયાં બંધાવ્યાં અને દામોદર કુંડમાં જવા માટે પોતાના ખર્ચે પુલ બંધાવ્યો.
તેમની કાર્યકુશળતા, સેવાપરાયણતા અને નિરભિમાનવૃત્તિ જેવા અનેક ગુણ તેમની આધ્યાત્મિક ચેતના અને ઈશ્વરપરાયણતાને આભારી છે. હરિદાસ જ્યારે નિવૃત્ત થઈ નડિયાદ આવી વસ્યા ત્યારે નડિયાદના શહેરીઓએ તેમને નાગરિક સન્માન આપવાની પ્રવૃત્તિ આરંભી. અભિનંદનના આ મેળાવડામાં તેમણે કહ્યું : ‘…મારા જેવો અપૂર્ણ માનવ શું કરી શકે? હું તો દોષથી ભરપૂર છું. તેમાં મને કંઈપણ સારું થવામાં સાધનભૂત ગણવામાં આવતો હોય તો તે બધું ઈશ્વરકૃપાને લીધે જ થયેલું માનજો અને દૂષણવાળા કૃત્યની જવાબદારી મારી પોતાની છે.’
દીવાનજીની આ અસાધારણ કારકિર્દી અને અનોખી સિદ્ધિમાં સ્વામીજી સાથેના તેમના સંપર્કમાં મહત્ત્વનું યોગદાન હશે તેનું અનુમાન આપણે સહેજે કરી શકીએ. શ્રી મહેન્દ્રનાથ દત્તે પોતાના બંગાળી પુસ્તક ‘શ્રીમત્ વિવેકાનંદ સ્વામીજીર જીવનેર ઘટનાવલી’માં વર્ણવેલ એક પ્રસંગ વિશેષથી આ વાત જણાય છે. એકવાર દીવાનજીને ઉદાસ જોઈને સ્વામીજીએ તેમને આનું કારણ પૂછ્યું. પહેલાં તો દીવાનજી અચકાયા પછી તેમણે જણાવ્યું કે, ‘મુંબઈથી બ્રિટિશ સરકારે જૂનાગઢના નવાબ પર એક પત્ર લખ્યો છે, તેનો જવાબ કેવી રીતે આપવો તેની ચિંતામાં હું છું કારણ કે, હું મુંબઈ સરકાર દ્વારા નિમાયેલ છું અને વળી, નવાબનો કર્મચારી છું. બેમાંથી કોઈને નારાજ કરી શકું નહીં, એટલે મોટી મૂંઝવણમાં પડ્યો છું.’ પત્રની વિગત જાણી લીધા બાદ સ્વામીજીએ એક શબ્દેય બોલ્યા વિના પાસે પડેલ એક કાગળ ઉપાડી લીધો અને અંગ્રેજીમાં કંઈક લખવા મંડી પડ્યા. થોડીવાર પછી તેમણે આ પત્ર દીવાનજીને દેખાડી કહ્યું, ‘જુઓ તો, આ પત્ર ચાલશે?’ દીવાનજી તો પત્ર વાંચી આભા બની ગયા! ‘ઠીક, ઠીક આવો જ પત્ર તો હું ચાહતો હતો! આ પત્રથી કામ પતી જશે.’ એમ બોલી તરત જ તેની નકલ કરી પત્ર મુંબઈ મોકલી આપ્યો. સ્વામીજીના અંગ્રેજી ભાષા તેમજ રાજનીતિના જ્ઞાનથી દીવાનજી અત્યંત પ્રભાવિત થઈને તેમના પ્રત્યે વધુ ને વધુ શ્રદ્ધા ભક્તિ રાખવા લાગ્યા અને બંનેની વચ્ચે રાજ્યની તેમજ દેશની સમસ્યાઓ વિશે વધુ ચર્ચાઓ ચાલવા લાગી.
સ્વામીજીએ જૂનાગઢ છોડ્યા પછી પણ તેમને રાજકાજ વિશે સચોટ સલાહ-સૂચન આપતા તેનો ખ્યાલ તેમણે લખેલ પત્રો પરથી આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં આંટીઘૂંટી ઊભી કરવામાં આવી રહી હતી, ત્યારે દીવાનજીએ સ્વામીજીને આ વિશે જણાવ્યું હતું. તેના ઉત્તરમાં સ્વામીજીએ પૂનાથી 15 જૂન, 1892ના પત્રમાં લખ્યું હતું, ‘આપના તરફથી સમાચાર મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. કદાચ અત્યાર સુધીમાં જૂનાગઢમાં આપના માર્ગમાંથી બધી બાધાઓ દૂર થઈ ગઈ હશે…’
દીવાનજી જ્યારે રોયલ ઓપિયમ કમિશનના સભ્ય બનીને કલકત્તા ગયા ત્યારે સ્વામીજીનાં માતુશ્રી અને ભાઈઓને મળ્યા હતા. તેઓની દુ:ખી અવસ્થાથી દ્રવિત થઈ તેમણે સ્વામીજીને પરિવારજનોને આવી અવસ્થામાં મૂકીને ગૃહત્યાગ કરવાનું કારણ પૂછતો પત્ર લખ્યો હશે. તેના જવાબમાં સ્વામીજીએ 29મી જાન્યુઆરી 1894ના અત્યંત માર્મિક પત્રમાં કેવી પરિસ્થિતિમાં અને શા માટે પોતે ગૃહત્યાગ કર્યો હતો તે જણાવ્યું હતું –
‘આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ માતા અને બે ભાઈઓને મળવા ગયેલા, તે જાણીને મને ઘણો જ આનંદ થયો છે. પરંતુ આપે મારા હૃદયના એકમાત્ર મર્મસ્થાનને હાથ લગાડ્યો છે. દીવાન સાહેબ, આપે જાણવું જોઈએ, કે હું કાંઈ કઠિન હૃદયનો પશુ નથી. દુનિયા આખીમાં જો હું કોઈને ચાહતો હોઉં તો તે મારાં માતા છે. છતાં પણ હું માનતો હતો અને હજુ પણ માનું છું કે મારા સંસારત્યાગ કર્યા સિવાય, મારા ગુરુ શ્રીરામકૃષ્ણ જે મહાન જીવનધર્મનો ઉપદેશ કરવા આવ્યા તે પ્રકાશમાં આવત નહીં;… આમ એક બાજુએ મારી સામે ભારતીય ધર્મના અને સમગ્ર જગતના ભાવિનું દર્શન છે, યુગોથી નીચે ને નીચે અધ:પતન પામ્યે જતાં, જેમને કોઈ મદદ ન કરનાર – અરે, જેમને વિશે કોઈ વિચાર કરનાર પણ નથી, તેવાં લાખો માનવીઓ પ્રત્યેનો પ્રેમ છે; અને બીજી બાજુએ મને જે પ્રિયમાં પ્રિય અને નજીક છે તેમને દુ:ખી અને અસહાય બનાવવાનું છે. આ બંનેમાંથી મેં પ્રથમ વિકલ્પ સ્વીકાર્યો છે. ‘બાકીનું પ્રભુ સંભાળશે.’… પણ લોકો સમજે કે ન સમજે, આ યુવકોને વ્યવસ્થિત બનાવવા માટે મેં જન્મ ધારણ કર્યો છે; એટલું જ નહીં, પ્રત્યેક શહેરમાં સેંકડો મારી સાથે જોડાવા તૈયાર છે. મારે આ સહુને ન રોકી શકાય તેવા જુવાળની માફક ભારતમાં ગરીબમાં ગરીબ અને ચગદાયેલા લોકોના દ્વાર સુધી સુખ, નીતિ, ધર્મ અને કેળવણી પહોંચાડવા અર્થે મોકલવા છે. આ હું સાધ્ય કરીશ અથવા દેહ પાડીશ.’
સ્વામીજીએ ગુજરાતમાં રાજાઓ અને દીવાનો સાથે વિશદ્ ચર્ચાઓ કરી હતી. તે માત્ર દાર્શનિક કે ધર્મ અંગે જ નહિ પણ રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ અને તેના મહત્ત્વ અંગે પણ ચર્ચાઓ કરેલી. તેમણે વ્યવહારુ સલાહો પણ આપેલી અને ક્યારેક તો વળી રાજકીય દૃષ્ટિએ વહીવટી ઉકેલ માટે પત્રનો મુસદ્દો પણ તૈયાર કરી આપતા.
ગુજરાતના ભ્રમણ દરમિયાન પહેલી જ વાર સ્વામીજી રાજ્યના જાસૂસી વિભાગના ધ્યાનમાં આવેલા.
‘અમૃત બજાર પત્રિકા’ની તા. 15-8-1971ની આવૃત્તિમાં આ પ્રમાણે નોંધ છે : ‘1909માં ગુના શોધ શાખાના નિયામક (The Director, Criminal Intelligence) દ્વારા રામકૃષ્ણ મિશન પરનો એક અહેવાલ તૈયાર કરાયો. તેમાં સ્વામી વિવેકાનંદની પ્રવૃત્તિઓ પર એક ટૂંકી નોંધ છે. આ નોંધ મુજબ ‘ભારતનાં બધાં તીર્થસ્થાનોની મુલાકાત પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કાઠિયાવાડનાં અનેક રાજ્યોનું ભ્રમણ કરી રહ્યા હતા અને ઘણા રાજા મહારાજાઓ દ્વારા ઉષ્માભર્યો આદર સત્કાર પામતા હતા ત્યારે સહુથી પહેલાં 1892માં સ્વામીજી જાસૂસી તંત્રની નજરમાં આવ્યા હતા. તેમનાં ધાર્મિક પ્રવચનોનો રાજવીઓ પર બહુ પ્રભાવ જણાતો ન હતો પણ તેઓ રાજકારણમાં ઘણો રસ લેતા હતા, તે ધ્યાનમાં આવ્યું હતું.’
અલબત્ત, તેમને રાજકારણ સાથે કશી લેવા-દેવા ન હતી, પણ તેમના રાજાઓ અને દીવાનો સાથેના સંપર્કોને કારણે આવું દેખીતું તોફાન ઊઠેલું.
ગુજરાતમાં અને વિશેષ કરીને કાઠિયાવાડમાં અનેક રાજવીઓ અને નાના નાના રાજ્યના દીવાનો રહેતા હતા. આ લોકોનાં ઉદાત્ત ચરિત તથા આતિથ્ય ભાવનાથી સ્વામીજીને આનંદ થયો હતો. સ્વામીજીએ પોતે જ આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના લોકોમાં અતિથિસેવાની ભાવના વિશેષરૂપે રહેલી છે. તા. 22 ઑગસ્ટ 1892ના રોજ સ્વામીજીએ જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને લખ્યું હતું કે ગુજરાતીઓ હૃદયવાન હોય છે.
દીવાનજીએ સ્વામીજીને જૂનાગઢની પ્રાચીન ઐતિહાસિકતાને નજરે નિહાળવા પરિભ્રમણ કરાવ્યું. સ્વામીજીના આદર સત્કારમાં તેમણે કશી ઊણપ રહેવા દીધી નહીં હોય. પણ સ્વામીજીને ગુજરાતી ભોજન કેવી રીતે ભાવે? તેમાંય પાણીવાળી ગુજરાતી દાળ તો બંગાળી મોંમાં પેસે શી રીતે? આ માટે સ્વામીજીએ યુક્તિ ઘડી કાઢી. આ વિશે લંડનમાં કાઠિયાવાડના એક યુવક સાથે વાર્તાલાપના પ્રસંગમાં તેમણે કહ્યું : ‘મેં તપાસ કરી કે દીવાનજીની રસોઈ કોણ બનાવે છે, પછી રસોઈ બનાવનારની સાથે મૈત્રી કરી લીધી. તેને ક્યારેક ગીત સંભળાવતો. તેને રાજી કરીને વિનંતી કરી કે દાળના થોડા દાણા અલગ કરી ભાતની સાથે આપે, જેથી હું તેમાં મરચું અને મીઠું મેળવી દાળના દાણા બે કોળિયા ભાત સાથે ખાઈ શકું.’ ખાવાપીવાની બાબતમાં તેઓ બધું કષ્ટ હસતે મુખે સહન કરતા. પરિવ્રાજક અવસ્થાનાં સંસ્મરણો સ્વામીજી પાસેથી ભાગ્યે જ સાંભળવા મળતાં. પરંતુ સાધુ માટે તો ‘કભી ઘી ઘના, કભી મુઠ્ઠી ચના, કભી તો વો ભી મના.’
દીવાનજી સાહેબ સ્વામીજીના એટલા અનુરાગી થઈ ગયા કે સ્વામીજીની જૂનાગઢની વિદાય પછી પણ તેમણે તેમની સાથેના સંપર્કો જાળવી રાખ્યા હતા. દીવાનજી સાહેબે સ્વામીજીમાં એક અદ્વિતીય વ્યક્તિત્વ અને ઉપદેશક જોયા અને તેની સામે સ્વામીજીએ પણ પ્રેમ અને સન્માન જેમ પુત્ર પિતાને આપે તેવી જ રીતે આપ્યાં. તેમની વચ્ચે ઉંમરનો 22 વર્ષોનો તફાવત હતો. દીવાનજી સાહેબ પ્રત્યે સ્વામીજીને કેટલો ગાઢ પ્રેમ અને આદર હતા તેની સાક્ષી સ્વામીજીએ દીવાનજીને લખેલા 13 પત્રો આપે છે.
મુંબઈથી તા. 22 ઑગસ્ટ, 1892ના રોજ સ્વામીજીએ દીવાનજી સાહેબને લખેલું કે, ‘આપના જેવા ઉચ્ચ આત્મા, ઉદાત્ત મનવાળા અને દયાળુ મનુષ્યોથી આ પૃથ્વી ખરેખર સમૃદ્ધ બને છે. બાકી બધા તો કરવત જેવા છે જે તેની માતાના યુવા-વૃક્ષનાં મૂળિયાં કાપે છે. એવું સંસ્કૃત સુભાષિત છે.’
ખેતડીથી મે, 1893માં સ્વામીજીએ લખ્યું હતું, ‘તમને મારા પિતા તુુુલ્ય માનું છું અને તમારા સમગ્ર પરિવાર તરફ ચોક્કસ અબાધ્ય લાગણી ધરાવું છું તેની ખાતરી રાખજો … મારા દીવાનજી સાહેબ, હું એ જ નટખટ, તોફાની, નિર્દોષ બાળક છું જેને આપે જૂનાગઢમાં જોયેલ અને તમારી પવિત્ર જાત માટેનો મારો પ્રેમ એવો ને એવો જ છે અથવા તો સેંકડોગણો વધ્યો છે, કારણ કે લગભગ બધાં જ દક્ષિણનાં રાજ્યોના દીવાનોને મેં જોયા છે, તેની માનસિક રીતે સરખામણી કરી જોઈ છે અને દક્ષિણના પ્રદેશોમાં આપની સતત પ્રશંસા કરવામાં મારી જીભ કેટલી ચાલી છે તેના સાક્ષી ભગવાન પોતે જ છે. (જો કે મને મારી શક્તિની મર્યાદાની જાણ છે.)
‘A friend in need is a friend indeed’ (કસોટીના સમયે સાથે ઊભો રહે એ જ ખરો મિત્ર છે) સાચા મિત્ર તરીકે સ્વામીજીએ દીવાનજીને જરૂર જણાઈ ત્યારે ઘણી મદદ કરી હતી, જેનાથી તેમની સામે પડકારરૂપ સમસ્યાઓ આવતી હતી તેનો સાચો ઉકેલ મળતો રહ્યો. આપણે એ જાણીએ છીએ કે સ્વામીજીએ દીવાનજીને એક એવો પત્ર-મુસદ્દો તૈયાર કરી આપેલો કે જેથી જૂનાગઢના નવાબ અને અંગ્રેજ સરકાર બંનેના સારા સંબંધો જળવાઈ રહ્યા હતા. આ બાબતે તેમને માર્ગદર્શન આપવાનું સ્વામીજીએ જાળવી રાખ્યું હતું. પૂનાથી તા. 15મી જૂન, 1892ના તેઓએ લખ્યું હતું, ‘સંભવત: આ સમયમાં લગભગ દરેક ગૂંચ તમારા માર્ગમાંથી દૂર થઈ હોય, તેવી હું આશા રાખું છું.’ ફરીથી જ્યારે તેઓ નિરાશ થયા, ત્યારે સ્વામીજીએ તેમને તા. 22મી મે, 1893ના મુંબઈથી લખ્યો હતો તે પત્ર દરેક સજ્જન વ્યક્તિને કાયમી પ્રેરણા આપતો રહે તેવો છે.
‘અનેક વાર આપણે જોઈએ છીએ કે સારામાં સારા માણસોને પણ આ દુનિયામાં હેરાન થવું પડે છે, અસાધારણ સંકટો સહન કરવાં પડે છે. ઘણી વાર એનાં કારણો સમજાય તેવાં પણ નથી હોતાં. પણ મારા જીવનનો એવો પણ અનુભવ છે કે અહીં દરેક વસ્તુનું હાર્દ અને કેન્દ્રમાં તો બધું શુભ જ છે. સપાટી ઉપર દેખાતા તરંગો ગમે તેવા હોય તો પણ તેની નીચે બધાના ઊંડાણમાં તળિયે તો શુભ અને પ્રેમની અનંત ભૂમિકા રહેલી છે. જ્યાં સુધી તે ભૂમિકાએ આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી જ આપણને મુશ્કેલીઓ પડે છે. પણ એક સમયે એ શાંતિના પ્રદેશમાં પહોંચ્યા પછી, ઉપર ભલેને પવનોનું તોફાન ચાલ્યા કરે અને ઝંઝાવાતો સર્જાયા કરે! યુગ યુગના જૂના ખડકો પર જે ઈમારત બાંધવામાં આવી હોય છે તે ક્યારેય ડોલાયમાન બનતી નથી. હું વિશ્વાસપૂર્વક માનું છું કે આપના જેવા ઉદાર, નિ:સ્વાર્થ અને પવિત્ર સજ્જન કે જેમનું સમગ્ર જીવન બીજાઓનું કલ્યાણ કરવા માટે જ કાયમ સમર્પિત રહેલું છે, તેઓ બધા ગીતામાં ભગવાને પોતે જેને ‘બ્રાહ્મીસ્થિતિ’ કહી છે, તે જ અચલ ભૂમિકાએ પહોંચી ચૂકયા છે.
આપને જે આઘાતો સહન કરવા પડયા છે તે આપને, આ જીવનમાં અને પરલોકમાં જે માત્ર પ્રેમ કરવા યોગ્ય પરમ તત્ત્વ છે, તેની પાસે લઈ જાય કે જેના પરિણામે આપ ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં પણ દરેકમાં તેનો સાક્ષાત્કાર કરતા રહો અને જે બધું હાજર છે અથવા ગુમાવવાનું છે, તે બધું જ તે પરમતત્ત્વમાં અને કેવળ તેનામાં જ આપને પ્રાપ્ત થાઓ.’
તેવી જ રીતે જ્યારે સ્વામીજી સંકટમાં મુકાયા, જ્યારે અમેરિકાનાં કેટલાંક સ્થાપિત હિતોએ સ્વામીજીના ચારિત્ર્ય અને આચરણ સંબંધે કપોળકલ્પિત આરોપો ઊભા કર્યા ત્યારે જેવી દીવાનજી સાહેબને જાણ થઈ કે તુરત જ તા. 2-8-1894ના રોજ શ્રી જી. ડબલ્યુ. હેલને પોતાના પ્રિય સ્વામીજીના મજબૂત બચાવમાં પત્ર લખ્યો હતો. આ ઘણું જ સમયસરનું હતું અને સ્વામીજીના પ્રિય એવા દીવાનજી સાહેબ તરફથી ઘણી જ મહત્ત્વની મદદ મળી હતી. સપ્ટેમ્બર 1894માં સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘તમે જી. ડબલ્યુ. હેલને લખેલ માયાળુ નોંધ મને જેની સખત જરૂર હતી એવી એ રાહતરૂપ બની હતી.’
આ ઉપરથી દીવાનજી સાહેબની અસાધારણ પ્રતિભાની આપણને ઝાંખી મળે છે. સ્વભાવથી અત્યંત શુદ્ધ અને વહીવટમાં કાબેલ એવા, તેમનું સમગ્ર જીવન (1840-1895) લોક કલ્યાણને સમર્પિત હતું. જૂનાગઢમાં એક દાયકાથીય વધારેના તેમના વહીવટ દરમિયાન રાજ્યના લગભગ બધા જ વિભાગોમાં કરેલા અનેક મહત્ત્વના સુધારાઓ નોંધનીય રહ્યા હતા. તેઓ અચાનક ટૂંકી બીમારી બાદ શાંતિપૂર્ણ રીતે 17મી જૂન, 1895ના રોજ વતન નડિયાદ ખાતે અવસાન પામ્યા.
આખા શહેરે તેમના અવસાનનો શોક મનાવ્યો અને સમગ્ર ભારતમાં તેમજ વિદેશોમાં પણ વર્તમાન દૈનિક પત્રોએ તેમની વિદાયની સખેદ વિસ્તૃત નોંધ લઈ માનાંજલિ આપી હતી. અમૃત બજાર પત્રિકા, (તંત્રી લેખ)માં (કોલકાતા), તા. 30મી જૂન, 1895ના રોજ ઉલ્લેખ છે કે ‘ભારતે એક શ્રેષ્ઠ પુત્ર ગુમાવ્યો છે.’ ‘ઈન્ડિયા’, લંડન (તંત્રી લેખ) સપ્ટેમ્બર, 1895 નોંધે છે, ‘શ્રી હરિદાસ વિહારીદાસના અવસાનથી ભારતે ઘણું જ ગુમાવ્યું છે અને ન પૂરાય તેવી ખોટ પડી છે. ભારતના લોકોમાં એમના જેવા નિ:સ્વાર્થી, સરળ સ્વભાવના અને પ્રજ્ઞાવાન બીજા કોઈ ન હતા.’
રોયલ ઓપિયમ કમિશનમાં તેમણે જે સેવાઓ આપી હતી તે બદલ બ્રિટિશ સરકાર તેમને મોટો ઇલ્કાબ આપવાનો વિચાર કરી રહી હતી પણ તેઓ તે સ્વીકારવાને તૈયાર ન હતા. જો કે આવો પ્રસંગ આવે તે પહેલાં જ તેમનું અચાનક અવસાન થયું. (સમાચાર પત્રોમાં પ્રકાશિત આ માહિતી અને શ્રી હરિદાસ વિશેની અન્ય ઘણી માહિતી સ્વામી એકાત્માનંદજીના લેખ ‘Haridas – The Gladstone of India’માં ઉપલબ્ધ છે. પ્રબુદ્ધ ભારત નવે.-ડિસે. 1984) સ્વામી વિવેકાનંદજીએ ન્યૂયોર્કથી હરિદાસજીના ભત્રીજાને પોતાના પત્ર 2 માર્ચ 1896માં લખ્યું હતું, ‘તમારા કાકા એક મહાન આત્મા હતા. તેમનું સમર્પણ ભર્યું સમસ્ત જીવન દેશના કલ્યાણ માટે હતું. આશા રાખું છું કે, તમે તેમને અનુસરશો.’
ઈંગ્લેંડના એક પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદજીએ તેમને કહ્યું હતું “શ્રીરામકૃષ્ણ પરમહંસ મારા આધ્યાત્મિક ગુરુ છે અને શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ મારા પિતા સમાન છે. જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈ પરાધીન ભારતના ગ્લેડસ્ટન છે.” ઈંગ્લેંડના વડાપ્રધાન વિલિયમ ગ્લેડસ્ટન (1809 થી 1898) લિબરલ પક્ષના નેતા હતા અને તેમણે રાજકીય સુધારાઓ ઉપરાંત રાજ્યાશ્રય આપીને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું. જૂનાગઢના દીવાન હરિદાસજીનાં નિ:સ્વાર્થ કાર્યોના જાણકાર હોવાથી જ સ્વામીજીએ તેમને ‘પરાધીન ભારતના ગ્લેડસ્ટન’ તરીકે બિરદાવ્યા હતા.
જેટલા મત તેટલા પથ
સ્વામી વિવેકાનંદ જ્યારે જૂનાગઢમાં ગયા હતા ત્યારે દીવાનજીના કાર્યાલયમાં કારભારી તરીકે ‘કાદંબરી’ના અનુવાદક છગનલાલ હરિલાલ પંડ્યા હતા, જેઓ પાછળથી જૂનાગઢના કેળવણી અધિકારી થયા હતા. તેઓ સ્વામીજીથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમને પોતાને ઘેર લઈ આવી, તેમનો કેટલાક દિવસો સુધી આદરપૂર્વક અતિથિસત્કાર કર્યો હતો. આ મકાન પૂર્વે ‘દક્ષિણીના ડેલા’ તરીકે ઓળખાતું અને હાલ ‘યુક્તોદય’ નામે ઓળખાય છે. (શ્રી મહેશ્વર વજેશંકર પંચોળીએ લેખકને 20-3-1990ના રોજ લખેલ પત્ર અનુસાર. હાલ ત્યાં ડો. નાણાવટી રહે છે. મહાત્મા ગાંધી માર્ગ, જૂનાગઢ)
જૂનાગઢમાં સ્વામીજીએ પોતાના વાર્તાલાપોમાં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો કરી. તેમણે કહ્યું કે તેઓ પાશ્ચાત્ય જગતમાં નીતિધર્મનું પુનરુત્થાન કરવામાં ઈશુ ખ્રિસ્તના પ્રભાવને ઘણા સમયથી સમજ્યા હતા. ઓજસ્વી ભાષામાં તેઓ કહેતા કે યુરોપની મહાનતા – રાફેલનાં ચિત્રો, ઍસીસીના સંત ફ્રાંસીસની ભક્તિ, યુરોપની રાજનીતિ, તેના સાધુસંઘો, ધાર્મિક જીવન, આ બધા સંન્યાસી ખ્રિસ્તના ઉપદેશોથી સંકળાયેલા હતા. છગનલાલ પંડ્યા સ્વામીજીની વાતોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે થોમસ એ કેમ્પીસ દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ’નું ગુજરાતી ભાષાંતર ‘ક્રાઇસ્ટનું અનુસરણ અથવા સાર્વલૌકિક ધર્મ’ નામે પ્રકાશિત કર્યું. આ પુસ્તકની ભૂમિકામાં તેમણે કેટલીક રસપ્રદ વાતો રજૂ કરી છે.
સ્વામીજી વિશે તેમણે લખ્યું છે : ‘એમના જેવા, માત્ર પરોપકારાર્થે સંસારત્યાગ કરીને નીકળી આવેલા, શુદ્ધ સાધુ પાસે સામાન તો હોય જ શાનો? માત્ર બે ત્રણ ભગવાં વસ્ત્રની એક પોટલી અમારા જોવામાં આવી હતી. અતિ પરિચય પછી એમની પાસે હું એકવાર બેઠો હતો અને પોતે તે પોટલી છોડી ત્યારે તેમાં મેં માત્ર બે ચીજો જોઈ. એક તો એમના પરમ પૂજ્ય ગુરુજી શ્રીરામકૃષ્ણની છબી અને બીજું ‘ધ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ’ પુસ્તક. આ અંગ્રેજી પુસ્તક અને તે વળી ક્રાઇસ્ટને લગતું – ઇશુ ખ્રિસ્તનું – આપણા હિંદુ ધર્મનો પ્રચાર કરવા નીકળેલા સંન્યાસી પાસે જોવાથી મને તો એ વેળા ઘણું જ આશ્ચર્ય લાગ્યું અને પછી અમારામાંના જેણે જેણે જોયું તેને પણ તેવું જ વિસ્મય થયું.’
છગનલાલ પંડ્યાએ હિંમત ધરીને સ્વામીજીને પ્રશ્ન કર્યો : ‘મહારાજ! આપ તો હિંદુ ધર્મના પ્રવર્તક છો અને આ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક કેમ રાખો છો?’ સ્વામીજીએ કહ્યું: ‘ભાઈ, સર્વ ધર્મનું તત્ત્વ એક જ છે. ક્રિસ્ટિયાનિટી કંઈ બીજો બોધ કરે છે અને આપણા વેદ કંઈ બીજું કહે છે એમ નથી. આપણામાં મનાતા ઈશ્વરના અવતારરૂપે જ ક્રાઇસ્ટ, મહંમદ પયગંબર, જરથોસ્ત એ સર્વ મહાપુરુષો, દૈવી નરો, ઈશ્વરની વિભૂતિવાળા જ થઈ ગયા છે. સર્વ ધર્મોમાં નીતિનાં સૂત્ર, સદાચારના નિયમો, ઈશ્વરની આજ્ઞા માનવતાના આદેશો સરખા જ છે, માત્ર તેનો અર્થ કરનારાઓની એકદર્શી દૃષ્ટિને લઈને કે અજ્ઞાનતાને લઈને તેની દેવી આજ્ઞાઓનો અનર્થ કરવામાં આવે છે. સ્વાર્થબુદ્ધિને લઈને ખોટા ઉપદેશો કરવામાં આવે છે, ધર્મને બહાને અધર્મની પ્રવૃત્તિ થાય છે અને પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે. સ્વામીજી વિદ્યાર્થી અવસ્થાથી જ ધર્મઝનૂન અને કટ્ટરતાના વિરોધી હતા.
સ્વામીજીએ છગનલાલ પંડ્યાને જણાવ્યું, ‘હું નાનો હતો ત્યારે ક્રિશ્ચિયન મિશનરીઓનાં દેવળોમાં જતો. તે વેળા બાઈબલના અમુક શબ્દોનો વાસ્તવિક અર્થ કરવો જોઈએ તેને બદલે તેઓ બીજી રીતે કરીને ઈશ્વરની શી ઇચ્છા છે, તે જનસમૂહને, પોતાના મત પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરતા, ત્યારે હું તેમની સામે ઊભો થતો અને તેમના એ માની લીધેલા સ્વાર્થી મતનું ખંડન કરતો. તેથી જ તેઓ મને કેટલીક વાર તેમનાં દેવળોમાં ફરીથી આવવા માટે અટકાવતા.’
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિવિધ ધર્મોની સાધના કરી પૂરવાર કર્યું હતું કે બધા જ ધર્મો એક જ પરમ સત્યને પામવાના વિવિધ માર્ગો છે. ‘જેટલા મત તેટલા પથ’, સર્વ ધર્મ સમન્વયના આ સંદેશને લઈને સ્વામીજી શિકાગોની વિશ્વધર્મ સભામાં ગયા હતા અને વિશ્વપ્રસિદ્ધ બન્યા હતા. પણ સમન્વયની વિભાવના તેમણે પ્રથમ પોતાના ગુજરાત પરિભ્રમણ દરમિયાન જૂનાગઢમાં કરી હતી. એ ગુજરાતનું અને જૂનાગઢનું સૌભાગ્ય છે, જે ઐતિહાસિક મકાનમાં સ્વામીજી છગનલાલ પંડ્યા સાથે રહ્યા હતા તે મકાન આજે પણ મૂળ અવસ્થામાં છે.
સ્વામી વિવેકાનંદજી સંગીત, કળા તેમ ભારતીય કળાનાં વિવિધ રૂપો વિશે અગાધ જ્ઞાન ધરાવતા હતા. સાથે સાથે પાકકળામાં પણ તેઓ નિષ્ણાત હતા, તે વાત કદાચ અનેક લોકો નહીં જાણતા હોય. આ પાક વિદ્યાનો લાભ જૂનાગઢના લોકોને મળ્યો હતો.
છગનલાલ પંડ્યાએ પોતાનાં સંસ્મરણોમાં કહ્યું હતું : ‘સ્વામી વિવેકાનંદનું સાદગીપૂર્ણ જીવન, વિજ્ઞાન અને કળા વિશે એમનું જ્ઞાન, એમના ઉદાર વિચારો, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, તેમની પ્રતિભા, તેમનું દેદીપ્યમાન વ્યક્તિત્વ – આ બધાથી અમે મુગ્ધ થયા, ખૂબ પ્રભાવિત થયા. આ ઉપરાંત સ્વામીજી સંગીતમાં પ્રવીણતા અને ભારતીય કળાનાં વિવિધ રૂપો વિશે અગાધ જ્ઞાન ધરાવતા, ત્યાં સુધી કે તેઓ રસભરી વાનગીઓ અને ઉત્તમ રસગુલ્લાં બનાવી શકતા. અમે બધા એમના ભક્ત બની ગયા હતા.’
સ્વામીજી જ્યારે જૂનાગઢમાં હતા ત્યારે પોતાના ગુરુ વિશે છગનલાલ પંડ્યા અને અન્ય સાથીદારોને ગુજરાતમાં પહેલીવાર અનેક અંગત વાતો કરી હતી. રામકૃષ્ણદેવ વિશે આજથી લગભગ 100 વર્ષો પહેલાં એક પુસ્તક અમદાવાદથી પ્રકાશિત થયું ત્યારે પ્રકાશકને છગનલાલ પંડ્યાએ પોતાનાં સંસ્મરણોમાં તા. 2-3-1918ના પત્રમાં લખી જણાવ્યું હતું : ‘તેમના (રામકૃષ્ણદેવના) વચનામૃતનું પાન કરવામાં સ્વામી વિવેકાનંદને કેવો આનંદ થતો, તે પોતે કેવી રીતે ગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા તથા તેમના પર અખૂટ વિશ્વાસ મૂક્યો ને પ્રેમ વરસાવ્યો અને તેને લીધે જ પોતે બ્રહ્મ વિદ્યામાં પ્રવીણતા મેળવી શક્યા હતા તે સર્વ સ્વામી વિવેકાનંદના સ્વમુખે મારા સાંભળવામાં આવ્યું હતું. જૂનાગઢ મુકામે તેમનો સત્સંગ મને ઘણો વખત થયો હતો. તેમના ગુરુજીને લગતો કેટલોક વૃત્તાંત સાંભળવાનો પણ અમારે પ્રસંગ આવ્યો હતો. તેથી તેમની સહૃદયતા, ઉદારતા, અતિશય દયા, સાદાઈ, ધર્મનિષ્ઠા, ગાંભીર્ય, વચનસિદ્ધિ, ટૂંકાં વાક્યો દ્વારા ગહન વિષયોનું સચોટ વિવેચન, દૃષ્ટાંતો આપીને બોધ કરવાની ખૂબી વગેરે અમારી સમજમાં આવ્યું હતું.’ (‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ લેખક અને પ્રકાશક : ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા, દાણાપીઠ, નવોવાસ, વચલી પોળ, અમદાવાદ. બીજી આવૃત્તિ (1947) પૃ.3-4માં શ્રી છગનલાલ પંડ્યાનો 2-3-1918નો ટાંકેલ પત્ર.)
આ જ પ્રકાશકે જ્યારે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર આજથી લગભગ 90 વર્ષો પહેલાં પ્રકાશિત કર્યું ત્યારે છગનલાલ પંડ્યાએ પ્રકાશકને પોતાના તા. 9-10-1921ના પત્રમાં સ્વામી વિવેકાનંદજી વિશે લખી જણાવ્યું હતું : ‘સ્વામી વિવેકાનંદ સાથે ગાઢ સ્નેહનો સંબંધ સુભાગ્યે મને થયેલો, એથી તેમના જીવનચરિત્રની કેટલીક વાતો તેમણે મને સ્વમુખે જણાવેલી. એની સાથે તેમની પૂર્વાવસ્થાની પણ કેટલીક હકીકત જણાવી હતી તે બધી ને તે ઉપરાંત પણ કેટલીક વધારાની આવી બાબતો ભેગી કરી આપ જે પ્રગટ કરી શક્યા છો તે ઘણું સંતોષકારક છે. પોતે સમર્થ વિદ્વાન હોવા છતાં કેવી સાદાઈથી નિરભિમાનપણે અમારી સાથે રહેતા તેનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે તેમના વિશે મને ઘણા જ માનની લાગણી સ્ફૂરી આવ્યા વિના રહેતી નથી.’
જૂનાગઢની સ્વામીજીએ અનેકવાર મુલાકાત લીધી હતી. આવી જ એક મુલાકાત દરમિયાન તેમણે જૂનાગઢમાં સુપ્રસિદ્ધ વિદ્વાન લેખક મનસુખરામ ત્રિપાઠીને ઘેર પણ થોડા દિવસ નિવાસ કર્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના તેઓ કાકા હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી છગનલાલ પંડ્યાના સાળા હતા અને આ ત્રણેય મૂળ નડિયાદના વતની હતા, એટલે સ્વાભાવિક છે કે સ્વામીજી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના સંપર્કમાં આવ્યા હોય.
પ્રખ્યાત ઇતિહાસકાર લેખક શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ પોતાના પુસ્તક ‘જૂનાગઢ અને ગિરનાર’માં લખે છે કે સ્વામીજી જૂનાગઢમાં પ્રથમ કાળવાને કાંઠે પ્રકાશપુરીમાં ઊતરેલા. ત્યાંથી દીવાન હરિદાસજી તેમને પોતાને ત્યાંના અતિથિભવનમાં લઈ ગયેલા. આ સિવાય શ્રી મનસુખરામ ત્રિપાઠીને ઘેર પણ સ્વામીજી રહેલા. એ હકીકત સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીએ પોતાની આત્મ-કથામાંનાં અહીં આપેલાં સંસ્મરણોથી પુરવાર થાય છે :
‘જૂનાગઢમાં પહોંચ્યા પછી મને ખબર પડી કે ત્યાંના નવાબના અંગત મંત્રી શ્રી મનસુખરામ સૂર્યકાન્ત ત્રિપાઠીને ઘરે અંગ્રેજી બોલતા સાધુ, ઉચ્ચ અંગ્રેજી શિક્ષણ પામેલ એક બંગાળી સંન્યાસી નિવાસ કરી રહ્યા છે… આનંદથી વિભોર થઈ હું મનસુખરામજીના ઘેર પહોંચ્યો… ત્યાં પહોંચતાં જ હું સમજી ગયો કે મારું અનુમાન ઠીક હતું. મને આમ અચાનક જોઈને નરેન્દ્રનાથ પણ આનંદિત થઈ ગયા. લાંબા સમય પછી મળવાને લીધે હું મારા આંસુ ખાળી શક્યો નહિ. સદ્ભાગ્યે હું જ્યારે પહોંચ્યો ત્યારે નરેન્દ્રનાથ શ્રી ત્રિપાઠી સાથે અદ્વૈત વેદાંત વિશે ચર્ચા કરી રહ્યા હતા… હું નરેન્દ્રનાથની સંગાથે તેમના ઘરે 3-4 દિવસ રહ્યો અને પછી દ્વારકાની યાત્રા માટે રવાના થઈ ગયો.’
અહીં ગુજરાતમાં (જૂનાગઢ)માં સ્વામીજી જામનગરના સુપ્રસિદ્ધ વૈદ્ય ઝંડુ ભટ્ટને મળ્યા હતા. તેમના વિશે સ્વામીજીએ કહ્યું હતું, ‘મેં અનેક સ્થળોની મુલાકાત લીધી છે અને અનેક સારા વ્યક્તિઓને હું મળ્યો છું, પણ ઝંડુ ભટ્ટ વિઠ્ઠલજી જેવા ઉદારચરિત માનવ ક્યાંય જોયા નથી.’
સ્વામીજીના મધુર કંઠે ‘દયાનિધે, તેરી ગતિ લખી ના પડે’ ભજન સાંભળીને ભટ્ટજી રડી પડ્યા હતા.
સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને કચ્છ યાત્રા પછી જામનગર મોકલ્યા. પછીથી લગભગ એક વર્ષ સુધી સ્વામી અખંડાનંદજી ઝંડુ ભટ્ટજી પાસે રહ્યા હતા. તેઓ અનેક ઔષધોના જાણકાર, અસાધ્ય રોગોને સાધ્ય કરનાર, જામનગર રાજ્યના રાજવૈદ્ય હતા, તેઓ ધારત તો એ જમાનામાં લાખોની કમાણી કરી શકત. રોગીમાં નારાયણને જોતા આ દયાળુ પુરુષનું હૈયું ઘણું કોમળ અને ઉદાર હતું.
પૈસાના વાંકે દવા ન કરી શકનારના તેઓ બેલી હતા. મોંઘાં ઔષધો પોતાના ખર્ચે ખરીદી, દેવું કરીને પણ દરદીની દવા કરતા. ભગવાન ધન્વંતરીએ ચીંધેલા આદર્શની કેડીએ ચાલતા આ પવિત્ર પુરુષ કાઠિયાવાડનું જાણે કે જંગમ તીર્થ હતા.
તેઓ વિશ્વની પ્રથમ રસશાળા સ્થાપનાર તે સમયના મહાન વૈદ્ય હતા. ઝંડુ ભટ્ટજી વિશે અનેક દંતકથાઓ છે. જામસાહેબે એમનો રાજ્યાશ્રય છીનવી લીધો. એની પરવા કર્યા વિના ભટ્ટજી સુખનાથ મહાદેવની વાડીમાં રહ્યા અને પોતાનું રોગીનારાયણની સેવાનું કામ ચાલુ રાખ્યું. ભગવાન ભરોસે જીવનાર આ ઓલિયા આદમીને જામસાહેબે થોડા સમયમાં જ માનભેર તેડાવી લીધા. સ્વામી અખંડાનંદજી ભટ્ટજીના નિવાસસ્થાન ‘ધન્વંતરી ધામ’ના અતિથિ બન્યા. અહીં રહીને સ્વામી અખંડાનંદજીએ ‘સુશ્રુતસંહિતા’, ‘વાગ્ભટ્ટ’, ‘ભાવપ્રકાશ’નું અધ્યયન કર્યું. ‘ધન્વંતરી ધામ’ની અડોઅડ એક વૈદિક પાઠશાળા હતી. ઝંડુ ભટ્ટજી એક શ્લોકનું વારંવાર રટણ કરતા. તેનો અર્થ થાય છે – ‘આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા બધાં દુ:ખી પ્રાણીઓના દેહમાં પ્રવેશીને હું પોતે જ સતત એમનાં દુ:ખોને અનુભવતો રહું.’ જીવનને સાર્થક કરતો આ શ્લોક જીવ્યા ત્યાં સુધી ઝંડુ ભટ્ટજી રટતા રહ્યા. સ્વામી અખંડાનંદજી પાસેથી આ શ્લોક સાંભળીને સ્વામી વિવેકાનંદજી પોતાનાં આંસું ખાળી શક્યા નહોતા.
Your Content Goes Here




